રાજકોટ એક NRI ની નજરે………

સાંજ પડ્યે જેમ પક્ષી પોતાના માળામાં પાછુ ફરે તેમ અમારા જેવા પરદેશીઓ જીવનની સંધ્યાએ વતન ભણી મીટ માંડે છે. વરસોના પરદેશના વસવાટ પછી આમ તો અમારા મૂળીયા દેશમાંથી ઉખડું ઉખડું થઈ ચૂક્યા હોય છે અને પરદેશની ભૂમિમાં ઊંડા ઉતરી ચૂક્યા હોય છે. છતાં વતનમાં પણ એક ઘર ખરીદી રાખવા પાછળ કેટલાક કારણો છે જેમાં અસલામતિની ભાવના પણ ભાગ ભજવે છે. પરદેશની સતત વ્યસ્ત જીવનશૈલીમાં સંતાનો પાસે સમયની અપેક્ષા રાખવી એ વધારે પડતુ છે વળી મોટાભાગના સંતાનો માબાપથી અલગ રહેતા હોય છે કારણ કે સૌ સૌની દુનિયામાં અલગ રીતે સૌને આનંદથી રહેવાનું આર્થિક રીતે પરવડે છે તેમ જ સામાન્ય રીતે પશ્ચિમના સમાજમાં માબાપથી અલગ ન થઈ શક્તા યુવાનોને પરતંત્ર માની નબળા ગણવામાં આવે છે. જેની અસર ભારતીય વંશના બાળકો પર પણ હોય છે. ભારતમાં ઉછરેલા અને સતત પરિવારનો સહવાસ ઝંખતા પ્રૌઢોને એકલતા સ્વદેશમાં ખેંચી લાવે છે. અહીં દેશમાં હવે ફાવશે કે કેમ ? એ પ્રશ્ન ઘણો મોટો હોવા છતાં ઘર – જમીનના વધતા જતા ભાવોને કારણે ઘર લઈ રાખવાથી ફાયદો જ થવાનો છે તે વિચારી એક વેકેશનઘર લઈ રાખે છે.

મૂળ સૌરાષ્ટ્રના કોઈ પણ વિદેશીઓ માટે ઘર લઈ રાખવા માટે રાજકોટ સૌથી અનુકૂળ શહેર છે. જન્મસ્થળથી નજીકના મોટા એવા આ શહેરમાં એરોડ્રામથી શરૂ કરીને પરદેશમાં ઉપલબ્ધ એવી બધી જ સવલતો સાથે આધુનિક ઉપકરણોથી સજજ ઉપચાર અને નિદાનકેન્દ્રો બધુ જ અહીં સરળતાથી મળી રહે છે. ધર્મ અને આધ્યાત્મિકતા માટે પણ અહીં પૂરતો અવકાશ છે. વળી એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવનાવાળુ સામાજિક જીવન પણ અનુભવી શકાય છે. જ્યાં ઘર લેવુ હોય ત્યાં અગાઉથી વસેલાને તમારી જ્ઞાતી કઈ? એમ પૂછવા પાછળ જ્ઞાતીવાદ નહી પણ અમુક માથાભારે કોમથી દૂર રહી માથાકૂટમાં ન ઉતરતાં પ્રગતિ તરફ રહેવાની ભાવના વિશેષ જોવા મળે. પટેલ લોકોમાં પણ સંપને નામે જે સંકુચિતતા હતી તે ઓછી થતી જતી જણાય છે અને બાળકોના ભાવિ ઘડતર માટે લોકોની દ્રષ્ટિમાં આધુનિકતા જોવા મળે છે અને સૌથી વિશેષ તો NRI માટે સ્વીકાર અને સત્કારની ભાવના જોવા મળે છે એનું એક કારણ એ પણ હોઈ શકે કે અહીંના શૈક્ષણિક અને આર્થિક ઉચ્ચ વર્ગના મોટાભાગના લોકોના નજીકના સગા સ્નેહીમાં કોઈક ને કોઈક પરદેશ હોય છે.

રાજકોટ મહાનગરપાલિકાના અર્થતંત્રની સધ્ધરતાને કારણે શહેરના જાહેર માર્ગોની વ્યવસ્થા અને ચોખ્ખાઈ સૌરાષ્ટ્રના અન્ય સ્થળો કરતાં પ્રમાણમાં સારી છે. NRI માટે આ પણ એક જમા પાસુ છે. વિકસતા જતા આ શહેરમાં વધતી જતી પ્રોપર્ટી વેલ્યુ સારા વળતરની બાહેંધારી આપે છે. રાજકોટ શહેર આજુબાજુના વિસ્તાર માટે પણ સ્થળાંતરનું કેન્દ્ર બન્યું છે જેને પરિણામે આ શહેર કોઈને પણ સાવ અજાણ્યુ નથી લાગતું ક્યાંક ને ક્યાંક કોઈક પરિચિત ચહેરાઓ મળતા રહે અને આપણા લોકો વચ્ચે છીએનો ભાવ સ્થિર થતો રહે. આ ભાવ પરદેશની ભૂમિ પર મળવો મુશ્કેલ છે. ગુજરાતી ભાષા ન બોલતા હોય તેવા પરિચિત લોકો પણ પારકા લાગે એટલુ જ નહી. આપણા ગુજરાતી લોકો પણ પરદેશની ભૂમિ પર સંસ્થાઓ થકી અથવા તો નાના મોટા જૂથો થકી સંબંધો ટકાવતા હોય છે. સારે માઠે એકબીજાને ત્યાં સૌ ઊભા રહે અને શની – રવિના મેળાવડાઓમાં ટોળાનો આનંદ માણે તે ખરૂં પણ ટોળામાં ય એકલા રહેવા ટેવાયેલા ભારતીયોને જયારે સંતાનો પણ ઘર ખાલી કરી જતા રહે ત્યારે બહુ અઘરૂં પડે છે અને દેશ સાંભરે છે. યુ.એસ.એ.માં બહુ વખણાયેલા “Namesake” નામના એક પ્રખ્યાત અંગ્રેજી મુવીમાં આ વિષય સારી રીતે વણી લીધો છે. ફિલ્મના અંતમાં નાયીકા ભારત પાછી ફરે છે. ઉચ્ચ પ્રકારના મનોરંજનને NRIએ રાજકોટમાં શોધવું પડે. ગુજરાતી પ્રજા વેપારી પ્રજા ગણાય છે અને કલા, સંગીત અને સાહિત્યમાં રસ ઓછો ધરાવે છે. રાજકોટ એમાંથી બાકાત કેમ હોય? જો કે હેમુ ગઢવી હોલમાં લોકસાહિત્યના એક કાર્યક્રમનો લ્હાવો લીધાનો પ્રસન્ન અનુભવ ભૂલાય તેવો નથી.

અલંકારની આ નગરીમાં મુલાકાતે આવેલ NRI જ્યારે આભૂષણો, કપડાં કે અન્ય ખરીદીમાં કરવા નીકળે ત્યારે કુશળ વેપારી તેમના પરદેશીપણાને તરત ઓળખી કાઢે. એકવાર એક વેપારી પાસે મેં જાણીબૂઝીને મારી ઓળખ છુપાવવા પ્રયત્ન કરેલ તો પણ નિષ્ફળ જતા મેં એને પૂછ્યુ કે શા કારણે તમે અમને અહીંના લોકોથી જુદા પાડી શકો છો? ત્યારે બહુ સહજ અવલોકનમાં બે બાબતો સ્પષ્ટ તરી આવે છે એમ તેણે કહ્યુ. એક તો હાથમાં હોય તે લગેજ કે પર્સ પરથી અને બીજુ તમે પરદેશના લોકોની પસંદગીમાં ક્વોલીટીની પૂછપરછ પહેલા અને કિંમતની પછી હોય છે જ્યારે અહીંના લોકો પહેલાં કિંમત પહેલા પૂછશે અને પછી ક્વોલીટી ચકાસશે. મોટાભાગના NRI ફોરેન કરંસીમાં જ હિસાબ ગણતા હોવાથી સસ્તુ જાણી રૂપિયા ખુબ છૂટથી વાપરી શકે છે. દા.ત. ઘરકામ કરનારી બાઈને અહીં અપાતા એક મહીનાના પૈસાથી વધુ યુ.એસ.એ.માં એક દિવસ ઘર સાફ કરવાના આપવા પડે. આમ અહીં ઓછા પૈસામાં વધારે લક્ઝરી મેળવી શકાય છે. અહીં પાછા ફરવા માટે આ પણ એક લલચાવનારૂં કારણ બની શકે.

વર્ષો પહેલાં જ્યારે પરદેશ ગયા હોઈએ ત્યારે વતનનું જે ચિત્ર મનમાં અંકિત હોય તેની સાથે વર્તમાન ચિત્રની તુલના આપોઆપ થઈ જાય. હું જ્યારે 1975માં મહિલા કોલેજમાં ભણતી હતી ત્યારે કાલાવાડ રોડ પર મહીલા કોલેજથી આગળ બહુ વસ્તી નહી તેથી રસ્તો સુમસામ લાગે. યુનીવર્સીટી રોડ પર તો એકલાં જવાની હિંમત જ ન થાય. આજે કાલાવાડ રોડ તેમ જ યુનીવર્સીટી રોડ ધમધમતો થઈ ગયો છે અને બહુમાળી ઈમારતોએ તો શહેરની શકલ જ બદલી નાખી છે. અત્યારની મંદીમાં ય બહુમાળી ઈમારતોના રહેણાકો ઝડપથી વેચાય છે. NRI માટે એમાં પુષ્કળ અવકાશ છે.

વસ્તીવધારાના ફેરફાર સાથે અનેક પ્રશ્નો વધ્યા છે અને જીવનશૈલી એટલી બધી બદલાઈ ગઈ છે કે કદાચ કોઈ ઘર એવું નહી હોય કે જેણે રેસ્ટોરન્ટની અને ડોકટરની સેવા નહી લીધી હોય. મારા જેવા NRIને ઊડીને આંખમાં ખૂંચે એટલા બધા દવાખાનાઓ, દવાની દુકાનો અને હોસ્પીટલો તેમ જ ભોજનાલયો રાજકોટમાં છે. કેટલીય શાળાઓ પણ અહીં શિક્ષણની દુકાન માંડીને બેઠી છે. બાળકોમાં મૌલિકતા કરતા ગોખણપટ્ટી પર શિક્ષિત માબાપો પણ ભાર મૂકતા જણાય છે. માબાપને ખુશ કરવા ભણતા બાળકો તાણ અનુભવતા હોય અને એની વિપરિત અસરથી એનું ચિતતંત્ર નબળુ બને તો પણ માબાપ પોતાનાથી બનતું બધુ કરી છૂટ્યાનો સંતોષ મેળવે છે. બાળકોના શરીર અને મનના સ્વાસ્થય કરતા ભણતરની અગત્ય વધી છે. બાળકોમાં લઘુતાગ્રંથી ન બંધાય એટલા માટે એને વધુ ને વધુ ભૌતિક સુખ સગવડો આપવા માટે પ્રયત્નશીલ માબાપ પોતે પણ તાણ અનુભવે છે. નાના હતા ત્યારે પોતાને જે નહોતુ મળી શક્યુ તે ભૌતિક સુખ બાળકને આપવામાં વ્યસ્ત માબાપો પોતાને જે મળ્યો હતો તે તાણમુક્ત સમય આપવાનું ભૂલી જાય છે. ચારિત્ર્યની દ્રઢતાથી લઘુતાગ્રંથી દૂર કરવાની વાત દૂરનો ભૂતકાળ બની ગઈ હોય તેવું જણાય છે.

કુદરતી ખાતરવાળો ખોરાક અને તંદુરસ્ત ગાયોનું દૂધ કદાચ સમાજના ઉપલા વર્ગને પણ અત્યારે ઉપલબ્ધ નહી હોય. કૃત્રિમ રીતે પકવાતા ફળોમાં કે પ્લાસ્ટિકની બોટલોમાં ઠંડા કરાતા પાણીમાં, ખોરાકમાં ભળેલી જંતુનાશક દવાઓમાં કે ઘરમાં વપરાતા સૌદર્ય પ્રસાધનોમાં ઠેરઠેર કેન્સરજનક કોષો ફેલાયેલા પડ્યા છે. રસ્તા પરની ગંદકીથી દુષિત હવા એમાં ઉમેરો કરે છે. આ બધાથી બચવાની પરવા કરવી વ્યર્થ માનીને સંભવિત માંદગીઓ પ્રત્યે આંખ આડા કાન કરી જીવતા સૌરાષ્ટ્રવાસીઓથી રાજકોટ ભર્યુ પડ્યુ છે. અહીં ઓર્ગેનીક ફૂડ ક્યાં મળે ? એમ પૂછતા જવાબ એ મળે કે ખોટુ બોલીને વેચનારા કદાચ મળે પણ સાચું તો કોને ખબર? NRI માટે પ્રમાણમાં વધુ દુષિત વાતાવરણમાં સ્વાસ્થ્ય જાળવવાનું અઘરૂં તો ખરૂં જ પણ એવા કેટલા લોકો હશે કે જેને મૃત્યુ કરતા માંદગીનો ભય વધુ હોય અને એ ન આવે એ માટે જ્ઞાન મેળવીને અમલમાં મૂકવા પ્રયત્નશીલ હોય. વૈદિક જીવન પદ્ધતિ તો હવે પુસ્તકોના પાના પરથી શિબિરોમાં અને મૌંઘાદાટ સારવાર કેન્દ્રોમાં જ અમલમાં છે. આ જ ક્રિયાઓ ઘરમાં અને જીવનમાં વણવાનું જાણે કે અશક્ય થઈ ગયુ છે ત્યારે તે અંગે જે જાગૃતિ પશ્ચિમના દેશોમાં જણાય છે તેનો અભાવ અહીં જોઈને અહીં ફરી વસવાનો વિચાર થોડો નબળો જરૂર પડે પણ ‘હોય એ તો ચાલ્યા કરે’ એમ સ્વીકારી રહી જઈએ તો પણ અહીંના નબળા પાસાની વાત કરીએ ત્યારે ‘તો પછી અહીં શું પડ્યા છો? પાછા જતા રહો’ એવો કોઈ દેશપ્રેમી મિત્રનો ટોણો ખાવો પડે પરંતુ અહીંના રહેવાસીઓ પાસેથી એમની મુશ્કેલીઓની વાતો સાંભળીએ ત્યારે પરદેશ તરફની દોટ ફક્ત પૈસા માટે જ નથી તે હકિકતને સમર્થન મળે છે.

વર્ષોથી સાસરે રહેતી સ્ત્રીને જેમ પિયર અને સાસરૂ બંનેની માયા હોય છે તેમ જ વર્ષોથી પરદેશ વસતા લોકોને દેશની માયા છૂટે નહી અને પરદેશનો લગાવ પણ એટલો જ રહે છે. પરંતુ બંને વચ્ચેના ભૌગોલિક અંતર કરતા ય સંસ્કૃતિ અને જીવનશૈલીનો જે તફાવત છે તે જોઈએ તો આપણી ભારતીય સંસ્કૃતિ ઉચ્ચ ‘છે’ એમ કહેવા કરતાં ઉચ્ચ ‘હતી’ એમ કહેવુ વધારે યોગ્ય ગણાશે. સૌ પોતાના નાનકડા કોચલામાં સુરક્ષિત રહેવા મથે છે. સમાજના પ્રશ્નો એ પોતાના એકના નથી માનીને એનાથી અલિપ્ત રહેવા તરફ ઢળે છે. દંભનો અંચળો ઓઢીને ધર્મસ્થાનો અને સેવા પ્રવૃતિઓ પૂરબહારમાં ચાલે છે પણ નૈતિક હિંમતનો અહીં આ દેશમાં મોટાભાગના લોકોમાં અભાવ જોવા મળે છે છતાં સવારમાં ઉઠીએ ત્યારે સંભળાતા કોયલના ટહુકારમાં આશાના ટહુકા સંભળાય છે અને અગાશી પર લટાર મારતાં મારતાં છાપરા પર ઉડાઉડ થતાં કબૂતરોના ટોળાઓ જોઈ પરદેશની ઉડાનનો થાક ઉતારી શકાય છે. શહેરની આજુબાજુની લીલી હરીયાળી પણ મનને આકર્ષે છે અને પર્યાવરણ અંગેની નિરાશા થોડી ઓછી કરે છે.

દેશની આર્થિક પ્રગતિનો કેટલોક આધાર પશ્ચિમના દેશો પર નિર્ભર હોવા છતાં હકિકતોથી અજાણ પ્રજા સાચી પ્રગતિની દિશા પ્રત્યે દુર્લક્ષ સેવે છે. આટલા મોટા ફેરાફરો આઝાદી પછીના ફક્ત સાઠ વર્ષના ટુંકાગાળામાં જ થયેલા જણાય છે. કહેવાય છે કે વિશ્વમાં છેલ્લા 1000 વર્ષમાં નથી થયા એટલા ફેરફારો છેલ્લા 100 વર્ષમાં થયા છે અને છેલ્લા 100 વર્ષમાં નથી થયા એટલા ફેરફારો છેલ્લા 10 વર્ષમાં થયા છે. આજે જ્યારે દુનિયાના અર્થતંત્રનું ભાવી મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ ભાખી શકતા નથી ત્યારે પરિવર્તન સાથે તાલ મિલાવતા આપણે સૌ દિશા ભૂલ્યા હોય તેવું નથી લાગતુ ? NRI એમાંથી કેમ બાકાત હોઈ શકે? પશ્ચિમની નજર પૂર્વ તરફ છે. તો પૂર્વએ પશ્ચિમ તરફ મીટ માંડી છે. અને NRI બંને વચ્ચે સમતુલા જાળવવા સ્વદેશમાં પણ પોતાનું એક ઘર હોય તેવું ઈચ્છે છે. આ ઘર માટે રાજકોટથી ઉત્તમ શહેર સોરઠી માટે બીજું ક્યુ હોઈ શકે?

This entry was posted in અભિપ્રાયો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

8 Responses to રાજકોટ એક NRI ની નજરે………

 1. nilam doshi કહે છે:

  અહી જુગલકાકાની કોમેન્ટ પૂરી રીતે સાચી જણાય છે…
  હું આ રીતે ન જ લખી શકી હોત…
  દિલથી વધાઇ..

 2. nilam doshi કહે છે:

  really nice…
  તારી કલમ નિખરતી જાય છે..એનો પુરાવો આ લેખ ચોક્કસ જ આપી ગયો..
  અભિનંદન…

 3. ઈ મેલ દ્વારા પ્રતિભાવ….

  રેખાજી-આજે તમારો રાજકોટ શહેર અને એન આર આઇ-વિષેનો લેખ ખૂબ સુંદર છે-કોઇક ગુજરાતી મેગેઝિનમાં છપાવવો જોઇએ-મને ખૂબ જ ગમ્યો- તેમાં તમે ઇકોનોમીકલ -સોશીયલ- સાયકોલોજીકલ વિષયો ખૂબ અદભુત રીતે વણી લીધા છે.-લેખનની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે- કાંઇ નહીં તો “ગુર્જરી’માં તો આપો જ આપો.
  ધન્યવાદ-
  હરનિશ જાની

 4. Divya કહે છે:

  I read before but today finally I can finish Your lekh I really like and that is why I baught apartment in Rajkot as You know and You enjoy more than me.I like to read today.This is so nice.

 5. Rajendra કહે છે:

  I am having exactly the same thinking as I belong to Rajkot and studied in Virani High school, my City bus number 4 A used to pass from Mahila college beyond there there was not much developement, but today ohhhh!!!
  I am also NRI and missing Rajkot a lot ,searching house also.

 6. preetam lakhlani કહે છે:

  tamaro lekh vaachi khush thayo!!!!!!really, very nice articale…….

 7. daksha chopra કહે છે:

  rajkot city vise ne khub j saras mahite aape aa lekh maa api che …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.