પત્થરને કાળજે કોતરેલી કલા

ખીણો અને પર્વતોની હારમાળામાં પથરાયેલ પત્થરનું અનોખુ સૌંદર્ય આસપાસ ઉગેલા ફૂલોના સૌંદર્યને જ્યારે નહીવત કરી દે ત્યારે ઘડીભર થાય કે ફૂલ અને પત્થરનો એટલે કે ચેતન અને જડનો વિરોધાભાસ જો લાગણીના સંદર્ભે જોઈએ તો જરાક સ્પર્શતા મુરઝાવા લાગે તેવા ફૂલ સાથે સરખાવીને સદીઓથી પવન અને પાણીનો માર ખમી ખમીને અલગ અલગ રૂપ અને રંગ ધારણ કરીને અડીખમ ઉભેલા આ પર્વતો અને ખીણોમાં રક્ષિત ચેતન અને સૌદર્યનું આપણે અવમૂલ્યન કરીએ છીએ. આ ધરતી પરનું આપણું એક પગલું સદીઓની અસરથી ઉપસતી કુદરતી સૌંદર્યરેખાઓને થંભાવી દઈ શકે છે પણ તેની અસર અદીઠ છે.

Utah 1

દરિયાની સપાટીથી લગભગ ૯૦૦૦ ફૂટ સુધી ઊંચા મસ્તક કરીને ઊભેલા પર્વતોના અદ્‍ભૂત સૌંદર્ય અને તેની ખીણોમાં કોતરાયેલી કુદરતી કલા કારીગીરીના દર્શનનો અમૂલ્ય અવસર રક્ષાબંધનના તહેવારે ભાઈઓને રાખડી બાંધવા અમેરીકામાં આવેલ યુટા રાજ્યના બીવર ગામે ગઈ ત્યારે સાંપડ્યો. તાજેતરમાં લીધેલી મોટેલના અનેક કામોના ઢગને એકબાજુ કરી મોટાભાઈએ જ્યારે બ્રાય્સ કેન્યોન, આર્ચીસ પાર્ક અને ઝાયન કેન્યોનની અનોખી ઝાંખી કરાવી ત્યારે પ્રકૃતિ પત્યેના તેના પ્રેમને સલામ કરવાનું મન થઈ આવ્યું. પહાડો ચઢવાની હામ અને હિંમતના અભાવને દૂર કરવા નાનાભાઈએ ખભો અને લાકડી આપ્યા. બંને ભાઈઓનો ઉલ્લાસ કવિ શ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંકતિ “ભોમિયા વિના મારે ભમવા’તા ડૂંગરા…”માં છલકાતો હવામાં લહેરાતો મારા હ્રદયને સ્પર્શી આ ભ્રમણને યાદગાર બનાવી ગયો.

અવાક્‍ થઈ જવાય તેવા આ સૌંદર્યનું વર્ણન શબ્દોમાં ગમે તેટલું કરીએ તો ય અનુભૂતિ વગર તે અધૂરૂં જ રહેવાનું પણ છતાં ય હૈયે છલકાતી ખુશીને વહેંચ્યા વગર જંપ નહી વળે.

આસપાસની પહાડીઓ વચ્ચેથી ચોતરફ પ્રસરતા સૂર્યોદયના તાજા કિરણોને ઝીલતાં અમે ઘરેથી નીકળ્યા બાદ લગભગ એકાદ કલાકના ડ્રાઈવ બાદ એક જગ્યાએ નજરને પકડી રાખતો એક ઊંચો સુંદર ખડક દેખાયો જેને જોવા અને ફોટા પાડવા માટે ઉભેલા બે ત્રણ કુટુંબોને અમે જોયા. ખાસ આ ખડક જોવા માટે રસ્તાની બાજુમાં નાનકડો અર્ધવર્તૂળ પાર્કીગ પ્લોટ હતો જેમાં બીજી બે કાર સાથે અમે અમારી કાર પણ ઉભી રાખી.

Utah 2

મોટાભાઈએ કહ્યુ, ‘પાંચ મિનિટથી વધારે અહીં સમય ન બગાડતા બાકી હજુ આગળ ઘણી સુંદર જગ્યાઓ જોવાની છે તે રહી જશે.’

મને થયુ અરે! પાંચ મિનિટમાં તો આ સુંદરતાને કેમ પીવાશે? આગળ સુંદરતા ધોધમાર વરસવાની હતી જેનાથી હું અજાણ હોઈને મનમાં થોડા રંજ સાથે ખડક પર ચોંટી ગયેલી નજરને ફેરવી હું ફરી ગાડીમાં બેસીને ખડક પર પડેલ લીસા સપાટ ચોસલાઓને નીરખવા લાગી. ભાઈ કહે, ‘આ તો હજુ શરૂઆતની ય શરૂઆત છે’. થોડીવાર થઈ ત્યાં પત્થરની બનેલી એક કુદરતી કમાન નીચેથી અમારી ગાડી પસાર થઈ.

પાછું વળીને તેની સુંદરતાને આંખમાં ભરૂં ન ભરૂં ત્યાં તો આગળની બીજી કમાન ઝૂકીને સલામ કરતી સડસડાટ નીકળી ગઈ. બારીમાંથી બાજુમાં નીચે જોયું તો ડર જન્માવે તેવી ઊંડી ખીણો! એકબાજુ ખડકો અને બીજીબાજુ ખીણો વચ્ચેના રસ્તા પર પૂરપાટ સરતી ગાડીઓ નાના હતા ત્યારે ફક્ત ચિત્રપટ પર જોયેલ અને પછી કુલુ – મનાલીની પહાડીઓ પર તે આનંદ ક્ષણિક માણેલ. આજ વર્ષો બાદ ભૂલાતા જતી એ ક્ષણોને સાવ જ ભૂલાવી દે તેવી આ સર્પાકાર રસ્તા પરની સફર કુદરતે છૂટા હાથે વેરેલા અદ્‍ભૂત સૌદર્યને કારણે મૃત્યુના ભયને પણ હડસેલી દે તેવી આનંદદાયક બની રહી. ભાઈ કહે, ‘જો હવે શરૂઆત થઈ!’

અમે દરીયાની સપાટીથી ઊંચે ને ઊંચે ચઢતા જતાં હતાં. વિશ્વની સાત અજાયબીઓમાંની એક એવી ‘ગ્રાન્ડ કેન્યોન’ની હારમાળાના ઉત્તર તરફના ભાગની નજીકના આ અગણિત ઢોળાવોને અહીં બ્રાય્સ કેન્યોન નામ આપવામાં આવ્યું છે. લગભગ ૯૦૦૦ ફૂટની ઊંચાઈએ અમે પહોંચ્યા ત્યાં એક સૂત્ર વાંચવામાં આવ્યુ ‘Where rocks meet the sky’ ખરેખર અહીં ખડકો આભને અડતા હતા! વાદળોને જોવા અમે ડોક નીચી કરી તો ખીણોમાં રમતા જોયા. આજ સુધી જોયેલા ધરતીના અનેકાનેક સુંદર રૂપો આ રૂપ પાસે ઝાંખા લાગ્યા.

Utah 4

યુટા રાજ્યમાં લગભગ ૩૫૦૦૦ એકર સુધી પથરાયેલ બ્રાય્સ કેન્યોન નામના આ નેશનલ પાર્કની મુકાલાતે વર્ષ દરમ્યાન લગભગ ૧૫ લાખ મુસાફરો આવે છે. જો કે આ સ્થળને કેન્યોન કહેવાય કે નહી તે પ્રશ્ન છે. લાખો વર્ષોથી બરફ, પવન અને જમીનના ધોવાણથી બનેલા અલગ અલગ આકારના પત્થરના હજારો સ્તંભો ની ફરતે જંગલી ઝાડીની લીલી વનરાજી વચ્ચે ફરતા હરણા અને જવલ્લે દેખા દેતા પર્વતીય સિંહોથી ધમરોળાતો આ પર્વતનો નીચલો ભાગ જાણે વિરાટ દેવાલયનું સુંદર પ્રાંગણ હોય તેવી સૃષ્ટિ રચે છે. અને પત્થરો પણ કેવા? કોઈ લાલ તો કોઈ ધોળો તો કોઈ ભગવો! જાણે પ્રેમ, શાંતી અને અધ્યાત્મનો ત્રીવેણી સંગમ! સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યની લાલિમાથી ચમકતા આ રંગો અનેરી આભા પ્રગટાવી પ્રવાસીને મંત્રમુગ્ધ કરીને ઘડીભર પૃથ્વીલોકને ભૂલાવી દે! જુદી જુદી ઊંચાઈએ પ્રવાસીઓ માટે બાંધેલા લગભગ ૧૫ જેટલા સ્થળોના અલગ અલગ દ્રષ્ટિકોણથી રચાતી વિભિન્ન આકૃતિઓમાં એકાકાર થવા મથતા મારા અસ્તિત્વને સ્થળની નાજુકતાનું ભાન ન ભૂલાય તે માટે કેટલીયવાર ભાઈઓએ કહ્યુ કે, ‘જો જે હોં ધોવાણની માટીથી બનેલા આ પત્થરો પર પગ મૂકતા તૂટી પડશે તો સીધી ખાઈમાં જઈ પડીશ’ મે કહ્યુ કે કદાચ એવું બને તો સૌને કહેજો કે મારૂં મૃત્યુ અતિ આનંદની પળે મુક્તિના દ્વારે થયું છે. પણ એમ બન્યુ નહી અને સમયના બંધનમાં બંધાયેલા અમે સૂર્યાસ્તની સાથે સાથે ઢાળ ઉતરતા હતા ત્યારે જોયું તો સવારે છડીદારની જેમ અમારૂં સૌ પ્રથમ સ્વાગત કરતો પેલો સુંદર ખડક વિરામની છાયામાં પોઢી ગયેલ હશે તે સૌંદયથી અંજાયેલી અમારી આંખોને પાંચ મિનિટ માટે પણ ન દેખાયો. ઘરે પહોંચ્યા ત્યારે અંધારાના ઓળા ઉતરી ચૂક્યા હતા અને થાક ઓગળીને પગને કળતર આપતો હતો. ભાઈએ કહ્યું કે વ્હેલા ઊઠી જજો કાલે આનાથી પણ સુંદર સ્થળે જવાનું છે. આશ્ચર્યથી મેં પૂછ્યુ કે આનાથી સુંદર સ્થળ હોઈ શકે ખરૂં? સર્વાંગ સુંદર એવી ધરતીના જુદા જુદા અંગોની સુંદરતાની સરખામણી જ અયોગ્ય છે તે આર્ચીસ પાર્ક અને ઝાયન કેન્યોન જોયા પછી સમજાયું.

Utah 3

બીજે દિવસે આર્ચીસ પાર્ક જોવા જવાનું હતું પણ પગને આરામની જરૂર હોઈને તે મુલ્તવી રાખી ઈગલ પોઈન્ટ નામના સ્કી રીસોર્ટ પર અમે ગયા. હજુ જો કે સ્નો પડવાને તો મહીનાઓની વાર હતી અને આઈસ તો ડીસેમ્બર પહેલાં સ્કીઈંગ કરવાની પરવાનગી ન આપે એટલે આ સમયે ત્યાં કોઈ પ્રવાસીઓ જોવા મળ્યા નહી પણ આ પહાડીની આસપાસની સુંદર હરીયાળી સૃષ્ટિ વચ્ચે ખળખળ વહેતા ઝરણાના સંગીત અને પવનના સૂરીલા સુસવાટે કારના પ્લેયરમાં વાગતું ગુજરાતી ગીતોનું સંગીત ઝંખવાયું તે બંધ કરી અમે પહાડીઓના ચઢાવ અને ઉતરાવ પર ગાડી સરકાવતા મેદાનો સુધી આવી પહોંચ્યા. પહાડો ઉપરના મેદાનો પર દોડતા હરણાઓમાંથી કેટલી તકેદારી રાખવા છતાં એક હરણ અમારી કાર સાથે અથડાઈને દૂર પડ્યું. તેના પગમાં ઈજા થઈ હોય તેમ જણાયું. તૂર્ત જ તે લંગડાતું દોડીને મેદાન પાછળની ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયું. અફસોસ સાથે અમે દૂરના એક સ્થળે ગાડી ઊભી રાખી. આ સ્થળ પિકનિક માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ડાબી બાજુ નાનકડું સ્ટેજ બાંધી તેની સામે સો-બસો માણસો બેસી શકે તેટલા બાંકડા ગોઠવી લાઈવ મ્યૂઝિક માટેના ઓપન એર થિયેટર જેવું બનાવ્યું હતું અને જમણી બાજુ રસોઈનો ચૂલો અને ખાવા-પીવા માટેની સુવિધા હતી. આ બંને વચ્ચે પ્રવેશવાની કેડી સીધી જ વર્તૂળાકારે ઊભેલા તોંતિગ વૃક્ષો વચ્ચે લઈ જાય. એ જ રીતે વર્તૂળકારે બાંકડાઓ પણ ગોઠવેલા હતા. તે પર બેસી વૃક્ષોની ઊંચાઈનું માપ કાઢવા મેં શક્ય તેટલી ડોક ઊંચી કરી તો પણ ટોચ સુધી નજર પહોંચી શકી નહી. લીલી ઠંડક અસ્તિત્વને ઘેરી વળી અને પાંદડે પાંદડે કવિતા ફૂટી. સ્ટેજ પર થઈ બાજુના ઝરણાનું સંગીત કાનમાં ગુંજયું સાથે જ હ્રદય આનંદથી છલકાઈને નિ:શબ્દ બન્યું. વિષાદના વાદળો આપોઆપ વિખરાઈ જાય એવી દિવ્ય શાંતી આંખો બંધ કરીને પરદેશની આ પવિત્ર ભૂમિ પર અનુભવી. પારકી અને પોતાની ભૂમિનો ભેદ આપોઆપ ઓગળતો હતો. કહેનારે સાચું જ કહ્યું છે કે સબ ભૂમિ ગોપાલકી… થોડીવારમાં એક અમેરીકન કુંટુંબ પિકનીક માટે સરસામાન લઈને આવ્યું. અમારી આંખો મળતાં જ મળેલાં એમના નિર્મળ હાસ્યમાં પ્રકૃતિનો પ્રેમ અને પ્રેમની પ્રકૃતિ એકમેક થતા જણાયા. વસુધૈવકુંટુંબકમ્‍ની ભાવનાના બીજ કદાચ કુદરત સમીપે જ વધુ વીકસતા હશે. ત્યાંથી આગળ પ્રયાણ કરતાં એક નાનકડું તળાવ નજરે ચઢ્યું. વિશાળતા હવે સહજ અનુભવાતી હતી. અમારી આંખોમાંથી અચંબાની જગ્યાએ હવે આનંદ નીતરતો હતો. ત્યાં બેસીને અમે દેશમાં વીતેલા બાળપણની મીઠી યાદોને વાગોળી. વિખૂટા પડી ગયેલા કેટલાય સ્નેહી, મિત્રો અને પડોશીઓને યાદ કરી તેમની સાથે ગાળેલા સમયના આનંદની લ્હાણી કરી.

પછીના દિવસે આર્ચીસ પાર્કની સુંદરતા માણી. યુટા રાજ્યની પૂર્વમાં ૧૨૦ ચોરસ માઈલ વિસ્તારમાં પથરાયેલી પત્થરની જુદા જુદા આકારની લગભગ ૨૦૦૦ કમાનોની આસપાસ જાણે અવકાશમાં રમવા નીકળ્યા એવા પત્થરના નાના મોટા પૂતળાઓ સાથે કલ્પના જોડીને મનગમતી આકૃતિઓ થકી એક નાનકડી સૃષ્ટિ રચી રચયિતાનો સહજ આનંદ અહીં અનુભવ્યો.

કોલોરાડો નામની નદી પર આવેલા આ વિસ્તારમાં લાલ રંગના રેતપત્થરથી રચાયેલ ખડકો અને કમાનોથી શોભતા આ સ્થળની મુલાકાતે વર્ષ દરમ્યાન લગભગ ૧૦ લાખ લોકો આવે છે. અમે ૩૬ માઈલનો સીનીક રૂટ લઈ તદન નજીકથી કુદરતની આ કોતરણીને હ્રદયમાં કોતરવા પ્રયત્ન કર્યો. બેલેન્સ રોક, ડેલીકેટ આર્ક, ઓ રીંગ, વીન્ડોઝ અને સૌથી મોટી ૩૦૬ ફૂટની લેન્ડસ્કેપ આર્ક આવા અલગ અલગ નામના કેટલાય ફોર્મેશન પત્થરની નાજુકાઈ દર્શાવતા ઊભા છે. પ્રકૃતિદેવી તેની વિશાળ ગોદમાં પત્થરના આભૂષણો સાથે આપણને પણ તેની માયામાં લપેટી લેવા હોઠની કમાનથી હાસ્ય વેરીને ચુંબક માફક તેની નજીક ખેંચવામાં અહીં સફળ રહી છે.

સાંજ ક્યારે પડી ગઈ તેની ખબર ન રહી. દિવસ દરમ્યાન બે લિટર પાણી પી ગયા પછી પણ ગળે શોષ પડતો હતો. તપતો સૂર્ય ખડકોને તો ભીનાશથી મુક્ત કરી રક્ષા બક્ષતો હતો પણ પ્રવાસીઓને ખડકોની ઓથ સિવાય ચાલવાની મનાઈ ફરમાવતો હતો. અહીં પણ ખડકોની તરાડો વચ્ચે ઉછરતી જીવસૃષ્ટિ જોઈ ‘વાહ કુદરત!’ નો ઉદ્‍ગાર સરી પડ્યો.

છેલ્લા દિવસે ૩૦ લાખ લોકો વર્ષ દરમ્યાન જેની મુલાકાતે આવે છે એવા ૨૨૯ ચોરસ માઈલ વિસ્તાર ધરાવતા ઝાયન નેશનલ પાર્કની મુલાકાતે અમે પહોંચ્યા ત્યારે અમારી પાસે ફક્ત ત્રણ કલાક જ બચ્યા હતા. રાતની ફ્લાઈટમાં પાછા ટેનેસી જવાનું હતું. ‘પાપ નગરી’ તરીકે ઓળખાતા જુગારના ચમકદાર મથક લાસ-વેગાસના એરપોર્ટ પર પહોંચવા માટે બીજા બે કલાક રોડ પર કાઢવાનાં હતાં. અમારી આખી સવાર એક અજાણી સુમસામ જગ્યાએ કુતૂહલવશ થઈ ભૂલા પડવામાં વીતી ગઈ હતી. માઈલો સુધી સાંકડી કેડી અને એક તરફ ઊંડી ખાઈ! ગાડી પાછી વાળવા માટે જોઈએ એટલી જગ્યા પણ છેક છેવાડે ડર લાગે તેવી ખીણની ટોચે જોવા મળી ત્યારે થયું કે હાશ બચ્યા! સેલ ફોનમાં પણ સિગ્નલ નહોતા મળતા અને નકશો હાથમાં લેતાં માઉન્ટન લાયનની બીક પણ બેસી ગયેલી. હકિકતમાં ભૂતકાળમાં ત્યાં એક પુલ હતો જે ઘણા વખતથી તૂટી ગયેલ અને એક વખતની પ્રખ્યાત જગ્યા અવાવરૂ થઈ ગયેલ જેના અવશેષો જોવા મળ્યા પણ માઈલોના માઈલો સુધી કોઈ કાર કે માનવ નજરે ન પડ્યા છેવટે એક ઝૂંપડી જેવી જગ્યાએ આ જંગલમાં આગ લાગે તો સરકારને ચેતવવા એક રક્ષક નીમ્યો હતો તેને મળી રસ્તો પૂછી સાચે રસ્તે વળ્યા ત્યાં બપોર થઈ ચૂકી હતી.

આ પાર્કમાં આવેલ ૧૫ માઈલ લાંબી અને અડધો માઈલ ઊંડાઈવાળી ઝાયન કેન્યોનની બસ રાઈડ લેવાનું અમે વિચાર્યુ. સમયના અભાવે નાની મોટી કેડીઓ પર પગે ચાલવાનો આનંદ જતો કરવો પડ્યો. અહીં પર્વતારોહણના શોખીનો માટે સીધા ચઢાણવાળા ખડકો પણ છે. જેમાં ચઢવામાં સરળ, મધ્યમ અને અઘરી એવી ત્રણ પ્રકારની લાંબી-ટુંકી કેડીઓ અલગ અલગ જગ્યાએ કંડારવામાં આવી છે. અહીં બીજી ખાસ વિશેષતા પાણીની છે. વર્જિન નામની નદીનું વહેણ આપણને હર્ષથી છલકાવીને તેના પટમાં ચાલવાનો અનેરો આનંદ પણ લૂંટવા દે! પાણીને કારણે હરિયાળા વૃક્ષો પણ ઘણા હતાં. જાણે કે ઊંચા ઊંચા ખડકોના પગમાં રમતાં ઝૂમતા લીલા બાળુડા! બસમાંથી અહીંના સૌંદયના ફક્ત દર્શન જ કર્યા. ‘સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે’ ગણગણીને કવિ શ્રી કલાપીને યાદ કરતા અમે પાછા ફર્યા.

ધરતીને નમન, આકાશને ચુંબન અને વાદળ સાથે વાતો કરતાં આ પર્વતો અને યુગોથી ચાલતી તેના ધોવાણની પ્રક્રિયાથી  ખીણમાં ઉગેલા ખડકો, શીલાઓ, સ્તંભોની અદ્‍ભૂત હારમાળા જોઈ તેના રચયિતાથી કોઈ પણ પૃથ્વીવાસી અભિભૂત થયા વગર રહે તો જ નવાઈ!

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

1 Response to પત્થરને કાળજે કોતરેલી કલા

  1. રીતેશ મોકાસણા કહે છે:

    ખુબ સરસ ! કુદરતના ખોળે ખેલવાનું અવાર નવાર મન કરી દેતો લેખ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.