ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય

એક બાજુ ઉકળતા પાણીના ગરમ ઝરણા અને બીજીબાજુ  ઓગળેલી હીમનદીઓના વહેતા ઠંડાગાર નીર વચ્ચે ધરતીના હૈયામાં વહેતા લાવા અને દબાણને કારણે ઊંચે ઊછળતા ગરમ પાણીના અનેક ફૂવારાઓથી શોભતી અદભૂત સૌદર્યવાન ધરતીના ખોળે રમતા જંગલી હરણાં, રીંછ ,વરૂ, બાઈસન, જેવા પશૂઓ તેમ જ સુંદર નાક નકશી જેવી કોતરોમાં થઈ વહેતા વેગે વહેતા ઠંડા પાણીના પ્રવાહો પર રમતા  હંસ, બતક અને જળકૂકડી જેવા જળચર પંખીઓના ફરફરાટ સંગે ઝૂમતી યલોસ્ટોનની નેશનલ પાર્કની આ સર્વાંગ સુંદર ધરતીના સાંનિધ્યનો અવર્ણનીય અને અકલ્પ્ય લ્હાવો સપ્ટેમ્બર ૨૦૧૭ના ત્રીજા અઠવાડીયે મળ્યો.

આ પ્રદેશની હકિકતોનું વર્ણન ભૂતકાળમાં છાપવા માટે સૌ પ્રથમ વખત વાંચનાર એક અમેરીકન પ્રેસના તંત્રીએ તેને કાલ્પનિક માનીને લેખકને ફક્ત સત્ય લખી મોકલવા અનુરોધ કરેલ. માન્યામાં ન આવે તેવા સૃષ્ટિના આ સત્યને મારી કલમે લખતાં પૂરતો ન્યાય આપી શકાય તેમ તો નથી છતાં મેં જે જોયું, જાણ્યુ અને અનુભવ્યું તેનો ચિતાર નિષ્ઠાપૂર્વક લખવાનો આ પ્રયત્ન છે.

૧૮૭૨માં અમેરીકાના સૌ પ્રથમ નેશનલ પાર્ક તરીકે જાહેર થયેલ યલોસ્ટોન નામનો આ સુવિખ્યાત વિસ્તાર વાયોમિંગ, મોન્ટાના અને આઈડોહા નામના ત્રણ રાજ્યો વચ્ચે ૩૫૦૦ ચોરસ માઈલમાં પથરાયેલ છે.

પાર્કના પશ્ચિમ દરવાજેથી અમે દાખલ થયા અને માહિતી તથા માર્ગદર્શન માટેનું દૈનિક છાપું લીધું જેમાં હવામાન સાથે સ્થળો વિષેની માહિતી નકશો અને પ્રવાસીઓ માટેના કાર્યક્રમોનો સમય ઉપરાંત  જરૂરી બધી જ નોંધપાત્ર માહિતી હતી. ધ્યાન ખેંચે એવા બે લખાણ જે નજરે ચઢ્યા તેમાં એકમાં ચેતવણી અને બીજામાં અપીલ હતી જ્યાં લખ્યુ હતું કે “EXPERIENCE IT TODAY. PRESERVE IT FOR ALWAYS.”

યલોસ્ટોન પાર્ક

વાંચીને થોડી બીક લાગી પણ હજારો પ્રવાસીઓની આવનજાવન વચ્ચે ભય ઓસરી જશે એમ વિચાર્યું.  દોડતી કારને સલામત માનીને અમે સફર શરૂ કરી. આ સલામતિ પણ છેલ્લા દિવસે જોખમમાં મૂકાયેલ એ સનસનાટીભર્યા અનુભવની વાત કરતાં પહેલાં કેટલાંક સ્થળોના રોમાંચક અનુભવો મારે કહેવા છે.

ઉતારા માટે હોટેલને બદલે જંગલમાં ઝૂંપડી જેવી લાગતી એક લાકડાની કેબીન અમે Airbnb નામની વેબસાઈટ પરથી ફોટાઓમાં આસપાસનું સૌંદર્ય જોઈને બુક કરેલી. આ પહાડી સૌંદર્ય નજરે જોઈને દિલ ખૂશ થઈ ગયુ. ફોટાઓ કરતાં ઘણું સુંદર બર્ફીલું વાતાવરણ હતું પણ કેબીનની અંદર સ્વચ્છતાનું ધોરણ ધાર્યા કરતાં નીચું હતું વળી ઠંડી પુષ્કળ અને હીટર માટે માલિકને કેટલાંય ફોન કરવા પડ્યા છતાં અમારા રૂમ સુધી તેની હૂંફ પહોંચી નહી. હતાં તેટલા ઓઢવાના ઓઢ્યા છતાં રાત આખી ઠંડીમાં ધ્રૂજ્યા. સવારે ત્યાંથી નીકળ્યા ત્યાર પહેલાં પાર્કની નજીકની એક હોટેલમાં બુકિંગ કરાવી લીધેલ પરંતુ રાતનો ઉજાગરો અને આગલા દિવસની મુસાફરીના થાકને કારણે ઉત્સાહ ઓસરી ગયેલ છતાં સમય વેડફવો યોગ્ય ન જણાતાં ટૂરીસ્ટ સેન્ટરમાંથી નકશા સાથે માહિતી લઈ પ્રયાણ કર્યુ.

લીલી હરીયાળી વચ્ચે સર્પાકારે બનાવેલા ડામરના રસ્તાઓ પર  અલગ અલગ નામો સાથેના કુદરતી ગીઝર તરફ દોરી જતા પાટિયાઓને અનુસરતા વિસ્મયભરી આંખે ગરમ પાણીના ઉડતા ફૂવારાઓની વરાળમાં હૂંફની ઉમ્મીદ સાથે નજીક જવા માટે જેમ જેમ અમારી કાર આગળ વધતી હતી તેમ તેમ ઉત્સાહનો સંચાર થવા લાગ્યો. ઊની વરાળોના ઊંચે ઉઠતા  વાદળો જોવા ગોળ ફરતી રેલીંગ પર લોકોને જોઈ અમે કાર પાર્ક કરી નીચે ઉતર્યા અને અન્ય પ્રવાસીઓ સાથે વર્તૂળાકારે ચાલવા લાગ્યા. સલામતિ માટે અમુક અંતરથી આગળ ન જવા  માટેની સૂચનાઓના પાટિયાઓ વાંચી દાઝી જવાના જોખમનો ખ્યાલ આવ્યો.

ઊડીને આંખે વળગે તેવા તળાવ સમ ઉકળતા ચરૂમાંથી ફૂટતા ગરમ પાણીના ઝરણ પરથી આસમાને ઉડતી વરાળના વાદળો તુરત વિખરાઈને હવા સાથે ઓગળી જતા ખૂબ નજીકથી જોયાં. ધરતીના અલગ અલગ બિંદુએ પ્રગટ થતું આ અચરજભર્યુ દ્રશ્ય મન ભરીને નિહાળી શકાય તેવી વ્યવસ્થાને કારણે આસાનીથી ખૂબ નજીક જઈ શકાતું હતું. સલ્ફ્યૂરીક એસીડની તીવ્ર વાસને કારણે વધુવાર ઉભી નહી શકાય તેમ જણાયુ અને આગળ જવા  માટે નકશામાં જોયું તો અનેક જુદા જુદા વિસ્મય ઉપજાવે તેવા પાણીના અનેક સ્વરૂપો  પાંચથી પચાસ માઈલના વિસ્તારમાં પથરાયેલા હતા.

પૃથ્વીના પેટાળમાં ધરબાયેલા અને ઉકળતા લાવાને કારણે અલગ અલગ સ્થળોએ અલગ અલગ ભૂતાપીય વિશેષતાઓ અહીં જોવા મળી જેમાં ગરમ પાણીના ઝરા, ફૂવારા, કીચડ જેવી ખદખદની માટીના મોટા મોટા કૂંડ જેવા ખાડાઓ વિગેરે અહીં આશરે ૧૦,૦૦૦ જેટલા હોવાનું મનાય છે.  તેમાંના આકર્ષક એવા કેટલાંક પ્રવાસીઓને નિહાળવા માટેની સુવિધા સાથે ખૂલ્લા માર્ગે આવેલા છે. કેટલીક જગ્યાએ પાણીની ઊની ઊની વરાળોના ઊંચે ઉઠતા વાદળો સાથે હસ્તધૂનનનો અનેરો આનંદ અમે માણ્યો.

આશરે ૧૧૦૦૦ હજાર વર્ષ પહેલાંથી માનવો અહીં આસપાસ વસતા હશે એવા પુરાવાઓ મળ્યા છે પરંતુ દઝાડી દે તેવા ઊકળતા પાણીના આ સ્વરૂપોને નર્ક માની દૂર રહેવાની માન્યતા યુગો સુધી પ્રચલિત હતી. હાલમાં વૈજ્ઞાનીક સત્ય થકી ડરની જગ્યાએ સાવચેત રહેવાના પ્રચાર માટેના પાટિયા ઠેરઠેર હતા.

આ પ્રથમ અને વિશાળ નેશનલ પાર્કના પ્રખ્યાત એવા કેટલાંક સ્થળોની વિસ્મયજનક હકિકતો જાણી-માણીને હજારો વર્ષોના વહેણમાં ઝબોળાઈ અસ્તિત્વને પાવન કરતા હોઈએ એવી ભૂમિયાત્રાએ અમને કોઈ અલગ જ પ્રદેશ પર વિહરતા હોઈએ એવી અનુભૂતિ કરાવી.

અલગ અલગ ઉષ્ણતામાને બદલાતા પાણીના અલગ અલગ સ્વરૂપો બરફ અને વરાળ વચ્ચે રમતા બુંદો થકી સૃષ્ટિ પર એક અલગ પરિમાણ રચે છે. ધરતીમાંથી આશરે ૧૫૦ ફૂટ ઊંચે ઉછળતા ઉકળતા પાણીના ફૂવારાની આવી એક અદ્ભૂત રચના જોવા અમે જ્યારે Old faithful નામના એક સ્થળે ઊભા રહ્યા ત્યારે જ ઝરમર બરફ વરસવાની શરુઆત થઈ. એક હજાર લોકો ગોળાકારે ઊભા શકે તેવા મસમોટા ખૂલ્લા પ્રાંગણમાં બેસીને કુદરતની આ લીલા જોઈ શકાય તે માટે કેટલાંક બાંકડાઓ પણ ગોઠવેલા હતા.  રેસ્ટોરન્ટ અને ગીફ્ટ શોપની પાછળના ભાગમાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી.  લગભગ દર ૯૦ મિનિટે ફૂટતા અને ઉકળતા પાણી સાથે ૧૦૦ થી ૨૦૦ ફૂટ ઊંચે ઊછળી તેની વરાળથી આભને આંબવાનો પ્રયત્ન કરી બે-પાંચ મિનિટમાં ફરી ધરતીમાં સમાઈ જતા આ ફૂવારા દરેક વખતે આશરે ૫૦૦૦ ગેલનથીય વધારે પાણીની ગરમ ગરમ છોળો ઉછાળતા હતા જેનું તાપમાન આશરે ૧૯૦ ડીગ્રી ફેરનહીટ જેટલું હોવાનું મનાય છે. લાંબા કાળથી નિયમિત રીતે પ્રગટ થતાં આવા કેટલાંક ફૂવારાઓના સમયની આગાહી કરી શકાતી હોવાથી તેને  ‘ઓલ્ડ ફેઈથફુલ’ નામ આપવામાં આવ્યું .

ઓલ્ડ ફેઈથફુલ

ઓલ્ડ ફેઈથફુલ

વધુમાં વધુ દસ મિનિટના દર્શનનો લાભ આપતો આ ફૂવારો ઘણીવાર સમયની અટકળ કરતાં ૧૫-૨૦ મિનિટ વહેલો-મોડો થતો રહેતો હોઈ અમે રાહ જોતા હતા તે દરમ્યાન બરફનો વરસાદ વધવા લાગ્યો.  તેની શુભ્ર ઠંડકથી આછી ધ્રૂજારી અનુભવાતી હતી. થોડીવારમાં આભમાંથી વરસતા બરફના ફોરાં અને એ જ સમયે ધરામાંથી ફૂટતા ઉકળતા પાણી શીકરોએ એક અદ્‍ભૂત સૃષ્ટિ રચી. બરફની સફેદી અને ઊની ઊની વરાળના વાદળા વચ્ચે ૧૫૦ થી વધારે ફૂટ ઊંચે સુધી ઉઠતા ગરમ પાણીના ફૂવારાનું આવું અદ્‍ભૂત સ્વરૂપ અમે કદી નજરે નિહાળ્યું ન હતું.  ૪૦૦ થી ૫૦૦ યાત્રીઓ આશ્ચર્યથી દંગ થઈ હર્ષની ચિચિયારીઓથી ગગન ગજાવવા લાગ્યા. જ્યારે જાણ્યુ કે સાત આઠ મિનિટનો જ  આ ખેલ છે ત્યારે આ દ્રશ્યને વિડિયો કેમેરામાં કેદ કરવામાં સમય ગુમાવવા કરતા મન ભરીને નિહાળ્યા કરવાની તરસને છિપાવવા મથ્યા. થોડી પળોમાં બરફનો વરસાદ વધવા લાગ્યો અને ફૂવારો શમવા લાગ્યો ત્યારે ઓવરકોટ પર બરફને ઝીલતા અમે પાછા ફરતી વખતે જાણ્યુ કે બરફને કારણે રસ્તાઓ જોખમી હોઈને બંધ થવા લાગ્યા છે.  ઉતાવળે અમે પાર્કના મુખ્ય દરવાજાની નજીક આવેલા માનવ વસ્તીથી ધમધમતા સુરક્ષિત સ્થળે પહોંચ્યા ત્યારે સાંજ ઢળવાની તૈયારી હતી.

વૈજ્ઞાનિકોએ લખેલા માહિતી લેખોના બોર્ડ ઠેકઠેકાણે હતાં. તે પરથી જાણ્યુ કે આ પાર્કમાં ગરમ પાણીના નાના મોટા થઈ લગભગ ૩૦૦ જેટલા ફૂવારાઓ અવારનવાર ફૂટતા રહે છે જે આખી પૃથ્વી પરના કુલ ગીઝર(ગરમ પાણીના ફૂવારાઓ)ના અડધાથી પણ વધારે છે. આ ફૂવારાઓને કુદરત ક્યારે બંધ કરી દે અને ક્યારે વિસ્ફોટ સાથે ઊંચે આભને આંબવા ઉછાળે તે નક્કી નહી. આ પ્રક્રિયા હજારો યુગોથી સમયાંતરે ચાલ્યા જ કરે છે. કેટલાંક વિસ્ફોટનું અનુમાન વૈજ્ઞાનીકો કરી શકે છે જે મોટે ભાગે સાચું પડે છે અને કેટલાંક ગીઝર વર્ષોથી અપ્રગટ છે.  દર પાંચ મિનિટ થી માંડી દર પાંચ-સાત કલાકે ફૂટતા અને ૨૫ થી માંડી ૨૫૦ ફૂટ ઊંચે ઊછળતા તેમજ  હજારો ગેલન ઉકળતા પાણીને બહાર ફેંકતા આ ફૂવારાઓમાંના કેટલાંક વર્ષો સુધી ધરતીના પટ તળે નીચે ઉકળ્યા કરે છે.  ગીઝર્સના ફેલાવાના આકાર તેમ જ વિસ્ફોટ પહેલા અને પછીના અવાજો, સમયનો ગાળો, ઊંચાઈ વિગેરે વિશેષતાઓને આધારે અલગ અલગ નામો આપવામાં આવ્યા છે. દા.ત. સ્ટીમબોટ, ઓલ્ડ ફેઈથફુલ,બીહાઈવ, સ્પેન્ડીડ, લાયન ગ્રૂપ, ગ્રાન્ડ, જાયન્ટ, ટર્બન, ડેઈઝી, સોલીટરી, રીવરસાઈડ  વિગેરે… વિગેરે….

આ બધામાં સ્ટીમબોટ ગીઝર જગતનું સૌથી મોટું ગણાય છે અને કેટલા વર્ષો બાદ દેખા દે તે કહી શકાય નહી. છેલ્લે ૨૦૦૩ની એપ્રીલની ૨૭મીએ ૩૦૦ થી ૪૦૦ ફૂટ ઉછળી દસ મિનિટ સુધી લોકોને મંત્રમુગ્ધ કરી શમી જઈ બંધ છે જે હવે કદાચ વર્ષો સુધી ધરતીના પેટાળમાં ઉકળ્યા કરશે ક્યારેક કદીક વરાળનું દબાણ વધશે તો સીસકારા કે ત્રાડ જેવા અવાજ સાથે ધોધમાર ઓચિંતું જ ફૂટી ઊંચે ઉછળી સૃષ્ટિને આશ્ચર્યમુગ્ધ કરશે. ભલે પછી તે થોડી મિનિટો માટે જ કેમ ન હોય?

West thumb નામના નજીકના બીજા એક સ્થળે પણ રસ્તો બંધ થાય તે પહેલાં જઈ શકાયું હતું. તે માટે કુદરતનો આભાર માનતા અમે ધરતીએ રચેલા પ્યાલા આકારના મોટા તળાવ જેવા ખાડાઓમાં રંગબેરંગી ગરમ પાણીના ખદખદતા કુંડાળાઓ જોઈ આશ્ચર્યમુગ્ધ થઈ તેનું રહસ્ય પામવા મથી રહ્યા.

વેસ્ટ થંબ એ હથેળી આકારના યલોસ્ટોન તળાવનો અંગૂઠા આકારનો નીચે આવેલ પ્રદેશ છે આ તળાવ નોર્થ અમેરીકાનું પર્વત પરનું સૌથી મોટું તળાવ ગણાય છે. આ તળાવનું ખૂબ ઠંડુ પાણી હીમ નદીની નીપજ છે જ્યારે તળાવની જગ્યા જવાળામુખીના લાવા-અગ્નિની ઉત્પતિ છે. ૬,૪૦,૦૦૦ વર્ષો પહેલાં અહીં જવાળામુખી ફાટ્યો હશે તેમ મનાય છે અને ૧૪૦૦૦ વર્ષો પહેલાં છેલ્લી હિમશીલા ઓગળી હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. લાવા અને બરફની આ ચમત્કૃતિ જુવો. એકતરફ થીજી જવાય તેવું ઠંડુ પાણી વહે છે તો બીજી તરફ લાવારસ ઉપર ઉકળતા પાણીના જબ્બર મોટા ચરૂઓ ઉભરાય છે. શીતળતા અને ઉષ્ણતાની પરાકાષ્ઠા વચ્ચે પણ અહીં જે જીવસૃષ્ટિ ઉછરે છે તે પણ કુદરતની એક ચમત્કૃતિ છે.

બીજા દિવસે સવારે આભમાંથી વરસતા અબીલ છાંટણા જેવા બરફના રજકણોને સ્નેહભરી નજરે નિહાળતા અમે યલોસ્ટોન રીવર તરફ ગાડી હંકારી અને જે અદ્‍ભૂત દૃશ્યો નિહાળ્યા તે અવર્ણનીય છે.

આર્ટીસ્ટ પોઈન્ટ અને ઈનસ્પાઈરેશન પોઈન્ટ નામના સ્થળેથી ૧૦૦ અને ૩૦૦ ફૂટ એવા પાણીના બે મોટા ધોધની આસપાસ અને ઉપર નીચે પથરાઈને વેગે  વહેતા નીરની બંન્ને બાજુ ખડકોની મસમોટી  દિવાલો જોઈ જગ્યાના નામ યથાર્થ છે તેનો ક્ષણાર્ધમાં જ ખ્યાલ આવ્યો. એક કલાક પછી પણ ત્યાંથી ખસવાનું મન થાય તેવું નહોતું પણ બરફનું તોફાન વધતું જતું હતું તેથી પર્વતની ટોચ જેવી એ જગ્યાએથી પરાણે ઉતરવું પડ્યું ત્યારે બીજે દિવસે સવારે ફરી ત્યાં જવાનું નક્કી કરીને જ પાછા ફર્યા. અમારી હોટેલ ત્યાંથી એક ક્લાક દૂર હતી. કારમાં બેઠા કે તરત પેટમાં કકડીને ભૂખ લાગી છે તે ખ્યાલ આવ્યો. ભૂખ તરસ ભૂલાય જાય તેવું પ્રકૃતિનું આવું સૌંદર્ય અમે કદી જોયુ ન હતું.

બીજા દિવસે અમે કોતરોમાં વહેતી નદીને રક્ષતા પહાડોની ધારે ધારે પ્રવાસીઓ માટેની સલામત કેડી પર ચાલતા ચાલતા દ્રશ્યપટ પર બદલાતા રહેતા એક થી એક ચઢિયાતા દ્રશ્યો મન ભરીને માણ્યા. એમાંના કેટલાંક તો અમીટ છાપ મૂકી જાય તેવા ને અન્યત્ર ક્યાંય જોવા ન મળે તેવા સુંદર હતાં. એક જગ્યાએ ધોધની જેમ દડતા પાણીની ઉડતી શીકરો વચ્ચેથી પસાર થતું રંગોનું મેઘધનુષ્ય સૂર્યની આંગળી પકડી જળબુંદો સાથે રમતું હતું. તો બીજી કેટલીય જગ્યાએ કોતરોના પથ્થરો પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રંગો પથરાયેલા જોયા.

રીવર -૨રીવર ૧

સલ્ફર ડીપોઝીટને કારણે પીળા પડી ગયેલા પર્વતો તો ઠેર ઠેર જોવા મળે. તે પરથી જ આ નેશનલ પાર્કને યલોસ્ટોન નામ અપાયું છે અને અહીં વહેતી નદી તેમ જ તેના વહેણો થકી છલકાતું તળાવ પણ યલોસ્ટોન નામે જ ઓળખાય છે.  V આકારે પથરાયેલી આ ગ્રાન્ડ કેન્યોનની જબ્બર ઊંચી પથરાળ દિવાલો પર અલગ અલગ જગ્યાએ પીળા ઉપરાંત લાલ, લીલા, કેસરી, ગુલાબી, ભૂરા, સફેદ અને કાળા પથ્થરો રંગીન સૃષ્ટિ રચી કુદરત અને તેની પ્રસન્નતાના એકાકાર થકી ઈશ્વરના સાંનિધ્યનો ભાસ કરાવી અપાર શાંતી બક્ષે છે.

ગરમ અને ઠંડા પાણીના જથ્થાઓની નીચે અને નજીક પથરાયેલા આવા બીજા રંગો તે જુદા જુદા તાપમાને ઊછરતી જુદી જુદી જીવ સૃષ્ટિને કારણે છે. લીલ અને સેવાળ તો ખરા જ પણ અનેક જાતના બેકટેરીયા અને અન્ય સુક્ષ્મ જીવાણુઓની હસ્તી અહીં સદીઓથી છે. તેમાંના કેટલાંક તો ૧૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડથી વધુ તાપમાને પણ જીવે છે.

એક જગ્યાએ ખોવાયેલા રત્ન જેવો પારદર્શક બલ્યુરંગી ગરમ પાણીનો ગોળાકાર અને વિશાળ પૂલ જોઈ કંઈક નવીન જણાયું.  નજીકમાં એવો બીજો પૂલ પણ જોવા મળ્યો. તળીયે ઊછરતા સુક્ષ્મ જીવોને કારણે સૂર્યના કિરણોમાંના બધા રંગો શોષાઈ જઈ ફક્ત ઘેરો બ્લૂ રંગ પરાવર્તીત થાય છે તે કારણ રીલીંગ પાસે લગાડેલ તક્તી પર વાંચ્યુ.

૩

અવારનવારના ધરતીકંપને કારણે અહીં ખાડા ટેકરા પણ ખૂબ જોવા મળે. જેમાંના કેટલાંય એસીડીક ગારાથી છલોછલ અને અને એટલા ગરમ કે પગ પડે તો ભસ્મ જ થાય. જો કે પ્રવાસી માટે જરૂર જણાય ત્યાં બધે જ સલામત અંતરે રેલીંગ હતી. કેટલીક જગ્યાએ દૂર સુધી સલફ્યુરીક એસીડની સડેલા ઈંડા જેવી વાસ પણ દૂર રહેવા પ્રેરતી હતી.

ઠેર ઠેર કુદરતી અજાયબી જોવા મળતી હતી તેમાં કાચના પર્વત નામે ઓળખાતી એક જગ્યાએ યુગો પહેલાં ફાટેલા જ્વાળામુખીને કારણે ધરતીના પેટાળમાંથી નીકળેલો લાવાનો ઢગ ઝડપી ગતિથી ઠરીને કુદરતી કાચ બન્યો હતો. સદીઓથી રેડ ઈન્ડીયન લોકો તેમાંથી ઓજારો બનાવતા હતા. ૨૦મી સદીમાં અહીંથી રસ્તો બનાવવા માટે કાળા રંગના આ કાચના પર્વતને ડાયનેમાઈટથી પણ તોડી શકાયો ન હતો આથી નીચેથી અગ્નિ અને ઉપરથી પાણી રેડી તોડ્યો હતો. હાલ તો કાયદા થકી કુદરતી સંપતિ સાથે આવો વિક્ષેપ કરવાની મનાઈ છે.

આભમાંથી બરફની ધીમી વર્ષા શરૂ થઈ અને રેડિયો પર તેના વધવાની તાકીદ સાંભળી અમે અંધારૂ થાય તે પહેલાં પાછા ફર્યા. પ્રેમની સાથે સાથે કુદરત ડર પણ વરસાવે છે તેનો અનુભવ છેલ્લા દિવસે સાંજે બરફના તોફાનમાં ફસાયા ત્યારે થયો પણ એ વાત અંતે કરીશ તે પહેલાં પાણીમાંથી પથ્થર બનવાની કુદરતી અને પ્રમાણમાં ઝડપી અને ચાલુ પ્રક્રિયાના કારણો, પરિણામો અને સ્રોતો નજરે નિહાળી ‘વાહ કુદરત” એવા ઉદ્‍ગાર સાથે આંખો જાણે મટકું મારવાનુ ભૂલી ગઈ તે ‘મેમથ હોટ સ્પ્રીંગ’ની અને ઘાસના ખૂલ્લા મેદાનો તથા દેવદારના સદીઓથી અડીખમ ઊભેલા ઝૂંડ વચ્ચે વિચરતા જંગલી પ્રાણીઓને ખૂબ નજીક નિહાળવાનો જે અમૂલ્ય લ્હાવો મળ્યો તેની ઝાંખી કરીએ.

ગરમ પાણીના વિશાળ ઝરણા આ સ્થળે પર્વતની તળેટી તરફ નહી પણ ધરતીના દબાણને કારણે ઉપરના ભાગ તરફ ઊભરાતા હતા. દબાણ તથા ઉષ્ણતામાનના થતા રહેતા સતત અને ઝડપી ફેરફારોને કારણે પાણીના પ્રવાહોમાં પણ ઝડપથી ફેરફારો થયા કરે આથી જમા થયેલા ખનીજ પદાર્થો અને તે કારણે બનતા પથ્થરોના આકારમાં પણ સમયાંતરે ફેરફાર થતા રહે છે. અહીંની જમીન પર પૂષ્કળ પ્રમાણમાં પથરાયેલ લાઈમ સ્ટોન ગરમ પાણીના ઝરણા સાથે ઓગળીને ધરતીની અંદરના દબાણથી ઊંચે ધકેલાતા પાણી સાથે વહી ઊંચે જઈ પથરાઈને ફરી જમા થઈ સફેદ પથ્થરોની મોટી ખૂલ્લી અગાશીઓ રચે છે. આ કારણે પર્વત જાણે ઉલ્ટાઈ ગયો હોય તેમ લાગે. સાથે વહેતા અન્ય ખનીજો સ્થળાંતરે અટકી અટકીને જમા થવાની વર્ષોની પ્રક્રિયા થકી અનેક જગ્યાએ થીજી ગયેલા ધોધ જેવો આભાસ ઊભો કરે છે.

લીબર્ટી કેપ નામની ટોપા આકારની ૩૭ ફૂટ ઊંચી શીલા વિષે વૈજ્ઞાનિકોનું અનુમાન છે  કે સદીઓ પહેલાં પાણી આટલે ઊંચે સુધી ઊભરાઈને વહેતું હશે અને જમા થતા ખનીજોને કારણે આ આકાર રચાયો હોવો જોઈએ. પછીના યુગમાં ઝરણાં સૂકાયા હોવા જોઈએ. નજીકમાં જ  દૈત્યના અંગૂઠા તરીકે ઓળખાતી પથ્થરની એક બીજી શીલા પણ જોઈ. પાર્કમાં કેટલાંક સ્થળોએ ઊંચાઈ એટલી હતી કે પગથિયાઓ હોવા છતાં ગીરનાર ચઢવા જેવું લાગે અને ચઢતા ચઢતા બ્લડપ્રેશર વધી જવાની બીક પણ લાગે તેથી ટાળ્યું. પૂર્વ છેડાના કેટલાંક સ્થળોએ સમયના અભાવે ન જઈ શકાયું.

બીજે દિવસે પાછા ફરવાનું હતું અને સાંજે બરફના તોફાનની આગાહી હતી તેથી વહેલા નીકળ્યા તો પણ તોફાન વહેલું શરૂ થવાને કારણે બંધ થયેલ રસ્તે સપડાયા. આસપાસ કોઈ વાહન દેખાવાની શક્યતા હતી જ નહી. કારણકે જે જ્યાં હતા ત્યાંથી ખુબ સંભાળીને ગાડી ધીમી ચલાવતા હતા. આગળના કાચ પર વાઈપર પૂર જોશમાં ચાલુ હોવા છતાં તે પર પડતા બરફ સિવાય કંઈ દેખાય નહી. અંધારાના ઓળા ઉતરી આવે તે પહેલાં મુકામે પહોંચી જવાની ધારણા હતી કારણ કે હોટેલ ફક્ત દોઢ કલાક જ દૂર હતી પરંતુ ગાડી સ્કીડ થઈ રસ્તા પરના આઈસથી છટકે તો સીધી ઊંડી ખીણમાં જ જાય આથી ખૂબ ધીમી ચલાવવી પડી અને અંધારૂ પણ ઉતરી આવ્યું. અંધારામાં બરફના તોફાન વચ્ચે રસ્તા પર છવાયેલા અને કેટલીય જગ્યાએ જામી ગયેલ બરફ પર સાંકડા રસ્તાની ધારે ધારે ચાલતી ગાડીમાં જીવતા રહેવાની આશા-નિરાશા વચ્ચે એટલું જ આશ્વાસન હતું કે કારમાં અમે પતિ-પત્ની બે જ હતા એટલે મરીશું તો પણ છેલ્લા દિવસ સુધી આનંદ કરીને સાથે જઈશું. મને તો ગાડી લપસીને ખીણમાં પડવા કરતા ય જંગલી પ્રાણી ભટકાઈ જવાનો ભય વધારે હતો. મારા પતિ ભગવાનનું નામ લઈ ચૂપચાપ એકાગ્રપણે અંત્યંત ધીમે ગાડી ચલાવતા હતા. મનમાં ડરતા અને એકબીજાને હિંમત આપતા છ કલાકે અમે દરવાજે પહોંચ્યા અને ઝળહળ રોશની તેમ જ  બીજા વાહનો દેખાયા ત્યારે જીવમાં જીવ આવ્યો.

જંગલી પ્રાણીઓમાં જંગલી ભેંસ કે જેને અહીં બાઈસન કહે છે તેની બીક સૌથી વધારે હતી. પહેલાં દિવસે જ એક ટોળાંએ રસ્તો રોકી ટ્રાફીક જામ કરેલ.  ગાડીઓની હાર જોઈ ધીરે ધીરે રસ્તા પરથી ઉતરી ઘાસના મેદાન તરફ ગયેલ ટોળામાં બાળબચ્ચા સહિત ૧૫-૨૦ બાઈસન હશે. એકે તો અમારી કારની તદ્દન નજીકથી પસાર થઈ અમારી તરફ એની શાંત નજર ફેંકી ત્યારે અમને ડરનું કોઈ કારણ લાગ્યુ નહી પણ પછીથી જાણ્યુ કે આ પ્રાણી ઓંચિતુ આક્રમણ કરે તેવું હોવાથી છેતરાઈ ન જવાઈ માટે ઓછામાં ઓછું ૨૫ ફૂટ દૂર રહેવું. અમે ફક્ત બે-ચાર ફૂટ જ દૂર હતા પણ ગાડીમાં હતા તેથી ભાગવાની હિંમતમાં હતાં. ૫૦૦ થી ૧૦૦૦ કિલો વજન અને કાળો બિહામણો દેખાવ! આપણી ગુજરાતની ભેંસોની સરખામણીએ ટૂંકા શીંગણા અને અને ઘણુ મોટું માથુ ! સ્વસ્થતા અને શાંતીનો અંચળો ઓઢીને ટોળાંમાં ચરતા આવા ઘણા જંગલી બાયસન અમે દૂરથી નિહાળ્યા હતા.

ન.૧૦ન.૯

નજીકથી જોયેલા બાયસન સિવાયના બીજા પ્રાણીમાં અમે ઘાસના મેદાનોમાં ચરતા એલ્કના ટોળાં પણ ખૂબ નજીકથી નિહાળ્યા. જેને આપણે બારશિંગા તરીકે જાણીએ છીએ. તેને જો અડપલું કરીએ તો આવી બને બાકી સાવ નજીકથી પસાર થઈ જાવ તો પણ હુમલાનો ભય નહી. ઘાસના મેદાન ફરતે સાચચેતી માટે ફેન્સ હતી તેથી નિરાંતે નજીકથી નિહાળી મિત્રતાનો ભાવ અનુભવ્યો. બીજા કેટલાંક અમેરીકન રીંછ અને વરૂ જેવા પ્રાણીઓ જેની સાવચેતી માટેની સૂચનાઓ ઠેર ઠેર હતી તે વિષે જાણ્યું ગરૂડ, બાજ, હંસ, નદીમાં તરતા મોટા માછલા આ બધાના દર્શન દુર્લભ હતા પણ તેના વિષે જાણવા માટે માહિતી ઉપલબ્ધ હતી અને હવે તો ઈન્ટરનેટ પરથી પણ ભરપૂર માહિતી મળી રહે છે આથી જોવાની ઈચ્છા હતી પણ શક્ય નહોતું.

અગાઉ હજારો વર્ષો પૂર્વે થીજેલી હીમનદી ઓગળીને ગ્રાન્ડ કેન્યોનમાં વહેતી યલોસ્ટોન રીવરની આસપાસ રીંછ હોવાનો સંકેત અમને એક પ્રવાસીએ આંગળી ચીંધી આપેલ. રીંછને દૂર રાખવા માટે આપણા કપડાં પર છાંટવાનું પ્રવાહી ત્યાંથી વેચાતું લઈ શકાય તેમ હતું પણ જેઓ અંદરના ભાગમા ચાલીને જવાના હતા તેઓ જ ખરીદતા હતા. પ્રવાસી સ્થળો પર બહુ જોખમ ન હતું તે જાણી અમે નિર્ભય હતા પણ દૂરથી જોવાની ઈચ્છા ખરી જે ફળીભૂત ન થઈ. થોડી સૂચનાઓ અમારી સાથેની બુકલેટમાં હતી જેમાં જણાવ્યું હતું કે રીંછને જોઈ કદી ભાગવું નહીં પણ નીચે માથું કરી તેની સામે જોતા જોતા પાછળ પગલા ભરી ચાલતું થવું અથવા સૂઈ જઈ પીઠ પર થેલો મૂકી ગળા ફરતે હાથ વીંટાળી રાખવા.

આ સ્થળે જ્વાળામુખી ફાટ્યાને છ લાખ ચાલીસ હજાર વર્ષ થઈ ગયા. હવે ફરી ક્યારે ફાટે તે વૈજ્ઞાનીકો પણ કહી શકતા નથી. ધરતી માની આંખોમાંથી વહેતા ઊના ઊના આંસુઓ જેવા વહેતા ગરમ ઝરણાઓ તેના હૈયામાં રહેલા ધગધગતા લાવાની સાક્ષી પૂરે છે. બીજી તરફ માના પ્રેમની ઠંડક અર્પતા નદી તળાવ અને બરફના ઓગળતા ઢગ મહીં જીવનનો પણ ધબકાર સંભળાય છે. ક્યારેક દાવાનળ ઊઠે છે પણ ધોધમાર વર્ષાથી મેળે જ શમી જઈ નવસર્જન માટે કુદરતના સાથથી ઝૂમી ઊઠે છે. છેલ્લો દાવાનળ ૧૯૮૮માં વીજળી પડવાથી સળગેલો અને બે દિવસમાં એની મેળે બુઝાઈ જશે તે ધારણા ખોટી પડી બીજા પાંચ દિવસ સુધી પ્રસરતી આગ પાર્કમાં રહેલા માનવ રહેઠાણો સુધી પહોંચી ત્યારે ૧૧૭ એરક્રાફ્‍ટ દ્વારા બુઝાવી ત્યાં સુધીમાં આ આગ ૨૦ લાખ એકર જમીન સુધી પ્રસરી ચૂકી હતી.

અગ્નિ અને બરફના આ તોફાનો વિષે કંઈક જોયુ કંઈક જાણ્યુ અને કંઈક અનુભવ્યું દાઝી જવાય તેવા ગરમ અને થીજી જવાય તેવા ઠંડા પાણીના ઝરણાઓને એક જ ધરતીના ખોળે રમતા જોઈને વિસ્ફારીત નયને અમે તેના તળીયે દ્રષ્ટિ કરી તો રંગબેરંગી સૃષ્ટિ રચતા એકકોષી જીવોની દુનિયાએ માનવ દેહની અલ્પતા અને અન્ય જીવસૃષ્ટિ સાથેનો તૂટેલો સંબંધ અને સંબંધની અગત્ય વિષે અમને વિચારતા કરી મૂક્યા. આ જંગલ મધ્યે વિચરતા પશૂ-પક્ષીઓએ જીવન રક્ષાના કુદરત પાસે શીખેલા પાઠો ભણવા જાણે કે અમને પડકાર કર્યો.વહેતું જીવન, વહેતું પાણી કે વહેતો પવન જ્યારે તોફાનમાં સપડાય ત્યારે સમજવું કે નવસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વિનાશથી વિચલિત થયા વગર વિચરતા રહેવાથી બીજમાંથી અંકુર અને તેમાંથી છોડ વિકસે જ છે અને આ ચક્રગતિ નવજીવનનો આનંદ સીંચે છે. યલોસ્ટોનની ચાર દિવસની યાત્રાએ અમને આનંદથી તરબોળ અને આશ્ચર્યથી દિંગ કરી ઘરભણી વિદાય કર્યા

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

1 Response to ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય

  1. linadhiren કહે છે:

    રેખા, તારી ચાર દિવસ યાત્રા નો સંતોષ અને ખુશી ચાર ધામ ની યાત્રા બરાબર ગણવા જેવી છે. ખરુંને.
    તારી અંતર ની ઈચ્છા પુરી થઈ તેથી હું ખુશ છું.
    સ્નેહયાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.