આમ તો દરેક દિવસ એ, ભગવાન !
તમે આપેલી તાજી ભેટ છે.
જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દિવસ
વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.
આજના દિવસે, ભગવાન ! હું
ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માંગતો
પણ આ બધુ મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.
આજના દિવસે ભગવાન ! હું એમ નથી માંગતો કે
મારો રસ્તો સરળ બને, મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને તો, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માંગુ છું.
લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે
તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે
પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને આ અભિમાનમાં
મારો માર્ગ તમારાથી દૂર ન નીકળી જાય
એ હું માંગુ છું.
જીવનને સાચી અને સારી રીતે જીવવા માટેની સમજણ માગું છું.
અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપતિ મેળવવાનો
જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને આગળ
નીકળી જવાનો અવસર છે:
અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે કરીશું
અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી –
એવું હું માનવા ન લાગું, એ આજે માગું છું
કારણ કે, પ્રાર્થના કરવી
તમારી નીકટ આવવું
એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ તો હૃદયનો સવાલ છે.
જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ
જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી
પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી
ફૂલને કરમાતું રોકી શકાતું નથી.
એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ, આભવીંઝતી પાંખો
અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ
સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.
પણ એ બધું અસ્ત પામે ત્યારે
એવી અદકી સુંદર બાબતો-
પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ
મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.
આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હૃદય માંગું છું, જે આ દુનિયાને
તમારા માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સરજી છે
એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-સૃષ્ટિને ચાહું
હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરૂં.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચઢું
દરેક પગલે હું થોડોક તમારી નીકટ આવું
રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
– એ હું માગું છું.
એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે.
એ મને યાદ આપે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતીકાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું.
દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, જન્મદિવસે ભગવાન !
એ હું તમારી પાસે માંગુ છું
(‘પરમ સમીપે’ માંથી.. સાભાર)
ખુબ સુંદરભાવ. શરુમાં પ્રાર્થના ભલે માંગ હોય પરંતુ ધીમે ધીમે તે અહોભાવમાં રુપાંતર થાય તે સાધકે જોવું જોઈએ. વણ માંગે આને વણ લાયકાતે પરમાત્મા એટલું બધું આપ્યે જાય છે કે અહોભાવથી આંખો અશ્રુભિની થયા વગર ન રહે.
ફરી એકવાર અહી માણવાની મજા આવી. અંતિમ સમય સુધી જીવનની ચાદર ઉજળી રાખી શકાય તો ?
ખૂબ સુન્દર પુસ્તક…તેથી તો મારા આ પ્રિય પુસ્તક પરથી મારા બ્લોગનું નામ ” પરમ સમીપે ” પર રાખેલ છે.
ઓ પ્રિયતમ ! હું તેમને ખુબજ પ્રેમ કરું છું. અરે ! આખી દુનિયાંને ખુબજ પ્રેમ કરું છું. કારણકે “તું” તેમને ખુબજ પ્રેમ કરે છે! મારી માટે એટલું જ બસ છે. તે ભોળાંઓ આ વાત ક્યારે સમજશે ?
જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/
દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
સરસ પ્રાર્થના
દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી.
આવતીકાલે કદાચ હું ન પણ હોઉં!
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું.
દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ માનું.
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા,
મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું.
આજે, જન્મદિવસે ભગવાન !
એ હું તમારી પાસે માંગુ છું.
(પરમ સમીપે’ માંથી.. સાભાર)
Daily,Morning and Before going to bed one needs to sing and let mind to listen…..for the aging body for the self!
Rajendra Trivedi
This is an awesome prayer. Birthday should not about us-but it is about God and God’s kindness, love, happiness, joy, hope, and gift of life to us. May God bless Kundnikaben, Rekhaben, and all readers with joy and love!
એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે.
એ મને યાદ આપે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતીકાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું.
દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ માનું
Nice Prayer for All Days !
ChandravadanBhai
http://www.chandrapukar.wordpress.com
બધી જ ભાવવાહી પ્રાર્થનાઓમાંની એક રોજની પ્રાર્થનામા ગાવા જેવી
આમ તો દરેક દિવસ એ, ભગવાન !
તમે આપેલી તાજી ભેટ છે.
જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત બની શકે
—–
કેટલું સુંદર ! આ કુન્દનિકાબેન જેવા વીશુધ્ધ આત્મા જ લખી શકે.
1997- 98 માં મારા એક ખાસ મીત્ર સાથે નંદીગ્રામમાં એમની અને મકરંદભાઈ સાથેની મુલાકાત એ જીવન ભરનું સંભારણું. એ મીત્ર પણ હવે નથી અને મકરંદભાઈ પણ.
આપણે પણ એક દીવસ નહીં હોઈએ. પણ દરરો જ સવારે નવા બાળક તરીકે જન્મવાનો આનંદ માણતા રહીએ.
આ પ્રાર્થના મને બહુ જ ગમતીમાંની એક છે. તે ભાવ પુર્વક મુકવા માટે આભાર માની
મારા અને તમારા અંતરાત્માના ભાવને વામણો નથી બનાવવો. આ ભાવનો વધુ ને વધુ વ્યાપ થાય, અને સંતપ્ત માનવતાને શાતા મળે એ જ ખેવના.