નામ અને ચહેરા ભુંસાતા ચાલ્યા….. દેશની મુલાકાતે – 2013.

ઢળતી ઉંમરે જ્યારે શરીરમાં સ્ફૂર્તિ ઓછી થવા લાગે ત્યારે દેશ જવા માટે કલાકોના ઉડ્ડયનના વિચારથી એકવાર તો જવાનો ઉત્સાહ ઓસરવા લાગે પણ પછી પરિવાર અને સ્નેહીજનોના પ્રેમ થકી શક્તિનો સંચાર અનુભવાય અને કઈ એરલાઈનમાં જવાનું અનુકૂળ આવશે તે નક્કી કરી બેગ બીસ્ત્રા બાંધી ઉપડીએ ત્યારથી પાછા આવી જેટ-લેગ (Jet-Lag) માંથી બહાર આવતાં સુધી અહીંના કાર્યો એકબાજુ મૂક્યા હોય તે ચઢી જાય એટલે દોડતાં રહી સમય કે જેને પકડી શકાતો નથી તેને પકડવાની મૂર્ખાઈભરી મથામણ કરતા હાંફવા લાગીએ ત્યારે થાય કે હવે તો પાંચ વર્ષ સુધી ક્યાંય જવું જ નથી અને છતાં વર્ષે બે વર્ષે દેશમાં આવવાની તક ચૂકવાની હ્રદય ના પાડે છે. હ્રદયની સાથે જોડાવા માટે મન અને તનને તણાવું પડે ત્યારે થોડી બેચેની થઈ આવે તે સ્વાભાવિક છે. ઉપરાંત હવા,પાણી અને ખોરાકની બદયાલેલી આદતો આ બેચેની વધારવામાં ઉદ્દીપકનું કામ કરે એટલે સ્વાસ્થય અને જૂના સંબંધો બંને એકસાથે જાળવવાનું દેશમાં જઈએ ત્યારે ઘણુ અઘરૂં થઈ જાય છે.

‘સમજુને સમજાવવાની જરૂર નથી હોતી અને અણસમજુને સમજાવવાનો કોઈ અર્થ નથી’ એ સૂત્રને આધારે જે સંબંધો ટક્યા છે તેની મઘમઘતી સુવાસથી દેશની દરેક યાત્રા આનંદદાયક રહી છે પરંતુ આ વખતે એક નવો જ અનુભવ થયો. ઘણા બધા ચહેરાઓ અને નામો મનમાંથી ભૂંસાઈ ગયેલા જાણ્યા.

લગ્નપ્રસંગ હોવાથી એકસામટા ઘણા બધા મળે તેથી બધાને ઓળખી ન રાખી શકાય તે સ્વાભાવિક છે. પણ ટીનએજર ઓળંગવાને ઉંબરે આવી ઉભેલા મારા બે ભત્રીજાઓ જે મારે આંગણે ખુબ રમ્યા છે. તેઓ પણ રસ્તામાં એકલા મળે તો ઓળખાય નહીં એટલો બદલાવ તેમના દેખાવમાં ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જોયો. એવામાં પચીસ વર્ષ પહેલાં હાઈસ્કૂલમાં ભણતો મારો કોઈ વિદ્યાર્થી આવીને પૂછે કે બહેન ઓળખો છો કે નહીં? ત્યારે તેના ચહેરા પર થોડી પરિચિત રેખાઓ ઉપસતી જોવા મળે અને એક વખતની વર્ગની કડક શિક્ષિકા એવી હું હજુ ય તે મારો વિદ્યાર્થી જ હોય તેવા તેના ચહેરાના નિર્દોષ ભાવોને સ્નેહાળ નજરે નિહાળી રહું. વળી તે સમયનો યુવાન એવો કોઈ સહકાર્યકર અચાનક મળી જાય અને હવે તે રીટાયર્ડ થઈ ગયો છે તેની વૃદ્ધ ખુશાલી સાથે કહે બસ બહેન, ભૂલી ગયા ને? હું ફલાણાભાઈ, તમે તો ક્યાં? અમેરીકા નહીં? આ સમયે તેના જૂના ચહેરાની જગ્યા લેવા તેનો નવો ચહેરો મથે છે ત્યારે એવી ભેળસેળ થઈ જાય છે કે હવે તે ફરી મળે તો ન જ ઓળખુ. મારી સાથે જે કુંટુંબીજન હોય તેને તાકીદ કરૂં કે ઘણા વર્ષે મળતા આ પરિચિતોની ઓળખાણ કે નામ એમની હાજરીમાં તો ન જ પૂછવા. અગાઉ ભોંઠા પડ્યાના પ્રસંગોને કારણે ક્યારેક ખબર હોય તો પણ મૂંઝવણ થઈ જાય છે.

જે પારિવારિક પ્રસંગે આવ્યા તેની કંકોત્રી કેટલાંકને મોકલવાનું પણ યાદ ન આવવાના કારણમાં એક તો પરિવારથી અલગ યાદી બનાવવાની જરૂરિયાત એક પ્રશ્નાર્થ હતી અને હજુ મુસાફરીનો થાક ઉતર્યો ન હતો તેમાં યાદીમાં કોઈ રહી જતું હોય તો પણ યાદ આવવું સહેલું ન હતું. દેશમાં આવીએ ત્યારે અમારી ત્યાંની જૂની અને અહીંની નવી આઈડેંટીટી વચ્ચે અમે એવા ગોથા ખાતાં હોઈએ છીએ કે જાતને પણ ભૂલી જઈએ છીએ ત્યાં અન્યને યાદ કરવા કે રાખવાની ગુંજાઈશ તો ક્યાંથી હોય? આટલા વર્ષોમાં કેટકેટલું ભૂલી ગયા હોઈએ! વડિલોની હાજરીમાં પતિને નામથી ન બોલાવવા જેવી જૂની પ્રથાઓ તો જાણે ગયા ભવની વાત હોય તેમ ભૂલાય ગઈ હોય અને આવી નાની મોટી ભૂલોને તો વડિલો જાણે અમેરીકાનો પવન ગણીને માફ કરી દે પણ અમારા વિદેશગમન પછીથી જન્મેલા બાળકો અમને ઓળખવાનો ઈંકાર કરી દે ત્યારે એમના માબાપ સાથેનો ભૂંસાતો જતો સંબંધ જાણે કે રડવા લાગે છે. અમને નવાગંતુકને જોઈને એ બાળકો નવાઈથી જોઈ રહે છે કે આ કોણ આવ્યુ કે જેને ઘરમાં મારા સિવાય બધા જ સારી રીતે પિછાને છે? એ બાળકોના નામો અમેરીકા પહોંચતા સુધી યાદ રહે તો અલસાયમરની બિમારીની બહુ ચિંતા કરવા જેવું નથી.

ભૂંસાતા જતા આ નામો અને ચહેરાઓ સાથે ગલીઓની ભૂંસાઈ ગયેલી શકલ અને શહેરના બદલાયેલા નકશામાં ક્યાંક ક્યાંક જાણીતાં બિંદુઓ જેવા અવાજ પડઘાય અને ઉષ્માભર્યા હાસ્ય સાથે કોઈ કહે કે, “ તમે રેખાબેન તો નહી? બહુ બદલાઈ ગયા, તમારી તો શું પ્રતિભા હતી ! અમેરીકામાં ફાવ્યુ નહીં કે શું? કેમ વાંકા વળી ગયા છો?“ કહેવાનું મન થાય કે ભાઈ,અત્યારે તમે જૂની ગલીઓમાં ભૂલા પડેલા અને થાકેલા પરદેશી મુસાફરને જુવો છો.અમેરીકા આવો અને જુવો કે અમે કેટલા સ્વનિર્ભર છીએ! અમારી પાસે તમારી જેટલા નોકરો નથી અને ઘરના કામ ઉપરાંત નોકરી-ધંધામાંથી અમને તમારા જેટલી ફુરસદ ય નથી મળતી તો પણ પાછા અમારા વાતાવરણમાં જઈશુ એટલે અમારા ચહેરાની ચમક બદલાઈ જશે. અહીં દેશમાં અમે ઉખડી ગયેલા છોડની દશા અનુભવીએ છીએ. સ્વદેશમાં જાણે કે અમે પરદેશી છીએ.

મારી એક બાળસખી તો મને સ્પષ્ટપણે કહે છે કે, “તમારૂં હવે અહીં કામ નહીં. આવીને ફરી જાઓ તે બરાબર પણ કાયમ માટે પાછા આવવાની વાત ભૂલી જાઓ.” હજુ તો વાત કરીએ છીએ ત્યાં જ ફોન રણકે છે અને અમેરીકાથી મારી દીકરીનો સાત વર્ષનો દીકરો ફોનમાં દુનિયાનું શ્રેષ્ઠ સંગીત પીરસતો હોય તેમ કહે છે, “નાની, આઈ મીસ યુ. વ્હેન આર યુ કમીંગ બેક?” એક જ સેકંડમાં મનના તાર પૌત્રના બાળવિશ્વમાં ઝંકૃત થવા લાગે છે અને આથમતી સંધ્યાના સાંનિધ્યમાં દેશની આ જૂની દુનિયા પરાઈ ભાસવા લાગે છે.સદભાગ્યે હજુ વડિલોની વટવૃક્ષ જેવી છાંય છે અને કોઈ કોઈ જૂના અમૂલ્ય સંબંધોનો પમરાટ તાજગી બક્ષે છે તો પણ અમારાં પગલાંની દીશા તો હવે પશ્ચિમ ભણી જ…..

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

8 Responses to નામ અને ચહેરા ભુંસાતા ચાલ્યા….. દેશની મુલાકાતે – 2013.

 1. mdgandhi21, U.S.A. કહે છે:

  સુંદર અભિવ્યક્તી…. પણ હવે અફસોસ શાનો? ….“જીના યહાં, મરના યહાં, ઉસકે સિવા જાના કહા!”…..અમેરિકા શું કામ? ભારતમાં રહીને પણ જો તમે કોન્ટેક્ટ નહી રાખો તો કોઈ તમને કોઈ ઓળખે નહી.. અમેરિકામાં પણ જો તમે કોન્ટેક્ટ નહી રાખો તો કોઈ તમને ઓળખે નહી.

 2. jjkishor કહે છે:

  તમને પરદેશ સોરવી ગયું છે….હવે દેશની વાતોને ક્યારેક ભંડકિયામાંથી બહાર કાઢવા પૂરતી જ લાગે….પણ તમે ધારો તો શિક્ષિકા સમયનો ગાળો શબ્દોમાં વહાવી શકો.

  પાત્ર તો અક્ષય છે જ, પછી બાકી શું રહે ?

 3. himanshupatel555 કહે છે:

  શબ્દમાં નિખાલસતા પ્રસરેલી દેખાય છે.

 4. Vipul Desai કહે છે:

  અમેરિકા શું કામ? ભારતમાં રહીને પણ જો તમે કોન્ટેક નહી રાખો તો કોઈ તમને કોઈ ઓળખે નહી. હું ઇન્ડિયા હતો ત્યારે મેં ઘણાને જોયા છે કે જેમને સગાવહાલાના કોઈ છોકરા ઓળખાતા ન હતા. અમેરિકામાં પણ જો તમે કોન્ટેક્ટ નહી રાખો તો કોઈ તમને ઓળખે નહી. બીજું કારણ ઉંમર છે. ઉંમર જેમ વધે તેમ આપણી અપેક્ષા મુજબ નહી થાય એટલે બધું બદલાઈ ગયું છે એમ લાગે. મારા હિસાબે તો હજુ પણ ભારતમાં વડીલોને છોકરાઓ પુષ્કળ માનથી જુવે છે, બોલાવે છે. હકીકતમાં અમેરિકામાં માણસો સેલ્ફ સેન્ટર વધારે થઇ જાય છે. બાકી ગ્રાંડ કિડ્સ પણ તમે જો તેમના કોન્ટેક્ટમાં સતત નહી હો તો તમને યાદ નહી કરે. ભારતમાં પણ હવે પૈસા કમાવવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. ફરક પહેલા એક કમાતો અને પાંચ ખાતા હતા જયારે આજે લગભગ ઘરનો દરેક મેમ્બર કંઈ ને કંઈ કમાતો હોય છે.

  મેં મારા મિત્રને કહ્યું કે ઇન્ડિયામાં મોંઘવારી ખુબ જ વધી ગઇ છે. ત્યારે તેણે જવાબ આપ્યો અહિયા આવતા બધા લોકો કહે છે કે ઇન્ડિયામાં બધા લહેર કરે છે. હકીકતમાં મોંઘવારી તો તમને લોકોને લાગે છે કારણ કે એક ડોલરમાં પહેલા જે મળતું અને મઝા કરતાં તે દિવસો ગયા એટલે તમને મોંઘવારી વધારે લાગે છે. તમને લોકોને મનમાં ને મનમાં એવું થાય છે કે અહિયા મારી સાથેવાળા બધા લહેર કરે છે અને હું ત્યાં કેટલી મજુરી કરું છું, તે પણ રીટાયર્ડ થવાની ઉંમરે! ત્યાં જઈને હું ફસાઈ નથી ગયો ને એવી લાગણી તમને લોકોને થાય છે! હકીકતમાં બીજાની ચિંતા કરવા કરતાં પોતાની ચિંતા કરો. તમે તો સુખી છો ને? ધારો કે અહીના લોકો દુઃખી છે તો તમે કંઈ મદદ કરવાના છો? હું ચુપ થઇ ગયો!

  છેલ્લે અફસોસ શાનો? “જીના યહાં, મરના યહાં, ઉસકે સિવા જાના કહા!”

 5. સુરેશ જાની કહે છે:

  પણ અમારાં પગલાંની દીશા તો હવે પશ્ચિમ ભણી જ….
  ———
  Applies to me too.

 6. pragnaju કહે છે:

  સુંદર અભિવ્યક્તી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.