અક્ષયપાત્ર

રેખા સિંધલ

પ્રતિક્ષા

યુગો વીત્યા જે ક્ષણની પ્રતિક્ષામાં

તે જરા ઝબકી, વણથંભી ગઈ હસતી,

મૂકીને હાસ્ય એનું, આયનામાં ચોતરફ,

હવે આયનો જોઈને હું હસુ છું ત્યારે,

લોકો કહે, તપશ્ચર્યા ગઈ એળે એથી

મળ્યુ ના જોઈતું મને તેથી

જાતને નીરખી હસ્યા કરતી

પાગલ થઈ ગઈ છું હું સદાને માટે !

September 29, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 5 Comments

દોસ્તી

તારી સંગે ચંગે રહી હું મસ્ત રંગે રંગાયો

           દોસ્ત તુજ વિણ જીવન પથ આકરો

સાંભરે આજ બાળપણ દૂર પંથ મિલનનો

          પળો અમૂલ્ય સરતી ઝંખે સાથ તારો

પ્રિયાની ગોષ્ઠીમાં તુજ વખાણ અતિ મિત્ર

              તું ઊંચે આસન,  હું તુજ બિન બાવરો

દોડંદોડી જીવનની મન તને મળે દિનરાત

           ક્યાં ઘડી નિરાંતની કદીક ઊઠે પુકારો

સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ

             લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો

September 23, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 6 Comments

પાનખર

અંગ અંગમાં લઈને ભીનાશ

         ઊડયું એક તાજુ પાન

ડાળી છૂટ્યાનો લીલો અહેસાસ

         દૂર થયાં પંખીના ગાન

વહેતાં વાયરામાં ફરફરતું જતું

         સૂર્યના તેજ પરે ધ્યાન

તરતી આશ ઉડે બાષ્પ થઈ

         ધરતી પર ઢળે સભાન

અર્પણ કાયા થઈ વૃક્ષને ચરણ

          ફૂટવાનું ફરી થઈ અંતર્ધાન.

September 22, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 5 Comments

તારા વગર

તારા વગરનો દિવસ

એટલે

સૂરજ વગરનો દિવસ,

       દિલનો તું જ એક પ્રકાશ !

 

તારા વગરની રાત

એટલે

ચંદ્ર  વગરની  રાત,

       અમાસનો તું જ એક અજવાસ !

 

તારા વગરની સવાર

એટલે

ઝાકળ વગરની સવાર,

         પુષ્પની તું  જ  એક  સુવાસ !

 

તારા વગરની સાંજ

એટલે

રંગો  વગરની  સાંજ,

         ક્ષિતિજની તું જ એક ભિનાશ !

 

તારા વગરનો પંથ

એટલે

પ્રાણ વગરનો પંથ

          પથિક હું,  તું જ એક પ્રવાસ !

 

સાથી, ચાલ ભમીએ સાથ

           મારો તું  જ  એક આવાસ !

September 17, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 3 Comments

અધૂરી પ્રીત

વ્હાલમની પ્રીત અધૂરી સખી

પૂરી થઈ ગઈ રાત

રાતની વાત ન પૂછજે સખી

ઉજળી થઈ ગઈ સવાર

સાત પગલાં આકાશમાં સખી

પાંચ પૃથ્વી પરે સાથ

સ્પર્શથી રણઝણ્યા તાર સખી

ટેરવે ફુટ્યા તેજ અપરંપાર

આંખોમાં દરિયો ઘૂઘવે સખી

રેતીના પટ આરપાર

વ્હાલમની પ્રીત અધૂરી સખી

પૂરી થઈ ગઈ રાત

September 11, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 11 Comments

આગમન

પગલે પગલે તારે સાજન મોતીડા વેરાવુ ….(2)

 

ઊભી રે વાટે તારા આગમનના ઢભૂકે ઢોલ

                         કંકુ ને અક્ષત સાથે ફૂલડે વધાવું….

                                  પગલે પગલે તારે સાજન……

આંખો પીવે છે તારા ચરણોના રૂપ પ્યારા

                         નૃત્યના તાલે મારું તનડું ડોલાવુ….

                                     પગલે પગલે તારે સાજન…….

રાજ મહેલ સમ સોહે આજ ઝૂંપડી મારી,

                           રૂપાના બાજોઠે બેસણા કરાવું ……

                                     પગલે પગલે તારે સાજન……..

પાલવનો વિંઝણો ને હૈયાનો ઝૂલો શીતળ

                          શિરે તારે સુંગધી જલધારા વરસાવું……..

                                       પગલે પગલે તારે સાજન……..

September 11, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 2 Comments

ઘરની પછીતે

ઘરની પછીતે કંઈ ચેતન ફરક્યુ

ને દિવાલના ઊંચા થયા છે કાન !

હણહણતી હવા ને ધસમસતો વેગ

હૈયામાં ફફડાટ અને તુટ્યુ છે ધ્યાન !

નજરું થાકી ને નેણ નમ્યા છે નીચા

અટવાતુ પગમાં થઈ દોડતુ વેરાન !

છુપાઈને છેતરતુ કોઈ સૂની આ ડેલીએ

સાંકળ વાસુ તો ય ભુલાવે ભાન !

September 8, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 3 Comments

Happy Birthday to my Twins

શ્રાવણ માસને અંનરાધાર મેહ, પીડા એવી ઊપડી

બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી

છૂટી શું બંધાણી એવી આજ સુધી ન છૂટી

બબ્બે નહી ચાર ચાર હાથોએ વ્હાલની લ્હાણી લૂંટી

એક રુવે ત્યાં હૈયુ ફફડે જશે બીજી ક્યાંક ઊઠી

આડોશ પાડોશમાં એલાર્મની પડતી જરૂર ના કદી

પડે એક તો દોટ મૂકું હું વિસરૂ ભાન ભૂલી

ઝાલ્યો પાલવ પડતી બીજી જાય એનો ય રાગ ખૂલી

બેઉ હાથોમાં બેઉને તેડી બેઉ કાનમાં રૂદનના સૂર

ઉભરાયા આંધણ વિસરાયા કામકાજ

સોણલા સખી જાય દૂર દૂર…….

પોઢાડું બાળુડાં ત્યાં પોઢી જાય ઊંઘ ભરી આંખો આ રાતી

એટલામાં સસરાજીની હાક મને સફાળી ઊભી કરતી

સાંજ પડ્યે ‘એ’ આવ્યા કમાઈને પૂછે

કેવો રહ્યો આજ્નો દિ’?

એટલામાં ખુલ્યા બે ગુલાબ સા ચહેરા ને

મારા આંસુના બંધ જાય છૂટી

બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી…….

September 3, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 5 Comments