અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ચૂંટણી પહેલાં સજાતિય લગ્ન કાયદેસરહોવાની વાતને ટેકો જાહેર કરી વધતા જતા આ વર્ગના મત મેળવવા સ્વીકારની ભાવનાને આગળ કરી છે. સ્વીકારની ભાવના ગમે તેટલી પ્રબળ હોય તો પણ પગ નીચે રેલો આવ્યા વગર ખરી કસોટી નથી.
કેટલાંક લોકો આ વાતનો સખત વિરોધ કરે છે તો કેટલાંક આપણે શું? ની મનોવૃતિ વાળા છે. તો વળી કેટલાંક લોકો એમાં કંઈ ખોટું નથી એમ માને છે. જેઓને મૂળ વિચાર સામે વિરોધ છે તે માને છે કે કાયદેસર ન હોય તો પણ આવા સંબંધો છાને છપને ચાલુ જ છે. જે છાનું છે તે જાહેર થયાનો આટલો ઉહાપોહ થવાથી શું ફેર પડે છે? એમ વિચારી ઉપેક્ષાવૃતિ ધરાવે છે.
ઘણા બુદ્ધિજીવી લોકો પણ સજાતિય સંબંધને ગુનાહિત કૃત્ય ન ગણતાં જન્મથી રંગસૂત્ર સાથે જોડાયેલી કુદરતી વૃતિ તરીકે સ્વીકાર કરે છે. આનુવંશીક વિજ્ઞાનનો ટેકો મળ્યા પછી તો આ ઓઠા નીચે હજારો લોકો પોતાની ગંદી મનોવૃતિને પોષી સમાજને દૂષિત કરે છે. કદાચ વૈજ્ઞાનિક સત્ય તરીકે સજાતિય સંબંધો કુદરતી હોવાનુ પુરવાર થાય તો પણ કેટલીક જન્મજાત વિકૃતિઓની જેમ આ પણ એક વિકૃતિ છે. તેને દૂર ન કરી શકાય તો પણ પોષણ આપવું તો ન જ ઘટે.
વિજ્ઞાન સજાતિય સંબંધોને વિકૃત ગણે કે પ્રાકૃત પરંતુ આ પૃથ્વી ફક્ત પોતાના માટે જ છે એમ માનીને જીવતા મનુષ્ય નામના પ્રાણી કે જેણે અન્ય જીવંત સૃષ્ટિને તુચ્છ સમજીને સજીવોની કેટલીક જાતોનો બિલકુલ નાશ કર્યો છે એવો પ્રકૃતિનો ગુનેગાર મનુષ્ય પોતાની એક તુચ્છ લાગણીને પ્રાકૃતિક ગણાવી આળપંપાળ કરે તે શું અયોગ્ય નથી?
હવે પશ્ચિમના દેશની વાત પૂર્વમાં કરીએ ત્યારે થોડો સંદર્ભ બદલીએ કારણ કે પશ્ચિમમાં સ્વતંત્રતાનો અતિરેક છે તો પૂર્વમાં બંધનનો. કહેવાય છે ને કે
‘અતિકા ભલા ન બરસના, અતિકી ભલી ન ધૂપ, અતિકા ભલા ન બોલના, અતિકી ભલી ન ચૂપ’
આપણા દેશની માન્યતાઓ પશ્ચિમના દેશોથી ચઢિયાતી અને સાચી છે એવા ખોટા ભ્રમને દૂર કરી આ સમગ્ર મુદ્દાનું અવલોકન કરીએ.
કોઈ પણ સજીવને ટકી રહેવા માટે કુદરતે ચાર સમાન લક્ષણો આપ્યા છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ ચારેયમાં સમતોલન એ સ્વસ્થતા માટે અનિવાર્ય છે. પતિ-પત્નિના સંબંધોમાં ય મર્યાદા આવશ્યક છે તો પછી અન્ય સંબંધોની તો વાત જ ક્યાં રહી? અને છતાં ય લગ્નેતર સંબંધો ટીકાપાત્ર તો ય સ્વીકાર્ય રહ્યા છે. કારણ કે દરેક વ્યક્તિ સમજે છે કે શરીરની ભૂખ(પછી તે આહારની હોય કે સેક્સની) જો ઘરમાં ન સંતોષાય તો બહાર જાત પર અકુંશ અતિ મુશ્કેલ છે એટલું જ નહી પણ અતિ તરફ જતી એ ગતિ વિકૃતિ પણ બની શકે છે એટલે વિલાસીતાને પોષણ ન મળે તે હેતુથી આપણે આવા દયાપાત્ર લગ્નેતર સંબંધોની ટીકાને જાહેરમાં સમર્થન આપતા રહીએ છીએ અને છતાં વ્યક્તિગત રીતે સ્વીકાર પણ કરતા રહીએ છીએ…. પરંતુ સજાતિય સંબંધો તો………???
આપણે લોકો માનીએ છીએ કે આપણી સંસ્કૃતિ, અમેરીકાની સંસ્કૃતિ કરતાં ઘણી ઊંચી છે. મારો વિરોધ ફક્ત છેલ્લા શબ્દ પૂરતો છે. છે કરતાં હતી કહેવાનું હું વધારે પસંદ કરીશ. અમેરીકાના પ્રતિષ્ઠિત સમાચારપત્રોમાં કેટલાંક ગુનાઓ અને જાતિય રોગોની ટકાવારીની જુદા જુદા દેશો સાથેની સરખામણી વાંચતા ચોંકી ઊઠીએ એટલી હદે આપણા દેશમાં કેટલાંક દૂષણો અમેરીકા કરતા વધુ પ્રમાણમાં છે.
આપણી મૂળ વાત પર આવીએ તો અસ્તિત્વ ટકાવી રાખવાના સજીવના ગુણધર્મમાં ઉપયોગી લક્ષણો સાથે વણાયેલી વૃતિનો વિચાર કરીએ તો જેમ ભોજનની ભૂખ શારિરીક પોષણ એટલે કે શક્તિ અર્થે છે તેમ મૈથુન ફલન અર્થે છે આથી જે મૈથુન ફલનમાં નથી પરિણમતુ તે નિરર્થક ગણાય અને આવી નિરર્થક પ્રક્રિયા સજાતિય કે વિજાતિય જ નહીં પતિ-પત્નિના સંબંધોમાં ય ફક્ત જાતિય સુખ અનુભવવા માટે થાય છે. ફલન વગર તૃપ્તિની પરિસ્થિતિ સુધી ન લઈ જાય તો પણ ભૂખ્યુ માણસ સમય થાય એટલે કંઈ પણ ખાઈ લે તે રીતે મનુષ્યનું મન જાતિય સુખ માણવા પ્રેરાય છે. આમ કુદરતી વૃતિઓ જે પરિણામ અર્થે છે તે પરિણામ પ્રાપ્ય ન હોય તો પણ વૃતિ નાશ પામતી નથી. આથી સંતાનપ્રાપ્તિના ફળની ઈચ્છા ન હોય તો પણ જાતિય વૃતિનું દમન કરવું અતિ મુશ્કેલ છે આથી સારાસારનો વિવેક ભુલાઈ જાય છે અને વિલાસી દાંપત્ય કે એથી આગળ લગ્નેત્તરા સંબંધો અને એથી ય આગળ જઈએ તો સજાતિય સંબંધો જન્મે છે જે ફક્ત એક અદમ્ય વૃતિની લાચારીમાંથી જન્મતાં હોવાથી ખરેખરતો દયાને પાત્ર છે જેનો તિરસ્કાર નહીં ઉપાય થવો ઘટે. ઉપાય માટે સૌ પ્રથમ તો જ્યાં વિલાસીતા છે ત્યાં અકુંશ રાખવો ઘટે અને જ્યાં અતિ બંધન છે ત્યાં યોગ્ય છુટછાટો. અહીં કઈ છૂટછાટો યોગ્ય અને કઈ અયોગ્ય તે પ્રશ્ન સ્વાભાવિક જ ઊઠે જેનો જવાબ આપણા સામાજિક ઢાંચા અને મનમાં પડેલી ગ્રંથિઓને ને બદલે કુદરતી વૃતિઓને આધીન રહી કરીએ તો સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિ નષ્ટ થવા માંડે અને લગ્ન વ્યવસ્થા તૂટી પડે. આમ થાય તો માનવ જીવન પશૂથી ય બદતર કક્ષાએ જઈ પહોંચે.
પૂર્વની સંસ્કૃતિની વાત કરતાં પહેલાં આપણે પશ્ચિમની સંસ્કૃતિની વાત કરીએ તો પશ્ચિમમાં સ્વતંત્રતાનો પ્રવાહ સારી-નરસી બંને વૃતિઓને પોષે છે અને તેના સારા અને ખરાબ બંને પરિણામો જોઈ શકાય છે. આમ જોઈએ તો અમેરીકાની સંસ્કૃતિનો હજુ બાલ્યકાળ છે જેમાં દુનિયાની દરેક સંસ્કૃતિના ઉત્તમ બીજ પાંગરે છે તો બીજી બાજુ સ્વતંત્રતાના પવનમાં સૌને પોતાની રીતે રહેવાની અનુકૂળતાઓ વચ્ચે કેટલીક ખરાબ વૃતિઓ પણ પોષાય છે. પરંતુ જે રીતે વૈજ્ઞાનિક સમજણથી વધુને વધુ લોકો માંસ-મચ્છી-ઈંડાનું સેવન છોડી શાકાહારી ખોરાક તરફ વળતા જાય છે તે રીતે સંસ્કૃતિના કદમ વૈજ્ઞાનિક સમજણ વિકસવાની સાથે યોગ્ય દિશામાં પડતા રહેશે તો અમેરીકાની ભવિષ્યની સંસ્કૃતિ આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિને મળતુ રૂપ ધારણ કરે તો નવાઈ નહીં. યોગાસનોનો પ્રચાર જેટલો અમેરીકામાં થાય છે તેટલો ભાગ્યે જ કોઈ અન્ય કોઈ દેશમાં થતો હશે. સજાતિય સંબંધો પ્રત્યે પણ ઘણો મોટો વર્ગ સૂગ અને વિરોધ ધરાવે છે પરંતુ જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે આ અયોગ્ય છે એમ સાબિત નહીં થાય ત્યાં સુધી સ્વતંત્રતાના નામે એનો સ્વીકાર કર્યે જ છૂટકો!
હવે આપણા ભારતની વાત કરીએ તો અમેરીકાની સંસ્કૃતિ બાલ્યાવસ્થામાં છે તો ભારતની સંસ્કૃતિ વૃદ્ધ થઈ ચૂકી છે. એની અસ્મિતા ભૂતકાળ બની ગઈ છે. અમેરીકામાં અતિ સ્વતંત્રતા વિકૃતિનું કારણ છે તો ભારતમાં અતિબંધન અને અમુક જાતિઓમાં હજુ ય થતા બાળવિવાહ વિગેરે કારણરૂપ હોઈ શકે. વિજાતિય આકર્ષણ જ્યારે તીવ્રતમ કક્ષાએ પહોંચે ત્યારે જાતિય બંધન પણ અત્યાચાર છે. બીજી બાજુ લગ્ન પહેલાંની જાતિય છૂટછાટો પણ ઘણાં મુશ્કેલીભર્યા પ્રશ્નો ઉભા કરે છે જેની ચર્ચા આપણે અહીં નહી કરીએ. એ એક આખો જુદો વિષય થશે. આ બધા વચ્ચેનો સરળ માર્ગ એ યોગ્ય વયે એટલે કે વિજાતિય આકર્ષણ તીવ્રતમ હોય તે વયે લગ્ન થાય તે છે. સમય સાથે મૂલ્યો બદલાતા જાય છે. પશ્ચિમના પવનની અસર નીચે આપણે પૂર્વમાં પણ લગ્ન મોડા કરતા થઈ ગયા છીએ પરંતુ જાતિય છૂટછાટોનું અનુકરણ સંસ્કૃતિ અને સમાજના બંધનને કારણે ન કરી શક્યા આથી છાને છપને લગ્ન પહેલાં પુરુષ મિત્રો સાથે જાતિય સંબંધો બંધાવા લાગ્યા. અને જ્યાં એવી તક ન મળે તેવા અતિબંધનના વાતાવરણમાં સજાતિય સંબંધો પણ જોડાવા લાગ્યા. ‘લગ્ન પહેલાં જાતિય છૂટછાટ નહી’ની સાથે યોગ્ય ઉંમરે લગ્ન થવા આવશ્યક છે. વર્તમાનમાં ઉલ્ટીગંગા ચાલે છે. મોડા લગ્નોને કારણે જાતિય છૂટછાટો વધી છે.
અમેરીકાની એક પ્રતિષ્ઠીત હોસ્પીટલમાંથી બહાર પડતા એક મેગેઝીનમાં જણાવ્યા પ્રમાણે એક સર્વેક્ષણમાં જણાયુ છે કે 18 થી 25 વર્ષની માબાપની વયે જન્મતાં બાળકોમાં વિકૃતિનું પ્રમાણ સૌથી ઓછું અને માબાપની વધતી ઉંમર સાથે ક્રમશ: વધતુ જોવા મળે છે. આમ તંદુરસ્ત સંતતિ માટે લગ્ન 18 થી 25ની વયે થવા જોઈએ પરંતુ આ ઉંમર કૌટુંબિક જવાબદારી ઉપાડવા માટે નાની ગણાય છે. નાદાનિયત, આવેશ, આવેગો, સ્વતંત્રતાની ઝંખના અને આર્થિક સલામતિ આ બધા વચ્ચે દાંપત્યજીવન સમતોલ અને સુખભર્યુ રાખવું કઠીન છે. અનુભવી અને સમજદાર માબાપનું માર્ગદર્શન અને ટેકો હોય તો આ કઠીન માર્ગ ઘણો સરળ બની શકે છે. સંયુક્ત કુંટુંબપ્રથા આ રીતે આશીર્વાદ સમાન હતી. જેમ જેમ વસ્તી વધવા લાગી તેમ તેમ અર્થતંત્ર નબળુ પડતું ગયુ અને ભૌતિકવાદ વધતો ગયો આથી એક તરફ અન્ન વગર ટળવળતાં લોકો છે તો બીજીબાજુ સુરક્ષાની ચિંતા કરવી પડે તેટલો મોટો પરિગ્રહ છે. આ કારણે મૂલ્યો બદલાવા લાગ્યા સાથે સંબંધોના માપદંડ પણ બદલાવા લાગ્યા પરિણામ એ આવ્યુ કે સંતાનના ઉછેર અને કૌટુંબિક જવાબદારીઓ કરતાં આર્થિક સલામતિના પ્રશ્નો અગ્રતાક્રમે મૂકાયા એટલુ જ નહી એ જવાબદારીઓનો સમયગાળો પણ ટૂંકો થયો. પૌત્ર-પૌત્રીઓ સુધીની ચિંતા કરતાં માબાપો પુત્ર કે પુત્રીના લગ્ન થાય એટલે જવાબદારી પૂરી સમજવા લાગ્યા. સ્વતંત્રતા ઝંખતી નવી પેઢીને વડિલોની જવાબદારી રહીત સત્તા સ્વીકાર્ય ન હોવાને કારણે સંયુક્ત કુંટુંબો તૂટવા લાગ્યા અને કૌટુંબિક પ્રશ્નો જટિલ બની દાંપત્ય જીવનનું સુખ નષ્ટ કરવા લાગ્યા. આના માઠાં પરિણામો રૂપે લગ્નેત્તર સંબંધો અને સજાતિય સંબંધો વધવા લાગ્યા. અમેરીકાના કેટલાંક રાજ્યોમાં સજાતિય લગ્નને કાયદેસર માન્યતા મળી છે. ખરેખર તો આ જન્મજાત સ્વભાવ હોય તો પણ વિકૃતિ જ છે તેને દૂર કરવાના ઉપાયને બદલે કાયદાના રક્ષણથી પોષણની તક પૂરી પાડીને મનુષ્યજાત અકુદરતી જીવન તરફ વધુ એક કદમ આગળ વધે છે. આમ પણ મનુષ્ય એક એવું સજીવ પ્રાણી છે જે કુદરતથી સૌથી વધારે વિમુખ જીવન જીવે છે. આથી વધારે નાસમજ અન્ય પ્રાણીઓ કરતા બીજી કઈ હોઈ શકે? અને છતાં પોતાને સૌથી વધુ બુદ્ધિશાળી ગણતુ આ પ્રાણી પોતાની બુદ્ધિનો સદુપયોગ કરતા દુરૂપયોગ વધુ કરે છે આજના યુગની વિડંબનાઓ એની ફલશ્રૂતિ છે.
Very Nice Article
FREEDOM= THIS CHANGE
OR
GENETIC CAUSES (abnormality)= THIS CHANGE
OR
There are GENETIC REASONS but MORE cases because of the ENVIRONMENT and/or FREEDOM.
Answer ????
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar !