બે ઘટનાઓ અને ભગવદ્ગીતામાં મનોવિજ્ઞાન
ઘટના નંબર ૧
દોડની એક હરીફાઈમાં પ્રથમ અને બીજા નંબરે ઈનામ જીતેલા બે હરીફોના સમય વચ્ચે બહુ જ ઓછી ક્ષણોનો તફાવત હતો. મોટાભાગનું અંતર બેઉ હરીફોએ સરખી ઝડપે કાપ્યું હતું. છેલ્લી થોડી ક્ષણોમાં તીવ્ર રસાકસી દરમ્યાન બીજા નંબરે આવેલ હરીફ શા કારણે અંતિમ પળોમાં પાછળ રહી ગયો? અને પહેલા નંબર પાસેથી શી પ્રેરણા લેવી? તે પ્રશ્નોના જવાબમાં ગીતાની પંક્તિ ‘કર્મણ્યેવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન’ મનોવૈજ્ઞાનિક રીતે બહુ સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
દ્વિતિય વિજેતાનું ધ્યાન દોડને બદલે મેડલ પર વધારે હોવાથી છેલ્લી પળોમાં પરિણામની ચિંતાએ તેની થોડી શક્તિ એમાં ખર્ચાઈ ગઈ, અને એને લીધે એની દોડવાની ઝડપ ઘટી ગઈ. જ્યારે પ્રથમ વિજેતાનું સમગ્ર ધ્યાન દોડવામાં હતું, મેડલ મળે કે ન મળે, દોડના આનંદની સરખામણીએ પરિણામનો વિચાર તેને ક્ષુલ્લક લાગતો હતો.
અહીં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે કર્મમાં વધુ ધ્યાન પરોવવાથી પરિણામ વધુ સારૂ મેળવી શકાય છે, અને પરિણામ પર વધુ લક્ષ રાખવાથી, ધાર્યુ પરિણામ ન મળવાનો ડર મનમાં ચિંતા જન્માવી નિષ્ફળતાનું કારણ બની રહેવાની શક્યતા વધારે છે. ખુબ તૈયારી છતાં પરિક્ષા ટાઈમે કેટલાંય વિદ્યાર્થીઓ આ કારણે જ ભૂલી જતા હોય છે.
ઘટના નંબર ૨
એક પહાડી વિસ્તારમાં સૈનિકોને બે ટુકડીઓ સામસામે લડતી હતી. કારતૂસોના ભડાકા ધ્રુજાવી દે તેવા હતાં. જ્યાં આડશ મળે ત્યાં સંતાઈને, મરવાની કે મારવાની તૈયારી દરેકે રાખવાની હતી. એક ટુકડીના લીડરના મનમાં દેશ પ્રત્યેની ફરજ સિવાય અન્ય કોઈ ભાવ ન હતો જ્યારે બીજી ટુકડીના લીડરના મનમાં રોષ અને ઝનૂનનું પ્રાધાન્ય હતું. બંને લીડરના આ ભાવની અસર આખી ટુકડી પર ફેલાયેલી હતી. પરિણામ એ આવ્યુ કે ફક્ત ફરજ ખાતર લડતા સૈનિકોની ટુક્ડીએ વધુ સ્વસ્થતા, વધુ કુનેહ, અને વધુ શાંતિ જાળવી જીત મેળવી. જ્યારે બીજી ટુકડી ઝનૂનથી અંધ બની આડેધડ ગોળીબાર કરી, ખતમ કરી નાખવાના આવેશથી લડતાં લડતાં ખતમ થઈ ગઈ.
મહાભારતમાં યુધ્ધ શરૂ થવાની પળે અર્જૂનની લાગણીઓ રાગથી પ્રેરીત હતી, તો અહીં આ કિસ્સામાં સૈનિકોની લાગણીઓ દ્વેષ પ્રેરીત હતી. આ ફર્ક ઘણો મોટો હોવા છતાં રાગ, પલાયનવાદ અને દ્વેષ, ત્રાસવાદ તરફ દોરી શકે. આ રીતે બેઉ પ્રકારની લાગણીઓ ફરજથી ચ્યૂત કરી, મુંઝવણના માર્ગે દોરી જાતને ગુંગળાવી દે તેવી એકસરખી શક્યતાને નકારી શકાય નહી.
ગીતા અને મનોવિજ્ઞાનઃ
ફરજ આડે આવતી લાગણીઓ અર્જૂનની માફક પરિવાર પ્રત્યેના પ્રેમથી પ્રેરીત હોય તો પણ સામુહિક હિતને અવરોધી રક્ષક ને બદલે ભક્ષકને મોક્ળું મેદાન આપે છે. એટલે જ તો લડાઈના મેદાનમાં અણીને સમયે ગીતાના ઉપદેશમાં લાગણીઓને બાજુ પર મૂકી ફરજ ખાતર યુધ્ધ કરવા કૃષ્ણ અર્જૂનને સમજાવે છે. યુધ્ધની શરૂઆતમાં કૃષ્ણે આપેલ આ ઉપદેશ પાંડવોની જીત પાછળનું એક મુખ્ય કારણ છે. મનની શક્તિ પાસે શસ્ત્રોના ભંડાર ઓછા પડે, તે જેની સાથે (જેના હ્રદયમાં) ભગવાન હોય તેને સમજાવવાની જરૂર નથી પડતી. મારે મન ‘ભગવાન’ એટલે ‘શુધ્ધ પ્રેમમય આત્મભાવ’ ગીતામાં જ્યાં જ્યાં કૃષ્ણ ભગવાને ‘હું’ કહ્યુ છે ત્યાં આપણે ભગવાન તરીકે આ ભાવને લઈએ તો એમાંથી વધુ પ્રેરણા લઈ શકાય તેમ માનું છું. આપણી અંદરનો ઈશ્વરીય અંશ પણ આ ભાવ જ છે, પરંતુ તે સ્થિર નથી તેથી આપણે ભગવાનથી કે એમના જેવા થવાથી ઘણા દૂર છીએ. ભગવાન એ આત્મભાવ છે. કોઈ પ્રેમાળ વ્યક્તિમાં એ સ્થિત હોય તો એને ભગવાનનો અવતાર ગણીએ તેમાં ખોટું નથી, પણ આ ભાવ તે એક વ્યક્તિ પૂરતો સિમિત નથી હોતો કે યુગો સુધી ભગવાનને નામે એની વ્યક્તિપૂજા કર્યા કરીએ. એ ભાવને આપણા હ્રદયમાં સ્થાપીએ ત્યારે સાચી પૂજા થઈ ગણાય !
ગીતા એક એવો ગ્રંથ છે કે દરેક વ્યક્તિ પોતાની સમજણ મુજબ અર્થ તારવી જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નો ના ઉત્તર મેળવી શકે. આ સમજણ જેમ વિકસે તેમ તેનો સાર વધુને વધુ સ્પષ્ટ સમજાય. અલ્પવિકસિત સમજણ કે અણસમજુને પણ યોગ્ય માર્ગે દોરી શકે એવા સરળ શ્લોકો પાછળ રહેલાં ગુઢાર્થ જે સમજી શકે, તેને આત્મજ્ઞાન માટે બીજુ કંઈ વાંચવાની જરૂર રહેતી નથી. જેટલું જેનું ગજુ તેટલું તેને સમજાય, અને એટલું પણ આત્મવિકાસ માટે પર્યાપ્ત નહી તો ય ઉપયોગી તો નીવડે જ! કૂવામાંથી પાણી ઉલેચવા માટે જેમ એનું ઊંડાણ માપવાની જરૂર નથી, તેમ ગીતાના શ્લોકોના ઊંડા અર્થ સમજ્યા વગર પણ જીવનવ્યવહારમાં ઉપયોગી એવું જ્ઞાન એમાંથી મળવું સુલભ છે. આવો બીજો કોઈ મનોવૈજ્ઞાનિક ગ્રંથ ધર્મપુસ્તક તરીકે કોઈ પણ ધર્મમાં સ્થાન પામ્યો હોય એવું મારી જાણમાં નથી. મારી દ્રષ્ટિએ ખુબ ઉપયોગી છતાં આ ગ્રંથ જલ્દીથી રસ પડે તેવો નથી. એની ખ્યાતિનું કારણ એ છે કે સમય અને સ્થળથી પર એવા મનોવિજ્ઞાનના અકળ રહસ્યો એમાં સમાયેલા છે. નબળા અને સબળા વિચારો વ્યક્તિગત અને સામુહિક રીતે આદિ અનાદિ કાળથી સામસામા ટકરાયા કરે છે. જેમ ખરા સમયે અર્જુનની કુંટુંબભાવના તેની નબળાઈ બનીને તેના પર સવાર થઈ ગઈ, તેમ આપણા જીવનમાં પણ બની શકે. તે સમયે નિર્લેપ ભાવે જીવનના યુદ્ધ, એટલે કે મુશ્કેલીઓ સામે લડવું તે ખરી કસોટી છે.
ગીતા વાંચ્યા પછી એક વિચાર ઊગે છે કે લડાઈ જાત સાથેની હોય કે અન્ય સાથેની, સૌ સ્વજનો જ છે તેમ માનીને રાગમય અને દ્વેષમય લાગણીઓથી મુક્ત થઈ માનવ તરીકેની ફરજના રાહ પર શુધ્ધ પ્રેમમય આત્મભાવ સાથે જીવનની કપરી પળો સામે ટક્કર લઈએ, અને નિજ આત્માને જ પરમાત્મા ગણી જીવનરથનો સારથી કરીએ. ઘણુ અઘરૂં છે પણ છતાં ય અશક્ય તો નથી જ !
ખુબ સરસ રીતે સરળતાથી ગીતાનો અર્થ સમજાવવા બદલ આભાર
બહુ સરસ દાખલા આપી ગીતાનો અર્થ સમજાવ્યો છે.
Very much true.