“વાંસળી મૂક હવે એક બાજુ, ભણીશ નહી તો અમારી જેમ ખેતરમાં મજૂરી કરવી પડશે.” પિતાનો આ આદેશ પાળ્યા વગર નવ વર્ષના મિહિરનો છૂટકો ન હતો.
વાંસળી જ નહી સંગીતના બધા જ વાજીંત્રો મિહિરને શિશુકાળથી ખૂબ જ પ્યારા પણ ગામડાં ગામમાં અન્ય વાજીંત્રોનો તો સ્પર્શ પણ દુર્લભ! ક્યારેક કોઈક ભજનમંડળી આવે ત્યારે જ જોવા સાંભળવા મળે! મંદિરની ઝાલર એનું દીલ ડોલાવી દે અને વાંસળી સાથે દોટ મૂકીને વાંસળીવાળાના ઓટલે બેસી એની વાંસળીના સૂર સાથે સૂર મીલાવવા એનું મન તલપાપડ થતું પણ અભ્યાસ મૂકીને જવાય જ નહી ને!
“આ મિહિરને તો અમારે ડોકટર બનાવવો છે “ પિતાનું આ સ્વપ્ન સાંભળીને એને પુરૂં કરવા એ મથ્યા કરતો અને વાંસળી પર ધૂળ ચઢ્યા કરતી. પછી તો વાંસળી, એની સાથેના બાળપણના સંભારણા, મિત્રોની મજાક, બાપાના ઠપકા અને શેરીની ધૂળ બધું દૂર થતું ગયું. પહેલાં પિતાના અને પછી પત્નીના સ્વપ્નો પૂરા કરવામાં સંગીત પ્રત્યેનો પ્રેમ હ્રદયમાં ઊંડે ધરબાઈ ગયો. વર્ષોના વ્હેણમાં પૈસા ભેગા થતા ગયા અને જીંદગી ખર્ચાતી ગઈ.
પ્રતિષ્ઠીત ડોકટરની વ્યસ્ત જીંદગીમાં ભૂલાયેલ વાંસળીના સૂર દૂર નીકળી ચૂક્યા હતા. નાનકડા શહેરની મોટી શેરીના કાટખૂણે આવેલ નિદાનકેન્દ્રમાં એમનો વ્યવસાય ધમધોકાર ચાલતો હતો. એક દિવસ બહાર નીકળીને રોજીંદા ક્રમ પ્રમાણે તેઓ કારમાં બેસવા જતા હતા ત્યાં સામેની દુકાન પાસે ઉભેલા નવ વર્ષના એક બાળક પર તેની નજર પડી. એના હાથમાં વાંસળી જોઈ પગ થંભી ગયા. બાળપણનો મિહિર જાણે એ તરફ જવા પ્રેરતો હતો. બાળક પાસે જઈને એણે ખૂબ પ્રેમથી પૂછ્યું, “આ વાંસળી મને આપીશ?”
બાળકે એના હાથમાં વાંસળી મૂકી અને મિહિર બદલામાં રૂપિયાની મોટી નોટ આપી પૂછ્યું, “ ચાલશે?” બાળકે હકારમાં માથું ધૂણાવ્યું.
પાછા વળીને કારમાં બેસતા પહેલાં જ વાંસળીને એમણે હોઠ પર મૂકી. જમણી બાજુથી આવતી એક કારનો એમને ધક્કો લાગ્યો અને ઓચિંતી બ્રેકની ચરચરાટી ભરી ચીસમાં વાંસળીના સૂર ડૂબી ગયા પણ એક જ ક્ષણ અને ડોક્ટર બચી ગયા. વાંસળીએ એમને જીવતદાન આપ્યું હતું ને!. રોમેરોમમાંથી નીતરતા આનંદ સાથે કારની સીટ પર બેસી ડ્રાઈવર ગાડી હંકારવાની સંજ્ઞા આપી મિહિરે વાંસળી વગાડવાનું ફરી શરૂ કર્યુ.
સરસ
વાંસળી નો સૂર શરૂ થયો.