સંબંધોનું ગણિત

ગણિત મારો પ્રિય વિષય રહ્યો છે. એટલે સંબંધોમાં પણ ધારેલો જવાબ (પ્રતિભાવ) ન મળે ત્યારે ગણતરીબાજ આ દુનિયામાં મારી ક્યાં ભૂલ થાય છે તે વિચાર આપોઆપ જ આવે. એક પગલું ખોટું ને જવાબ ન મળે. શર્ટનું પહેલું બટન બરાબર ન દેવાય તો તે પછીના બધા જ બટન આડા અવળા જ રહે છે. એટલે શરૂઆતથી દરેક સંબંધમાં યોગ્ય મર્યાદા બાંધવી જરૂરી છે જેમાં એક પક્ષે પણ જો વધુ પડતી અપેક્ષાઓ હોય તો સંબંધો એકતરફી જણાવા લાગે છે. ચાણક્યના કહેવા મુજબ કોઈ મિત્રતા સ્વાર્થ વગરની નથી હોતી. ઉત્તમ રાજનીતીના સૂત્રો રચનાર ચાણક્યએ રાજાઓને પણ પોતાના રાજ્યને વિસ્તારવા કે રક્ષવા માટે અન્ય સાથેના સંબંધોમાં ગણિત મૂકવું પડતું જેમાં પત્ની પરિવારથી માંડીને પડોશી રાજ્ય સાથેની મૈત્રી કે દુશ્મનાવટને પણ યોગ્ય પરિમાણ વગર નભાવવા અઘરા થઈ રહેતા તે જ સૂત્રો આપણને સામાન્ય લોકોને પણ એટલા જ લાગુ પડે છે. રાજાનું કારણ એટલે કે રાજકારણ પ્રજાને પણ વધતે ઓછે અંશે લાગુ તો પડે જ ને? મારા અનુભવો પરથી તારવેલ સત્ય એ છે કે સંબંધોના ગણિતમાં ખોટા પડેલા ઘણા બધા લોકો પોતાનો દોષ જોઈ શકવાના અભાવે દોષનો ટોપલો સામા પર ઢોળી દે છે.

કોઈનું આપણા વગર અટકવાનું નથી એ આપણને ખબર જ છે તો પછી આપણું પણ કોઈ વગર કેમ અટકે? એવી ખુમારી સાથે જીવતાં લોકો પણ “ચપટી ધૂળની ય જરૂર પડે” તેવી સમજણ સાથે સંબંધોને સાચવવા મથતા હોય છે. કેટલાંક નડતરરૂપ લોકોના સંબંધો તે આપણને નડે નહી એટલા માટે પણ આપણે સાચવતાં હોઈએ છીએ અને આમ તેમની નડતરરૂપ થવાની ચેષ્ઠાને આડકતરી રીતે પોષણ પણ આપીએ છીએ. કટુ વચનો સત્ય હોય તો પણ સહન કરવાની શક્તિના અભાવે એવા વચનો કહેનારથી દૂર રહેવાની વૃતિ ઘનિષ્ઠ પારિવારિક સંબંધોથી પણ ક્યારેક વિમુખ કરી દે છે. એથી ઉલ્ટું મીઠા અને સ્નેહાળ વચનો બોલનાર અન્યને આકર્ષી શકે છે તેથી સંબંધોનો મધપૂડો રચી શકે છે આથી ઘનિષ્ઠ સંબંધોની તેમને બહુ પરવા નથી હોતી. ભલે કડવું પણ સત્યવચન મિત્ર ન કહી શકે અથવા તો સહી શકે તો તેને સાચી મૈત્રી કેમ ગણી શકાય? અને મૈત્રીભાવ કેમ ટકે? જગતમાં આમ જ મૈત્રીભાવનું ઝરણું સૂકાતું ચાલ્યુ હશે શું?

પેસાપાત્ર લોકોને દેખીતી રીતે અન્યની જરૂર ઓછી જણાય છે આથી તેમણે નિસ્વાર્થ માનેલા સંબંધો જ્યારે કસોટીની એરણ પર ચઢે છે ત્યારે તેની પોકળતા છતી થાય છે અને કેટલીકવાર આઘાત પણ આપે છે. એથી ઉલ્ટું આર્થિક મજબૂરીના દિવસોમાં જ્યારે બધા સંબંધો છૂટી પડતા જણાય ત્યારે નિસ્વાર્થ ભાવે સાથે રહેનાર રહી બે પૈસાની મદદ કરનાર સંબંધ સોનાનો થઈને ફળે છે. અરસપરસના સાયુજ્ય વગરના કોઈ સંબંધો ફળતા નથી તે પછી મિત્રના હોય કે સગાં સ્નેહીના હોય. આવા સંબંધો પણ લાંબા ગાળે શિથિલ થઈ જતાં હોય છે. જવલ્લે કોઈક સંબંધ જીવનભર નિર્ભેળ આનંદ આપે છે. આવો સંબંધ તે સાચો સો ટચના સોના જેવો કહી શકાય. આવો શુધ્ધ નિસ્વાર્થ સંબંધ પણ ક્યારેક આપણી બેપરવાઈને કારણે મુરઝાઈ જતો હોય છે. ઘણી વ્યક્તિઓની સામાજિક ઈમેજ તેની વ્યક્તિગત ઈમેજ કરતાં જુદી હોય છે. દંભ તેમનો સેકંડ નેચર બની ચૂક્યો હોય છે જ્યાં સુધી અસલી ચહેરાની ખબર ન પડે ત્યાં સુધી આવા લોકોને આખો સમાજ ઝૂકતો હોય છે પણ હીરાપારખુની જેમ સંબંધ પારખુ લોકો પણ હોય છે જે ગાડરીયા પ્રવાહમાં ભળતા નથી અને તેથી પ્રખ્યાત વ્યક્તિ સાથેના સંબંધોમાં પણ ભાવની સચ્ચાઈનો અભાવ જણાય તો તેને અવગણી શકે છે.

અને જ્યાં ભાવની સચ્ચાઈ જોવા મળે ત્યાં પણ અરસપરસના ભાવ વગર સંબંધો નભતા નથી. જ્યારે આપણને અન્યમાં ભાવની કમી જણાય ત્યારે તે કમી આપણી દ્રષ્ટીની નથી ને? એ પ્રશ્ન મનમાં પહેલો ઉદભવે છે કારણ કે ભાવની આપ લે વગરનો કોઈ સંબંધ નભતો નથી. કેટલાક ભાવ ઝીલી નથી શક્તા એટલે સંબંધ સાચવી નથી તો કેટલાક ભાવ આપી નથી શકતા એટલે સંબંધનો છેદ ઊડી જાય છે. ભાવમાં આપ-લે ના ત્રાજવા સરખા હોય ત્યારે જ સંબંધો ઝળહળી ઊઠે છે. ઝીલવાની શક્તિથી વધુ મળતો ભાવ પણ રેલાઈને વ્યર્થ જતો હોવાથી અંતે આપનાર પાછો ખેંચી લેવા પ્રેરાય છે. ખાસ કરીને ભાવની પવિત્રતાને ઈશ્વરીય શક્તિ તરીકે નિહાળવાની ક્ષમતાનો અભાવ સાચા ભાવ અને સાચા સંબંધોથી આપણને વંચિત રાખે છે.

ભાવની આવી પવિત્રતા ધરાવતા એક ઝેન સાધુની વાત યાદ આવે છે. પોતાના સદગુણોને કારણે ખ્યાતિ અને સન્માન પામેલા આ સાધુની પડોશમાં રહેતાં કુંટુંબની કન્યા લગ્ન પહેલાં ગર્ભવતી થઈ. પ્રેમીનું નામ પિતાને આપતાં તેને ડર લાગ્યો કે રખે ને પ્રેમી પર આપતિ આવે આથી ગભરાહટમાં તેણે સાધુ સામે ખોટી આંગળી ચીંધી દીધી. લોકો સાધુને શંકાથી જોવા લાગ્યા. સાધુને કાને જ્યારે આ વાત આવી ત્યારે તેઓએ પોતાના કોઈ બચાવ વગર એટલું જ કહ્યું, “એમ?” તેઓ સમજી ગયા કે એમના ખુલાસાથી લોકોની શંકા નાબૂદ નહી થાય અને થશે તો ગુનાના ભાવનાથી પીડાતા પ્રેમીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. બાળકનો જન્મ થતાં તેને સાધુને સોંપી દેવામાં આવ્યું કશી ય આનાકાની વગર તેઓ બાળકને સ્વીકારીને ઊછેરવા લાગ્યા. આથી પૂજ્યભાવે એમને મળવા આવતા લોકો બંધ થઈ ગયા. તેમના દિવસ રાત બાળકને પ્રેમથી ઊછેરવામાં વીતવા લાગ્યા. થોડા વર્ષો એમ જ વીતી ગયા પરંતુ છેવટે પેલી કન્યાથી ગુનાનો ભાર સહેવાયો નહી અને પોતાના જૂઠાણાની કબૂલાત સાથે સાધુના પગમાં પડીને માફી માંગી અને બાળકને પાછું માંગ્યુ. એ સમયે પણ આ સાધુએ ફક્ત બે શબ્દ જ ઉચ્ચાર્યા, ”એમ?” અને બાળકને તેની માતાને પાછું સોંપ્યુ. લોકો હવે સાધુને અનેકગણા વધુ ભાવથી પૂજવા લાગ્યા. જે ખોટી બદનામીથી ડરે છે તે સાચી પ્રશંસા પામી શકતા નથી.

કેટલીકવાર આપણે જૂના અને ઘસાઈ ગયેલાં(expired) સંબંધોને પણ ખોટી ટીકાઓ અને બેવફાઈના જૂઠા દોષારોપણના ડરથી છોડી શકતા નથી અને અવગણના સહી લેતા હોઈએ છીએ પરંતુ ભાવનાના વહેણની દિશા બદલતી રહે છે જે અંતે તો પરમ શક્તિ તરફ જ વહેવાના છે.

અંતે પ્રાર્થના કે “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે….. શુભ થાઓ આ સકલ વિશ્વનું તેવી ભાવના નિત્ય વહે..

This entry was posted in નિબંધ, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

5 Responses to સંબંધોનું ગણિત

 1. સુરેશ જાની કહે છે:

  બહુ જ વિચારતા કરી દે તેવો, સૌને સ્પર્શતો લેખ.
  ઝેન સાધુની વાત બહુ જ ગમી. પણ એ સમતા અસામાન્ય છે.
  સામાન્ય માણસોના સંબંધોમાં અપેક્ષા બહુ મોટો ભાગ ભજવે છે. એને ત્યજવી બહુ દુષ્કર છે. પણ એ તરફ દુર્લક્ષ્ય કેળવવતાં મનની શાંતિ વધી શકે છે. કદાચ હોબી પણ આ માટે કારગત નીવડે છે – સ્વાનુભવે સમજાયેલી વાત. હોબીમાં જાત સાથે જ રહેવાનું મળે છે. આથી સંબંધોમાં નડતા અંતરાયથી બચી શકાય છે.
  બ્લોગિંગને હોબી અને સંબંધો વચ્ચેનો સેતૂ માનતો હતો; પણ એ માન્યતા ખોટી જણાઈ છે.

 2. pragnaju કહે છે:

  જે ખોટી બદનામીથી ડરે છે તે સાચી પ્રશંસા પામી શકતા નથી.
  સરસ

 3. chandravadan કહે છે:

  Rekhaben….Very nice Lekh !
  Enjoyed reading it !
  True”Sambandan” in Ganit means you can add & never duduct…you can multiply but never diminish by dividing !….It MUST always GROW !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rekhaben…Hope to see you on Chandrapukar !

 4. readsetu કહે છે:

  સરસ લેખ લખ્યો છે રેખા..
  લતા હિરાણી

 5. nilam doshi કહે છે:

  nice to read…
  સંબંધોનું ગણિત હમેશા અટપટું રહ્યું છે.. અને રહેવાનું..કેમકે એનો સીધો સંબંધ માનવીના મન સાથે છે..અને ભગવતીકુમાર શર્માએ એક જ પંક્તિમાં કેવડી મોટી વાત કહી દીધી છે…
  આમ તો સત્ય, ત્રેતા અને દ્વાપરને ઓળખું.
  મુશ્કેલ છે માનવીના મનને પામવાનું…

  એકાદ બે શબ્દો કદાચ આડાઅવળા થ્ઇ ગયા હોય મારાથી એવું બને..પણ કેટલી સાચી વાત છે..

  માનવીના મનનો પાર પામવો સૌથી અઘરી વાત…
  અને તેથી જ સંબંધોમાં પણ…અનેક અણધાર્યા વળાંકો આવતા રહે છે..આવતા રહેશે…
  આ બધાની વચ્ચે પણ સમય અને સંજોગો વચ્ચે પણ અદીખમ ઉભા રહી શકે એવા સંબંધો જયારે પાંગરે છે..ત્યારે એની સુવાસથી આયખું મઘમઘ…..
  આજે સંબંધસેતુમાં આવા જ એક નામ વિનાના સાચુકલા સંબન્ધની વાત એટલે જ કરી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.