સરહદની ભૂમિ
“વી વન! ગીવ મી હાઈ ફાઈવ એકતા! (આપણે જીત્યા! તાલી દે, એકતા!)”
સોફા પરથી ઊભી થઈ હર્ષાવેશમાં બંને હાથ ઊંચા કરી હથેળીઓનો તાલ એકતા સાથે મેળવવા માટે તત્પર બની અવનિએ મોટેથી ખુશી પ્રગટ કરી. લીવીંગ રૂમ રસોડાની જોડાજોડ હોવાથી આ સાંભળી તરત જ હું પણ એ ખુશીમાં સામેલ થવા રસોડાની બહાર આવી.
1992માં બાર્સેલોનામાં રમાતી ઓલિમ્પિક રમતોને ટી.વી પર નિહાળતી મારી પંદર વર્ષની બંને જોડિયા દીકરીઓને એક રમતવીરની જીતની ખુશીથી એકબીજાને તાલી આપી ફૂદરડી ફરતી અને ઝૂમતી જોઈ હું પણ ખુશ થઈ. ઓલોમ્પિકની રમતોમાં મને તે સમયે બહુ રસ ન હતો તે છતાં ય પોતાના દેશનો રમતવીર ચંદ્રક જીતે તેની ખુશી તો થાય જ ને!
માતૃભૂમિથી દૂર પારકા પ્રદેશમાં એટલે કે અમેરીકા આવ્યાને હજુ અમને ત્રણ વર્ષ થયા હતા. અમારી જીવનનાવ હજુ હાલકડોલક હતી. થોડા વર્ષો પછી કાયમ માટે વતન પાછા ફરવાની ઈચ્છા તીવ્ર હતી પણ એ પહેલાં તો બસ એક જ લક્ષ્ય હતું કે વિકસવાની જે તકો અમને મળી ન હતી તે બાળકોને મળે તેમ કરવું અંને એ માટે રાત-દિવસ અમે મથ્યા કરતા હતા.
અહીં નોકરી મેળવવાનું કે કરવાનું અઘરૂં ન હતું પણ પશ્ચિમના દેશમાં પૂર્વની સંસ્કૃતિ કેમ જાળવવી? તે સમસ્યા મુંઝવ્યા કરતી. શાળામાંથી બાળકો રોજ નવા વિચારો લઈને આવતા અને તેનાથી ક્યારેક મન ગૌરવ અનુભવતું તો ક્યારેક ચિંતાથી ઘેરાઈ જતું. ક્યારેક અમને પ્રશ્ન પણ થતો કે અહીં આવીને ભૂલ તો નથી કરી ને?
“ઈંડિયા જીત્યુ? કઈ રમતમાં?” થોડા કુતૂહલ અને વધુ આશ્ચર્યથી મેં પૂછ્યું.
“નો….. મધર!” ‘નો’ પર ભાર મૂકીને એકતા કહે “અમેરીકા!”
જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગઈ.
બંને દીકરીઓની આંખોમાં વિસ્મયનો ભાવ મને વંચાયો. તેમાં આટલી સાદી સમજ મને કેમ ન પડી તે લખ્યું હતું પરંતુ મારા વિસ્મયને સમજનાર તે સમયે ત્યાં અન્ય કોઈ હાજર ન હતુ.
ઓહ! તો આટલા ટૂંકા સમયમાં એક છત્ર નીચે રહેતો અમારો પરિવાર અજાણપણે બે દેશો વચ્ચે વહેંચાઈ રહ્યો હતો. ફરતી અદ્રશ્ય સીમારેખાઓ અંકાઈ રહી હતી અને અમને કોઈને તેની જાણ સુદ્ધાં ન હતી. ઓચિંતુ જ આ નગ્ન સત્ય નજર સમક્ષ ઉપસ્થિત થયું અને મારું હ્રદય ખળભળી ઉઠ્યું હતું. એક તરફ સાંજનો ઢળતો સૂર્ય ભારતમાં રહેતા માબાપની યાદ આપતો હતો અને બીજી તરફ ઉગતા સૂર્યને સંતાનો અમેરીકાની ધરતી પર નિહાળતા હતા. આ આથમતી અને ઉગતી પેઢી વચ્ચે સેતુ બનીને ઉચ્ચક મનથી અહીં વસતા સ્થળાંતરવાસીઓ અમે ક્યાંના…? તે પ્રશ્નનો ખોવાયેલ ઉતર આ પ્રસંગને અવિસ્મરણીય બનાવી મનના અતલ ઊંડાણ સુધી લઈ જાય છે.
– સંપૂર્ણ –
(આ પ્રાસંગિક લેખને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ-લેખન સ્પર્ધામાં આશ્વાસન ઈનામ મળેલ જેની નોંધ “પરબ” ના નવેમ્બર 2011ના અંકમાં છે.)
(E mail from Mr. Druv Bhatt)
Rekhaben
Tame saras ane touchy stayle this lakhi shako chho
You realy know it because you know the feelings and beats of heart!
dhruv
રેખાબેન,
આજે ફરી હું તમારા બ્લોગ પર આવ્યો.
આજે, આ પોસ્ટ વાંચી, આનંદ થયો.
આ પોસ્ટમાં તમારૂં હૈયું ખોલીને શબ્દોમાં કંઈક કહ્યું છે .
હકીકતે…..તમો પરિવાર સાથે અમેરીકા આવ્યા ત્યારે એક જ ઈચ્છા કે બાળકોનું ભાવી સુધરી જાય.
ત્રણ વર્ષ વહી ગયા, અને તમારા દીલમાં ભારતમાતા અને મળેલા સંસ્કારોની વાતનો ઉભરો સમય સમયે તમોને “નવા”દેશ વિષેની શંકાઓ લાવતો હતો…તમે “જુનું” ભુલ્યા ના હતા.
ત્યારે, તમારા બાળકો તો અહીના વાતાવરણને અપનાવી આનંદમાં આગેકુચ કરી રહ્યા હતા.
અને આવી “ઓલંપીક”ની ઘટના !
હવે હું કહું છું કે…………..
જ્યારે પણ, જે કોઈ નવા દેશમાં આવી ફક્ત “જુની” વિચારધારામાં રહે, અને નવા દેશમાં “બધું જ ના સારૂં” એવા ભાવે રહે ત્યારે એ નવા દેશને પુર્ણતા સાથે અપનાવી શકતો નથી. અને , એ હંમેશા “ડર” સાથે જીવન જીવે છે.અને, બે દેશો વચ્ચે અંતર કાયમ રહે છે.
પણ,….બંને દેશોમાં “સારૂં” નિહાળતા, આ ડર દુર થઈ જાય છે !
બાળકોએ ભલે થોડા વર્ષો ભારતમાં ગાળ્યા…એ વિષે તદ્દન તો એ ના ભુલી જાય, પણ નવા દેશને અપનાવવા માટે તૈયાર થઈ એને જ “માતૃભુમી” તરીકે માન આપવા શીખી જાય છે.
તો….હવે આવા સંજોગોમાં માત-પિતાની શું ફરજ રહી ?
એના જવાબરૂપે હું કહું……
જે કોઈ ભારતમાત પ્રેમ કે ત્યાંના સંસ્કારોનો “ખજાનો” સાથે લાવે તેઓ એ ખજાનો એમના દીલમાં સાચવી રાખવો જોઈએ. અને, નવા દેશને ખરા દીલથી અપનાવી, નવા દેશનું “સારૂં સારૂં” જાણી, એ પર બાળકોને ધ્યાન દોરી માર્ગદર્શન આપવાની એમની પ્રથમ ફરજ બની જાય છે.
એવી ફરજ અદા કરતા, હૈયાની અંદર રહેલા ખજાનામાંથી થોડું કહી, બાળકો સાથે ચર્ચાઓ કરી “સમજ” આપવાના પ્રયાસો ચાલુ જ રાખવાના હોય…એવી સમજ આપતા, કાદાચ કોઈવાર કે ઘણીવાર, બાળકો એનો પ્રથમ ઈન્કાર કરશે અને ત્યારબાદ એમાં રહેલું સારૂં જાણી અપનાવશે….આ પ્રમાણે, ૧૦%કે ૯૦ % હશે
આજ જ ખરી માતા પિતાની ફરજ છે !…અને, આવી ફરજ અદા કરતા, બીજુ બધુ જ પ્રભુ સંભાળી લેશે તો ચિન્તા શેની ?
…..ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting YOU & ALL to Chandrapukar !
તમારા બન્નેની વાત સાથે સહમત છું… વિદેશનો વસવાટ આવા પ્રશ્નો તો ઊભા કરવાનો જ… મારો દીકરો 11 વર્ષથી સ્કોટલેંડમાં વસે છે અને હજુ બે દેશની વચ્ચે જ છે..
lata hirani
જ્યરે આપણે વસાહતી બનીએ ; નવા દેશના નાગરિક બનીએ; ત્યારે આમ તો થવાનું જ.
હજુ વિશ્વ નાગરિકત્વ બહુ છેટે છે.
અને બીજી કે વાત – જે સમાજમાંથી આપણો રોટલો નીકળતો હોય; તે પ્રત્યે વફાદારી ન જાળવીએ તો આપણે ગદ્દાર જ કહેવાઈએ.
બિલકુલ સાચી વાત છે. વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવવી અને ફેલાવવી ખુબ અઘરી છે. કુવાના દેડકાંની જેમા ડ્રાઉ ડ્રાઉ કરી કૂવાને જ દરિયો માની બેઠા હતા એમ ક્યારેક લાગે છે.