પ્રતિક્ષા
યુગો વીત્યા જે ક્ષણની પ્રતિક્ષામાં
તે જરા ઝબકી, વણથંભી ગઈ હસતી,
મૂકીને હાસ્ય એનું, આયનામાં ચોતરફ,
હવે આયનો જોઈને હું હસુ છું ત્યારે,
લોકો કહે, તપશ્ચર્યા ગઈ એળે એથી
મળ્યુ ના જોઈતું મને તેથી
જાતને નીરખી હસ્યા કરતી
પાગલ થઈ ગઈ છું હું સદાને માટે !
દોસ્તી
તારી સંગે ચંગે રહી હું મસ્ત રંગે રંગાયો
દોસ્ત તુજ વિણ જીવન પથ આકરો
સાંભરે આજ બાળપણ દૂર પંથ મિલનનો
પળો અમૂલ્ય સરતી ઝંખે સાથ તારો
પ્રિયાની ગોષ્ઠીમાં તુજ વખાણ અતિ મિત્ર
તું ઊંચે આસન, હું તુજ બિન બાવરો
દોડંદોડી જીવનની મન તને મળે દિનરાત
ક્યાં ઘડી નિરાંતની કદીક ઊઠે પુકારો
સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ
લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો
પાનખર
અંગ અંગમાં લઈને ભીનાશ
ઊડયું એક તાજુ પાન
ડાળી છૂટ્યાનો લીલો અહેસાસ
દૂર થયાં પંખીના ગાન
વહેતાં વાયરામાં ફરફરતું જતું
સૂર્યના તેજ પરે ધ્યાન
તરતી આશ ઉડે બાષ્પ થઈ
ધરતી પર ઢળે સભાન
અર્પણ કાયા થઈ વૃક્ષને ચરણ
ફૂટવાનું ફરી થઈ અંતર્ધાન.
તારા વગર
તારા વગરનો દિવસ
એટલે
સૂરજ વગરનો દિવસ,
દિલનો તું જ એક પ્રકાશ !
તારા વગરની રાત
એટલે
ચંદ્ર વગરની રાત,
અમાસનો તું જ એક અજવાસ !
તારા વગરની સવાર
એટલે
ઝાકળ વગરની સવાર,
પુષ્પની તું જ એક સુવાસ !
તારા વગરની સાંજ
એટલે
રંગો વગરની સાંજ,
ક્ષિતિજની તું જ એક ભિનાશ !
તારા વગરનો પંથ
એટલે
પ્રાણ વગરનો પંથ
પથિક હું, તું જ એક પ્રવાસ !
સાથી, ચાલ ભમીએ સાથ
મારો તું જ એક આવાસ !
અધૂરી પ્રીત
વ્હાલમની પ્રીત અધૂરી સખી
પૂરી થઈ ગઈ રાત
રાતની વાત ન પૂછજે સખી
ઉજળી થઈ ગઈ સવાર
સાત પગલાં આકાશમાં સખી
પાંચ પૃથ્વી પરે સાથ
સ્પર્શથી રણઝણ્યા તાર સખી
ટેરવે ફુટ્યા તેજ અપરંપાર
આંખોમાં દરિયો ઘૂઘવે સખી
રેતીના પટ આરપાર
વ્હાલમની પ્રીત અધૂરી સખી
પૂરી થઈ ગઈ રાત
આગમન
પગલે પગલે તારે સાજન મોતીડા વેરાવુ ….(2)
ઊભી રે વાટે તારા આગમનના ઢભૂકે ઢોલ
કંકુ ને અક્ષત સાથે ફૂલડે વધાવું….
પગલે પગલે તારે સાજન……
આંખો પીવે છે તારા ચરણોના રૂપ પ્યારા
નૃત્યના તાલે મારું તનડું ડોલાવુ….
પગલે પગલે તારે સાજન…….
રાજ મહેલ સમ સોહે આજ ઝૂંપડી મારી,
રૂપાના બાજોઠે બેસણા કરાવું ……
પગલે પગલે તારે સાજન……..
પાલવનો વિંઝણો ને હૈયાનો ઝૂલો શીતળ
શિરે તારે સુંગધી જલધારા વરસાવું……..
પગલે પગલે તારે સાજન……..
ઘરની પછીતે
ઘરની પછીતે કંઈ ચેતન ફરક્યુ
ને દિવાલના ઊંચા થયા છે કાન !
હણહણતી હવા ને ધસમસતો વેગ
હૈયામાં ફફડાટ અને તુટ્યુ છે ધ્યાન !
નજરું થાકી ને નેણ નમ્યા છે નીચા
અટવાતુ પગમાં થઈ દોડતુ વેરાન !
છુપાઈને છેતરતુ કોઈ સૂની આ ડેલીએ
સાંકળ વાસુ તો ય ભુલાવે ભાન !
Happy Birthday to my Twins
શ્રાવણ માસને અંનરાધાર મેહ, પીડા એવી ઊપડી
બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી
છૂટી શું બંધાણી એવી આજ સુધી ન છૂટી
બબ્બે નહી ચાર ચાર હાથોએ વ્હાલની લ્હાણી લૂંટી
એક રુવે ત્યાં હૈયુ ફફડે જશે બીજી ક્યાંક ઊઠી
આડોશ પાડોશમાં એલાર્મની પડતી જરૂર ના કદી
પડે એક તો દોટ મૂકું હું વિસરૂ ભાન ભૂલી
ઝાલ્યો પાલવ પડતી બીજી જાય એનો ય રાગ ખૂલી
બેઉ હાથોમાં બેઉને તેડી બેઉ કાનમાં રૂદનના સૂર
ઉભરાયા આંધણ વિસરાયા કામકાજ
સોણલા સખી જાય દૂર દૂર…….
પોઢાડું બાળુડાં ત્યાં પોઢી જાય ઊંઘ ભરી આંખો આ રાતી
એટલામાં સસરાજીની હાક મને સફાળી ઊભી કરતી
સાંજ પડ્યે ‘એ’ આવ્યા કમાઈને પૂછે
કેવો રહ્યો આજ્નો દિ’?
એટલામાં ખુલ્યા બે ગુલાબ સા ચહેરા ને
મારા આંસુના બંધ જાય છૂટી
બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી…….
ખોવાયો પમરાટ !
અરે ! કેટલુ સુંદર ઝાડ !
હવામાં પુષ્પોની સુંગધનો દરીયો
શ્વાસોશ્વાસે મન ભરીને માણ્યો
ક્યાંથી ભરી આ સુંગધ ?
મૂળમાં કઈ છે તાકાત?
અટક્યો પશ્ન આંખે
પલક ઢળી ધરતી પરે
આભે ઉડતા સપના બાંધી
ખોદ્યા મૂળીયા આસપાસ
દટાયેલા કોઈ મૃતદેહની દુર્ગંધ
છૂટી ગઈ દેહ આરપાર
ખોવાયો આનંદનો સાગર
મળ્યો ધૃણાનો મહાસાગર
કૂમતે ભટક્યા ભૂતકાળે
હવે નહી પમાશે પમરાટ !
શુભરાત્રી
Ellen Maria Huntington Gates ના ‘Sleep sweet’ કાવ્યનો ગુજરાતી અનુવાદ
શુભરાત્રી
ઓ નિન્દ્રાની દેવી !
આ શાંત ઓરડે તારૂં સ્વાગત હજો.
ગઈકાલની વિતેલી દુ:ખી પળો,
આજે હૃદયની શાંતી ન હણે તે જોજે.
આવતીકાલની કલ્પિત ચિંતાઓ,
સુખનું સ્વપ્ન ન વિખેરે તે જોજે.
સ્વની મૈત્રી એ જ કાયમી મૈત્રી છે,
સ્વથી વહેતો પ્રવાહ ન પલટે તે જોજે.
બહારની તથા અંદરની દુનિયાને ભૂલી,
જ્યોતને મંદ કરી વંદુ હું તને.
પ્રકાશિત તારાઓની મીઠી નજર તળે,
હે દેવી! તુજ સંગ શુભરાત્રી હજો !
- 0 -
મૂળ કાવ્ય નીચે મુજબ છે:
SLEEP SWEET
Sleep sweet within this quiet room
O thou! Whoe’er thou art;
And let no mournful yesterday,
Disturb thy peaceful heart.
Not let tomorrow scare thy rest,
With dreams of coming ill;
Thy Maker is thy changeless Friend,
His love surrounds thee still.
Forget thyself and all the world;
Put out each feverish light;
The stars are watching overhead;
Sleep sweet, —good night! good night!
-
Archives
- September 2009 (8)
- August 2009 (1)
- July 2009 (1)
- June 2009 (1)
- May 2009 (2)
- April 2009 (1)
- March 2009 (1)
- February 2009 (4)
- January 2009 (2)
- December 2008 (1)
- November 2008 (1)
- October 2008 (2)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS