પિયર્સ

આજથી 25 વર્ષ પહેલાં હું માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં હોસ્ટેલમાં રહી ભણતી હતી ત્યારે પિયર્સ મારો પ્રિય સાબુ હતો. ત્યારે તે મોંઘો સાબુ ગણાતો. તેના એક સાબુની કિંમતમાં બીજા સામાન્ય ત્રણ ચાર ન્હાવાના સાબુ ખરીદી શકાય. હોસ્ટેલમાં જ્યાં મુવી (પિક્ચર) જોવા જવાના પૈસા ય ઘણીવાર માબાપે આપેલા એલાવન્સમાં ઘટતા હોય ત્યાં મોંઘાદાટ સાભુ વાપરનારા ગણ્યાગાંઠ્યાઓમાંની હું એક હતી. આમ તો હું કંઈ ઉડાઉ કે શ્રીમંતાઈનો ગર્વ કરનારાઓમાંની નહોતી પરંતુ પિયર્સ સાબુ મને ખરેખર પ્રિય હતો. અને એટલે જ હું એ વાપરતી હતી. સ્વાભાવિક રીતે જ લગ્ન પછી આણાની બેગમાં નાની મોટી વસ્તુઓની સાથે ડઝનબંધ પિયર્સ પણ મૂકાયો. જે કાંઈ નોંધ લેવા જેવી બાબત નહોતી.

હજુ તો વિદાય વખતના વચનો..”દીકરી, અનુકૂળ થઈ રહેજે” “ચિંતા ન કરશો તમારી દીકરીને અમે બરાબર સાચવીશું” વગેરેના પડઘા શમ્યા ન હતા ત્યાં pears(સાબુ)નો stock ખલાસ! સહજ રીતે જ હું બીજો લઈ આવી. આણાની બેગમાં તો પિયરનો ખરીદેલો હતો તેથી કોઈને નહતો ખટક્યો પરંતુ સાસરાના પંદર માણસના સંયુક્ત કુંટુંબમાં મોંઘો સાબુ ખટકવાનો તેની જાણ મને ન હતી પણ મારા પતિને હતી. સાબુ જોતાં જ તેના ચહેરાના હાવભાવ બદલી ગયા તે મેં જોયું. મેં “કેમ?” પૂછ્યું તો માંડ એટલું બોલ્યા કે “આપણને આ નહી પોસાય” મેં તરત જ સહજતાથી કહ્યું કે હું પાછો આપી આવીશ. મને કહે, ‘રહેવા દે! હું બજારમાં જઈશ એટલે પાછો આપી આવીશ, ક્યાંથી લીધો?’ ‘મંગલમ’માંથી મેં જવાબ આપ્યો.
નવજીવનના નાના મોટા બીજા ફેરફારોમાં આ એક નજીવો ફેરફાર તો વિસરાઈ પણ ગયો. આમ પણ પિયર છૂટતાં ઘણું બધું છૂટ્યું તેમાં પિયર્સ સાબુની તો શી વિસાત?
પછી તો ઘણા સંઘર્ષો પછી જ્યારે આછરેલા નીર જેવી સ્થિર પ્રવાહિતા જિંદગીમાં આવી ત્યારે તો લગ્નની સિલ્વર જ્યુબિલીની મુબારકબાદી લઈને દિકરી-જમાઈ આંગણે મહેમાન બનીને ઊભાં હતાં અને અમને અમેરિકાની ધરતી પર આવીને રોપાયાને પણ દાયકો થઈ ગયો હતો. teenageના ગમા-અણગમા તો બહુ દૂરનો ભૂતકાળ થઈ ગયા હતાં. Pears નામનો કોઈ સાબુ હું teenager હતી ત્યારે વાપરતી તે ય વિસરી ગયેલી ત્યાં અચાનક એક દિવસ મારા પતિએ એક ડઝન સાબુ લાવીને kitchen island પર મૂક્યો. સાબુ જ નહી જાણે એક વાત મૂકી. હું રોટલી વણતી હતી. મારી એ તરફ પીઠ હતી. મને કહે, ‘ન્હાવાનો સાબુ લાવ્યો છું જો તો !’ મેં જરા એ તરફ જોઈને કહ્યું ‘ભલે હું પછી ઠેકાણે મૂકી દઈશ’ કહી ફરી રોટલી વણવા લાગી. વળી કહે, ‘ તેં જોયું નહી ક્યો સાબુ છે?’ મેં કહ્યું, ‘ હા, pears’, મને કાંઈ નોંધ લેવા જેવું લાગ્યું નહી. બે દીકરીઓ teenageમાંથી પસાર થઈ ગઈ હતી. આનાથી મોંઘા સાબુઓ સ્થાન મેળવી સ્થાનભ્રષ્ટ પણ થયા હતાં અને હજુ ત્રીજી નાની teenager દીકરીની પોતાની આગવી પસંદના સાબુ-શેમ્પૂ અને સૌંદર્ય પ્રસાધનોની બ્રાન્ડ-નેઈમ આવ-જા વચ્ચે પિયર્સ સાબુ કંઈ ધ્યાન ખેંચે એવી મહત્તા ધરાવતો નહતો. પણ મહત્વની વાત મારા પતિની આંખમાં હતી કોઈની આંચકી લીધેલી વસ્તુ પસ્તાવા સાથે પાછી આપતાં ગુનેગારનો એ ભાવ હતો. એ કહેવા લાગ્યા, ‘અમેરીકા આવ્યા પછી pears પહેલીવાર ઓચિંતો નજરે ચઢ્યો અને મનમાં રહેલો ખટકો બહાર આવ્યો. મંગલમ(સ્ટોરનું નામ)માં મારે સાબુ પાછો આપવા જવું પડ્યું તે એટલું ખટક્યું હતું કે પછી મંગલમમાં જવાનું ય હું ટાળતો તરત જ ખટકે કે એક સાબુ જેવી મામૂલી વસ્તુમાં પણ તારી પસંદ હું કબૂલ નથી રાખી શક્યો. India હતાં ત્યાં સુધી તો ક્યારેય મારો આ ખટકો હું દૂર કરી શકું તેમ ન હતો. આજ સ્ટોરમાં આ pears સાબુ જોતાં જ મંગલમ યાદ આવ્યુ. (હું તો સ્ટોરનું નામ પણ ભૂલી ગયેલી). અને ફક્ત સાબુ જ નહી તારે જે ઘણુ બધુ છોડવું પડ્યું તે સમય અને તે સમયની મારી લાચારી બધું એક સામટું યાદ આવ્યું અને ઉદાસ થઈ જવાયું. હું કંઈ બોલી શકી નહી હું જાણું છું કે મેં કંઈ વિશેષ નથી કર્યું પરણીને સાસરે જતી કે મુગ્ધાવસ્થામાંથી યુવાનીની જવાબદારી ભૂમિકા નિભાવતી સ્ત્રી ફક્ત પિયરનું આંગણું જ નથી છોડતી બીજો ઘણો ત્યાગ કરીને પોતાના પરિવારને કિલ્લોલતો રાખવા મથતી હોય છે પણ તેની મથામણ સમજી શકનારા અને સ્ત્રીની પોતાની ખુશીઓની બલિઓને granted ન લેનારા પતિદેવોનો વર્ગ કેવડો!

(ગુર્જરી ડાયજેસ્ટ/ ઓકટોબર, 2000ના અંકમાં પ્રકાશિત વાર્તા)

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, વાર્તા, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

9 Responses to પિયર્સ

 1. Dipti Trivedi કહે છે:

  A real woman’s day celebration, which does not required a designated woman’s day.

 2. સુરેશ જાની કહે છે:

  મારી પત્નીનો પણ પ્રિય સાબુ.
  તમારા ભરથારને સો સલામ.

 3. પંચમ શુક્લ કહે છે:

  અત્યંત સંવેદનશીલ પ્રસંગ કથા. ખૂબ પ્રવાહી રીતે આખી વાત મૂકી છે. પિયર અને પિયર્સનું જક્સ્ટાપોઝિશન એક અલગ ધ્વનિ ઉપસાવે છે.

 4. nilam doshi કહે છે:

  તારે ઘેર પણ આ વાંચેલ..ફરી એકવાર અહી માણ્યો… આનંદ સાથે..

  ખૂબ સરસ છે.

 5. jjugalkishor કહે છે:

  તમારા બ્લોગ પરથી કેટલુંક તારવીને એના પર લખવાનું વિચારતો હતો. આ લેખ મને બહુ ગમ્યો તેથી એની કોપી કરીને સાચવી રાખ્યો હતો ત્યાં આજે દિવ્યભાસ્કરના કળશ વિભાગમાં પિયર્સ સાબુ અંગેનો મજાનો રિપોર્ટ વાંચ્યો….

  નેટ પર જઈને એની કૉપી તમને મોકલવા માટે ખૂબ મથ્યો પણ આજની તા. ૮ના કોઈ પેજ પર એ જોવા ન મળ્યો !! તમે એ લેખ કોઈની પાસે મંગાવી લેજો. બહુ સરસ છે. તમારા પ્િયર્સસ્નેહને માટે તો ખાસ. મારે ઘેર છાપામાં એ લેખ છે પણ તે શા કામનો ?

  વધુ હવે પછી.

 6. Bina કહે છે:

  પરણીને સાસરે જતી કે મુગ્ધાવસ્થામાંથી યુવાનીની જવાબદારી ભૂમિકા નિભાવતી સ્ત્રી ફક્ત પિયરનું આંગણું જ નથી છોડતી બીજો ઘણો ત્યાગ કરીને પોતાના પરિવારને કિલ્લોલતો રાખવા મથતી હોય છે પણ તેની મથામણ સમજી શકનારા અને સ્ત્રીની પોતાની ખુશીઓની બલિઓને granted ન લેનારા પતિદેવોનો વર્ગ કેવડો…..Thought provoking.
  સુંદર વાર્તા!

 7. Ramesh Patel કહે છે:

  દિલના ભાવોને જગાડતી ટુંકી વાર્તા ઘણું બધુ કહી જાય છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  સ્વાગત નવા વર્ષનું…… રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 8. himanshupatel555 કહે છે:

  વિશ્વ સાહિત્યમાં thingism અભિગમ કાવ્ય પ્રકાર થઈ સર્વત્ર દેખાય, ગુજરાતીમાં સિતાંશુભાઈના
  એવાં કાવ્યો-પદ્ય- જાણીતા છે, પણ તમે ગદ્યમાં એવું કાવ્ય લખી આપ્યું ,
  ખુબ ગમ્યું….’મારા પતિની આંખમાં હતી કોઈની આંચકી લીધેલી વસ્તુ પસ્તાવા સાથે પાછી આપતાં ગુનેગારનો એ ભાવ હતો. …’સમયમાં સંતાઈ રહેલી લપસણી ક્ષણોમાં આ પણ એક હતી અને તક
  મળતાં એ ક્ષણ સરકી આવી, સંબંધોમાં બેસી રહેલા સમયની આ સાપેક્ષતા હતી…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.