જીવન ઝરમર – સ્વ. શ્રી વી.સી. ચૌહાણ

IMG_5293.jpg

આજથી પચાસ વર્ષ પહેલાના સમયમાં જ્યારે આપણા રબારી સમાજમાં ભણતર કરતાં દૂધ વેચવાના પરંપરાગત વ્યવસાયનું મૂલ્ય વધારે હતું અને ઘરમાં વીજળીના દીવા મર્યાદિત હતા ત્યારે શેરીની સરકારી લાઈટના થાંભલા નીચે ધ્યાનમગ્નતાથી ભણી હમેંશ પ્રથમવર્ગના ગુંણાક સાથે સ્કોલરશીપ મેળવી ચાર્ટર એકાઉન્ટન્ટની ભારતની સૌ પ્રથમ બેચના જૂજ તેજસ્વી વિદ્યાર્થીઓમાંના એકમાત્ર રબારી શ્રી વીરાભાઈ ચીનાભાઈ ચૌહાણ (જન્મ ૧૯૨૬ – મૃત્યુ ૨૦૧૭) ની જીવન ઝરમર સાથે શ્રદ્ધાજંલિ અર્પતા હ્રદયમાં આદરની લાગણી આપોઆપ જ જન્મે છે.

અંતરના આનંદની ઝલક એમના સદાય હસતા ચહેરા પર પ્રકાશતી જોવા મળતી એ એમની ખાસ લાક્ષણિકતા! સ્વભાવે શાંત અને અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા આ તેજસ્વી રબારીનો બુદ્ધિ આંક ઘણો ઊંચો હતો એટલું જ લગભગ બધા જ વિષયોનું વિશેષ માહિતિ જ્ઞાન તેઓ ધરાવતા હતા  તે તો એમની સાથે વાત કરવાની તક મળી હોય તેને જ ખબર પડે. જ્ઞાનનું પ્રદર્શન જરા યે નહી અને બોલવા કરતા સાંભળવાનું વિશેષ એ એમની સ્વભાવગત ખૂબી. ભરપૂર સંતોષ એ એમની સૌથી મોટી મૂડી અને એનાથી એમનું જીવન હમેંશા સમૃદ્ધ રહેતું.

૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં ભણેલ રબારીને અન્ય સમાજની સાથે સાથે પોતાના સમાજની અવગણનાનો સામનો પણ કરવો પડે તો તે વાત તેમને મન સાવ સ્વાભાવિક હતી. વીરાભાઈની એકલપંથી પ્રગતિના અનુભવો પ્રેરણાદાયક છે.

૧૯૫૩ના એ સમયમાં સૌરાષ્ટ્રથી મુંબઈ સ્થાળાંતર કરવું તે દેશથી પરદેશ જવા સમાન સાહસ હતું. આ સાહસમાં ઈમાનદારી અને સાચી મહેનત થકી એમણે સફળતા મેળવી. દેવયાનીબેન સાથે લગ્ન પણ એ જ અરસામાં થયા. કન્યાકેળવણીનો વિચાર હાસ્યાસ્પદ ગણતો હતો એ વખતમાં પત્નીને ભણવાની સવલત આપવી તે તો સુધરેલા ગણાતા સમાજમાં પણ અમલમાં મૂકવો અઘરો એવો આદર્શ ગણાતો હતો ત્યારે પત્નીને શાળામાં દાખલ કરી બધી સવલતો સાથે તક આપી હતી.

અનેક અગવડો અને આર્થિક સંકટો પાર કરી ૧૯૫૭માં ચાર્ટર એકાઉન્ટન્ટ તરીકે કારકીર્દિ શરુ કરી ને સંસાર માંડયો પરંતુ એમની ધીરજની કસોટી બાકી હોય તેમ ઈશ્વરે શેર માટીની ઉણપ છેક ૧૯૭૩માં દૂર કરી. એકના એક પુત્ર જયદીપને ભણાવી ગણાવી સંસ્કારના ઉત્તમ વારસા સાથે  ૧૯૯૮માં અમેરીકા મોકલ્યો. પુત્રપ્રેમને વશ થઈ ૨૦૦૧માં તેમણે પણ સપત્ની અહીં અમેરીકાની ભૂમિ પર સ્થાળાંતર કર્યું. ૨૦૦૫ અને ૨૦૦૬ દરમ્યાન બે પૌત્રો(અરમાન અને રોનીત)ના દાદા બની જીવનના અંતિમ વર્ષો પરિવાર સાથે ખુબ પ્રેમ અને શાંતિથી ગુજાર્યા.

૧૯૯૭માં અમારી પુત્રી એકતા સાથે એમના પુત્ર જયદીપના વિવાહ થતાં તેઓ અમારા વેવાઈ થયા પરંતુ તેઓ હમેંશની જેમ મને નાનીબેન જ ગણતા. પુત્રવધુને પુત્રી સમાન જ નહી પણ એથી ય વિશેષ પ્રેમથી સાચવી છે. ઉંમરને ધ્યાનમાં લઈએ તો દાદાનો સ્નેહ એમણે મારી પુત્રી અને એના પરિવારને આપ્યો છે. બંને પૌત્રો અરમાન અને રોનીતની શાળાએ દર વર્ષે ગ્રાન્ડ પેરેન્ટસ ઈવનીંગ કાર્યક્રમમાં અચૂક હાજરી આપે. આ ક્રમ એમણે અંત સુધી જાળવી રાખેલ. એકતા-જયદીપના મિત્રો અને ભાઈ બહેનોને હૈયે પણ દાદાના સ્નેહના સંભારણા તેઓ મૂકતા ગયા છે ઊંચી આતિથ્ય ભાવના અને કુંટુંબભાવના એમણે જીવનના અંત સુધી જાળવી હતી.

સબ ભૂમિ ગોપાલકી માનીને અમેરીકા આવ્યા પછી અહીંની ભાષા, સંસ્કૃતિ અને અલગ જીવન શૈલીને એમણે પ્રેમથી અપનાવી હતી.  અભ્યાસકાળ દરમ્યાન એમની પાસે પાઠ્યપુસ્તકના પૈસાની તીવ્ર અછત એમણે અનુભવી હોવાથી જરૂરિયાતમંદને પુસ્તકોની મદદ આપવા તેઓ હમેંશા તત્પર રહેતા. અભણ અને તે સમયે ઘણી પછાત ગણાતી રબારી  જ્ઞાતિના અન્ય બાળકોને આગળ લાવવામાં મદદ કરવાના તેમના નિષ્ફળ પ્રયત્નોની વાત કરતી વખતે પરંપરા અને રૂઢીઓને જડતાથી વળગી રહેલા લોકો માટે એમને હૈયે રહેલી સહાનૂભૂતિ આપણને સ્પર્શ્યા વગર ન રહે.

જીવનના છેલ્લા તબક્કામાં  હાર્ટસર્જરી અને ડાયાલીસીસની ના પાડ્યા પછી પણ તેઓ ચાર-પાંચ વર્ષ શાંતિથી ને સ્વનિર્ભરતાથી જીવી ઉદાહરણરૂપ થઈ રહ્યા. અંતિમ દિવસો દરમ્યાન પુત્રને પાસે બેસાડીને કહે,’મારા અસ્થિ અહીં નજીકની નદીમાં જ પઘરાવજો, મૃત્યુ પછી આ રીતે મને તમારી નજીક જ રાખજો. હવે જ્યારે તેઓ નથી ત્યારે અમેરીકામાં ઉછરતા પૌત્રો માટે ગામની ભાગોળે આવેલી નદી દાદાનું સંભારણું બની રહી છે. અંધશ્રધ્ધા બિલકુલ નહી પણ શ્રદ્ધા પૂરેપૂરી ધરાવતા તેઓ અંધશ્રદ્ધાનો વિરોધ કદી કરતા નહી. કોઈ પણ વાતનો વિરોધ કરવો તે તેમના સ્વભાવમાં જ નહી.

રબારી જ્ઞાતિની શૈક્ષણિક પ્રગતિની શરૂઆતના ઈતિહાસમાં એમનું નામ પ્રથમ હરોળમાં અગ્રક્રમે અંકિત થવું જોઈએ એમ માનવાનું મુખ્ય કારણ એ કે તેઓએ મેરીટ સાથે સ્કોલરશીપ મેળવી નજીવા સાથ સહકાર થકી સ્વબળે જે શૈક્ષણિક સિદ્ધિ મેળવી તે અનન્ય હતી. આધ્યાત્મિક જ્ઞાન પણ એમણે પચાવ્યું હતું તેમ કહી શકાય એવું સુવાસિત એમનું જીવન હતું.

જીવનના અંતિમ દિવસે(૧૬ નવેમ્બર,૨૦૧૭) નબળા પડતા જતા શરીરયંત્રને દંતમંજન સહિતની સ્વચ્છતા સાથે જાતે તૈયાર કરી જાણે યમરાજાને આદેશ આપતા હોય કે મને હોસ્પીટલમાં મળજે, અહીં મારા ઘરે નહી. એ રીતે ઘરમાં પણ બધુ રાબેતામુજબ હોવાની પૃચ્છા કરી પુત્ર સાથે બેસી છેલ્લી ચા પીને નીકળ્યા. અને થોડા કલાકોમાં વિદાય લઈ લીધી.  શરીરની પીડાઓને એમણે અંત સુધી ગણકારી નહી. છેલ્લા શ્વાસે પણ મને ઘણું સારૂં છે એમ ડોક્ટરને કહી બીજી જ ક્ષણે પ્રાણપખેંરૂ ઊડી ગયું એ સમયે એમનું બ્લડપ્રેશરનું રીડીંગ નોર્મલ જોઈ ડોક્ટરે પણ આશ્ચર્ય અનુભવ્યું હતું. જેનું જીવન ધન્ય એનું મૃત્યુ પણ ધન્ય જ હોય. આવા આ દિવ્ય આત્માને કોટિ કોટિ વંદન.

This entry was posted in પ્રસંગો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

5 Responses to જીવન ઝરમર – સ્વ. શ્રી વી.સી. ચૌહાણ

 1. Akta કહે છે:

  May his soul rest in peace! I miss him! thank you for such beautiful Eulogy.

 2. linadhiren કહે છે:

  Ishvar temna Aatmane param Santi arpe tej Amari prarthna.

 3. સુરેશ કહે છે:

  વીરાભાઈની જીવનકથા બહુ જ પ્રેરક છે. એમને શ્ર્દ્ધાંજલિ.

 4. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 5. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અરે તેવી પ્રાર્થના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.