અક્ષયપાત્ર

રેખા સિંધલ

સ્વજનની વિદાય વેળાએ.. – રચયિતા કુન્દનિકા કાપડીયા

અમે મનુષ્ય છીએ ને, ભગવાન

એટલે કોઈકવાર સાવ ભાંગી પડીએ છીએ,

અમારા બધા દીવા એકી સાથે ઓલવાઈ જાય છે.

 

અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય

સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતા હોઈએ

ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે

અમારામાંથી એક જણને અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે.

અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે

પગ તળેથી ધરતી ફસકી પડે છે.

 

અમારૂં હ્રદય વિષાદથી ભરાઈ રહે છે

દિવસો બધા દીર્ઘ અને સુના બની જાય છે, રાતો બધી નિદ્રાહીન;

આંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.

આ શું થયું? આ શું થઈ ગયું? એવી મૂઢતા

                                   અમને ઘેરી વળે છે.

ભગવાન,  તમે આ શું કર્યું? એમ વ્યાકુળતાથી અમે

                                   ચિત્કારી ઊઠીએ છીએ.

 

પણ તમારી ઈચ્છાને સમર્પણ કર્યા વિના

તમારી રીત અમે શી રીતે સમજી શકીએ?

આ વજ્રઘાત પાછળ તમારો કોઈ હેતુ હશે જ.

તમારી દ્રષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.

કદાચ અમે સલામતિમાં ઊંઘી ગયાં હતાં

કદાચ અમે ભૂલી ગયા હતા કે અમે અહીં સદાકાળ

                                  ટકી રહેવાનાં નથી

તમે અમને ભાન કરાવ્યું કે

જે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઈએ.

અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.

હારેલાં, પરાજીત, વેદનાથી વીંધાયેલા અમે

તમારે શરણે આવીએ છીએ.

આ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો

અમને સમતા અને શાંતી આપો,

        ધીરજ અને શ્રદ્ધા આપો, કે

અમે હિંમંતપૂર્વક જીવન જીવીએ

વ્યર્થવિલાપમાં સમય ન વેડફીએ

શોકને હૈયે વળગાડીને ન ફરીએ;

આંસુથી અંધારા બનેલા પથ પર

અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ

વ્યથાનાં વમળોમાંથી જ અમે સત ચિત આનંદનું

                            કેન્દ્ર શોધી કાઢીએ;

મૃત્યુના અસુર્ય-લોકમાંથી નીકળી અમે

શાશ્વત જીવન પર દ્રષ્ટિ માંડીએ;

અને

પાર્થિવ સંબંધના બધા તાર તુટી ગયેલા લાગે,

ત્યારે એક અમૃતલોક એવો છે કે

જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી

એનું અમે દર્શન પામીએ, એ માટે

                  અમને બળ આપો

                       પ્રકાશ આપો

                        પ્રજ્ઞા આપો.

 

September 24, 2008 Posted by અક્ષયપાત્ર | પ્રાર્થના | | 3 Comments

નીલમ દોશી લિખિત પુસ્તક “દીકરી મારી દોસ્ત” વાંચ્યા પછીનો પ્રતિભાવ

સ્ત્રી ની ત્રણ મુખ્ય ભૂમિકા, પુત્રી, પત્ની અને માતા. માતાના સંસ્કાર જ પુત્રીને સારી પત્ની બનાવી શકે. એક માતા સો શિક્ષક બરાબર અને એમાં ય જો તે માતા રાજ્યના કેળવણી ક્ષેત્રે પણ પ્રદાન કરી શકે તેટલી સક્ષમ હોય, બાળકોને સારા સંસ્કાર આપવા માટે તેના હાથે લખાયેલ પુસ્તક અભ્યાસક્રમનો ભાગ બન્યું હોય. ત્યારે તેની સંસ્કાર આપવાની પધ્ધતિ વિષે જરૂર માન ઉપજે. આજના જમાનામાં સ્ત્રીને વ્યવસાય ઉપરાંતની ઘર અને વ્યવહાર ચલાવવાની જવાબદારીઓ તો યથાવત જ  છે. ત્યારે તેનું  વ્યક્તિત્વ વિભાજીત થતું રહે છે.

 

 આ વ્યક્તિત્વને સબળ કરતું પુસ્તક એટલે દીકરી મારી દોસ્ત……….

 

પુસ્તક વાંચ્યા પછી સાનંદાઆશ્ચર્ય સાથે મારે કબૂલવું પડે કે આ પુસ્તક એક અલગ જ ભાત પાડે છે. એમાં અવાસ્તવિક આદર્શોની વાતો નથી કે નથી ફક્ત દીકરી માટેની ભાવનાના પૂર. લાગણીઓના વહેણમાં વાંચક એ રીતે ઝબોળાય છે કે પોતાની સાથે અન્યની લાગણીઓને પણ સમજતો થાય. દીકરીને દોસ્ત તરીકે પોતાના અનુભવના પ્રદેશમાં એક અલગ દ્રષ્ટી સાથે માતા વિહાર કરાવે છે. જેથી એની સંવેદનશીલતા વધે અને એનું સ્ત્રીત્વ જ નહી પણ મનુષ્યત્વ પણ નિખરતું રહે. પ્રથમ પ્રકરણમાં લેખિકા જ્યારે પુત્રીના જન્મ પ્રસંગે પેંડા વહેંચે છે ત્યારે બાજુમાં બીજી સ્ત્રી એ જ કારણથી આંસુ સારે છે. ત્યારે સમાજમાં ફેલાયેલ અંધકાર વચ્ચે બુઝાતી ખુશીઓને પેંડા વેંચતી માતા ફૂંક મારી પ્રજ્જવલીત કરવાની કોશિશ કરે છે. અને એની સંવેદનશીલતા સ્વથી વિસ્તરી સમાજ અને દેશકાળને અતિક્રમે છે. આસપાસના દુ:ખો એને પીડે છે ત્યારે એ દુ:ખો દૂર કરવા માટેની ભાવના વધે છે, નહી કે એનાથી દૂર રહેવાની.  

                                                                                                                   

છ વરસની પુત્રીની માતાને લઈ લેવા માટે ઈશ્વરને પણ એના અન્યાયની યાદ અપાવવાનો લેખિકાનો પ્રયાસ કોઈ પણ પુત્રીની માતાને હૈયે રૂદન જગાડે છે. આવા તો કેટલાય પ્રસંગો આપણને ઢંઢોળીને જાગૃત કરે છે.

 

જીન્સ પહેરતી અત્યારની પેઢીને સ્વાવલંબી થવાની સાથે જે મૂલ્યો જાળવવાના છે તેમાં સમય પ્રમાણે મર્યાદાની વ્યાખ્યા બદલાઈ છે. સ્ત્રીએ ઘુમટામાં રહી પોતાની ઈચ્છાઓની બલિ આપવાનો યુગ પુરો થયો પણ બીજાની ઈચ્છાઓનો આદર કરતા તો દરેક દીકરીએ યાદ રાખવું જ રહ્યું. નારીને મૃદુ થવા પ્રેરતું આ પુસ્તક નારીવાદનો ઝંડો લઈ ક્યાંક ક્યાંક પાંગરતી ઉદંડતાને ઠંડી પાડશે.

 

ભગવાનને અભિષેક માટે કે મૃત પુત્રને પાવા માટે દૂધ ચઢાવવાને બદલે મંદિર બહાર બેઠેલા ભૂખ્યા બાળકોને પાવાથી ઈશ્વરને પહોંચે એ વાત સમાજમાં ત્યારે જ વ્યાપ્ત થશે જ્યારે પુત્રીમાં સુષુપ્ત માતાને એ સંસ્કાર આપવામાં આવે. એવી માતાના દર્શન આ પુસ્તકમાં થાય છે.

 

થોડામાં ઘણુ કહેતું આ પુસ્તક વાંચીને લેખિકાની મિત્ર તરીકેના ગર્વ ઉપરાંત એક માતા તરીકે આંખના ખૂણા ભીના કરી ગયું.

 

કૂજે કુંજતી કોયલ

રેલે પંચમ સ્વર

ટહુકે મન…..

અને વળી,

 

ઊછળકૂદ કરતું એક મોજું તાણી ગયુ

રેતી પર લખેલ એક નામ

અને

અસ્તિત્વ મિટાવ્યાનો એને ઊગ્યો વ્હેમ

 

આવી સુંદર પંકતિઓ ભાવનાનો શણગાર થઈ પુસ્તકમાં ઠેર ઠેર ઝબકે છે.

આ સુંદર પુસ્તક માટે નીલમ દોશીનો ખુબ ખુબ આભાર ! અને બીજું પુસ્તક લખવા માટેની શુભેચ્છાઓ સાથે ધન્યવાદ.

 

September 15, 2008 Posted by અક્ષયપાત્ર | પ્રતિભાવ | | 5 Comments

મહેફિલ

સુર્યના આવાસમાં તેજનું ઝરણું,

વાદળીઓ પ્યાલી લઈ દોડી……

        રે આ તો આતશની મહેફિલ.

 

 

પર્વતના પેટાળમાં રસનું ઝરણું,

નદીઓ    મળવાને    દોડી……

        રે આ તો લાવારસની મહેફિલ.

 

 

શૂન્યતાની ગોદમાં હાસ્યનું ઝરણું,

લાગણીઓ   કૂદવાને   દોડી……

        રે   તો  આંસુની મહેફિલ.

 

 

ફૂલોના ડોલનમાં સૌરભનું ઝરણું,

વાયુની  લહરી  લેવાને દોડી……

        રે    તો  કાંટાની  મહેફિલ.

 

હ્રદયમાં પ્યારના સંગીતનું ઝરણું,

રાગિણી   સાજ   લઈ   દોડી……

        રે    તો  ગમની  મહેફિલ

 

( અગાઉ ફૂલછાબમાં પ્રકાશિત રચના..)

September 3, 2008 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 5 Comments