ષષ્ઠીપૂર્તિની નજીક પહોંચતા સમય જાણે ઉડતો લાગે. કામની ગતિ ધીમી પડી ગઈ છે તેનો અહેસાસ થાય સાથે સાથે નિવૃત સમયે કરવાનો વર્ષોથી થંભાવી રાખેલો આનંદનો પ્રવાહ દિલની સાથે શરીરને ય ડોલતું જોઈ ધીમો પડવા લાગે ત્યારે સમય ક્યાંથી કાઢવો તે ક્યારેક પ્રાણપ્રશ્ન બનીને ઊભો રહે છે. નિજાનંદ માટે સમયની ચોરી સિવાય કોઈ ઉપાય ખરો?
રોજના સમયચક્રમાં ફસાઈને રાતે ૧૦થી સવારે છ એમ આઠ કલાકની મીઠી નિદ્રા માણી સવારે ઊઠી નિત્યક્રમમાં શરીરનો અંદર-બહારનો કચરો સાફ કરી ગરમાવો લાવતા ૮ના ટકોરા તો સહેજે વાગી જાય.
૮ થી ૧૦ કપડાં –વાસણ –ઘર સાફ કરતાં થઈ જાય. અમેરીકામાં કામવાળાની જગ્યાએ મશીનો હોવાથી તેને ઓપરેટ કરી બધુ ઠેકાણે વ્યવસ્થિત મૂકતા બે કલાક પણ ક્યારેક ઓછા પડે પણ પછી રસોઈ નહી કરવાની?
જો આરોગ્યની સરખી સંભાળ લેવી હોયતો ૧૦ થી ૧૨ એમ બે કલાક રસોડાના ગણી જ લો.
૧૨ થી ૨ લંચબ્રેકના અલ્પવિરામનો સમય ગણી ૨ વાગ્યે ઘરમાં ગોઠવેલી ઓફીસમાં પ્રવેશ કરીને
૨ થી ૪ કાગળીયા સાથે દોસ્તી દુશ્મની ! ફાઈલોના ખડકલાને ઊંચે મૂકી
૪ વાગ્યાથી ૮ વાગ્યા સુધી અર્થોપાજન સાથે જીવનનો આનંદ જોડી વિદ્યાર્થીઓ સાથે ગણિતના આંકડાઓની રમત રમતાં ક્યારેક થાકી પણ જવાય પણ રમ્યા/કમાયા વગર તો કેમ ચાલે?
૮ થી ૧૦ પતિ-પરિવાર અને મિત્રો સાથે દોસ્તી-દુશ્મની ચાલે! અલગ અલગ રોલ ભજવવાનો કંટાળો આવે ત્યારે આપણે આપણું પોત પ્રકાશીએ તો એ ય બીજાથી જીરવાય નહી તેની ચિંતા ! પછી એવી ચિંતાઓને અવગણી ૧૦ વાગ્યે નિદ્રાદેવીની ગોદમાં સરી પડીએ તે પહેલાં જરા અફસોસ થાય ખરો કે આજે ખાસ કંઈ વંચાયું નથી કે લખાયું નથી.
પછી યાદ આવે કે એમ તો રસોઈ કરતાં કરતાં ઈ-મેલના જવાબ આપતી વખતે વેબ-ગુર્જરી અને પરમ-સમીપે કે લયસ્તરો જેવી કેટલીક જગ્યાએ આંટો મારીને થોડું વાંચ્યુ હતું. ગોકળગાયની ગતિએ એક અંગ્રેજી પુસ્તક વાંચવાનું ય ચાલે છે પણ લખવાનું?
હાં ક્યારેક થોડો સમય આ રોજના કામોમાંથી ચોરીને કે પછી ઓફીસના કામમાંથી ઝૂંટીને કે ઉજાગરા કરીને હાંફતી ધમણ જેવા થોડાં શબ્દો અધૂરાં તો અધૂરાં અને વળી શણગાર વગરના પણ ટપકાવ્યાં કરૂં ! શબ્દો મારા શ્વાસ-પ્રાણ અને શબ્દ જ બ્રહ્મ એ ખરૂં પણ શબ્દોની દુનિયામાં શબ્દ થકી જીવવાનો સમય આવી લૂંટ-ચોરી વગર મેળવવો કઈ રીતે?
આવી વ્યસ્તતા છતાં ભાષા માટેનો તમારો લગાવ કાબિલે દાદ છે.
આમ જ … ‘લગે રહો.’
બહુ સુંદર અવલોકન છે અને સત્ય પણ છે…..
ગણતરી ના કલાકો જ છે જીવન મા!!!ભગવાન વરદાન આપે તો હુ 24 ની જગ્યા એ 26 કલાક નો દિવસ માંગુ..એ વધારા ના 2 કલાક મારા લખવા વાંચવા માટે..