શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત કથા “લવલી પાન હાઉસ” – પ્રતિભાવ

પુસ્તક ખોલતાં જ પાના નંબર શરૂ થાય તે પહેલાં જ ‘અર્પણ’ પર ધ્યાન પડ્યુ જ્યાં લખ્યુ હતુ.

“પૃથ્વીના ગોચર-અગોચર ખૂણે સ્નેહ અને શાંતીથી વસતા જાણ્યા-અજાણ્યા મનુવંશીઓને”

થયુ કે અહો! આ તો આપણને જ અર્પણ છે હવે તો આ પુસ્તક વાંચવુ જ જોઈશે. જો કે આમે ય લેખકની કૃતિ ‘અકુપાર’ વાંચ્યાનો ચિર આનંદ હજુ મનમાં છવાયેલ છે તેથી વાંચવુ તો હતુ જ.

પછીના પાને પ્રસ્તાવનામાં બોલીના એક શબ્દની લિપિ વિષે લખ્યુ છે. જે ગુજરાતી ટાઈપ પેડ પર અહીં મારાથી ટાઈપ થઈ શકે તેમ નથી પણ તે અડધો ‘સ’ અને સાથે જોડાયેલ નાનકડો ‘હ’ મળીને બનાવાયો છે
‘સાંજ’. ગામઠી બોલીમાં ‘હાંજ’ બનીને સને ભાંગી નાખે છે છતાંય અડધો હ સાથે જોડાઈને હને બેસાડી દે છે. જેનો ઉચ્ચાર ન તો શકોરાનો શ થાય કે ન તો ફાડિયો ષ કહેવાય. બોલીના આવા લખવામાં અઘરા શબ્દો માટે ખાસ લિપિ રચીને લેખકે ગામઠી બોલીને અભણની ભાષા ન ગણતા ભાષાને બોલીનો એક વધુ શબ્દ આપ્યો તે માટે અભિવાદન કરવાનું મન થાય.

પછી શરૂ થાય છે કથાયાત્રાઃ

વાર્તાનો નાયક કે જેનું નામ એના જ સંવાદમાં કહું તો “લખવાનું યાત્રિક ને બોલાવાનું ગોરો” ગોરા ને બદલે કોઈ ગોરીયો કહે તો એ ય કબૂલ. આ યાત્રિકની જીવન યાત્રા વાંચતા વાંચતા વાંચકને ખ્યાલ આવતો જાય કે આપણે સહયાત્રી છીએ. લેખકના શબ્દોમાં કહું તો ‘એક નક્કી અંતરના મુસાફર’. સહયાત્રાનો આનંદ છેક છેલ્લા પ્રકરણ સુધી માણતા રહેવાય છે. દરિયાના સામા કિનારાને શોધતી આંખો સુધીના દરેક પાત્રો એટલા સુંદર ઉપસે છે કે તમારૂં દિલ ક્યારે એની સાથે જોડાય અને વિશ્વાસનો નાતો બંધાય જાય તેની તમને ય જાણ ન થાય. એ પાત્રો આખર સુધી જીવન માટેની વાંચકની આશા વધારતા રહે છે.

યાત્રિકના જ્ન્મ બાબતે એક વાક્યઃ ‘કોનો છોકરો?’ સદા અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન જન્મ્યો.

આ એક વાકયમાં લેખકે કેટલું બધુ કહી દીધુ! અને લેખકની બીજી ખુબી તો જુવો! નથી એને ક્યાંય અનાથ કહ્યો કે નથી કહ્યો માતા વિહોણો. ઉલ્ટાનું કેટકેટલી માતાઓના પ્રેમ તળે તેને મૂકીને સ્ત્રીમાં રહેલી માતૃત્વની ભાવનાને લેખકે આ યાત્રિકના ય વંદન દર્શાવ્યા સિવાય વંદનીય સ્થાને મૂકી જાણી છે.

માતાના ગર્ભના અંધકાર પછી આઠ-નવ વર્ષે પૂર્ણ અંધકારનું દર્શન અને એમાં ડૂબવાની વાતને ‘સવાર પણ સીધી મોં પર ઝળહળી નહીં. તિરાડોમાંથી સંતાઈને આવી’ કહીને લેખકે નિરાશાના પ્રતિક એવા અંધકાર અને એમાં ડૂબવાની પ્રક્રિયાને આનંદ અને આશાને શિખરે મૂકીને જે ચમત્કૃતિ રચી છે તેમાં ઊંધ શબ્દ વાપર્યા વગર ગાઢ આરામ પછીની સ્ફૂર્તિ પણ એટલી જ ત્વરિત દર્શાવાઈ છે. આવી ચમત્કૃતિ ઠેરઠેર જોવા મળે.

હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની એકતા વચ્ચે ઉછરતા યાત્રિકને જ્યારે રાબિયાએ મંદમતિ કહી ચીડવ્યો ત્યારે ક્ષણવાર સંત કબીર મનમાં ઝબકી ગયા.

પુસ્તક વાંચીને એક ખ્યાલ સ્પષ્ટ થાય છે કે જીવનનો દરેક યાત્રિક કલા સાથે જ જન્મે છે. માવજત, કેળવણી કે કોઈ પણ બાહ્ય પરિબળનો સહારો મળતા એ વેલની જેમ ઊંચે ચઢવા લાગે છે અને ન ચઢે તો ય એ જીવંત રહી નાના ગણાતા પાન બનાવવાના જેવા કામમાં પણ એનું હીર ઝળકાવ્યા કરે છે અને સિદ્ધિના શિખરે પહોંચાડી શકે છે. આ કથાના એક ઉત્તમ પાત્ર વલીભાઈની જેમ સ્તો!

લગ્ન કે જાતિય વૃતિ સંતોષવાની કોઈ આશા કે ઈચ્છા વિનાના રાબીયા અને યાત્રિકના નિસ્વાર્થ પ્રેમને લેખકે અત્યંત શુદ્ધ અને પવિત્ર ભૂમિકા પર જરા ય અતિશયોક્તિ વગર સહજ રીતે દર્શાવ્યો છે.

આ પુસ્તક વિષે હજુ ઘણુ કહી શકાય પરંતુ અહીં અટકવુ પડે તેમ છે. છેલ્લે ઓસબિંદુનું અત્યંત આકર્ષક જે શબ્દચિત્ર લેખકે ખડું કર્યુ છે તે અહીં મૂકીને વિરમુ છું.

“નાળિયેરીના પાનની અણી પર, સમુદ્રમંથનમાંથી જાણે અત્યારે જ નીકળેલા કૌસ્તુભ જેવાં, વિખરાતી રાત્રિના મનોરમ રહસ્ય સમાં ઓસબિંદુ”.

લેખકને અભિનંદન સાથે નમસ્કાર!

This entry was posted in સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.