લેખક અને સર્જક વચ્ચેનો ફર્ક સમજવા માટે સૌ પહેલાં તેનો શબ્દાર્થ જોઈએ તો ભગવદ્ગોમંડલમાં દર્શાવ્યા પ્રમાણે વકિલ, ગ્રંથકાર, કારકુન, ચિતારો, લહિયો અને લખનાર બધાને લેખક કહી શકાય. આ બધાનું કાર્યક્ષેત્ર અલગ હોવાથી સ્વાભાવિક જ આપણે જે અર્થમાં લેખક બોલીએ છીએ તે અર્થ અલગ પડી જાય છે. એવું જ સર્જકનું છે. સર્જકનો અર્થ ભગવદ્ગોમંડલમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્પાદક, બનાવનાર, રચનાર અને સર્જનાર એટલે સર્જક. આમ ખેડૂતને, રસોઈયાને કે વૈજ્ઞાનીકને પણ સર્જક કહી શકાય પરંતુ જ્યારે લેખનની વાત થતી હોય ત્યારે નવી રચના કરનારને આપણે સર્જક કહીએ છીએ.
આ સૃષ્ટિનો સર્જક ઈશ્વર અને ભાગ્ય લખનાર વિધાતા કે જે આગમવાણી લખે છે એવી માન્યતા છે તો તે બન્નેની નજીક જેટલા જઈ શકાય તેટલો સર્જક અને લેખકનો અર્થ વધુ સમજાય તેમ જણાય છે. ફકત ભૂતકાળના અનુભવો થકી જોયેલી, સાંભળેલી કે માણેલી સૃષ્ટિ જ નહી પરંતુ તદ્દન નવા અજાણ્યા પ્રદેશમાં લઈ જઈ ભાવિની ઝાંખી કરાવી શકે એવી અગમવાણી લખનારને ઉચ્ચ પ્રકારનો લેખક કહી શકાય. એ જ રીતે… બ્રહ્મની ઝાંખી કરાવી શકે એવી શબ્દસૃષ્ટિનો રચયીતા તે સર્જક કે જે “શબ્દ એ જ બ્રહ્મ”ની ભાવના આત્મસાત કરીને એમાં લીન બન્યો છે અને તેથી લેખકથી ઉચ્ચ સ્થાને બિરાજે છે.
લખવાનુ કૌશલ્ય કેળવી શકાય છે જ્યારે સર્જન માટે સજ્જતા કેળવવી પડે. સાચો સર્જક સમય સર્જે છે. સમય એક એવું કલ્પન છે જેને આદિ કે અંત નથી એક સાચો કલાકાર જ તેનું ફરી ફરી સર્જન કરી શકે. આપણે માનીએ છીએ કે આત્મા અમર છે અને તેથી જીવન સાશ્વત છે. મૃત્યુ સાથે સ્મૃતિલોપ થવાથી આગળ-પાછળનો સંબંધ જાણી શકાતો નથી તેથી સમયને જીવન સાથે જોડી તેના માપની પણ આપણે કલ્પનાઓ કરવા માંડી. આંકડાઓ આપણા જીવન સાથે એટલા બધા જોડાઈ ગયા છે કે તે કલ્પના ન રહેતા હકીકત બની ગયા અને તેથી મારી દ્રષ્ટિએ તો ગણિત એ સર્વશ્રેષ્ઠ કલા છે જે થકી મન સ્વચ્છ અને તંદુરસ્ત થઈ શકે છે.
સમય અને ગણિતને ભૂલાવી દે તેવી અન્ય કલ્પનાઓ આનંદ સ્વરૂપ જીવ સાથે જોડાઈને જ્યારે કલા સર્જે છે ત્યારે સર્જકનો એ સમય અવકાશ બની રહે છે અને મુક્તિના અનેરો આનંદ સાથે જીવ ઘડીક થંભીને વિસામો લે તેને હું અહીં સમયનું સર્જન કહુ છુ કારણ કે આ પળે સમયને અતિક્રમીને આત્માનો વિસ્તાર થાય છે ફરી યાત્રા આગળ ચાલે છે. વણથંભ્યા સમય સાથે જેની વણથંભી યાત્રા ચાલે છે અને જેને રાહત નથી તેવો આત્મા ભવના ફેરામાંથી કેમ મુકત થઈ શકે? સમય તેને જકડી રાખે છે. મુકત આનંદ થકી સમયનું સર્જન જે ન કરી શકે તે સાચી કલા પ્રગટાવી શકે નહી. આત્મલીન બન્યા વીના કલાની સાધના થઈ શકે નહી અને આત્મલીન બન્યા પ્રેમભાવ આપોઆપ જ અનુભવાય છે જાગૃતિ સાથેનો સ્થાયી પ્રેમભાવ આત્મા સાથેનું જોડાણ મજબૂત કરી શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરવા સર્જકને પ્રેરે છે. આવી શ્રેષ્ઠ કૃતિઓ ભાવકના હ્રદયમાં સર્જકના ભાવનું પુનરાવર્તન કરતી રહે છે. બાહ્ય પ્રેરણાનું અવલંબન લેખક માટે કદાચ જરૂરી બને પણ સર્જક માટે નહી કારણ કે આત્મલીન અવસ્થામાં આપોઆપ જ અન્ય જીવો સાથે સંધાન થઈ જાય છે અને સંવેદના જાગે છે.
“મને જરાય સમય મળતો નથી” “જરાક અવકાશ મળ્યો ત્યાં ઘંટડી વાગી” આવા ઉદ્ગારો આપણે સાંભળીએ છીએ. સમયની તાણ અને એમાંથી મુક્તિના સૂચક એવા આ ઉદ્ગારો સર્જકના મુખમાંથી ભાગ્યે જ નીકળશે. કલા માટે જેની પાસે સમય નથી તેની પાસે જીવન માટે સમય કયાંથી હોય? જેનું જીવન કલાસ્વરૂપ તે સાચો સર્જક અન્ય કોપીરાઈટ સર્જકો તો ઘણા જ મળે!
ઊંડાણથી વિચારતા ક્યારેક જીવન, સત્ય, સમય, અવકાશ, આનંદ, આત્મા, પ્રેમ અને પ્રભુ આ બધા શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે. પ્રેમ અને ડરનો વિરોધાભાસ જ્યાં ઓગળી જાય છે. તે સીમારેખા પર ઉદ્ભવતી કલાકારની સર્જનશક્તિ તેને સાચો સર્જક બનાવે છે પછી તે લેખક હોય કે ન પણ હોય. અમર કૃતિ જેવું તેવા સર્જકનું જીવન કલાકારની સિમિત વ્યાખ્યામાં બંધબેસતુ ન પણ હોય પણ તેથી શું? મુક્તિ એ જ કલા અને કલા એ જ મુક્તિ અને એ માટેનો સમય એ જ તો સર્જકની નીપજ છે. લેખક તો માત્ર તેનો સેવક છે.
સરસ!
મુક્તિ એ જ કલા અને કલા એ જ મુક્તિ
———
મુક્તિની સાધના એ પણ એક કળા છે. આર્ટ ઓફ લિવિન્ગ.