બાળક પુખ્ત થતુ જાય તેમ તેમ માતાના ખોળામાંથી નીચે ઉતર્યા પછી આંગણ…શેરી…ગામ… અને દેશની સરહદો વટાવી વિકાસ સાધવાનો પ્રયત્ન કરે છે. ચાલતા શીખે પછી બાળકને ખોળામાં બેસી રહેવું ગમે નહી અને બહારની દુનિયામાં પ્રવેશ્યા પછી ઘરમાં બેસી રહેવું ગમે નહી આમ માતા સાથેનો સંસર્ગ ઓછો થતો જાય. પ્રેમ હોય તો પણ સાંનિધ્ય ઓછુ થતુ જાય અને પતિ/પત્નિના સહવાસ પછી તો માતાની જરૂરિયાત નહીવત થઈ જાય. આ કુદરતી ક્રમમાં જનની અને જન્મભૂમિનો સાથ ક્યારે છૂટી જાય છે તેની ખબર રહેતી નથી પરંતુ જેની અમીધારાથી આ દેહ પોષાયો હોય તેની મધુર યાદ દિલનો એક હિસ્સો બની જાય છે. પ્રેમમાં અપેક્ષાઓ ઓછી અને આશાઓ વધારે હોય છે એટલે જ તો માતા બાળકને પોતાના વળગણમાંથી મુકત કરી શકે છે. આ રીતે મુક્તિનો પ્રથમ અહેસાસ માતા જ કરાવી શકે અને તો જ તેની મહત્તા જળવાય રહે છે. પરદેશનો લાંબો વસવાટ વસાહતીને જન્મભૂમિના વળગણમાંથી મુક્ત કરે પછી તેની મહત્તા વધુ સ્પષ્ટ થાય છે. સ્વાર્થની સીમા ઓળંગ્યા પછી જ નિઃસ્વાર્થ સંબંધ શરૂ થાય છે અને પ્રેમની ભાવના વધુ દ્રઢ થાય છે. જેનો દ્રવી જવાય તેવો અનુભવ જન્મભૂમિની તાજેતરની મુલાકાત વખતે થયો.
વેરાવળ મારી જન્મભૂમિ. સોમનાથનો ઘંટારવ અને દરિયાના ઘૂઘવાટનું પ્રસન્નતા પ્રેરક સંગીત પગવેંતમાં…અને રામમંદિર તથા અમારા ઘર વચ્ચેની સંયુક્ત દિવાલ સોંસરવી ‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન…’ની સંગીતમય આરતી તો રોજ સાંજે કર્ણપટ પર દસ્તક દે! આ મધુરા સ્મરણોની સાથે કેટલાક કટુ સ્મરણો પણ છે જેને વિસારે પાડ્યા હોવા છતાં તેની છાપ ભૂંસવી મુશ્કેલ છે. કદાચ એટલે જ પરદેશમાં સ્થાયી થવાની ઈચ્છાને બળ મળ્યુ હશે.
અમેરીકા આવ્યા ત્યારે જનની અને જન્મભૂમિએ આપેલ સંસ્કાર અને શક્તિ સિવાય પાસે કંઈ જ ન હતુ. વારસામાં મળેલી ત્યાંની ઓળખ તો એરપોર્ટ પર ઉતરતાં જ ઘુંઘળી થઈ ગઈ. માતૃભૂમિના ફરી દર્શન કરવાની ટિકિટના પૈસા પણ પાંચ વર્ષ સુધી ન હતા ત્યારે વિયોગની તીવ્રતાના ચિત્કારો અમારા નાનકડા એપાર્મેન્ટની ચાર દિવાલ વચ્ચે જ શમી જતા. હવે અત્યારે જ્યારે અહીં અમેરીકામાં ગોઠી ગયુ છે અને છેલ્લા વર્ષમાં ત્રણવાર આવવાના પ્રસંગો બન્યા છે ત્યારે શેરી અને શહેરના નકશાઓ જ બદલાઈ ગયા છે. પણ છતાં ય સીમા સ્તંભ જેવા કેટલાક સ્થળો હજુ અકબંધ નહી તો ય મરામ્મત થકી તેનો ઈતિહાસ લઈને ઊભા છે.
આવી જ એક ઈમારત છે વેરાવળની સોમનાથ કોલેજ જે હાલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી તરીકે પ્રખ્યાત છે. દરિયાકિનારે આવેલ આ નવાબી કિલ્લાને શૈક્ષણિક સ્થળ તરીકે મે હમેંશ દૂરથી જ જોયો હતો. કોલેજનું એજ્યુકેશન મેં વેરાવળ બહારની સંસ્થાઓમાં લીધેલ હોવાથી સોમનાથ કોલેજ તરીકે જાણીતા આ કિલ્લામાં જવાનું ક્યારેય બનતુ નહી. વળી કારણ વગર ઓછી વસ્તીવાળા એ રોડ બાજુ જવાની ત્યારે મનાઈ હતી. ૨૦૧૩માં પ્રથમ વખત આ કિલ્લામાં હું પ્રવેશી. . વેરાવળ છોડી અમેરીકા આવ્યાને પણ આજે ૨૪ વર્ષ થયા હવે તો તે ઈમારત પણ જર્જરિત થઈ ચૂકી છે. મરામ્મત પણ ઓછી પડે છે ત્યારે તેની ભવ્યતાના દર્શન કરવાનો લાભ મળ્યો જેનો સઘળો યશ પૂ. વનલીલામાસીને ફાળે જાય છે. તેઓ મારી શ્રેષ્ઠમિત્ર મયૂરીના મમ્મી થાય. મયૂરીના પપ્પા સોમનાથ કોલેજમાં પ્રાધ્યાપક હતા જે પોતે તો હવે હયાત નથી પણ એમના જેવા પ્રાધ્યાપકો પણ હવે હશે કે કેમ તે એક સવાલ છે. અર્થશાત્રના પ્રોફેસર હોવા છતા ગુજરાતી ભાષા માટેનો એમનો પ્રેમ અને ચોક્કસાઈ એટલા કે સંતાનોના પત્રોમાં જોડણીની ભૂલો સુધારી એમને એ પત્ર પોસ્ટથી પરત મોકલે જેથી તેઓ ભૂલો સુધારી શકે. આ દંપતિ પાસેથી મને જીવનના ઘણા પાઠ શીખવા મળ્યા છે.
પૂ. માસીને સોમનાથ કોલેજના જૂના સંસ્મરણો તાજા કરવા હતા અને મને રહી રહીને નવાબી કિલ્લો ઉપરાંત સંસ્કૃત યુનીવર્સીટીની મુલાકાત લેવામાં રસ જાગ્યો હતો. દેવોની ભાષા સંસ્કૃતમાં મને પહેલાં પણ ઘણો રસ હતો અને હજુ ય એ કર્ણમધુર ભાષામાં પારંગત થવાની ઈચ્છા ઊંડે ધરબાયેલી પડી છે. આથી આ સંસ્થાની મુલાકાતથી મને મારા જન્મસ્થળનું ગૌરવ અનેકગણુ વધી ગયુ. કાશ, મને પણ અહીં ભણવાની તક મળી હોત!
કોલેજમાં આંટા મારતા વિદ્યાર્થીઓને જોઈને હું જાણે પુરાણી કાશીની વિદ્યાપીઠમાં હોઉ એવી ક્ષણીક ઉતેજના જાગી ઊઠી કારણ કે આ વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણતા હતા. સૌથી વધુ પુરાણી આ ભાષાનો એક છોડ અહીં પણ વિકસે છે તે ખુબ આનંદની વાત છે. એક સર્વેક્ષણ પ્રમાણે દર વર્ષે આખા જગતની કુલ મળીને ૩૫ જેટલી ભાષાઓ મરે છે અને કેટલાય નવા શબ્દો જન્મે છે. જેમાંથી ગુજલીશ જેવી ભાષાઓ જન્મે છે (ગુજરાતી + ઈંગલીશ). આવી ભાષાઓનું આયુ કેટલુ એ તો એક પ્રશ્ન છે. પરંતુ જેમ હિન્દી ભાષા સંસ્કૃત અને ફારસીનું મિશ્રણ છે તેમ ભાષાઓના મિલનથી નવી ભાષાઓ જન્મતી રહે છે અને શરૂઆતનો હાસ્યાસ્પદ તબક્કો પસાર કર્યા પછી સાહિત્ય સાથે વણાઈને કાયદેસરની ભાષાનો દરજ્જો મેળવીને ચિરંજીવ બની રહે છે.
દિર્ઘાયુ એવી સંસ્કૃત ભાષાની જાળવણી માટે દીલથી ચાકરી કરતા કાર્યકતા તરીકે આ યુનીવર્સીટીના ચાન્સેલર પ્રોફેસર શ્રી વેમ્પતિ કુટુંબા શાસ્ત્રીને મળીને આ યુનીવર્સીટીનું અને સાથે મારી જન્મભૂમિનું ગૌરવ જરૂર વધશે એવી આશા જાગી. ૨૦૦૫માં શરૂ થયેલ સંસ્કૃત યુનીવર્સીટી સોમનાથ કોલેજના જર્જરિત કિલ્લામાં સુરક્ષિત રીતે વિકાસ સાધતી જોઈ હર્ષની એક લ્હેરખી હ્રદયને સ્પર્શી ગઈ…જે સીધી જ એક દિવાલમાં લગાડેલા સ્વામી વિવેકાનંદના મોટા પોસ્ટર પર સ્થિર થઈ ગઈ… સ્વામીજીના જીવન વિષેનો વધુ અભ્યાસ કરવાની પ્રેરણા મને અમેરીકા આવ્યા બાદ થઈ હતી.
હું આ શહેરમાં ઉછરતી હતી ત્યારે જે તકો મને નહોતી મળી તે અત્યારે ઉપલબ્ધ છે તે જોઈને આનંદ અને ગ્લાનિ એકસાથે અનુભવ્યા…સ્વામી વિવેકાનંદના વિચારો પ્રસરાવતા રીટાયર્ડ શિક્ષિકા રમીલાબેન અમારી સાથે હતા. તેમણે પરિવર્તન માટેની નેતાગીરીના અભાવને પૂરવાની પોતાની કોશિષનું સફળ ઉદાહરણ આપીને કહ્યુ કે તક આપણે જાતે ઊભી કરવી જોઈએ ત્યારે એમને હું કહી ન શકી કે જેટલો કોમવાદ મેં અહીં સ્વદેશમાં અનુભવ્યો છે તેટલો રંગભેદ અમેરીકામાં નથી અનુભવ્યો. પછાત વર્ગને આગળ વધવામાં જે અંતરાયો નડે તેમાં લાયકાત પુરવાર કરવા છતાં કૌશલ્ય ઓછુ હોય તેની પસંદગી થતી દુઃખાતા હ્રદયે જોઈ છે વળી ફરિયાદ કરવાથી તો ઉલ્ટાના વધુ ધક્કા સહન કરવાના આવે જે ભલે કુદરતી શક્તિને કચડી ન શકે તો પણ તેના વિકાસની દિશા તો ફંટાવી જ શકે પણ તો ય આ શહેરે મને ઘણુ આપ્યુ છે તે માટે મારી આ વ્હાલી જન્મભૂમિને વંદન અને જે માટી ખુંદી છે તેમાં કચડાયા પણ હોઈએ તો ય શું? સહજીવનયાત્રીઓના કડવા મીઠા અનુભવો જ જીવનને સમતોલ રાખે છે ને! એકલી મીઠાશ ક્યારેક હાનીકારક પણ નીવડી શકે ખરૂં ને? અહીંના દરિયાની ખારાશને વ્હાલી કરી તેના પાણીની છાલકોથી નાહ્યાનો આનંદ એટલો મીઠો હતો કે ખારાશ પણ મનભાવન બની રહી છે.
હાઈસ્કૂલના જે બિલ્ડીંગમાં મેં કેટલાક વર્ષો નોકરી કરી હતી તે ધરાશયી થયેલ હોઈ ત્યાં ખાલી મોટો પ્લોટ જોઈ યાદોની એક ગલી શૂન્યાવકાશમાં અદ્રશ્ય થઈ ગઈ…
અહીં વેરાવળમાં જ મારો નજીકનો સમગ્ર પરિવાર જન્મ્યો છે. જેણે મને પ્રેમની ખરી ભાષા ઉકેલતા શીખવ્યુ છે એવા મારા પતિ અને બાળકો બધા આ ગલીઓમાં મારૂં હ્રદય સાથે લઈ ઘૂમ્યા છે. નવરાત્રી દરમ્યાન ગરબે ઘૂમતી મારી નાનકડી પરીઓ જેવી દીકરીઓએ અહીં ચેતનાના ફૂલો મારી પર વરસાવ્યા હતા. માતાની વ્હાલસોઈ નજર સુરક્ષાના ખ્યાલ સાથે સદાય મારી પીઠ પસરાવતી રહી હતી. પિતાના જિગરી મિત્રની તેજસ્વી પુત્રવધુની મિત્રતાએ કલાના કેટલાય અલગ અલગ સ્વરૂપો સાથે પરિચય કરાવ્યો. વાનગી, ભરતગુંથણ, કાપડ પર ચિત્રકામ, ગરબાના તાલ અને મહિલામંડળની પ્રવૃતિઓમાં સામેલ કરી મને લાયબ્રેરીના પુસ્તકોની બહારની દુનિયામાં રસ લેતી કરનાર મારા એ પ્રિય ભાનુભાભી અને પૂ. વનલીલામાસી કે જેમણે મને દીકરી સમાન વ્હાલ આપ્યુ છે તેમની સંયુક્ત ફળી મારી એક એવી બેઠક હતી કે નોકરીએથી ઘરે જતાં મોડું થાય ત્યારે હું ત્યાં જ હોઈશ તે સૌને ખબર હોય. એ બંનેનું કૌશલ્ય હું મુગ્ધભાવે નિહાળી રહેતી એ દીવસો યાદ કરી મારી મિત્ર મયૂરી તો સ્પષ્ટ કહે છે કે અમેરીકા જવાનું તે નક્કી કર્યુ ત્યારે અમે તને અંડર એસ્ટીમેટ કરી હતી કારણમાં તો ત્યારનું કચડાયેલ-મુરઝાયેલ વ્યક્તિત્વ જ કે જેને ખીલવાની તક માટે અન્ય ધરતીની તલાશ હતી.
જ્યાં મારો જન્મ થયો હતો તે બંગલો મારા પિતાએ વેચ્યો તેને પણ લગભગ ૨૫ વર્ષ થયા હશે અને બે-ત્રણ માલિક પણ બદલી ગયા હોવા છતાં એમના નામથી એ બંગલાની ઓળખ હજુ ય ઊભી હતી. એકવાર ત્યાંથી પસાર થતા એક જાણીતા પડોશીની આનંદી બૂમ સાંભળી…. ‘એ ય, તું રેખા તો નહી..? કરશન આલાની દીકરી.. નહી…?’ અને પછી આસપાસના લોકોને મારી ઓળખ આપવા બૂમ પાડી બોલાવવા લાગી. થોડીવારમાં પડોશમાંથી આઠ દસ જણા ભેગા થઈ ગયા અને કુતુહલભરી આંખોથી મને નિહાળવા લાગ્યા જાણે કે હું કોઈ સેલીબ્રીટી! મોગરાની સુંગધનો દરિયો અચાનક જ મનમાં લહેરાય રહ્યો કારણ કે મારા બાપુજીને પ્રિય એવા મોગરાના ફૂલ આ ગલીને રોજ સુંગંધથી મહેકાવતા રહેતા હતા. આજે ત્યાં મોગરાનું વૃક્ષ નથી પણ મનમાં એની સુગંધનો અહેસાસ અકબંધ છે.. હવે તો યાદોમાં એ સુંગધ, પિતાનુ એ હેત અને જનની જન્મભૂમિનુ આપેલ સંસ્કારભાથુ લઈને અમેરીકા પાછા ફરવાનું હતુ… स्वर्गादपि गरीयसी…. એવી આ જન્મભૂમિને સો સો પ્રણામ………
(અહીં ફોટામાં જોવા મળે છે તે મકાનમાં પ્રવેશદારની પાછળ અગાશીની દિવાલ પર મધ્યમાં કોતરેલ -ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે તેવો- ભારતનો નકશો અને રાષ્ટ્રધ્વજ મારા પિતાના દેશપ્રેમના સૂચક છે. અલભ્ય એવી ભારતમાતાની છબી કે જે ભારતના નકશા આકારમાં ઊભેલી ત્રિરંગી સાડી પહેરેલી સ્ત્રી જેવી છે તે હવે પછીની મુલાકાતે કેમેરામાં કેદ કરવાનો ઈરાદો છે.)
જ્યાં મારો જન્મ થયો હતો તે બંગલો મારા પિતાએ વેચ્યો તેને પણ લગભગ ૨૫ વર્ષ થયા હશે અને બે-ત્રણ માલિક પણ બદલી ગયા હોવા છતાં એમના નામથી એ બંગલાની ઓળખ હજુ ય ઊભી હતી.
Rekhaben,
Nice Post informing of “your Life”.
Enjoyed.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar !
સરસ બાયોગ્રફીકલ રજુઆત છે અને ભાષાની સાદગી કહેવાની નિખાલસતામાં બેરોક વહે છે.
Great! Nice presentation… Congrats!