વ્હાઈટ વૉટર રાફટિંગ – રેખા સિંધલ

‘Happiness is the way of travel not the destination…” એક દુકાનમાં જ્યારે મેં આ વાકય વાંચ્યું ત્યારે હું અમેરિકાના ટેનેસી રાજ્યના પૂર્વ છેડે આવેલી ‘ઓકોઈ’ નામની નદીમાં સહેલ કરવા જવાનું વિચારતી હતી. યાત્રા-વિહારનો આનંદ તો વહેંચવાથી વધે અને મારી સાથે મારા બે પ્રિય પાત્રો – મારા પતિ અને મારી ઉત્તમ મિત્ર નીલમ હતાં, તેથી તે અનેક ગણો વધે તે સ્વાભાવિક છે. આ સહેલ જુદી હતી. માઈલો લાંબી તોફાની નદીના વહેણમાં તરાપા પર બેસીને હલેસાં મારવાના હતાં. તરાપો ઊંધો પણ વળી શકે અને માઈલો લાંબી આ નદીમાં ખડકો એટલાં બધા હતા કે ક્યાંક ભટકાઈ જવાય અથવા તો કંઈ પણ થઈ શકે. અરે ! કેડ સમાણાં ખડકો પર ઊભા રહેવાના પ્રયત્નમાં જો પગ લપસીને ફસાયો તો વેગ સાથે તણાતા શરીરથી તે છૂટો પડી જવાની શક્યતા પૂરેપૂરી. પાણીનો જેને ડર હોય તે તો તેમાં જાય નહીં અને જવા પણ ન દે. ખાસ પ્રકારે બનાવેલ આ પ્લાસ્ટીકના તરાપા પર છ વ્યક્તિ અને એક ગાઈડ એમ કુલ સાત વ્યક્તિઓએ સફર કરવાની હતી.
અમે ટિકિટ તો લઈ લીધી પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા ! મારા પતિ તથા મારી દીકરીએ મને આવો જોખમી પ્રવાસ ખેડવાની સાફ ના પાડી. બંનેને પાણીમાં જવાનો ડર અને તેમની સામેની મારી હિંમતની લડાઈમાં પહેલાં તો હું હારી ગઈ અને એમની લાગણી જીતી ગઈ પરંતુ મારું મન તો ટેકરીઓ અને વૃક્ષોની ઘટાઓ વચ્ચે વહેતી નદીમાં ઊછળતું હતું. ત્યાં બેઠું બેઠું એ શરીરને પણ સાદ કરતુ હતું. પ્રેમની સામે પ્રેમથી જીત મેળવી મેં મારા પતિને ખાતરી આપી કે હું ડૂબીશ તો બાહોશ ગાઈડ મને બચાવી લેશે અને ખડક સાથે અથડાઈને જીવનતત્વ પાણીનો આનંદ લેતાં લેતાં મરીશ તો મારી સદગતિ થશે. પ્રકૃતિને ખોળે રમવાનો આનંદ ડરને કારણે જતો કરવાની મારી જેમ સખી નીલમની પણ તૈયારી નહોતી. બાવન વર્ષની ઉંમર અને કમરની તકલીફ હોવાથી થોડી ચિંતા ખરી, પરંતુ છેવટે રજા મળી.
અમે તો બાળકની જેમ ઉત્સાહથી ફરી તૈયાર થયા ! સલામતી માટેના નિયમો સમજાવવા અમને એક વર્ગમાં બેસાડ્યા જ્યાં એકસોથી યે વધુ લોકો હતા. મોટાભાગના તરુણ ઉંમરના વિદ્યાર્થીઓ હતાં. ફકત બે-ત્રણ કુટુંબો હતાં કે જેમાનાં કેટલાંક અમારી માફક પ્રથમવાર આવ્યા હતાં. અમારી છ સભ્યોની ટુકડીમાં હું, નીલમ અને બે તરુણ બાળકો સાથેનું એક અમેરિકન દંપતિ હતું. તરાપાના પાછળના ભાગે ગાઈડ અને આગળના ભાગે આ બાપ-દીકરાની ટુકડી પહેલી લાઈનમાં હતી. બીજી લાઈનમાં નીલમ અને દીકરી એનલ તથા ગાઈડની આગળની લાઈનમાં તરાપાની ડાબી જમણી બાજુએ હાથમાં હલેસાં સાથે હું તથા એનલની મા બેઠાં હતા. ગાઈડે ફરી એકવાર સૂચના આપી કે શરીરનું સમતોલન રાખવા માટે તે ક્હે ત્યારે અંદર તરફ નમવું અને કહે તે દિશામાં હલેસાં મારવા. હવે અમારા તરાપાએ વહેણમાં ઝંપલાવ્યું. નદીની ઉતાવળી ગતિ સાથે તરાપાએ પણ ઝડપ વધારી. હું અને નીલમ થોડા ઢીલા પડ્યા. મારો ઉત્સાહ ઘણો હતો પરંતુ નીલમની તબિયત થોડી નાજુક હોવાથી મને એની ચિંતા થઈ. મેં પૂછ્યું કે પાછું ફરવું છે ? વીર નર્મદને યાદ કરીને નીલમ કહે : ‘ડગલું ભર્યું કે ના હટવું….’ અને છેવટે મેં પણ કહી દીધું કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા….’ હવે જે થાય એ જોયું જશે…
સામે નજર કરતાં નદી જાણે પ્રકૃતિને ખોળે રમતી હતી અને અમે નદીને ખોળે. અનંત અવકાશ નીચે ચારે બાજુ વૃક્ષોથી આચ્છાદિત પર્વતો અને ટેકરીઓનાં ચરણ ચૂમતી દોડતી જતી નદીનો પથરાળ પટ તેને વધુ વેગ આપતો હતો. પ્રથમ મોટા ખડકોની હાર પરથી નીચે સરતાં ધબકારા વધી ગયા પણ પછી ડર ઘટી ગયો. નાના મોટાં ખડક પરથી વહેતી ધારાઓને નીચે ઢાળમાં વધુ ને વધુ નાના મોટાં ખડકો માર્ગ આપીને ધન્ય થઈ રહ્યા હતાં. સતત પલળતાં રહેતા હોવાથી તે સુંવાળા થતા જતાં હતાં. નદીના વેગ અને પત્થરની સુંવાળપ વચ્ચે સેવાળરૂપે લીલું અને લીસ્સું જીવન ફેલાતું હતું જેનો રંગ વહેણને પણ લીલાશ આપતો હતો. નીલમ ગાતી હતી…. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા….’ નદીમાં તરતાં એ એક લીલા પાનને પણ કદાચ વૃક્ષનો વિયોગ સાલતો હશે ! પરંતુ આ વિયોગમાં પણ યોગનો આનંદ અમારા હૈયાને શીતળતા આપતો હતો. જુલાઈ મહિનાની ભર બપોરે અમે વાયુની શીતળ લહેરીઓ સાથે ઝૂમતાં હતાં અને ગાઈડની સૂચનાઓ પ્રમાણે હલેસાંઓ મારતાં હતાં.
તરાપાની નૃત્યગતિ હવે વધી હતી અને સાથે સાથે અમારૂ ડોલન પણ. વચ્ચે ઢોળાવો આવે ત્યારે ગાઈડ અમને અગાઉથી જણાવતો અને તન-મનમાંથી એક ઝણઝણાતી પસાર થઈ જતી. સાવધાનીનો એ સંકેત થોડી જ વારમાં કલ્પિત ભયને અકલ્પ્ય આનંદમાં ફેરવી નાખવા મદદરૂપ થતો. પથરાળ પ્રદેશ પર વહેતી આ નદી પર ખડકોનો વધતો ઓછો ભાગ જાણે પડકાર કરવા જ વારેવારે માથું ઉંચકતો હોય તેમ ઠેકઠેકાણે દેખા દેતો અમને ડરાવતો હતો. જે જોશથી નદી તેની સાથે અફળાતી હતી તેથી તો ડર વધતો હતો. પાણીના વેગ અને પત્થરની સ્થિરતા વચ્ચેથી માર્ગ કાઢવાની કુનેહ નદીની દોસ્તી વગર શકય જ નથી જ્યારે મારો તો આ પ્રથમ જ પરિચય ! ગાઈડની દિશાસુઝ મારા ડરને આનંદમાં ફેરવીને હર્ષ અને રોમાંચથી ખળખળાવતી. કલાક પછી એક કાંઠે અમે પાંચ મિનિટ માટે થંભ્યા. બાજુમાં કાંઠા પરના વૃક્ષો ઝૂકીને જાણે નમન કરતાં હતાં. સામેના કાંઠે કેટલાક દેશોના ધ્વજ જાણે નદીને વંદન કરતાં ઊભા હતાં. આ દેશોએ 1996માં ઓલેમ્પિકની પાણીમાં રમાતી રમતોમાં ભાગ લીધેલો જે અહીં રમવામાં આવી હતી. વચ્ચે મધ્યમાંથી એક પછી એક ચાર તરાપાઓ પસાર થયા. તે જગ્યાએ વમળમાં તરાપો ગોળ ગોળ ફરતો નીચે સરતો હતો અને અંદર બેઠેલા લોકો રોમાંચ, ભય અને હર્ષમિશ્રિત ચિચિયારીઓ કરતા હતાં. ગાઈડે આ જગ્યાનું નામ ‘હોલીવુડ સ્પીન’ જણાવ્યું.
અમારા તરાપાએ એમાં ઝંપલાવ્યું. ખૂબ મજા આવી. પાણીની છાલકોથી નદીમાતાએ જાણે વહાલથી અમને નવડાવ્યા. ચિચિયારીઓ સ્વાભાવિક બની ગઈ. અમારી સાથેનું અમેરિકન કુટુંબ અમારી ખૂબ કાળજી રાખતું હતું. હું કે નીલમ બીજી બાજુ નમી જઈએ તો તરત જ અંદર તરફ ખેંચી લે અને વધુ પડતાં અંદર નમી જઈએ તો ટેકો આપીને સરખા બેસવામાં મદદ કરે. હવે નદીનો મધ્યભાગ શરૂ થયો હતો. આમ તો ત્રેવીસ માઈલ લાંબી ‘હિવાસી’ નામની નદીમાં પાંચ માઈલના મધ્ય ભાગ(ઓકોઈ)માં જ અમારી સફર હતી. પાણીના વ્હેણ અહીં પ્રમાણમાં ઓછાં વેગવાન હતાં. વેગની ગતિ પ્રમાણે પાંચ વર્ગોમાં તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પાંચેમાં સૌથી સરળ એવા પ્રથમ વર્ગની સફરની અમારી હિંમતને પણ અમે જ દાદ દેતાં હતાં ! તરવાના કૌશલ્યને અભાવે જ સ્તો ! અમેરિકન ગાઈડ કે જેનું નામ ‘નીલ’ હતું, તે બહુ આનંદી હતો. અમે વાતોએ વળગ્યા. નીલમે પણ ગીત ગણગણવાનું મૂકીને વાતોમાં રસ લીધો. નીલમ કહે આ નદીની સફરને સમયની મર્યાદા ન હોય તો કેવું સારૂ ! આ સાંભળી તેને સાથે લાવ્યાનો મને ખૂબ આનંદ થયો.
નદી એના પેટાળમાં પત્થર, માટી અને બીજુ પણ ઘણું સમાવીને ઊછળતી કૂદતી વૃક્ષો અને માનવીઓને જીવનનો આનંદ અર્પે છે. જીવન પણ આ વહેતી નદી જેવું અનંત છે. કિનારાઓની મર્યાદા વચ્ચે એ પણ સતત વહે છે. વાતો વાતોમાં મેં નીલને પુછ્યુ કે ‘અહીં ઘણા લોકો એક જ બેઠકનો નાનો તરાપો લઈને નીકળી પડ્યા છે તો એ કુશળતા પ્રાપ્ત કરવા માટે કેટલા પાઠ લેવા પડે ?’ એણે જવાબ આપ્યો કે ‘મહત્વ નદીને ઓળખીને એના વહેણ અને માર્ગના પરિચયનું છે અને એ કૌશલ્ય તો નદીની દોસ્તીથી જ કેળવી શકાય. મને એટલે જ આ નોકરી બહુ ગમે છે. હું નાનો હતો ત્યારથી આ નદીને ખોળે જ મોટો થયો છું. અહીંના એક-એક પત્થરને હું ઓળખુ છું.’ તેણે સૌને થોડીવાર આસપાસ તરવાની મજા લેવાની છૂટ આપી. એનલ તેનો ભાઈ સ્કોટ અને તેના પિતા ટોમે પાણીમાં હર્ષથી ઝંપલાવ્યું. અમે આજુબાજુના સૌંદયનું પાન કરતા તૃપ્તિ અનુભવવા લાગ્યા. નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી અને આજુબાજુના બંને કાંઠે તેમ જ સામેના વળાંકોને કાંઠે વૃક્ષોની હારમાળાઓ ઉન્નત અને ઉન્નત થતી જતી હતી. આ આખા ય દશ્યની આકાશ સાથેની એકરૂપતા મન અને હૃદયને એક વિશાળતા અર્પતી હતી. આ વિશાળતાને સમયમાં સમેટવા નીલે તરાપો આગળ ચલાવવાની તૈયારી આરંભી.
મધ્યમાં ધીમી પડેલી નદીની ગતિ ફરીથી વધતી જતી હતી. દોડતી નદી હવે જાણે કૂદતી હતી. નીલે તરાપો થોડીવાર ગોળગોળ ફેરવ્યો, આનંદ માટે જ સ્તો ! અમે બધાં પૂરેપૂરાં પલળી ચૂકયાં હતાં. પત્થર સાથે માથું ન અફળાય અને ડૂબી ન જવાય તે માટે હેલમેટ અને જેકેટ પહેરાવ્યાં હતાં, તો પણ કપડાં પલળે એટલો જળાભિષેક થયો હતો ! સાચે જ અમે આનંદથી તરબોળ હતા. નીલે અમને ‘ગ્રાન્ડ ફનાલી’ માટે તૈયાર થવા કહ્યું. સામે એક મોટો ખડક નદીની બરાબર વચ્ચે ચોકીદારની અદાથી અણી તાકીને ઉભો હતો. તેની આસપાસ બંને બાજુથી પાણી પ્રચંડ વેગથી નીચે તરફ ધસતું હતું. એને ઝૂકીને અમે બાજુમાંથી પસાર થયાં કે નીચે તરફ વેગથી ઘસડાયા. તરાપો બંને બાજુ હાલકડોલક થઈ કાટખૂણા રચતો અમને ઝૂલાવતો હતો અને અમે શીતળ પાણીની છાલકોથી સરિતાનું વહાલ પીતા હતા. ગાઈડ નીલે થોડી મહેનતે તરાપાને આ વમળની બહાર કાઢ્યો. ફરી એ જ સુન્દર આકાશ, નિર્ઝરિણી અને વૃક્ષોની ઘટાઓ મનને મંત્રમુગ્ધ કરવા લાગી. ફરી એકવાર ભયે મને આનંદસમાધિમાંથી જાગૃત કરી. પળ બે પળ અને વળી આનંદનો અતિરેક !
સફરની શરૂઆત કરી ત્યાંથી અમે એકસો સિત્તેર ફૂટ નીચે સુધી આવી ચૂક્યાં હતાં. છેલ્લાં વધુ એક વમળમાં નીરની પ્રેમાળ છાલકોનો ભયરહિત આનંદ માણી અમે કિનારે નાંગર્યા. કિનારો કાંકરાઓથી ભરપૂર હતો અને પાણી ગોઠણ સમાણાં હતાં. આથી, તરાપામાથી ઊતર્યા પછી પણ સરિતાનો પાલવ મૂકવાનું મન નહોતું થતું. અમારા પગ પાણીથી બંધાયેલા હતાં. બહાર નીકળ્યા ત્યારે મારા આખા અસ્તિત્વમાંથી આનંદ પાણી સ્વરૂપે નીતરતો હતો.
(રીડ ગુજરાતી પર આ કૃતિ મૂકવા માટે મૃગેશભાઈનો ખૂબ ખૂબ આભાર)
રોઝા પાર્કસ – મધર ઓફ ધ મોર્ડન ડે સિવિલ રાઈટ્સ મૂવમેન્ટ
સીવણકામ કરીને ગુજરાન ચલાવનાર એક આફ્રિકન-અમેરિકન સ્ત્રીને જ્યારે રાષ્ટ્રનુ સર્વોચ્ચ બહુમાન મળે અને વોશિંગટન ડી.સી.ના ગુંબજવાળા ભવ્ય મહેલમાં જ્યાં મૃત્યુ પછી અમેરિકાના પ્રમુખોના મૃતદેહો જ્યાં રાખવામા આવે છે ત્યાં તેનો મૃતદેહ રાખવામા આવે એવી તે પ્રથમ મહિલા હોય ત્યારે તે વીસમી સદીની એક મહાન સ્ત્રી જ હોઈ શકે. યુ.એસ. કોંગ્રેસે જેને “મધર ઓફ ધ મોર્ડન ડે સિવિલ રાઈટ્સ મૂવમેન્ટ’ નું બિરૂદ આપ્યું તેવી આ સ્ત્રીનુ નામ છે રોઝા પાર્કસ. જગતના ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલ આ નામ પાછળની કથા વ્યક્તિગત સ્વાતંત્ર્યની કથા છે. જે રાષ્ટ્ર સુધી વિસ્તરી છે.
અસાધારણ સંજોગોમાં સાધારણ રીતે વર્તનારી આ સરળ સ્ત્રીએ અન્યાયને તાબે ન થવાની મક્કમતા કેળવી એટલુ જ નહીં પણ અન્યાયકર્તા પ્રત્યે રોષનો અંશ માત્ર પણ એના દિલમાં ક્યારેય પ્રવેશ્યો નહીં. પ્રેમની આ સ્થિરતાના પ્રતીકરૂપ એની જીવનગાથા જ્વલંત રોશની બની યુગો સુધી અનેકના જીવન અજવાળ્યા કરશે. યુ.એસ. સેક્રેટરી ઓફ સ્ટેટનો હોદ્દો ધરાવતી પ્રથમ શ્યામ મહિલા કોન્ડાલીસા રાઈસ સ્પષ્ટ જણાવે છે કે રોઝા પાર્કસ વગર આ હોદ્દા સુધી પહોચવું તેના માટે શક્ય નહોતું.
વર્ષ 1913 ની ચોથી ફેબ્રુઆરીએ અમેરિકાના અલાબામા રાજ્યના ટસ્કેગી નામના એક નાનકડાં ગામમાં રોઝા લૂઈસ મેક્કૌલીનો જન્મ થયો તે સમયે રંગભેદની અનીતિ સર્વસ્વીકાર્ય હતી. ગુલામી પ્રથા નાબૂદ થયાને પચાસ વર્ષ વીતી ગયા હતા પરંતુ કાળા અને ગોરા લોકો માટેના કાયદાઓ અલગ હતા. તેની માતા લીયોના શિક્ષક અને પિતા જેમ્સ સુથાર હતા જે કામકાજ અંગે બહાર રહેતા હોવાથી માતા અને નાનાભાઈ સાથે રોઝા મોન્ટગોમરી(અલાબામા) નજીક પાઈન લેવલ વિસ્તારમાં નાનાજીને ત્યાં રહેતી હતી. રોઝાના નાનાજી ગુલામી પ્રથા નાબૂદ થયા બાદ ખેડૂત બન્યા હતા. ખરાબ વર્તણુક ન ચલાવી લેવાની તાલિમ રોઝાને નાનાજી પાસેથી નાનપણમાં મળી હતી. કાળા હોવાને કારણે ગોરા લોકોથી માનવ તરીકે જરાય ઊતરતાં ન હોવાની ભાવના તેના ઉછેરમાં વણાયેલી હતી.
કાળા લોકો માટે ગામમાં અલગ એક જ રૂમની શાળામાં છ ધોરણ સુધીના શિક્ષણની વ્યવસ્થા હતી જેમાં તેઓ ફક્ત પાંચ મહિના જ ભણી શક્તા બાકીના સાત મહિના જીવન નિર્વાહ માટે ખેતરોમાં મજૂરી કરવી પડતી. અહીં શિક્ષણ પૂરું કરી અગિયાર વર્ષે વધુ શિક્ષણ અર્થે રોઝા મોન્ટગોમરીમાં આવી. અહીં કાળી સ્ત્રીઓને ફક્ત રાંધવાનું, સીવવાનું અને માંદાની સેવા કરવાનું જ શિક્ષણ અપાતું હતું. સીવણ કામના કૌશલ્ય સાથે અહીં તેનું સ્વાભિમાન પણ દૃઢ થયું.
1932માં તેના લગ્ન રેમન્ડ પાર્કસ નામના વાળંદ સાથે થયા. કાળા લોકોને આગળ લાવવા માટે રચાયેલી સમિતિ NAACP (National Association for the Advancement of Colored People) માં તે કાર્યકર હતો. રોઝા પાર્કસ આ સમિતિની પ્રથમ મહિલા સભ્ય અને સેક્રેટરી બની હતી. 1943માં બળાત્કારના કેસમાં જેના પર જૂઠો આરોપ હતો તે બે કાળા યુવાનોના બચાવ માટે આ પતિ-પત્નીએ ખૂબ મહેનત કરી હતી. આ જ વર્ષે તેણે પહેલી વાર મતદાન આપવા માટે પ્રયાસ કર્યો અને બે વાર તેને લેખિત પરિક્ષામાં નાપાસ કરીને ના પાડવામાં આવી. ત્રીજીવાર પાસ ન થઈ હોત તો લડત લેવાની તેણે તૈયારી રાખી હતી.
મોન્ટગોમરીના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં કપડાં સીવવાની નોકરી કરતી હોવાથી રોઝાને રોજ બસમાં અવરજવર કરવી પડતી હતી. બસમાં ગોરા અને કાળા લોકો માટેની સીટો અને દરવાજો કાયદેસર અલગ રાખવામાં આવતા. બસમાં મોટા ભાગના કાળા લોકો મુસાફરી કરતા અને તેઓ માટે પાછળની સીટો અને પાછળનો દરવાજો વપરાતો. આ બે વિભાગો અલગ કરવા માટે ‘colored’ લખેલ બોર્ડ ખસેડવા માટેની છૂટ બસ ડ્રાઈવરને રહેતી. સતાનો દુરુપયોગ કેટલીકવાર ભોગ બનનાર માટે સ્વતંત્રતા મેળવવા માટેનું પ્રેરક બળ બની રહે છે. અહીં પણ એમ જ બન્યું.
1 ડિસેમ્બર 1955 ની સાંજે રોજની જેમ કામ પરથી પાછા ફરતાં રોઝા પાર્કસ બસમાં ચઢી અને કાળાઓ માટેના વિભાગની પહેલી હરોળમાં બેઠી જે ગોરા માટેની છેલ્લી હરોળની બરાબર પાછળની સીટ હતી. બસ ઉપડયા પછી કોઈને ઉઠાડીને ફેરફાર કરવાનું કાયદેસર ઉચિત નહોતુ. રસ્તામાં ત્રીજા સ્ટોપે બે-ત્રણ ગોરાઓ ચઢ્યા તેમને માટે સીટ નહોતી આથી બસ ડ્રાયવરે ‘colored’ ના લેબલવાળુ બોર્ડ એક હાર પાછળ ખસેડીને ચાર કાળા ઉતારુઓને પાછળ જવા કહ્યું જેમાં રોઝા પણ હતી. ત્રણ જણા રાબેતા મુજબ ઊભા થઈ ગયાં. કામથી થાકેલી રોઝા આવા અન્યાયોથી વધુ થાકેલી હતી. તે બેસી રહી. ડ્રાઈવરે જ્યારે પૂછ્યુ કે તે ઊભી થશે કે કેમ? ત્યારે એનુ ધ્યાન ખેંચાયુ કે આ એ જ ડ્રાઈવર છે જેણે અગાઉ પણ એકવાર (1943માં) તેને અન્યાય કર્યો હતો. ટિકિટ લીધી હોવા છતાં પાકીટ પડી જવાને કારણે રોઝા પાછળના દરવાજે પહોંચે તે પહેલાં જાણીજોઈને તેણે બસ હંકારી મૂકી હતી આથી રોઝાને વરસતા વરસાદમાં પાંચ માઈલ ચાલીને ઘરે જવુ પડ્યું હતું. રોઝાએ મક્કમતાથી ઊભા થવાની ના કહી. કારણ પૂછતાં રોઝાએ કહ્યુ કે “મને નથી લાગતુ કે મારે ઊઠી જવુ જોઈએ.” ડ્રાઈવરે કે જેનું નામ જેમ્સ બ્લેઈક હતું એ બોલ્યો કે “તો હું પોલીસને બોલાવીને તારી ધરપકડ કરાવીશ”. ખૂબ શાંતિ અને સ્વસ્થતાથી રોઝાએ કહ્યું કે “ તને એમ કરવાની છૂટ છે.”
ધરપકડ થયાના થોડા સમય અગાઉ રોઝાએ ટેનેસીની એક શાળામાં “Race relations” પર કોર્સ કરેલ અને થોડા મહિના અગાઉ પંદર વર્ષની કોલ્વીન નામની એક વિદ્યાર્થીનીની ધરપકડ આ જ રીતે બસની સીટ પરથી ન ઊઠવાને કારણે થઈ ત્યારે રોઝાએ તેનો બચાવ કરવાનો પ્રયાસ કરેલો પરંતુ તે છોકરીનું ચારિત્ર્ય બરાબર ન હોવાથી કેસ પર ખાસ લક્ષ અપાયું નહોતું. રોઝા પાર્કસ મોન્ટગોમરીની એક ઉત્તમ નાગરિક તરીકે જાણીતી હતી. પોતાના હકો વિષે સભાન નાગરિક જ કરી શકે તે તેણે કર્યું હતું. આગળના કોઈ પરિણામનો વિચાર કર્યા વગર તેણે આ અહિંસક લડત શરૂ કરી હતી. તેના સત્યાગ્રહમાં તુરત જ બધા કાળા લોકો જોડાયા અને બીજા દિવસે કોઈએ બસમાં સવારી ન કરવી એવું સાંજે ચર્ચમાં નક્કી થયું. ચાર દિવસ પછી રોઝા પર કેસ ચાલ્યો. અડધી કલાકમાં ફેંસલો આવી ગયો. ચૌદ ડોલરનો દંડ ભરવાનું ફરમાન હતું પણ આ દંડ ન ભરતાં એણે સુપ્રીમ કોર્ટમાં દાવો માંડ્યો.
બસોના બહિષ્કારની એક દિવસની સફળતા પછી એ નિયમસર ચાલુ રાખવા માટે ચર્ચમાં સમિતિ રચવામાં આવી અને પ્રમુખ તરીકે એક નવા અને ઉત્સાહી યુવાનની વરણી થઈ. જેને આજે સમગ્ર વિશ્વ માર્ટીન લ્યુથર કિંગ તરીકે ઓળખે છે. 1964માં શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ મેળવનાર આ પ્રતિભાને અહીં પ્રથમ તક મળી. આ બહિસ્કાર 381 દિવસ ચાલ્યો. કેટલાક ટેક્ષીમાં તો કેટલાંક સાઈકલ ઉપર અને વીસ વીસ માઈલ સુધી ચાલીને જનારા પણ લગભગ ચાલીસ હજાર જેટલા લોકો હતા. બસ ટ્રાન્સપોર્ટ કંપનીઓ આર્થિક રીતે ભાંગવા લાગી કારણ કે પંચોતેર ટકા ઉતારૂઓ કાળા વર્ગના હતા. અંતે કાયદો બદલાયો અને એનો ખરો યશ રોઝા પાર્કસની પવિત્ર નિષ્ઠાને મળે છે.
રોઝા પાર્કસ જેવી પવિત્ર નારીના હૃદયમાં જ્યારે અન્યાય સામે ચિત્કાર ઊઠે છે ત્યારે જગતના સૌથી શક્તિશાળી રાષ્ટ્રને પણ ઝૂકવુ પડે છે અને તાકાત અને સત્તાનુ અભિમાન ઓગળવા લાગે છે. પરંતુ એની અસર સામાન્ય જન સુધી પહોચતાં વાર લાગે છે. રોઝાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. મોન્ટગોમરીમાં તેને કામ મળવું મુશ્કેલ થઈ ગયું આથી તેણે તેના પતિ સાથે ડેટ્રોઈટ સ્થળાંતર કર્યું જ્યાં તેનો ભાઈ રહેતો હતો. અહીં તેણે 1965 સુધી સીવણકામ કરી ગુજરાન ચલાવ્યું. 1965થી 1988માં રિટાયર્ડ થતાં સુધી તેણે યુ. એસ. પ્રતિનિધિ જહોન કોન્યેર્સની મદદનીશ તરીકે કામ કરી દેશની સેવા કરી હતી. રોઝાનું વ્યક્તિત્વ શાંત, ગંભીર અને વિશિષ્ટ હતું એવો અભિપ્રાય જહોનનો પણ હતો.
રિટાયર્ડ થયા બાદ રોઝાએ બે પુસ્તક પ્રકાશિત કર્યા. My story નામના પુસ્તકમાં તેની આત્મકથા છે અને Quiet Strength પુસ્તકમાં તેણે તેના અનુભવો વિષે લખ્યુ છે.
રોઝા પાર્કસના માનવતા સભર વ્યક્તિત્વની કદર રૂપે તેને જે પારિતોષિકો મળ્યા છે તેમાંના મોટા ભાગના તેની પાંસઠ વર્ષની ઉંમર બાદ મળ્યા છે.1996માં બીલ ક્લીન્ટનના હાથે ‘ Presidential Medal of Freedom’ કે જે રાષ્ટ્રની કારોબારી શાખા દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ પારિતોષિક છે તે આપવામાં આવ્યુ. 1999માં ધારાસભા તરફથી અપાતું સર્વોચ્ચ માન ‘Congressional Gold Medal’ દ્વારા મળ્યુ. આ જ વર્ષે ટાઈમ મેગેઝીને તેને વીસમી સદીની પ્રથમ વીસ પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક જાહેર કરી હતી. જેમાં મહિલા તરીકે તે સૌથી વધુ માન મેળવી જાય છે. મિશીગનના વુમન્સ હોલ ઓફ ફેઈમમાં તેની તકતી મૂકવામાં આવી. આ ઉપરાંત પણ અનેક નાના મોટા સન્માનો અને પારિતોષિકો તેને નાગરિક હિતો અને સામાજિક પરિવર્તન માટેની અહિંસક ચળવળ માટે મળ્યા છે. હિંમત અને અહિંસા એકસાથે જ્યારે અત્યાચારોનો સામનો કરે છે ત્યારે ઈતિહાસ સર્જાય છે.
2005ની બીજી નવેમ્બરે અડધી કાઠીએ ફરકતો અમેરીકાનો રાષ્ટ્રધ્વજ રોઝા પાર્કસના મૃતદેહને મળેલા અદ્વિતિય સન્માનની સાક્ષી પૂરતો હતો. જે સન્માન આજ સુધી ફકત હોદ્દો ધરાવતાં રાષ્ટ્રના વડાઓને જ મળે તે સન્માન એક નાગરિકને અને એક સ્ત્રીને પ્રથમવાર મળ્યું હતું. 2005ની સાલમાં ચોવીસ ઓક્ટોબરે 92 વર્ષની વયે તેનુ મૃત્યું થયું. એક અઠવાડીયા પછી બીજી નવેમ્બરે તેની દફન વિધિ થઈ ત્યાં સુધી મોન્ટગોમરી અને ડેટ્રોઈટમાં તેના માનમાં દરેક બસની પહેલી સીટ પર કાળી રીબન બાંધીને ખાલી રાખવામાં આવી. મૃત્યુના ચાર દિવસ સુધી ડેટ્રોઈટમાં તેના મૃતદેહને હજારો લોકોએ આખરી વંદન કર્યા. ત્યાર પછી સબપેટીને વોશિંગટન ડી.સી. લાવવામાં આવી. અમેરીકાનો રાષ્ટ્રધ્વજ ઓઢાડીને તેને ભવ્ય સન્માનથી કેપિટલ બિલ્ડીંગમાં લઈ જવામાં આવ્યો. જ્યાંથી તેને આખરી વિદાય આપવામાં આવી.
પહેલી ડીસેમ્બર 2005ના રોજ રોઝા પાર્કસની ધરપકડના પચાસ વર્ષ પૂરા થતાં હોવાથી તેની યાદમાં અમેરીકન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એસોસીએશને પહેલી સીટ ખાલી રાખીને તે પર પોસ્ટર મૂકીને અંજલી આપી હતી. તે જ દિવસે યુનાઈટેડ સ્ટેટ કેપિટલના નેશનલ સ્ટેચ્યુરી હોલમાં તેની પ્રતિમા મૂકવાની પરવાનગી પણ પ્રમુખ જ્યોર્જ બુશ તરફથી આપવામાં આવી.
સાઉથ આફ્રિકામાં 1990માં નેલ્શન મંડેલાને જ્યારે જેલમાંથી મુક્તિ મળી ત્યારે તેના સત્કાર માટેની સમિતિએ રોઝા પાર્કસને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું હતું. એ સમયે તેણીને ભેટીને મંડેલાએ કહ્યુ હતુ કે “આટલા વર્ષો જેલમાં હું તારે લીધે ટકી શક્યો છું.”
જેનો આત્મા સ્વતંત્ર છે તે જ અન્યને મુક્ત કરી શકે છે. રોઝા પાર્કસની જીવનગાથા આવનારા વર્ષોમાં હજારોને સાચી સ્વતંત્રતા માટેની પ્રેરણા આપતી રહેશે
-
Archives
- September 2009 (8)
- August 2009 (1)
- July 2009 (1)
- June 2009 (1)
- May 2009 (2)
- April 2009 (1)
- March 2009 (1)
- February 2009 (4)
- January 2009 (2)
- December 2008 (1)
- November 2008 (1)
- October 2008 (2)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS