સાવકો પરિવાર

ડો. નિશાની શંકા સાચી પડી હતી. એની પ્રિય સખી મમતાના રીપોર્ટસ કેન્સરનું નિદાન કરતા હતાં. કલ્પના બહારનું બન્યુ હતું. રવિવારે બંને સાથે શોપીંગમાં જવા નીકળ્યા ત્યારે મમતાએ ફરી કહ્યું હતું કે હમણાંથી તેને ચક્કર આવે છે. કેન્સરની શંકા ખોટી હોય તો પણ દૂર કરવી જરૂરી માનીને નિશાએ ખાલી ચેકઅપ કરાવવા માટે મમતાને પોતાની ક્લીનીક પર બોલાવી બધા ટેસ્ટ કર્યા હતા. હવે તેને રિઝલ્ટની જાણ કેમ કરવી તે વિમાસણમાં તે પડી ગઈ હતી. બીજા દર્દી હોય તો સાથે આવેલાને કહેવાનું સહેલું હતું. પણ આ તો ઘરની જ હોય તેવી વાત હતી. સાંજે એને ઘરે જઈને એના પતિ મિહિરની હાજરીમાં જ વાત કરવી અને હિંમત આપવી એવું નક્કી કર્યા પછી નિશા પોતાના માટે હિંમત એકઠી કરવા લાગી. કામમાં આજે એનું ચિત નહોતું વહેલી ઘરે જઈને નિશાએ સ્વસ્થ થઈને મમતાને ફોન કર્યો, મમતાએ તુરત લેબના રિઝલ્ટ બાબત પુછ્યું. નિશાએ જ્યારે જણાવ્યુ કે મારે તમારા બંને સાથે વાત કરવી છે ત્યારે વાત ગંભીર છે તેનો અણસાર મમતાને આવી ગયો. “શું છે? કહે તો ખરી” ના જવાબમાં “રૂબરૂ જ કહીશ બાળકો સૂઈ જાય પછી નિરાંતે આવું છું જેથી શાંતિથી વાત થઈ શકે, ચિંતા ન કરીશ” એમ નિશાએ કહ્યુ તો ખરું પણ વાત તો ચિંતાની જ હતી.

સાંજે એમને મળી ત્યારે નિશાની આંખો કંઈ કહેતાં પહેલાં જ છલકાઈ ઉઠી અને મમતાએ એમાં પોતાના મૃત્યુની પીડાની ઝલક જોઈ. “ગમે તેવી બિમારી સામે હું બાથ ભીડીશ મને ઈશ્વરમાં શ્રધ્ધા છે, તું પણ ચમત્કારોમાં માને છે ને નિશા?” મમતા બોલી પણ ભીતરમાં એક જબરજસ્ત ધરતીકંપ થઈ ચૂક્યો હતો અને બધું જ વેરણછેરણ થઈ ચૂક્યુ હતું. ધરતી સરવા લાગી હતી પણ એ જ ધરતી પર એના બાળકો અને પતિની આશાઓ ઉગેલી હતી એ ધરબાઈ ન જાય તે માટે એણે મક્કમતા અને હિંમતને વશ કર્યા. શાંતિ અને સ્વસ્થતાથી તે નિશા માટે પાણી લઈ આવી અને શું બિમારી છે? અને આગળ હવે શું? તે પૂછ્યું. મિહિરની ગંભીર આંખો કેન્સરની વાત સાંભળી ગમગીન બની ગઈ. આકાશ પાતાળ એક કરવાની એણે તૈયારી બતાવી. એનું બધું લક્ષ મમતાને બચાવી લેવા તરફ ગયું હતું જ્યારે મમતાનું લક્ષ પોતાને કંઈ થયું તો બાળકોનું શું? એ પ્રાણપ્રશ્ન તરફ ગયું. જુહી અને પાર્થ સાત અને નવ વર્ષના જ હતાં. નાજુક કળી જેવા આ બાળકોને સાવકીમાના આધિપત્ય નીચે જ રહેવું પડે તે નક્કી જ માનવાનું એક કારણ મિહિરની માતા અને બીજું મિહિરની વારંવારની બિઝનેસ ટ્રીપ. મિહિર ખુબ પ્રેમાળ અને વિશ્વાસુ સ્વભાવનો વળી ધનવાન પણ ખરો જ પણ બાળકોને સાચવવા તૈયાર હોય એવી સ્ત્રી માટે બાંધછોડ તો કરવી જ પડે. મમતાના મનનો કબજો આ વિચારોએ લઈ લીધો. એણે આંખમાંથી આંસુની ધાર સાથે મિહિર તરફ લાચાર નજર ફેરવી. મિહિરને આશા હતી કે મમતાને બચાવી શકાશે કે પછી મમતાનું મૃત્યુની શક્યતા સ્વીકારવાએ તૈયાર નહોતો આથી મમતાને હિમંત અને આશ્વાસન આપતો હતો. મૃત્યુના પડકાર સામે લાચાર મમતાને હવે પોતાની હિંમત પર જ આગળની તૈયારી કરવાની હતી. પતિ-પત્ની રાત આખી સૂઈ શક્યા નહી. સવારે સ્પેશીયાલીસ્ટ પાસે જવાનું હતું. બાળકોને પોતે જરાય દુ:ખી નહી થવા દે તેવી મિહિરની વારંવારની ખાત્રી પણ મમતાને જરા યે અસર નહોતી કરતી. એવુ લાગશે તો બીજા લગ્ન પણ નહી કરવાનું વચન આપવા પણ મિહિર તૈયાર થયો પરંતુ એની જિંદગી વેરાન થઈ જાય એવું પણ મમતા નહોતી ઈચ્છતી. કેન્સરના હુમલાથી મમતા ખળભળી ઊઠી હતી પણ યમરાજાએ જાણે દયા રાખીને એને તૈયારીનો સમય આપ્યો હતો જેથી ઘરને ઊની આંચ ન આવે.

સૂર્યના મંદ ઉજાસ સાથે સવાર પડી રાબેતા મુજબ બાળકોને તૈયાર કરી શાળાએ મોકલી મમતા તૈયાર થઈ. મિહિર પણ કામ પરથી રજા લઈ હોસ્પીટલે જવા તૈયાર થયો. એને ખબર ન હતી કે મમતા નિર્ણય લઈ ચૂકી હતી કે મિહિર અને બાળકોને સાચવીને હુંફ આપી શકે એવી પ્રેમાળ સ્ત્રીના હાથમાં ઘરને સોંપીને જ મૃત્યુને આવકારવું. ટ્રીટમેન્ટની ચિંતા તો મિહિર કરવાનો જ હતો, મમતાની ખરી ચિંતા પોતાના મૃત્યુ પછીની હતી. હોસ્પીટલે પહોંચ્યા ત્યાં નિશા એમની રાહ જોતી હતી. ડો. નિશાના ખાસ પેશન્ટ તરીકે રાહ જોવી પડી નહી. સ્પેશીયાલીસ્ટ સાથે વાત કરી નિશાએ જાણ્યુ કે લીવરનું વધતું જતું ચાંદુ જેટલું અટકાવી શકાય તેટલા જીવનના દિવસો વધારે મળી શકે અને એ માટેની દવાઓ અને પરેજીની વિગતો સમજી ત્રણે બહાર આવ્યા. નિશા બંનેને બાજુના રેસ્ટોરન્ટમાં જમવા લઈ ગઈ.

સૌ જાણે છે કે મૃત્યુ અનિવાર્ય છે અને કોઈ પણ બહાને ગમે તે પળે આવીને ઊભું રહે છે છતાં એ માટે તૈયાર રહેવું કેટલું અઘરૂં છે તેનો અનુભવ સમજણની એક જુદી જ ભૂમિકા પર લઈ જાય છે.
એક ડોક્ટર મિત્ર તરીકે નિશા પોતાની વ્હાલી મિત્રને છેક અંત સુધી સાથ આપવા તૈયાર હતી અને મમતાની ખુશી અને તંદુરસ્તી માટે મિહિર ગમે તે ભોગ આપવા તૈયાર હતો પણ મમતા તો મૃત્યુ પારની દુનિયામાં પ્રવેશી ચૂકી હતી. એ મિહિર અને નિશાની વાતમાં હોંકારો ભણતી હતી પણ એના મનમાં જુદા જ વિચારો ચાલતા હતાં. થાળીઓ પીરસાઈ અને સૌ જમવાનું શરૂ કરે તે પહેલાં તેણે ધડાકો કર્યો,’ નિશા, મારી પાસે હવે સમય ઓછો છે અને મારા બાળકોની મા બનીને રહે એવી સ્ત્રી મિહિર માટે શોધવા મારે તમારો બંનેનો સાથ જોઈએ છે.” દવા-દારૂ અને સારવારની જગ્યાએ આ વિચિત્ર વાત સાંભળી મિહિર અને નિશા તો ડઘાઈ જ ગયા. આનું ચસકી ગયુ છે કે શું? એવી શંકાથી બંને એકબીજા સામે જોવા લાગ્યા. નિશા પરણેલી હતી અને માતા પણ હતી આથી પરણેલી સ્ત્રીનું હ્રદય સમજતી હતી છતાં ય આ વાત તેને અસ્થાને લાગી પરંતુ મૃત્યુને કિનારે ઊભેલી મમતાની કોઈ પણ વાતનો વિરોધ કરવાના હોંશ તેનામાં નહોતા. મમતા આગળ કહેવા લાગી, “તમારો સાથ હશે તો મને સરળતા રહેશે નહીતર પણ હું જે પાત્ર શોધીશ તેને મારા ખાતર પણ મિહિર સ્વીકરશે તેનો મને વિશ્વાસ છે.” એના વિશ્વાસને તાબે તો મિહિર પહેલેથી જ હતો પણ અત્યારે તો મમતાનું આ ગાંડપણ સહી લેવા ચૂપચાપ યંત્રવત્ મોઢામાં કોળીયા મૂકતો હતો. વાતનો દોર ફરી ટ્રીટમેન્ટ બાજુ લઈ જઈ મમતાની વાત તરફ બંનેએ દુર્લક્ષ સેવ્યું.

જમીને સૌ ઘરે ગયા. મિહિરે પરાણે મમતાને સુવડાવી, બેડરૂમનો દરવાજો બંધ કરી એ લિવીંગરૂમમાં આવ્યો. બાળકો શાળાએથી આવી ગયા હતા. એમને જમાડયા અને મમ્મીને ઠીક નથી માટે હવેથી તેને હેરાન ન કરવી અને કંઈ કામ હોય તો પપ્પાને કહેવા બંનેને સમજાવ્યા. આટલો ઝડપથી આટલો મોટો ફેરફાર સમજવા બંને બાળકોએ એટલા પ્રશ્ન પૂછ્યા કે મિહિર રડું રડું થઈ ગયો. હેં પપ્પા, મમ્મીને શું થયું છે? ક્યારે સાજી થશે? નીલની મમ્મીની જેમ તેને દવાખાને નહી રહેવું પડે ને? હેં પપ્પા, નાના ભાઈ કે બહેન આવવાના હોય તો પણ મમ્મી માંદી પડે ને? પપ્પા, પલક કહેતી હતી કે તેની મમ્મી માંદી પડી એટલે એને મૂકીને જતી રહી તો મેં કીધું કે મારી મમ્મી તો એવું કોઈ દિવસ ન કરે, હેં ને પપ્પા? પપ્પા જવાબ નથી આપી શકતા અને દુ:ખી થાય છે તે જોઈ બાળકો પ્રશ્નો પૂછવાનું બંધ કરી પપ્પાને ખુશ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ ક્યાં જાણતા હતા કે એ કેટલું અઘરૂં છે.

બપોરે બે કલાક સૂઈ જઈ થાકેલા મનને મમતાએ આરામ આપ્યો. સાંજે મિહિરે એની માતાને બોલાવી લેવા માટે પૂછ્યું તો મમતાએ મક્કમતાથી ના કહી. યોગ્ય સ્ત્રીની શોધમાં કોઈની ડખલ એને સ્વીકાર્ય ન હતી. મિહિરની સંમતિની આવશ્યકતા પણ અત્યારે તો એને નહોતી. પહેલાં તો એવી સ્ત્રી શોધવાની હતી. ઘરના કામકાજ માટે તુરંત આખા દિવસની બાઈની વ્યવસ્થા કરવામાં આવી. બાળકો મમતાનું સર્વસ્વ હતાં અને તે ન મુરઝાવા જોઈએ એવા ધ્યેય સાથે એણે બીજી બધી જ ચિંતાઓને હડસેલીને પોતાનો પર્યાય બની રહે એવી સ્ત્રી શોધવાના વિચારે ચઢી ગઈ. જાણીતા વર્તુળમાં તેણે નજર દોડાવી. વીણાબેનની શિખાનું હજુ કશે ગોઠવાયું નથી મિહિરના મમ્મી પણ કદાચ એના માટે તૈયાર થાય પણ ના ના એને તો બાળકો ગમતા જ નથી. શેરીના બાળકોને પણ તતડાવ્યા જ કરતી હોય છે. ધર્મધ્યાનમાં ઘણો સમય કાઢે એટલે વડીલોમાં એનું માન પણ એની કોરી અને ભાવવિહિન આંખો થકી જ હજુ સુધી કોઈના દિલમાં નથી વસી. એવી લાગણીવિહિન સ્ત્રી ગમે તેટલી સારી હોય તો પણ બાળકોમાં પ્રેમનું સિંચન ન જ કરી શકે. શીલાના તાજેતરમાં ડિવોર્સ થયા છે. ખૂબ સારી છોકરીની છાપ અને મિહિર માટે તૈયાર પણ થાય પણ એકવાર વાતવાતમાં શીલાને ડીવોર્સના અનુસંધાને એણે કહ્યુ હતું કે “સારૂ છે કે તારી સાથે બાળક નથી……” અને વાક્ય પુરૂં થાય એ પહેલાં જ શીલા બોલી ઊઠી હતી, “ એ તો ખરૂં જને ! નહિતર પછી મને કોણ લે?”. “નહિતર એ પણ કેટલું દુ:ખી થાય” એવું મમતાનું વાક્ય અધુરૂં જ રહ્યું હતું. કદાચ એના ડિવોર્સમાં પણ એનો સ્વાર્થી સ્વભાવ જ કારણભૂત હોય. એના કરતાં તો વર્ષા સારી! વિધવા છે પણ એના બાળક માટે પ્રાણ પાથરે છે. હૃદયની પ્રેમાળ છે પણ ભેદભાવ ન રાખે એની શી ખાત્રી? અને ખાત્રી માટે જ તો મૃત્યુ પહેલાં લાવવાની વાત છે. વર્ષો સાથે ગાળ્યા પછી પણ માણસને ઓળખી નથી શકાતો તો આવી ખાત્રી તો ક્યાંથી મળે? મમતાને પોતાનો વિચાર અવાસ્તવિક લાગ્યો. નિરાશા ઓઢીને એ રાત્રે તો એ સૂઈ ગઈ પણ જીવનની ઘટમાળ બદલાઈ ગઈ હતી.

કેન્સરની જાણ સૌને જેટલી મોડી થાય તેટલું સારૂં એમ માની એ અંગે કોઈને જણાવ્યુ ન હતું. ક્યારેક મમતાને થતું કે બાળકો સાથેના આનંદનો અમૂલ્ય સમય હવે જરાયે ગુમાવવો નથી એટલે એમને ખૂબ વળગતી તો ક્યારેક થતું કે એમને અત્યારથી દૂર નહી કરૂં તો તેઓ વધારે દુ:ખી થશે એટલે વૈરાગ કેળવવા પ્રયત્ન કરતી. બંને સ્થિતિમાં મારા પછી બાળકોની મા કોણ થશે? એ વિચાર એને મિહિરની પત્ની પોતે જ પસંદ કરવા પ્રેરતો હતો. છાપામાં જાહેરાત આપવાનો બાલિશ વિચાર પણ આવ્યો અને તો તો કેટલો હોબાળો થઈ જાય. અરે! મિહિરની મમ્મીને ખબર પડે તો ય ઉપાધિ વધે. આ તો ખાનગી રીતે જાણીતા લોકોમાંથી જ એક વિશ્વાસ કરી શકાય એવું પાત્ર શોધવાનું છે. પહેલાંના જમાનામાં બહુપત્નીત્વ સર્વમાન્ય હતુ ત્યારે બીજી પત્ની શોધવા કારણની જરૂર ન હતી. હવે એક પત્ની હયાત હોય ત્યારે બીજીને લાવવાનો વિચાર જ ખોટો, એ ય શું ખોટું નથી? એણે મિહિર સાથે આ વિચાર મૂક્યો ત્યારે મિહિરે એને તરત ચૂપ કરી કે ‘પત્નીની વાત જવા દે. મારે કોઈ પ્રેમિકા હોત તો ય તું સ્વીકારી શકત? અને એ પણ આ નિદાન પહેલાં? “પણ હવે હું સ્વીકારીશ. ખરેખર તારા ધ્યાનમાં કોઈ હોય તો મને કહે” મમતાની આજીજી નિષ્ફળ જ ગઈ કારણકે મિહિરનો પ્રેમ એકનિષ્ઠ હતો.
કેટલાક દિવસો સુધી આશા-નિરાશા વચ્ચે મમતાના મનમાં યુધ્ધ ચાલતું રહ્યું. જેટલી લગ્નોત્સુક કન્યાઓને એ જાણતી હતી તે વિષે એ વિચારતી રહેતી. કોઈ બીજવર માટે તૈયાર ન થાય એવું લાગે તો કોઈને બાળકોનો જ મોટો વાંધો ! કોઈ ગરીબ ઘરની કન્યા ફકત પૈસા જોઈને જ પરણવા તૈયાર થાય જેમાં બાળકો ગૌણ બની રહે એ મમતાને કબૂલ નથી. એને તો મિહિર ખાતર બાળકોને ચાહે તેવી શક્યતાઓ સાથે નહી પણ પોતાની જેમ બાળકોને પ્રથમ રાખીને મિહિરને ચાહી શકે એવી સ્ત્રીને મરતાં પહેલાં ઘર સોંપવું હતું. લગભગ બધે જ એણે નજર ફેરવી જોઈ. નિશાને પણ પૂછ્યું. આડકતરી રીતે પણ ઘણી તપાસ કરી પણ ક્યાંય મેળ પડે તેવું લાગ્યું નહી. એની આશાઓ ડૂબવાની અણી પર હતી ત્યાં જ એક દિવસ ડોરબેલ વાગી અને બારણું ખોલતાં એની એક સમયની મિત્ર નિરાલીને જોઈ એના અંતરમાં પ્રકાશ થઈ ઉઠ્યો. તેણે ખુશ થઈ નિરાલીને આવકાર આપ્યો. ખુશીના આવકારની આશા નિરાલી ભાગ્યે જ કોઈ પાસે રાખતી એટલી એ બદનામ હતી પણ આ એક ઘર એવુ હતુ કે જ્યાં એને મીઠો આવકાર મળતો અને તેથી જ એ ક્યારેક આ તરફ આવતી રહેતી.

આવકાર આપતાં મમતા આટલી ખુશ કેમ થઈ ગઈ તે નિરાલીને સમજાયું નહી. તે ઘણા વખતે મમતાને ત્યાં આવી હતી. કોલેજમાં બંને સાથે ભણતાં અને એક જ મિત્રવર્તુળમાં હતા. આ મિત્રવર્તુળને કારણે જ નિરાલી બદનામ થઈ ચૂકી હતી. તેની ખાસ સખી સીમાના પતિએ એકવાર સીમાની પીઠ પાછળ તેનો ગેરલાભ લેવા પ્રયત્ન કરેલો. નિષ્ફળ ગયા પછી સીમા જાણી જશે એવી ભીતીથી નિરાલી કંઈ કહે એ પહેલાં જ એના પતિએ સીમાને નિરાલીથી દૂર રહેવા કહ્યુ. સીમાની શંકાનું ઝેર ધીરે ધીરે સમાજમાં વ્યાપી ગયું. મોડેમોડે સીમાને સત્ય સમજાયુ હતું પણ એ પહેલાં શંકાશીલ મિત્રપત્નીઓ અને શિથિલ ચારીત્ર્યવાળા સખીપતિઓની નજરોએ નિરાલીને બદનામીના સિક્કા સાથે જાકારો આપી દીધો હતો. કોઈ સારો મુરતીયો મળવો પણ દુર્લભ થઈ ગયું હતું મમતા એની વાત સાંભળતી અને વિશ્વાસ કરતી આથી નિરાલી એનો ખૂબ આદર કરતી અને મોટેભાગે મમતાના આગ્રહ છતાં મિહિર આવ્યા પહેલાં જ એ ચાલી જતી. બાળકો માટે અચૂક કંઈ ને કંઈ લાવી જ હોય. એને જોઈને બાળકો પણ દોડી આવે. જાણે બાળકોને રમાડવા જ આવતી હોય તેમ એમની સાથે પણ એટલી જ વાતો કરે. એકવાર એણે કહેલું મમતાને સાંભરી આવ્યું કે મને પરણવા ન મળ્યું તેના અફસોસ કરતાં બાળકોની મા નહી થઈ શકું તેનો અફસોસ વધારે થાય છે.

કુંવારી છોકરીઓની યાદીમાં નિરાલી કેમ યાદ ન આવી? એ આશ્ચર્ય સાથે મમતાએ તેને આવકાર આપી ખબરઅંતર પૂછ્યા. હરવખતની જેમ જુહી અને પાર્થ દોડી આવ્યા. નિરાલી એમને ભેટીને હમેંશની જેમ ખુશ થઈ ઊઠી. આજે એ દૃશ્ય મમતાના હૃદયને સ્પર્શી ગયું. બાળકોને એણે રમવા મોકલી આપ્યા અને આજે જ નિરાલીને પોતાનો વિચાર જણાવવા તૈયાર થઈ. સમય હવે ક્યાં તેના હાથમાં હતો?
“તારે કંઈ હવે પરણવાનો વિચાર છે કે નહી?” મમતાએ વાતની શરૂઆત કરી. નિરાલીએ કહ્યું, “જે પ્રકારના માંગા આવે છે તે જોયા પછી તો ન પરણવાનો વિચાર દૃઢ થતો જાય છે. કેમ કોઈ ધ્યાનમાં છે?”
“હાં, પણ જુહી અને પાર્થ જેવડા બે બાળકો છે અને પત્ની મોતની નજીક છે અને મરતાં પહેલાં નવી મા ને પોતાના હાથે બાળકો સોંપવા ઈચ્છે છે.” મમતાએ કહ્યું. નિરાલી તેની સામે જોઈને કહેવા લાગી “તારી તબિયત તો ઠેકાણે છે ને! આજે તું મને જુદી જ લાગે છે”. મમતાએ આંખમાં આંખ પરોવી કહ્યું “બહુ સાચી વાત છે. હું આજે જુદી જ છું અને ના, મારી તબિયત ઠેકાણે નથી મને કેન્સર છે. મૃત્યુ મારી રાહ જુવે છે તું મારા બાળકોને સંભાળીશ? પ્લીઝ! ના ન કહીશ. મારી જગ્યાએ મને તારાથી યોગ્ય કોઈ દેખાતું નથી.” ચાર આંખોમાં આંસુની ધારાઓ ચાલી. “પણ મિહિર….”નિરાલી માડ બોલી શકી. એને વચ્ચે જ અટકાવીને મમતા કહે,” એની તું ચિંતા ન કર મને વિશ્વાસ છે કે એને હું સમજાવી શકીશ તને કશો વાંધો હોય તો મને કહે.” આંખમાં આંસુ સાથે નિરાલી કહે,” અરે! મેં સ્વપ્ને પણ કલ્પના નથી કરી એટલું સુખ તું મને આપવા તૈયાર થઈ છો, વિચારવાનું મારે નહી તારે અને મિહિરને છે.” “તો પછી હું તારી હા જ સમજું છું બોલ ક્યારથી મારી સાથે રહેવા આવે છે?” મમતાએ પૂછ્યું. “પહેલાં તું એક વાર મિહિરને તો પૂછી જો” નિરાલીએ કહ્યું. મમતાએ જવાબ આપ્યો, ”એને તો હું આજે જ વાત કરીશ પણ તું શક્ય તેટલી વહેલી આવે અને ઘર-પરિવારને સંભાળવા લાગે તો મને રાહત થાય.” મમતાની તબિયત વિષે થોડી વાતો કરી આવતીકાલે ફરી મળવાનું નક્કી કર્યા પછી બંને સખીઓ એકમેકમાં ઓગળતી હોય એમ ભેટીને છુટી પડી.
મિહિર નિરાલીને જવલ્લે જ મળ્યો હતો. એને એટલી ખબર હતી કે એક સારી છોકરી ખોટી રીતે બદનામ છે. મૃત્યુના પડકારે મમતાને ગાંડપણ સુઝાડ્યું છે એમ માનવા છતાં તે મમતાને નારાજ કરવા નહોતો માંગતો. કેટલીય દલીલો છતાં મમતા એકની બે ન થઈ. મારા અને બાળકોના પ્રેમ ખાતર તારે સહકાર આપવાનો છે એ જ વાત પર મમતા ફરીફરીને આવતી હતી. અંતે મમતાની જીત થઈ. બીજે દિવસે સાંજે નિરાલી જ્યારે મમતાના પરિવાર સાથે ડિનર લેવા રોકાઈ ત્યારે મિહિરને એણે પ્રથમવાર ભાવિ પતિ તરીકે નિહાળ્યો. મમતાની દેખરેખ સિવાય મિહિર અત્યારે કશું જ વિચારવા નહોતો માંગતો. એ દેખરેખની જવાબદારી વહેંચવા માટે આવતીકાલથી અહીં રહેવા આવવાની પરવાનગી નિરાલીએ મમતાની હાજરીમાં જ મિહિર પાસે માંગી. મિહિર માટે ના પાડવા માટે કોઈ અવકાશ રહ્યો નહી. એણે ડોકું ધુણાવી હા કહી અને મૂંગા મૂંગા ભોજનને ન્યાય આપવા લાગ્યો. ભોજન દરમ્યાન છ નેત્રોનું તારા મૈત્રક રચાતું અને બાળકોના કિલબિલાટથી તુટતુ રહેતું હતું. બીજા દિવસે નિરાલી કપડાંની એક બેગ સાથે મમતાને ત્યાં રહેવા આવી ગઈ. મૃત્યુ જ્યારે દરવાજો ખટખટાવતું હોય ત્યારે પ્રેમ સાથે આપોઆપ જ સંધાન થવા લાગે છે.

દિવસ પછી દિવસ વિતવા લાગ્યા. મમતાની સંભાળ નિરાલી અત્યંત રાખતી હતી છતાં એને એક પછી એક અધિકારો આપતા મમતાને બહુ વસમું પડતું. પોતાના ઘરેણાં એણે ખૂબ પ્રેમથી આપ્યા પણ ડાઈનીંગ ટેબલ અને રસોડાના અધિકારો આપતા વસમું પડ્યું. નિરાલીનો બાળકો સાથેનો પ્યાર જોઈને એ ખુશ થતી પણ મિહિર સાથેની સ્મિતની આપ-લે પણ તેને ચચરતી. મમતાથી હવે બહુ હરફર થતી નહી મોટેભાગે તેને પથારીમાં સૂઈ રહેવું પડતું. હોસ્પિટલના બિછાને ખોટી આશામાં સમય લંબાવવાનો એણે સાફ ઈન્કાર કર્યો હતો. જરૂરી ટ્રીટમેન્ટ માટે ડો. મિત્ર નિશાની મદદથી ઘરે સહાય મળી રહેતી હતી. તેના બિછાના પાસેની આરામખુરશીમાં રાત્રે મિહિર અથવા નિરાલી સૂઈ રહેતાં. તક મળે ત્યારે નિરાલી સાથે તે બાળકોની અને મિહિરની વાતો કરતી રહેતી જે નિરાલી ખૂબ ધીરજપૂર્વક સાંભળતી. નિરાલીની હાજરી મિહિરને ઘણી રાહતરૂપ હતી પણ સાથે મમતાના દિલમાં સંઘર્ષ સર્જતી હતી. બાળકોને મમતાએ સમજાવ્યું હતુ કે મમ્મીને ભગવાનને ઘરે જવું પડશે તો નિરાલી એમનું ધ્યાન રાખશે. બાળકો નિરાલીનો વિશ્વાસ કરી શકે તે માટે એ જાગૃત રહી પ્રયત્ન કર્યા કરતી. જરૂર પડે ત્યારે કે હોસ્પીટલે ટેસ્ટ માટે જવાનું હોય ત્યારે મિહિર રજા લઈ લેતો. કેન્સરની જાણ સગાંવ્હાલાને થઈ ચૂકી હતી પણ મમતાના આરામમાં ખલેલ ન પડે તે માટે રવિવાર સિવાય અમે દવાખાને ગયા હોઈએ તો ઘરે ન પણ હોઈએ એમ જણાવ્યું હતું અને રવિવારે બાળકોને લઈ નિરાલી બહાર ફરવાં જતી રહેતી આથી એની હાજરી વિષે બહુ પૂછપરછ ન થાય.

આમ લગભગ ચાર મહીના આમ વીતી ગયાં મમતા હવે બિલકુલ પથારીવશ થઈ ગઈ હતી. બંનેની મમ્મીઓએ આવીને રોકાવાનો પ્રયત્ન કર્યો પણ એમને સમજાવીને પાછા મોકલ્યા. જરૂર હશે તો તમને કહેશુ જ ને! કહી ચિંતા ન કરવા કહ્યું. લીવરનું ચાંદુ પ્રસરતું ગયુ તેમ અહમ વધુ ને વધુ ઓગળતો જતો હતો. શારિરીક નબળાઈ એટલી હતી કે ટેકા વગર ઊભું થઈ શકાતું નહી પરંતુ એને સંભાળવા નિરાલી અથવા મિહિર પાસે હોય જ. એકરાત્રે મમતાએ મહેસુસ કર્યુ કે પ્રેમથી દીપતા આ ઘરમાં યમરાજા શાંતિથી પ્રવેશીને રજામંદીની રાહ જુવે છે. હજુ એક કાર્ય બાકી છે વિચારી મમતાએ પથારીમાંથી ઊભા થવા પ્રયત્ન કર્યો આધાર માટે આરામખુરશી પર નજર ફેરવી તો એ ખાલી હતી. મિહિર ક્યાં?

અદબ વાળીને ઊભેલાં યમરાજાની અદૃશ્ય હાજરી મિહિરથી સહન ન થઈ કે કેમ પણ ખૂલ્લી હવામાં જવાની તડપ એને વરંડામાં ખેંચી લાવી હતી. એ જ વખતે સાવકા પરિવારના પ્યારમાં ગળાડૂબ નિરાલી પણ ઊંઘ ન આવવાથી વરંડામાં લટાર મારવા નીકળી. શીતળ ચાંદનીમાં વ્યથા ઓગાળતો મિહિર ચંદ્ર તરફ મીટ માંડીને ઊભો હતો. પાછળથી નજીક જઈ નિરાલી એની પીઠ પસારવા લાગી. મમતાના બેડરૂમની બારી બંનેની પીઠ તરફ હતી. પલંગને ટેકે ઊભી થયેલી મમતાએ બારીમાંથી આ દૃશ્ય જોયું અને ચંદ્રની શીતળતા એને અહીં સુધી સ્પર્શી ગઈ. ત્રણેયના હૈયા એમાં નાહી રહ્યા.

સવારે મમતાએ મિહિરને રજા લઈ લેવા કહ્યું. છેલ્લી ઘડીઓ હવે નજીક છે તે અહેસાસ સૌને થઈ ગયો હતો. બંને માતાઓનો ઝળઝળીયો પ્યાર ઝીલીને બાળકો શાળાએ ગયા. નાહીધોઈને મમતાએ ઘરમાં રાખેલ ભગવાનનાં મંદિર પાસે જવાની ઈચ્છા દર્શાવી. નિરાલી તેને ત્યાં સુધી દોરી લાવી. એણે એક ખુરશી લાવવા મિહિરને કહ્યું. તેના પર બેસી મંદિરના નીચેના ખાનામાંથી મમતાએ સિંદુર કાઢ્યું અને મિહિરને ધર્યું. શબ્દોની કોઈને જરૂર લાગી નહી. મિહિરે ચપટી ભરી સામે ઊભેલી નિરાલી તરફ જોયું અને પછી તરત જ પાસે ખુરશી પર બેઠેલી મમતાના સેંથામાં પૂર્યું. સ્મિત સાથે મમતાએ ફરી એનો મુરઝાયેલ કમળ જેવો હાથ સિંદુર સહિત મિહિરને ધર્યો અને ઈશારાસૂચક મૌન વડે નિરાલીની સેંથીમાં પૂરવા કહ્યું. મમતાની આખરી ઈચ્છા પૂરી કરી ત્રણેએ આ ધન્ય પળને વધાવી લીધી. મિહિર અને મમતાને પગે લાગી એમના આશીર્વાદ લઈ નિરાલી આ પરિવારનું અભિન્ન અંગ બની ગઈ. મધુર સંગીત સાથે મંત્રોચ્ચારની કેસેટ મૂકાવી મમતા મૃત્યુની સોડ તાણવા સેજ તરફ જવા ઊભી થવા લાગી. એક હાથ મિહિરના ખંભે અને બીજો નિરાલીની સુંદર ગ્રીવા ફરતો વીંટાળી અંનતની સફરે જવા મમતાએ શાંતિથી કદમ ઉઠાવ્યો.

This entry was posted in વાર્તા, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

2 Responses to સાવકો પરિવાર

  1. daksha chopra કહે છે:

    Well interpreted …….,
    National Breast Cancer Awareness Month (NBCAM) is held every octomber month to raise awareness of this disease among people .

  2. nilam doshi કહે છે:

    nice story..like it…
    nicely expressed too…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.