રોઝા પાર્કસ – મધર ઓફ ધ મોર્ડન ડે સિવિલ રાઈટ્સ મૂવમેન્ટ

સીવણકામ કરીને ગુજરાન ચલાવનાર એક આફ્રિકનઅમેરિકન સ્ત્રીને જ્યારે રાષ્ટ્રનુ સર્વોચ્ચ બહુમાન મળે અને વોશિંગટન ડી.સી.ના ગુંબજવાળા ભવ્ય મહેલમાં જ્યાં મૃત્યુ પછી અમેરિકાના પ્રમુખોના મૃતદેહો જ્યાં રાખવામા આવે છે ત્યાં તેનો મૃતદેહ રાખવામા આવે એવી તે પ્રથમ મહિલા હોય ત્યારે તે વીસમી સદીની એક મહાન સ્ત્રી જ હોઈ શકે. યુ.એસ. કોંગ્રેસે જેને મધર ઓફ ધ મોર્ડન ડે સિવિલ રાઈટ્સ મૂવમેન્ટ નું બિરૂદ આપ્યું તેવી આ સ્ત્રીનુ નામ છે રોઝા પાર્કસ. જગતના ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલ આ નામ પાછળની કથા વ્યક્તિગત સ્વાતંત્ર્યની કથા છે. જે રાષ્ટ્ર સુધી વિસ્તરી છે.

 

અસાધારણ સંજોગોમાં સાધારણ રીતે વર્તનારી આ સરળ સ્ત્રીએ અન્યાયને તાબે ન થવાની મક્કમતા કેળવી એટલુ જ નહીં પણ અન્યાયકર્તા પ્રત્યે રોષનો અંશ માત્ર પણ એના દિલમાં ક્યારેય પ્રવેશ્યો નહીં. પ્રેમની આ સ્થિરતાના પ્રતીકરૂપ એની જીવનગાથા જ્વલંત રોશની બની યુગો સુધી અનેકના જીવન અજવાળ્યા કરશે. યુ.એસ. સેક્રેટરી ઓફ સ્ટેટનો હોદ્દો ધરાવતી પ્રથમ શ્યામ મહિલા કોન્ડાલીસા રાઈસ સ્પષ્ટ જણાવે છે કે રોઝા પાર્કસ વગર આ હોદ્દા સુધી પહોચવું તેના માટે શક્ય નહોતું.

 

વર્ષ 1913 ની ચોથી ફેબ્રુઆરીએ અમેરિકાના અલાબામા રાજ્યના ટસ્કેગી નામના એક નાનકડાં ગામમાં રોઝા લૂઈસ મેક્કૌલીનો જન્મ થયો તે સમયે રંગભેદની અનીતિ સર્વસ્વીકાર્ય હતી. ગુલામી પ્રથા નાબૂદ થયાને પચાસ વર્ષ વીતી ગયા હતા પરંતુ કાળા અને ગોરા લોકો માટેના કાયદાઓ અલગ હતા. તેની માતા લીયોના શિક્ષક અને પિતા જેમ્સ સુથાર હતા જે કામકાજ અંગે બહાર રહેતા હોવાથી માતા અને નાનાભાઈ સાથે રોઝા મોન્ટગોમરી(અલાબામા) નજીક પાઈન લેવલ વિસ્તારમાં નાનાજીને ત્યાં રહેતી હતી. રોઝાના નાનાજી ગુલામી પ્રથા નાબૂદ થયા બાદ ખેડૂત બન્યા હતા. ખરાબ વર્તણુક ન ચલાવી લેવાની તાલિમ રોઝાને નાનાજી પાસેથી નાનપણમાં મળી હતી. કાળા હોવાને કારણે ગોરા લોકોથી માનવ તરીકે જરાય ઊતરતાં ન હોવાની ભાવના તેના ઉછેરમાં વણાયેલી હતી.

 

કાળા લોકો માટે ગામમાં અલગ એક જ રૂમની શાળામાં છ ધોરણ સુધીના શિક્ષણની વ્યવસ્થા હતી જેમાં તેઓ ફક્ત પાંચ મહિના જ ભણી શક્તા બાકીના સાત મહિના જીવન નિર્વાહ માટે ખેતરોમાં મજૂરી કરવી પડતી. અહીં શિક્ષણ પૂરું કરી અગિયાર વર્ષે વધુ શિક્ષણ અર્થે રોઝા મોન્ટગોમરીમાં આવી. અહીં કાળી સ્ત્રીઓને ફક્ત રાંધવાનું, સીવવાનું અને માંદાની સેવા કરવાનું જ શિક્ષણ અપાતું હતું. સીવણ કામના કૌશલ્ય સાથે અહીં તેનું સ્વાભિમાન પણ દૃઢ થયું.

 

1932માં તેના લગ્ન રેમન્ડ પાર્કસ નામના વાળંદ સાથે થયા. કાળા લોકોને આગળ લાવવા માટે રચાયેલી સમિતિ NAACP (National Association for the Advancement of Colored People) માં તે કાર્યકર હતો. રોઝા પાર્કસ આ સમિતિની પ્રથમ મહિલા સભ્ય અને સેક્રેટરી બની હતી. 1943માં બળાત્કારના કેસમાં જેના પર જૂઠો આરોપ હતો તે બે કાળા યુવાનોના બચાવ માટે આ પતિ-પત્નીએ ખૂબ મહેનત કરી હતી. આ જ વર્ષે તેણે પહેલી વાર મતદાન આપવા માટે પ્રયાસ કર્યો અને બે વાર તેને લેખિત પરિક્ષામાં નાપાસ કરીને ના પાડવામાં આવી. ત્રીજીવાર પાસ ન થઈ હોત તો લડત લેવાની તેણે તૈયારી રાખી હતી.

              

મોન્ટગોમરીના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં કપડાં સીવવાની નોકરી કરતી હોવાથી રોઝાને રોજ બસમાં અવરજવર કરવી પડતી હતી. બસમાં ગોરા અને કાળા લોકો માટેની સીટો અને દરવાજો કાયદેસર અલગ રાખવામાં આવતા. બસમાં મોટા ભાગના કાળા લોકો મુસાફરી કરતા અને તેઓ માટે પાછળની સીટો અને પાછળનો દરવાજો વપરાતો. આ બે વિભાગો અલગ કરવા માટે ‘colored’ લખેલ બોર્ડ ખસેડવા માટેની છૂટ બસ ડ્રાઈવરને રહેતી. સતાનો દુરુપયોગ કેટલીકવાર ભોગ બનનાર માટે સ્વતંત્રતા મેળવવા માટેનું પ્રેરક બળ બની રહે છે. અહીં પણ એમ જ બન્યું.

1 ડિસેમ્બર 1955 ની સાંજે રોજની જેમ કામ પરથી પાછા ફરતાં રોઝા પાર્કસ બસમાં ચઢી અને કાળાઓ માટેના વિભાગની પહેલી હરોળમાં બેઠી જે ગોરા માટેની છેલ્લી હરોળની બરાબર પાછળની સીટ હતી. બસ ઉપડયા પછી કોઈને ઉઠાડીને ફેરફાર કરવાનું કાયદેસર ઉચિત નહોતુ. રસ્તામાં ત્રીજા સ્ટોપે બે-ત્રણ ગોરાઓ ચઢ્યા તેમને માટે સીટ નહોતી આથી બસ ડ્રાયવરે ‘colored’ ના લેબલવાળુ બોર્ડ એક હાર પાછળ ખસેડીને ચાર કાળા ઉતારુઓને પાછળ જવા કહ્યું જેમાં રોઝા પણ હતી. ત્રણ જણા રાબેતા મુજબ ઊભા થઈ ગયાં. કામથી થાકેલી રોઝા આવા અન્યાયોથી વધુ થાકેલી હતી. તે બેસી રહી. ડ્રાઈવરે જ્યારે પૂછ્યુ કે તે ઊભી થશે કે કેમ? ત્યારે એનુ ધ્યાન ખેંચાયુ કે આ એ જ ડ્રાઈવર છે જેણે અગાઉ પણ એકવાર (1943માં) તેને અન્યાય કર્યો હતો. ટિકિટ લીધી હોવા છતાં પાકીટ પડી જવાને કારણે રોઝા પાછળના દરવાજે પહોંચે તે પહેલાં જાણીજોઈને તેણે બસ હંકારી મૂકી હતી આથી રોઝાને વરસતા વરસાદમાં પાંચ માઈલ ચાલીને ઘરે જવુ પડ્યું હતું. રોઝાએ મક્કમતાથી ઊભા થવાની ના કહી. કારણ પૂછતાં રોઝાએ કહ્યુ કે મને નથી લાગતુ કે મારે ઊઠી જવુ જોઈએ. ડ્રાઈવરે કે જેનું નામ જેમ્સ બ્લેઈક હતું એ બોલ્યો કે તો હું પોલીસને બોલાવીને તારી ધરપકડ કરાવીશ. ખૂબ શાંતિ અને સ્વસ્થતાથી રોઝાએ કહ્યું કે તને એમ કરવાની છૂટ છે.

 

ધરપકડ થયાના થોડા સમય અગાઉ રોઝાએ ટેનેસીની એક શાળામાં “Race relations” પર કોર્સ કરેલ અને થોડા મહિના અગાઉ પંદર વર્ષની કોલ્વીન નામની એક વિદ્યાર્થીનીની ધરપકડ આ જ રીતે બસની સીટ પરથી ન ઊઠવાને કારણે થઈ ત્યારે રોઝાએ તેનો બચાવ કરવાનો પ્રયાસ કરેલો પરંતુ તે છોકરીનું ચારિત્ર્ય બરાબર ન હોવાથી કેસ પર ખાસ લક્ષ અપાયું નહોતું. રોઝા પાર્કસ મોન્ટગોમરીની એક ઉત્તમ નાગરિક તરીકે જાણીતી હતી. પોતાના હકો વિષે સભાન નાગરિક જ કરી શકે તે તેણે કર્યું હતું. આગળના કોઈ પરિણામનો વિચાર કર્યા વગર તેણે આ અહિંસક લડત શરૂ કરી હતી. તેના સત્યાગ્રહમાં તુરત જ બધા કાળા લોકો જોડાયા અને બીજા દિવસે કોઈએ બસમાં સવારી ન કરવી એવું સાંજે ચર્ચમાં નક્કી થયું. ચાર દિવસ પછી રોઝા પર કેસ ચાલ્યો. અડધી કલાકમાં ફેંસલો આવી ગયો. ચૌદ ડોલરનો દંડ ભરવાનું ફરમાન હતું પણ આ દંડ ન ભરતાં એણે સુપ્રીમ કોર્ટમાં દાવો માંડ્યો.

 

બસોના બહિષ્કારની એક દિવસની સફળતા પછી એ નિયમસર ચાલુ રાખવા માટે ચર્ચમાં સમિતિ રચવામાં આવી અને પ્રમુખ તરીકે એક નવા અને ઉત્સાહી યુવાનની વરણી થઈ. જેને આજે સમગ્ર વિશ્વ માર્ટીન લ્યુથર કિંગ તરીકે ઓળખે છે. 1964માં શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ મેળવનાર આ પ્રતિભાને અહીં પ્રથમ તક મળી. આ બહિસ્કાર 381 દિવસ ચાલ્યો. કેટલાક ટેક્ષીમાં તો કેટલાંક સાઈકલ ઉપર અને વીસ વીસ માઈલ સુધી ચાલીને જનારા પણ લગભગ ચાલીસ હજાર જેટલા લોકો હતા. બસ ટ્રાન્સપોર્ટ કંપનીઓ આર્થિક રીતે ભાંગવા લાગી કારણ કે પંચોતેર ટકા ઉતારૂઓ કાળા વર્ગના હતા. અંતે કાયદો બદલાયો અને એનો ખરો યશ રોઝા પાર્કસની પવિત્ર નિષ્ઠાને મળે છે.

 

રોઝા પાર્કસ જેવી પવિત્ર નારીના હૃદયમાં જ્યારે અન્યાય સામે ચિત્કાર ઊઠે છે ત્યારે જગતના સૌથી શક્તિશાળી રાષ્ટ્રને પણ ઝૂકવુ પડે છે અને તાકાત અને સત્તાનુ અભિમાન ઓગળવા લાગે છે. પરંતુ એની અસર સામાન્ય જન સુધી પહોચતાં વાર લાગે છે. રોઝાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. મોન્ટગોમરીમાં તેને કામ મળવું મુશ્કેલ થઈ ગયું આથી તેણે તેના પતિ સાથે ડેટ્રોઈટ સ્થળાંતર કર્યું જ્યાં તેનો ભાઈ રહેતો હતો. અહીં તેણે 1965 સુધી સીવણકામ કરી ગુજરાન ચલાવ્યું. 1965થી 1988માં રિટાયર્ડ થતાં સુધી તેણે યુ. એસ. પ્રતિનિધિ જહોન કોન્યેર્સની મદદનીશ તરીકે કામ કરી દેશની સેવા કરી હતી. રોઝાનું વ્યક્તિત્વ શાંત, ગંભીર અને વિશિષ્ટ હતું એવો અભિપ્રાય જહોનનો પણ હતો.

 

રિટાયર્ડ થયા બાદ રોઝાએ બે પુસ્તક પ્રકાશિત કર્યા. My story નામના પુસ્તકમાં તેની આત્મકથા છે અને Quiet Strength પુસ્તકમાં તેણે તેના અનુભવો વિષે લખ્યુ છે.

 

રોઝા પાર્કસના માનવતા સભર વ્યક્તિત્વની કદર રૂપે તેને જે પારિતોષિકો મળ્યા છે તેમાંના મોટા ભાગના તેની પાંસઠ વર્ષની ઉંમર બાદ મળ્યા છે.1996માં બીલ ક્લીન્ટનના હાથે Presidential Medal of Freedom કે જે રાષ્ટ્રની કારોબારી શાખા દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ પારિતોષિક છે તે આપવામાં આવ્યુ. 1999માં ધારાસભા તરફથી અપાતું સર્વોચ્ચ  માન Congressional Gold Medal દ્વારા મળ્યુ. આ જ વર્ષે ટાઈમ મેગેઝીને તેને વીસમી સદીની પ્રથમ વીસ પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક જાહેર કરી હતી. જેમાં મહિલા તરીકે તે સૌથી વધુ માન મેળવી જાય છે. મિશીગનના વુમન્સ હોલ ઓફ ફેઈમમાં તેની તકતી મૂકવામાં આવી. આ ઉપરાંત પણ અનેક નાના મોટા સન્માનો અને પારિતોષિકો તેને નાગરિક હિતો અને સામાજિક પરિવર્તન માટેની અહિંસક ચળવળ માટે મળ્યા છે. હિંમત અને અહિંસા એકસાથે જ્યારે અત્યાચારોનો સામનો કરે છે ત્યારે ઈતિહાસ સર્જાય છે.

2005ની બીજી નવેમ્બરે અડધી કાઠીએ ફરકતો અમેરીકાનો રાષ્ટ્રધ્વજ રોઝા પાર્કસના મૃતદેહને મળેલા અદ્વિતિય સન્માનની સાક્ષી પૂરતો હતો. જે સન્માન આજ સુધી ફકત હોદ્દો ધરાવતાં રાષ્ટ્રના વડાઓને મળે તે સન્માન એક નાગરિકને અને એક સ્ત્રીને પ્રથમવાર મળ્યુ હતુ. 2005ની સાલમાં ચોવીસ ઓક્ટોબરે 92 વર્ષની વયે તેનુ મૃત્યું થયું. એક અઠવાડીયા પછી બીજી નવેમ્બરે તેની દફન વિધિ થઈ ત્યાં સુધી મોન્ટગોમરી અને ડેટ્રોઈટમાં તેના માનમાં દરેક બસની પહેલી સીટ પર કાળી રીબન બાંધીને ખાલી રાખવામાં આવી. મૃત્યુના ચાર દિવસ સુધી ડેટ્રોઈટમાં તેના મૃતદેહને હજારો લોકોએ આખરી વંદન કર્યા. ત્યાર પછી સબપેટીને વોશિંગટન ડી.સી. લાવવામાં આવી. અમેરીકાનો રાષ્ટ્રધ્વજ ઓઢાડીને તેને ભવ્ય સન્માનથી કેપિટલ બિલ્ડીંગમાં લઈ જવામાં આવ્યો. જ્યાંથી તેને આખરી વિદાય આપવામાં આવી.

પહેલી ડીસેમ્બર 2005ના રોજ રોઝા પાર્કસની ધરપકડના પચાસ વર્ષ પૂરા થતાં હોવાથી તેની યાદમાં અમેરીકન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એસોસીએશને પહેલી સીટ ખાલી રાખીને તે પર પોસ્ટર મૂકીને અંજલી આપી હતી. તે જ દિવસે યુનાઈટેડ સ્ટેટ કેપિટલના નેશનલ સ્ટેચ્યુરી હોલમાં તેની પ્રતિમા મૂકવાની પરવાનગી પણ પ્રમુખ જ્યોર્જ બુશ તરફથી આપવામાં આવી.

સાઉથ આફ્રિકામાં 1990માં નેલ્શન મંડેલાને જ્યારે જેલમાંથી મુક્તિ મળી ત્યારે તેના સત્કાર માટેની સમિતિએ રોઝા પાર્કસને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું હતું. એ સમયે તેણીને ભેટીને મંડેલાએ કહ્યુ હતુ કે આટલા વર્ષો જેલમાં હું તારે લીધે ટકી શક્યો છું.

જેનો આત્મા સ્વતંત્ર છે તે જ અન્યને મુક્ત કરી શકે છે. રોઝા પાર્કસની જીવનગાથા આવનારા વર્ષોમાં હજારોને સાચી સ્વતંત્રતા માટેની પ્રેરણા આપતી રહેશે

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, નિબંધ, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

2 Responses to રોઝા પાર્કસ – મધર ઓફ ધ મોર્ડન ડે સિવિલ રાઈટ્સ મૂવમેન્ટ

  1. અક્ષયપાત્ર કહે છે:

    Nilam Doshi says:

    nicely written ..jivan charitra of this great soul.

  2. અક્ષયપાત્ર કહે છે:

    pragnaju vyas says:

    અમેરિકાએ 1776માં પોતાને સ્વતંત્ર દેશ ‘યુ.એસ. એ’ તરીકે ઘોષિત કર્યો. તે પછી લગભગ બસો વર્ષ સુધી અમેરિકાની અશ્વેત પ્રજા (the Blacks) (ખાસ કરીને દક્ષિણ અમેરિકાનાના રાજ્યોમાં) સામાજિક અન્યાય અને ઉપેક્ષાઓનો ભોગ બનતી રહી. છેક 1954માં અમેરિકાની સુપ્રિમ કોર્ટ દ્વારા પબ્લિક સ્કૂલ્સમાં જાતિભેદ/વર્ણભેદ આધારિત વ્યવસ્થા રેશિયલ સેગ્રીગેશન (Racial segregation) ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી. 1955માં દક્ષિણ અમેરિકાના અલબામા રાજ્યમાં અશ્વેત મહિલા રોઝા પાર્કસ (Rosa Parks) સાથેનો વિશ્વવિખ્યાત મોન્ટગોમેરી બસ બનાવ બન્યો. પરિણામે અમેરિકામાં અશ્વેતોની સિવિલ રાઈટ્સ મુવમેંટને વેગ મળ્યો. 1957માં અમેરિકન કોંગ્રેસમાં અશ્વેતો માટેનું સિવિલ રાઈટ્સ બિલ પસાર થયું. 1961માં આંતરરાજ્ય વાહનવ્યવહારમાં અશ્વેતો માટેના ‘સેગ્રીગેશન’ સામે લડત શરૂ થઈ. 1963માં અમેરિકાના પાટનગર વોશિંગ્ટન (ડીસી) માં અશ્વેતોની જંગી રેલીને અશ્વેત નેતા માર્ટીન લ્યુથર કિંગ દ્વારા સંબોધન કરવામાં આવ્યું જે ‘આઈ હેવ અ ડ્રીમ (I have a dream)’ના નામે ઇતિહાસમાં અમર થઈ ગયું. 1968માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા થઈ ત્યાં સુધીમાં અશ્વેતો માટેની રંગભેદ નીતિમાં ઘણા સુધારા થઈ ચૂક્યા હતા. આમ, માંડ ચાર પાંચ દાયકા પહેલાં જ અમેરિકામાં અશ્વેતોની સ્થિતિ સાચા અર્થમાં સુધરતી દેખાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.