લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ
કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ !
શ્રી મહેન્દ્ર ઠાકર સંકલિત ‘કબીર બાની’ પુસ્તક વાંચતા આ દુહા પર વિચારાર્થે મન અટકી ગયું.
‘ઘર બેઠાં ગંગા’ જેવું આ પુસ્તક મોકલવા માટે શ્રી સુરેશભાઈ જાનીનો પણ મહેન્દ્રભાઈ સાથે આભાર!
કહેવું અને કરવું આ બે વચ્ચે ભલભલાં ગોથાં ખાય છે. કબીરની આ એક પંક્તિથી મનમાં જાણે વંટોળ જાગ્યો. એક પડકાર જાણે! મનના ચાતુર્ય સામે મનના સંયમનો પડકાર!
લખવાં-વાંચવાં સાથે વાક્ચાતુર્યને પણ લઈએ. ચતુરાઈ કેળવવી સહેલી છે પણ જે લખીએ-વાંચીએ કે કહીએ તે જીવનમાં મૂકવાનું સરળ નથી. તે માટે મનના સંયમની આવશ્યકતા અગ્રક્રમે છે. જે વાત આપણે સમજીએ છીએ તે પણ અમલમાં મૂકવાનું અઘરૂં હોય ત્યાં નવા જ્ઞાનને પચાવવું તો ક્યાંથી સહેલું હોય? મનને જે પચે નહી તે મનની બહાર નીકળી જાય…આવી કેટકેટલી વાતો આપણે રોજ-બરોજ આ કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાંખીએ છીએ અને પછી ફરિયાદ કરીએ કે મારી વાત કોઈ સાંભળતું નથી.
મન પાસેથી ધાર્યુ કામ લઈ શકનારને આપણે બિરદાવીએ છીએ અને તેમનું અનુકરણ કરવા પ્રેરાઈએ છીએ પણ મોટાભાગના લોકો પ્રબળ ઈચ્છા શક્તિથી મનને આજ્ઞાંકિત કરી જાણે છે, સંયમિત નહી. માછલીને જોઈ માનવીએ તરવાનું શીખી માછલીની સીમારેખાઓ પાર કરી અને પંખીને જોઈ ઊડવાના યંત્રો થકી પંખીની સીમાઓ પણ પાર કરી પણ તો ય સ્વતંત્રતા અને સલામતિનો અભાવ વર્તાય છે એટલું જ નહી, ચારેબાજુ વધતાં જતાં આતંકવાદને કારણે વધુને વધુ ડર પ્રસરતો જાય છે એવા આ સમયમાં ટેકનોલોજીના ચાતુર્ય થકી વધુ જાળાંઓ રચી એમાં રચ્યોપચ્યો રહી માનવી વધુને વધુ લેખન અને વાંચન દ્વારા સંદેશા વ્યવહારમાંથી સંતોષ મેળવી લે છે અને જીવનવ્યવહારમાં અસંયમિત રહી અંસંતોષી જ રહે છે.
જાહેર જીવનની સ્વચ્છતાના અતિ આગ્રહી લોકો ખાનગી જીવનમાં તેની અગ્રતા વીસરી જઈ કેટલીવાર ભૂલ ખાઈ જતાં હોય છે. કેટલાંક લોકોને ચૂપ રહેવાની જે આદત હોય છે તે તેઓ ધારે તો ય બદલી ન શકતા હોવા છતાં સંયમના અભાવનો સ્વીકાર કરી શક્તા નથી. આવેશમાં આવી ન બોલવાનું બોલાય તેમાં સંયમનો સ્પષ્ટ અભાવ દેખાવા છતાં સંયમને કેળવવાને બદલે આવેશ બદલ માફીની આશા તરફ આપણે વધુ ઝૂકીએ છીએ. આથી થતું નુકશાન આપણને સ્પષ્ટ દેખાતું ન હોઈને સંયમ વિષે આપણે ઝાઝું વિચાર્યા વગર જાતને સંયત માનવાના ભ્રમને પોષ્યા કરીએ છીએ. જાત વિષેના ભ્રમના આ જાળાંઓમાંથી નીકળી મનને વશ કરવું દુશ્કર છે.
મનને ધમકાવી કે ફોસલાવીને વશ કરવાથી તે કદાચ ધાર્યું કામ આપી દે પરંતુ તેને સંયમ કહી શકાય નહી. સ્વેચ્છાએ પ્રેમવશ થઈ કલા, ભક્તિ કે વ્યક્તિ સાથે મનને બાંધીને પણ આપણે વશમાં એટલે કે સંયમમાં હોવાના ભ્રમમાં રાચીએ છીએ. સંજોગવસાત આ છોડવું પડે ત્યારે ઉમટતા પીડાના પૂર સંયમ વગર રોકવા અઘરા થઈ પડે ત્યારે પરવશતાનો ખ્યાલ આવે છે. પ્રેમની રસ્સી વડે પોતાની જાતને હરપળે કાબુમાં રાખી શકે તેવા સંયમી માનવને ભક્તિ, કલા કે એવા અન્ય અવલંબનની જરૂર રહેતી નથી. બિમારીથી અનુભવાતી પરવશતાને આહારના સંયમથી દૂર કરવામાં કેટલાંયને મળેલી સફળતા આપણે નજરે જોઈએ છીએ છતાં ખોરાકનો સંયમ કેળવવામાં પણ ઊણા ઊતરીએ છીએ.
બંધ બારણે જીવાતાં આપણા કૌટુંબિક જીવનમાં અરસ-પરસની નબળાઈ પ્રત્યે સ્વીકાર અને સહનશીલતાને કારણે ઢંકાઈ રહેતા દોષોનું મનના વિચારો પરનું આક્રમણ ખાળવા માટે વાંચન થકી સારા વિચારોનો સહારો લઈએ તો એ ખોટું નથી આથી મનને તત્કાલીન રાહત મળી રહે છે પણ કાયમી ધોરણે તેને દૂર કરવા માટે તો સંયમ સિવાયનો કોઈ માર્ગ જ નથી.
લેખનની વાત કરીએ તો ભાવની અભિવ્યક્તિ માટે કંઈક કહેવાની ઈચ્છા લેખકને લખવા પ્રેરે છે. બધાં જ લોકો કંઈ અન્યને વંચાવવા માટે લખતાં હોતાં નથી. મારી એક મિત્ર તો દ્રઢપણે માને છે કે સ્વાનુભવો તો ફક્ત અંગત લોકોને જ કહેવાય એને લખીને જાહેરમાં તો મૂકાય જ નહી. આપણી વાતમાં બીજાને શું રસ હોય? એમ તે કહે ત્યારે મને એમ થાય કે સાહિત્ય જેટલું અનુભવ અને સત્યની નજીક તેટલું અસરકારક ! અને બીજું કે સહ્રદયીની પિછાન એ વગર થતી નથી. ફક્ત બીજાની કે આપણી પ્રસન્નતા માટે સુંદર લખાણો જ લખવા અને વાંચવા પણ જીવનના અનુભવો સાથે એનો કંઈ સંબંધ ન હોવો તે તો ચાતુરી જ થઈ.
આપણા અનુભવો જ આપણને ઘડે છે તેને લખી-વાંચી કે સમજી ન શકનારા આપણે અન્યના અનુભવો લખી-વાંચી વિશેષ શું શીખીશું? અને શીખ્યા પછી ય અમલમાં મૂકવાનું તો સંત કબીરે કહ્યુ તેમ ગગન ચઢન મુશ્કેલ.
કબીરે લખેલાં દુહાઓ આજે યુગો બાદ પણ હૈયા સોંસરવા જઈ આત્માને ઢંઢોળીને જગાડવા મથે છે ત્યારે આત્મચિંતનથી મનને વશ કરવાની કળા વીકસાવવા પ્રયત્ન કરીએ.
http://goldenthoughts1991.blogspot.in/
કોમેન્ટું? લો આ રહી.
———–
આ જ ભાવ પ્રદિપ્ત થતાં, બ્લોગિંગ લગભગ છોડ્યું જ. છોડવું કેટલું મુશ્કેલ છે, અને છોડવાથી થતા ફાયદાની સમજ પણ આવી જ. આવું જ બીજી ઘણી બાબતોમાં અનુભવ્યું.
પણ, હાલની સમજ એવી છે કે…….
વીતરાગ થવું – બધું છોડી શકવું – એ આપણે ધારીએ છીએ એટલું સહેલું નથી. કદાચ જીવવા માટે જરૂરી પણ નથી. વીતરાગતા માટે પણ કોઈ આગ્રહ ન રાખીએ તો ? – એના પ્રયોગો હાલમાં હાલે છે !!!
Really nice one like to read and.enjoyed it.