અમારા પૂજ્ય મેરામણમામા ગઈકાલે આ ફાની દુનિયા છોડીને દેવ થઈ ગયા. દુઃખના આ પ્રસંગે એમના કહેલા શબ્દો થકી રોપાયેલી થોડી સમજણ પોષવી આજે સાર્થક લાગે છે.
“ઈ તો હાયલા કરે..સંસારમાં હુખ દુઃખ તો હાયલા જ કરવાના…એમાં હિમંત હારીને થોડું બેહી જવાય….” મામાના આ શબ્દોમાં અનુભવની સચ્ચાઈનો રણકો સ્પષ્ટ સંભળાય. કાળની થપાટના ઘણા કપરા ઘા જીરવ્યા પછી પોતાની સાથે સાથે પરિવારને ય દુઃખમાંથી ઊભા કરવાનું કપરૂં કાર્ય કરી પોતાના કહેલા શબ્દો પોતે જીવી જાણે એવી વિરલ વ્યક્તિઓમાંના એક તે મારા મામા..
એમની વાણીમાં હ્રદયની સચ્ચાઈનો રણકો કોઈને પણ સ્પર્શ્યા વગર ન રહે… ગામડા ગામમાં કોઈની બિમારી લંબાય અને પ્યારા પરિવારજનો હતાશ થાય ત્યારે ડોકટર કરતા ય વધુ વિશ્વાસ ચપટી રાખરૂપે એમણે આપેલી આશા પર મૂકાય તેનું કારણ એમની વાણીની સચ્ચાઈ! કોઈ કદાચ એને અંધશ્રદ્ધા કહે પણ તેઓ ડોકટરી સારવારની ભલામણ સાથે આશા આપી ડગમગતી શ્રદ્ધાને સ્થિર કરવા માટે ચપટી રાખ સાથે વિશ્વાસનો મંત્ર આપી સહાનૂભૂતિ સાથે વળતી કોઈ અપેક્ષા વગર આંગતુકને વિદાય કરતા.
પોતાની નાનકડી દુનિયામાં આસપાસના સર્વ કુશળ રહે તે માટે ભક્તિ અને પ્રયત્નો એ જ એમનું જીવન!
જવલ્લે જ એમના ચહેરા પર હાસ્ય જોવા મળે પણ કરૂણા અને ગાંભીર્ય સાથેનો પ્રેમ વિશેષ જોવા મળે…
એમની સાથેની જૂજ પણ પ્રેમાળ પળોની ભાવભરી યાદ સાથે એમના આત્માની સદ્ગતિ માટે પ્રાર્થના સહ વંદના!
સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ માટેની પ્રાર્થના કરું છું.
સદગતને પ્રણામ
સચ્ચાઈને જીવનાર આપના મેરામણમામાને શ્રદ્ધાંજલી.