મોગરાના ફૂલોની સુગંધ અને સંગીતના સૂરો રેલાવતા એક નાનકડાં બંગલા પાસેથી નીકળતા ઘડીભર પગ થંભી જાય એવી સુંદર સંધ્યાને પવિત્રતા બક્ષતી એક આર્ય સન્નારી તેનો બધો જ યશ જેને પોતે તપોભૂમિ ગણે છે તે પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળને આપે છે જ્યાંથી તેને શિક્ષણ અને સંસ્કાર મળ્યા છે. મારી આ મિત્ર ડો. સરલા બારડે કન્યા કેળવણીને વધુ ગતિશીલ કરવાના મારા પ્રયાસોમાં સહકાર આપવાના હેતુથી મને આ ગુરુકુળની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરી અને જોગાનુજોગ સંસ્થાના સ્થાપક શ્રી નાનજી કાળીદાસ મહેતાની ચાલીસમી પુણ્યતિથી નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેવાનું સદભાગ્ય મને સાંપડ્યુ.
દેશ વિદેશ રહેતા ગુજરાતીઓ કે જેમની પુત્રીઓ વિશ્વના મોટા મોટા વિદ્યાલયોમાં ભણીને ઊંચી પદવીઓ ધારણ કરી રહી છે તેઓ જરા પાછળ નજર કરી એમની માતૃભૂમિ પર કન્યા કેળવણીની આ જ્યોત કોણે કોણે, ક્યારે અને કેવી રીતે પ્રગટાવી તેની ફક્ત યાદ તાજી કરે તો પણ તેને જલતી રાખવા પ્રયત્નશીલ લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળતા રહેશે એ હેતુથી આ પુણ્યતિથીએ મેં અનુભવેલા ભાવોની રસલ્હાણી અહીં બ્લોગ પર કરવાનો મારો નમ્ર પ્રયાસ છે.
ડો. બલવંતરાય જાની અને વર્તમાન સમયની તેજ્સ્વી ગુજરાતી લેખિકા શ્રીમતિ કાજલ ઓઝા વૈદ્યની ઉપસ્થિતિમાં મેં જે અહીં જોયુ અને સાંભળ્યુ તે ખરેખર જ શક્તિ અને સંસ્કૃતિનો સમન્વય જ કહી શકાય. અહીંની કન્યા છાત્રાઓમાં છૂપાયેલી સ્ત્રી શક્તિ અને આર્ય સંસ્કૃતિ પ્રમાણેનો એમનો ઉછેર વિરલ છે.વેદના મંત્રો સાથે આ બાળાઓ રોજ સવાર સાંજ અહીં હવન કરી આર્ય સંસ્કૃતિને જ્યાં જીવંત રાખવા પ્રયત્નશીલ છે એવી આ પોરબંદરની ભૂમિ જેટલી ગાંધીજીના જન્મસ્થળ તરીકે જાણીતી છે તેટલી જ નાનજી કાળીદાસ મહેતાના શહેર તરીકે પણ જાણીતી છે. આ બંને માનવરત્નો એમના વિશ્વવ્યાપી દ્રષ્ટિકોણથી પોતપોતાના ક્ષેત્રમાં ઝળહળ્યા છે. એક કુનેહબાજ વ્યાપારી અર્થોપાર્જનમાં શ્રેષ્ઠ થઈ શકે પણ એક શ્રેષ્ઠ માનવ જ તેનો સદુપયોગ પણ કરી શકે. એમાં પણ સૂતેલી સ્ત્રી શક્તિને શિક્ષણ દ્વારા જાગૃત કરી દેશનું કલ્યાણ કરવાની દિશામાં મોટું પ્રદાન કરી શકે તે તો વિરલા જ હોય એમાં કોઈ શંશય નથી. આવી એક વિરલ વિભૂતિ શ્રી નાનજી મહેતાએ તેર વર્ષની વયે પરદેશની સફર આરંભી અને સફળ વ્યાપારી થઈ જગતના ઈતિહાસમાં સૌ પ્રથમ વિદેશી કંપનીઓ સાથેની ભાગીદારી અને જોડાણનો પાયો નાખ્યો. આ હકીકત બહુ ઓછાને ખબર હશે. કુબેરના વંશજ આ દાનવીરે રચેલા પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં પથરાયેલી એમની સુવાસમાં ઊછરતી કન્યાઓને જોઈને “હું પણ અહીં ભણી હોત તો કેવું સારૂં હતુ” એવો ભાવ દિલમાં ઊઠ્યો.
સવારે સાત વાગ્યે શુભ્ર વસ્ત્રોમાં સજ્જ અને હાથમાં દિવડાઓ તથા જ્વારાઓ લઈને હારબંધ ઊભેલી કન્યાઓ બાપુજી(શ્રી નાનજી કાળીદાસ મહેતા)ના સ્મૃતિમંદિરમાં સ્થપાયેલા ચરણોમાં ફૂલડાંઓનો અર્ધ્ય આપી વારાફરતી ચડતી – ઊતરતી અર્ધવર્તૂળ રચતી હતી ત્યારે આંગણામાં બીજી કેટલીક કન્યાઓનું જૂથ હવેલી સંગીત રેલાવતુ હતું.
”મંગલ રૂપ નિધાન સાંવરો, મંગલ રૂપ નિધાન ……”
ખુબ મીઠા અને બુલંદ અવાજે ગવાતા આ ગીતને ઝીલવા જ જાણે મુખ્ય અતિથિ જેવો સૂર્ય પોતાના કિરણો ચોમેર પાથરતો હોય તેવું લાગતુ હતું. ત્યારબાદ પ્રાંગણમાં વેદના મંત્રો સાથે રોજની જેમ હવન શરૂ થયો. અહીં આ રીતે હવન સવાર-સાંજ બંને સમય થાય છે. આ બાળાઓ માટે 21મી સદીમાં જરૂરી એવું કોમ્પ્યુટરનું શિક્ષણ પણ ફરજીયાત છે અને એ માટે એક આખી લેબ ઊભી કરવામાં આવી છે. અને અંગ્રેજી શિક્ષણ પણ અહીં ફરજીયાત છે તે જાણ્યુ ત્યારે કાજલ ઓઝા વૈદ્યએ વ્યાખ્યાનમાં કહ્યુ હતુ તે પ્રમાણે ‘બહારના અનેક આક્રમણો સામે ટકી રહેલી આપણી સંસ્કૃતિના મૂળિયા ઘણા ઊંડા છે અને એકવીસમી સદીમાં પણ એ ટકશે જ’ એવો વિશ્વાસ આ બાળાઓને અપાતું શિક્ષણ જોઈને દ્રઢ થયો. બબ્બે કુળની આબરૂ જેના હાથમાં સોંપાય છે. તે બાળાઓ જ આવતી પેઢીની જનેતાઓ બનીને સો શિક્ષકનું કાર્ય કરવાની છે એ જો શિક્ષિત થઈને સમય સાથે તાલ ન મિલાવતી હોય તો ચાલે જ કેમ ? પણ સાથે આપણી સંસ્કૃતિ પણ જળવાવી જોઈએ અને તેનું શિક્ષણ પણ અમલ દ્વારા અપાવુ જોઈએ એ વિચાર અહીં કાયમ છે.
કેટલીક બાળાઓ સાથે મેં એમના રૂમમાં જઈને વાતો કરી. દ્યુતિ વીઠ્ઠલાણી નામની વિદ્યાર્થીનીના માબાપ બાજુની શેરીમાં જ રહે છે પરંતુ અભ્યાસમાં વધુ પારંગત થઈ શકાય તે માટે તે છાત્રાલયમાં રહે છે. અને પ્રુત્રસમોવડી થઈ પોલીસ ઈન્સપેક્ટર થવાનું સ્વપ્ન જુવે છે. દેશ વિદેશની સફર કરવાની એને હોંશ છે. ગ્રુપલીડર થઈ અન્ય છાત્રાઓ પણ નિયમમાં રહી ગુરુકુળનું ગૌરવ વધારે તેનું ધ્યાન પણ તે રાખે છે. હેમાલી ચૌહાણ નામની બીજી એક કન્યા મિનિટોમાં ખુબ સુંદર મોટા ચિત્રો દોરે છે અને શાળાની દિવાલોને શોભાવે છે. એની કળાને ખીલવાની અહીં પુરતી તક છે.
આંગણામાં આવેલ એક સુંદર લીમડાના ઝાડ નીચે બેઠી બેઠી હું મુખ્ય મહેમાનો તેમજ શ્રી નાનજીભાઈ મહેતાના પુત્ર શ્રી ધીરેન્દ્રભાઈ અને એમના પત્ની મેધાભાભીની પ્રતિક્ષા કરતી હતી ત્યારે વ્યવસ્થામાં ગુંથાયેલી અને તેથી આસપાસ આવ-જા કરતી તેજસ્વી કન્યાઓ પસાર થતી હતી. પસાર થતી વખતે સ્મિત સાથે નમસ્તેની મુદ્રા અને માથુ નમાવી અભિવાદન કરતી આ કન્યાઓને જોઈને મનમાં પ્રસન્નતાની લહેરખી દોડી જતી. સ્વદેશની ધરતી પર સદાય જીવંત આ આર્ય સંસ્કૃતિને મારે વંદન કરવા જ રહ્યા.
સાંજના કાર્યક્રમમાં થોડી મિનિટો માટે લાઈટ અને એ કારણે માઈક્રોફોન બંધ પડી જવાથી સ્ટેજ પર નૃત્ય કરતી બાલિકાઓ થંભી ગઈ અને બિલકુલ શાંતિપૂર્વક રાહ જોવા લાગી. અંધારૂ હોવા છતાં પ્રેક્ષક બાલિકાઓ પણ એટલી જ શાંત હતી. સ્વયંશિસ્તના આ સંસ્કાર પણ અહીં જળવાયા છે તે પણ આનંદની વાત છે.
બીજી એક નવાઈભરી બીના એ બની કે સવારમાં જ્યારે હું શાળામાં પ્રવેશી ત્યારે મારી સાથે રહેલા બેનને કોઈકે મારા વિષે પૂછ્યુ ત્યારે એમણે કહ્યુ કે ભાભીના મહેમાન છે ત્યારે આ ભાભી કોણ એ મને જ ખબર નહોતી. એટલે ફોન કરી મેં મારી મિત્ર સરલાને પૂછ્યુ કે આ ભાભી કોણ છે ? સરલા એકદમ જ હસી પડી કહે, બાપુજીના મોટા દિકરાની વહુ જેને અમે સૌ ભાભી કહીએ છીએ તેઓ બહુ જ પ્રેમાળ છે આથી અમે એમના માટે ગાઈએ કે
“ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ…….”
હું કોની અતિથિ છું તે મને ખબર નહોતી પણ એમને એમના મહેમાનો વિશે ખબર ન હોય તે અશક્ય છે તે મને એમનું આતિથ્ય માણ્યા પછી જ ખબર પડી. ત્યાંના વ્યવસ્થાપકોએ મને જમાડવાની વ્યવસ્થા કરી જ હતી અને જેને ત્યાં હું ઉતરેલી તે મારી કઝીન પણ અહીં પોરબંદરમાં જ રહે છે છતાં કોઈ જ પરિચય વગર મેધાભાભીએ જ્યારે મને એમને ત્યાં ભોજનમાં આવવાનું નિમંત્રણ જાતે આવીને આપ્યુ ત્યારે હું અતિથિ પ્રત્યેનો એમનો સ્નેહ સ્પષ્ટ જોઈ શકી. જમ્યા પછી પોરબંદરના પ્રખ્યાત ખાજા – ખાજલી ના પેકેટ ભેટ સ્વરૂપે આપ્યા ત્યારે મેં કહ્યુ કે કન્યાઓને કંઈક આપીને જવાને બદલે આ કઈ રીતે લેવાય? ત્યારે એમણે કહ્યુ કે અમે તો ફકત બાપુજીએ શરૂ કરેલી પરંપરાઓ જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ તો તોડાય જ નહી ને ! ”અતિથિ દેવો ભવ:” એ જ એમની પ્રણાલી હશે તે મને મેધાભાભીના આતિથ્ય સત્કારથી સ્પષ્ટ થયુ.
ભારતની સંસ્કૃતિ ટકાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરનાર આવા પરીવારો પરંપરાઓ જાળવશે તો સંસ્કૃતિ ટકશે જ એ શ્રદ્ધા દ્રઢ થાય છે. અને તેનો સુમેળ શક્તિ સાથે થતો રહે તે માટે કન્યા કેળવણીનો આંક 100 % સુધી પહોંચાડવામાં સહયોગી થવા માટે પ્રયત્નશીલ રહેવા આ વાંચનાર સૌને મારો અનુરોધ છે.
આ અવિસ્મરણિય અનુભવની તક બદલ શ્રી સુરેશભાઈ કોઠારીનો હું હ્રદયપૂર્વક આભાર માનુ છું.
– રેખા સિંધલ
ભારતની સંસ્કૃતિ ટકાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરનાર આવા પરીવારો પરંપરાઓ જાળવશે તો સંસ્કૃતિ ટકશે જ એ શ્રદ્ધા દ્રઢ થાય છે. અને તેનો સુમેળ શક્તિ સાથે થતો રહે તે માટે કન્યા કેળવણીનો આંક 100 % સુધી પહોંચાડવામાં સહયોગી થવા માટે પ્રયત્નશીલ રહેવા આ વાંચનાર સૌને મારો અનુરોધ છે.
Rekhaben….after a long time another NICE Post …..You gave the details of your of the ARYA KANYA GURUKUL SCHOOL of PORBANDAR…You had the invitation for a Karyakam by Girls on the 40th Purnatithi of the Founder Late NANJI KALIDAS MEHTA of Africa….Your OBSERVATIONS & your FEELINGS are well narrated. Well done !
I had a Post on NARI on HOME of my Blog I hope you will read it too & get my FEELINGS for NARI.
Dr. Chandravadan Mistry ( Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
આપનો અભિપ્રાય સ્વીકાર્ય છે.