મારા વ્યવસાયની સંઘર્ષગાથા

(આ લેખને ભાવનગર ગદ્યસભાએ સપ્ટેમ્બર ૨૦૨૦માં યોજેલ હરિફાઈમાં નોંધપાત્ર કૃતિ તરીકે આશ્વાસન ઈનામ મળેલ છે)

શૂન્યથી અનંત સુધીની સફર કરાવતા અંકોના સૂત્રો સમજાવવા અને ગણિતના કોયડાઓ ઉકેલવાની તાલિમ આપવી તે મારો હાલનો વ્યવસાય એટલે કે હું ગણિતની શિક્ષિકા છું. અમેરિકામાં લગભગ છેલ્લા દસ વર્ષથી ખાનગી ક્ષેત્રે આ કાર્ય કરૂં છું. સ્વદેશમાં કારકિર્દીની શરૂઆતના સાતેક વર્ષ માધ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનની શિક્ષિકા તરીકે કાર્ય કરેલ પછી વચ્ચેના લગભગ વીસેક વર્ષો સુધી અમેરિકા આવ્યા બાદ અનેક સંઘર્ષો વચ્ચે મને ગમતા આ મૂળ વ્યવસાયને જાળવી રાખ્યાનો મને આનંદ છે.

સરકારી શાળામાં ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ ગુજરાતી ભાષામાં આપવું તે એક વાત છે અને એ જ શિક્ષણ પ્રરપ્રાંતમાં અંગ્રેજી ભાષામાં આપવું તે તદન અલગ બાબત છે. અમેરીકા આવ્યા બાદ અંગ્રેજી ભાષા આવડતી હોવા છતાં બોલીમાં વપરાતા અલગ ઉચ્ચારોને કારણે શરૂઆતમાં નોકરી મળવી મુશ્કેલી હતી પણ એથી ય વધુ મુશ્કેલી તો એ હતી કે ત્યાં મેળવેલી પદવી અહીં માન્ય નથી. આ કારણે અમેરીકાની યુનિવર્સિટીનું સર્ટીફીકેટ મળે પછી જ કોઈ પણ શાળામાં નોકરી માટે અરજી કરી શકાય. સાથે આવેલ પરિવારમાં ત્રણ બાળકોને ભણાવવા અને ઘર ચલાવવા માટે આવક ઊભી કરવાના પડકાર સાથે આ પડકાર ઝીલવા માટે જોઈતા ફી ના પૈસા અને સમયની ખેંચને કારણે તત્કાળ તે વિચાર પડતો મૂક્વો પડ્યો હતો.

પરદેશની ધરતી પર પગ મૂકતા જ શરૂઆતમાં ભવિષ્ય બાબતની ઘણી બધી અનિશ્ચતતા એક સામટી આવી પડી હતી. ફક્ત આર્થિક જ નહી, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ભિન્નતા વચ્ચે ટકી રહેવા માટે કમર કસવાની હતી. ગણિતના આંકડાઓ આવક-જાવકના બે છેડા મેળવવા પૂરતા સીમિત થઈ ગયા અને કોયડાઓ વધતા ગયા. 

શરૂઆતમાં મારી દીકરીઓને અને તેની સખીઓને શાળાના હોમવર્કમાં મદદ કરતાં કરતાં અહીંની શાળાઓ અને પદ્ધતિ વિષે ઘણી જાણકારી મળી જેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરીકાના વિદ્યાર્થીઓ ગણિતમાં વિશ્વ સ્તરે ઘણા પાછળ છે જ્યારે ભારતના વિદ્યાર્થીઓ ઘણા આગળ છે અને છતાં મને એટલે કે ત્યાંની અનુભવી શિક્ષિકાને અહીં શિક્ષણ આપવાની તક મળે તેવી શક્યતા નહીવત્‍ જણાતી હતી.

શરૂઆતમાં ગુજરાન ચલાવવા માટે મેડિકલ લેબોરેટરીમાં ટેકનીશીયન તરીકે નોકરી શરૂ કરી દીધી અને સાથે સાથે ગણિતના શિક્ષક તરીકેનું સર્ટીફિકેટ મેળવવા માટે કચેરીઓ અને યુનિવર્સિટીમાં ધક્કા ખાવા પણ શરૂ કર્યા. નિયમોની આંટીઘૂંટી અને આવકની મર્યાદાને કારણે મારે મારા આ ગમતા વ્યવસાયને થોડા સમય માટે એકબાજુ કરવો પડ્યો. લેબોરેટરીમાં આર્થિક પ્રગતિની સાથે ઘરે અભ્યાસમાં દીકરીઓની પ્રગતિ પર ધ્યાન આપવાની જરૂરિયાત અગ્રક્રમે હતી.

નવી ભૂમિ પર વસવાટના સંઘર્ષમાં થોડા વર્ષો વીત્યા. આ દરમ્યાન જાણવા મળ્યું કે  માર્કેટમાં જાહેર સ્થળોએ ચાલતા ગણિતના ખાનગી વર્ગોમાં ઊંચી ફી આપ્યા પછી પણ ધાર્યું પરિણામ ન મળવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ અન્ય ટ્યૂટરની શોધમાં હોય છે અને અછત અનુભવે છે. આ જાણ્યા પછી અહીંની ડીગ્રીની ઝંઝટમાં પડવા કરતા મેં ખાનગી ક્ષેત્રે ટયૂટરીંગ કરવાનો નિર્ધાર કર્યો. આ દરમ્યાન અહીંના અંગ્રેજી ઉચ્ચારણો પર સારો કાબુ આવી ગયો હતો અને દીકરીઓ પણ કોલેજમાં પ્રવેશી ચૂકી હતી.

કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશ અઘરી જ હોય તે સમજણ સાથે વિદ્યાર્થીઓ મેળવવા માટે સામાજીક કાર્યકરોને ટ્યુટર પૂરા પાડતી સંસ્થામાં મેં મારૂં નામ નોંધાવ્યું. આ માટેની જરૂરી લાયકાત મારી પાસે હતી અને વળી તેમાં મને સ્વતંત્રપણે કામ કરવાની તક પણ હતી. આ રીતે મેં પાર્ટતાઈમ ગણિત શીખવવાનું કાર્ય શરૂ કર્યુ. સરકાર દ્વારા મળતું આર્થિક વળતર પ્રમાણમાં ઘણું ઓછું પણ ગરીબ વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ મદદ કરવાનો આત્મસંતોષ મળતો. આ અનુભવે અહીંની અલગ સંસ્કૃતિ પ્રત્યેનો મારો અભિગમ વધુ હકારાત્મક થયો. આ વિદ્યાર્થીઓ સાથેની કેટલીક અવિસ્મરણીય ક્ષણોએ મારી વ્યવસાયિક ભૂમિકાને એક જુદા જ સ્તરે મૂકી દીધી. મને લાગ્યું કે ગણિત દ્વારા વિદ્યાર્થીઓને નિરાશામાંથી બહાર લાવી એમનો આત્મવિશ્વાસ વધારી શકાય છે અને તેને લીધે તેમને બીજા વિષયમાં પણ સારૂં પરિણામ મળી શકે છે. ઉપરાંત મગજની કસરત તેમના મનને તાજગી બક્ષે છે.

અમેરીકામાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મર્યાદિત છે આથી જાતે ડ્રાઈવ કરીને અલગ અલગ જગ્યાએ જવાનું અઘરૂં પડતું. રસ્તા પર સમય પણ ઘણો નીકળી જાય વળી હવામાનની અનિશ્ચિતતા કાયમની! એવામાં એકવાર ટ્યૂશન કરી પાછા ફરતી વખતે વાવાઝોડામાં ઝાડ પડવાને કારણે રસ્તો બંધ થવાથી કાર સાથે હું ફસાઈ ગઈ. પછાત વિસ્તારના કાચા રસ્તા પર આવા સમયે મદદ મળવી મુશ્કેલ હતી અને અંધારૂં વધ્યે જતું હતું. આગાહીના સમય કરતાં પવન વહેલો ફૂંકાયો હતો અને મારે પાછા ફરવામાં ધાર્યા કરતા મોડું થયું હતું. ચિંતાથી વ્યથિત મારા પતિ, મારૂં આ કાર્ય છોડવાનો આગ્રહ કરશે તેની મને ખાતરી હતી પણ વ્યવસાયની ચિંતા કરતાં એ સમયે જીવની ચિંતા વધારે હતી. થોડીવારમાં પવન થોડો શાંત પડ્યો પણ બીક વધી કે અનરાધાર વરસાદમાં ગાડીના પૈડા જો ગારામાં ખૂંપી ગયા તો રાત હવે આ ગાડીમાં જ સૂમસામ રસ્તા વચ્ચે કાઢવી પડશે. સેલ ફોનમાં સિગ્નલ મળતું ન હતું અને બીજો કોઈ રસ્તો સૂઝતો નહોતો. પ્રાર્થના સિવાય બીજું કંઈ જ થઈ શકે તેમ ન હતું. એકાદ કલાક પછી ઝગારા મારતી પોલીસની ગાડી જોઈને જીવમાં જીવ આવ્યો અને રાત પહેલાં ઘરે પહોંચી શકાયું.

બીજા દિવસે સવારની ભીની માટીની સુંગધ વચ્ચે વિચાર રોપ્યો કે ગણિતના વર્ગો હવે મારા ઘરે ચલાવવા. દીકરીઓ કોલેજમાં હતી આથી એમનો અભ્યાસખંડ ક્લાસરૂમમાં ફેરવ્યો. વિદ્યાર્થીઓ અને ખાસ તો વાલીઓ સુધી મારા કાર્યની અરજ અને ગરજ કેમ રજૂ કરવી તે વિકટ જણાતો પ્રશ્ન સરળ સાબિત થયો. પડોશમાં રહેતા મિ. રેમન્ડ સાથે અમારે સારો ઘરોબો હતો. રવિવારે તે મળ્યો એટલે તેની પાસે મેં મારો વિચાર રજૂ કર્યો. મને કહે, ”તારો વિચાર તો ખુબ સારો છે પણ સફળતાની ખાતરી કઈ?”

મેં કહ્યું,”ગણિત માટેનો પ્રેમ, બાળકો માટેનો પ્રેમ અને શિક્ષણ માટેનો પ્રેમ આ ત્રણે ય મારી પાસે છે એટલે મને ખાતરી છે કે હું સફળ થઈશ.” મેં તેને મારા અનુભવોની વાત પણ કરી. બીજા અઠવાડિયાથી તેની દીકરી મેડલીન મારા વર્ગમાં જોડાઈ. એ પછી તો આસપાસની શેરીઓમાં કર્ણોપકર્ણ જાહેરાત થવાથી સારી શરૂઆત થઈ ગઈ. ઘરે વર્ગો ચલાવવાનું લાયસન્સ પણ મેળવી શકાયું અને ભારતીય પરિવારના બાળકો પણ જોડાવા લાગ્યા.

શાખ અને સંખ્યા વધતી જતી હતી એટલામાં અમારી બદલી બીજા શહેરમાં થઈ અને ફરી અજાણ્યા લોકો વચ્ચે એકડે એકથી શરૂઆત કરવાનો સંઘર્ષ શરૂ થયો. અમેરીકા આવ્યાને વીસ વર્ષનો ગાળો થઈ ગયો હતો અને પૈસાની જરૂરિયાત હવે ગૌણ બની ગઈ હતી એટલે શિક્ષણને અગ્રક્રમે મુકવાનું શક્ય બન્યું. સફળતા માટે આ બાબત ખુબ જરૂરી હતી વળી ‘વિદ્યાર્થીઓની સફળતા એ જ મારી સફળતા’ એ સૂત્ર મનમાં દ્રઢ થઈ ગયું હતું.

નવી જગ્યાના અજાણ્યા લોકો વચ્ચે તક મળે અને યોગ્ય લાગે ત્યાં મારા ગણિતના વર્ગ બાબત સંક્ષિપ્તમાં હું દ્રઢ આત્મવિશ્વાસ સાથે વાત કરતી. એક મહિનામાં જો પ્રગતિ ન જણાય તો રિફંડ આપવાની મારી નીતિ વિષે પણ વાત કરતી અને ગર્વ સાથે કહી શક્તી કે હજી સુધી કોઈએ રિફંડ  માંગ્યું નથી. રિફંડની શરત એ હતી કે ફરી તે મારા વર્ગમાં જોડાઈ શકે નહી. કામ વધવા લાગ્યુ તેથી હું ફક્ત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ જ લેતી. 

અમારા નવા ઘરના આગળના ભાગમાં ઓફિસ તથા ક્લાસરૂમ અને પાછળના ભાગમાં ઘર વચ્ચે પાર્ટીશન કરી વધુ પ્રોફેશનલ માળખું તૈયાર કર્યું. માર્કેટ એનાલીસીસ કરી ફીના દરમાં પણ યોગ્ય વધારો કર્યો. ખુબ સરસ રીતે ચાલતા આ વ્યવસાયને થોડા સમય માટે બંધ કરી દૌહિત્રના જન્મ સમયે મારે દીકરીને ત્યાં મદદ માટે જવું પડ્યું. મને વિશ્વાસ હતો કે ફરી ચાલુ કરવામાં હવે મુશ્કેલી નહી પડે પણ ફરી ચાલુ કરતાં જ નવી મુશ્કેલી ઊભી થઈ જેની કલ્પના પણ ન હતી. કોવીડ-૧૯ વાયરસને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાવા લાગ્યું. ઓનલાઈન ટીચીંગ વિષે મેં કદી વિચાર્યું પણ ન હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓની પૃચ્છાને કારણે હવે શીખવાનું જરૂરી લાગ્યુ. ઢળતી ઉંમરે ઘણી જહેનતને અંતે એ પણ શીખી અને ઓનલાઈન ગણિત શીખવવાનું ચાલુ કર્યું. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડાઈઝ ટેસ્ટની તૈયારીમાં મદદ કરવી તે મુખ્ય લક્ષ! આ કારણે હવે ફલક પણ વિશાળ થયું.

આમ મારી પ્રતિબદ્ધતાને કારણે વિદ્યાર્થીઓને ગણિતના અઘરા લાગતા પાઠો હું શીખવી શકતી તેનો આનંદ તો છે જ પરંતુ આ સંઘર્ષને કારણે મને જે શીખવા મળ્યું તેનું મહત્વ પણ ઓછું નથી. વ્યવસાયિક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા મારા સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસને પણ કેડી મળતી રહી

સ્વતંત્રતાની આ ભૂમિ પરના સ્વતંત્ર મિજાજી બાળકોના મન અહીંથી ત્યાં ઉડાઉડા થતા હોય ત્યારે ગણિતના દાખલાઓમાં તેમનું મન પરોવવું તે કેટલીકવાર લોઢાના ચણા ચાવવા બરાબર થઈ રહેતું. આ સાહસ શરૂ કર્યું તેના પહેલાં જ દિવસે પંદર વર્ષની એક અમેરીકન વિદ્યાર્થીનીએ  ભણવા બેસતાની સાથે જ ચોખ્ખું કહી દીધું કે, “હું ઠોઠ છું તે કબૂલ કરૂં છું અને મારે કંઈ શીખવું પણ નથી માટે કાલથી તારે આવવાની જરૂર નથી.” પળ બે પળ તો હું સ્તબ્ધ થઈ ગઈ છેલ્લા ત્રણ મહિનામાં હું તેની પાંચમી ટ્યૂટર હતી તે તો મને પછી ખબર પડી. કૌટુંબિક કારણોસર તે તેની માસીને ત્યાં રહેતી હતી. ધીરજ અને શાંતી જાળવી મેં જવાબ આપ્યો, “તું તારી આન્ટીને કહેજે તે મને ના પાડશે તો નહી આવું બાકી અત્યારે તો આપણે આ એક કલાકનો ઉપયોગ કરવાનો છે. ગણિતનું પુસ્તક છે તારી પાસે?”  તે કહે, “ના બધુ સ્કૂલે છે. મારી પાસે અહીં કંઈ નથી.” અમેરીકામાં આ વાત સામાન્ય છે તે મને ખબર હતી તેથી મેં મારી પાસે હતું તે પુસ્તક કાઢી તેને મોટેથી વાંચવા કહ્યું અને પછી મારા પ્રશ્નોના જવાબ લખવા નોટબુક અને પેન્સિલ આપ્યા. જવાબ વાંચી મેં કહ્યું, “તને તો ઘણું આવડે છે.” જો કે બધા સવાલ-જવાબ તેને મેં જે વંચાવ્યું હતું એમાંથી જ હતા. મહીનાને અંતે દાખલો ગણતી વખતે એને મુંઝાતી જોઈ હું કંઈ કહેવા જાઉં તો કહેવા લાગે,’’ ના…ના… મને મારી મેળે કરવા દે, જરૂર પડશે તો હું પૂછીશ.”  આખરે તે સારા માર્ક સાથે પાસ થઈ ગઈ અને પછી તેના ક્લાસની બીજી છોકરીએ પણ પાસ થવા માટે શોશ્યલ વર્કરને કહી ખાસ મારી પાસે શીખવાનો આગ્રહ રાખેલ. પહેલા દિવસે મેં દાખવેલી ધીરજની આ પ્રથમ વિદ્યાર્થીની પર જાદુઈ અસર થઈ હતી આથી તે મારી સાથે વિનયથી વર્તતી. તે દિવસે મેં તેની માસીને કોઈ ફરિયાદ વગર એટલું જ પૂછ્યું હતું કે મારે આવતીકાલે આવવાનું છે ને? તેણે હસીને એક મહીના સુધી નિયમિત આવવાનું મને કહ્યું હતું.

એક વખત એક વિદ્યાર્થી પહેલા જ દિવસે પુસ્તકનો ઘા કરી ઊભો થઈ ક્લાસરૂમમાં આંટા મારવા લાગ્યો. પળભર તો હું સ્તબ્ધ થઈ ગઈ, શું કરવું તે સમજાયું નહી. મૌન જ ઉત્તમ લાગ્યું. તેની મા કલાક પછી લેવા આવવાની હતી. થોડીવારમાં તે તેની મેળે જ શાંત થયો. સાથે લાવેલ પાણીની બોટલમાંથી પાણી પીને મને કહે, “સોરી, હું તારી પર ગુસ્સે નથી. મને નથી આવડતુ એટલે અકળાઈ જાઉં છું.”  મેં કહ્યું કે “તને આવડતું હોત તો તું અહીંયા હોત જ નહી ને? અને એટલે જ તો હું તને શીખવવા માંગું છું પણ શાંત રહીશ તો જ શીખી શકીશ ભલે વાર લાગે આપણે કંઈ ઉતાવળ નથી. તું હવે રોજ આવવાનો છે અને મને વિશ્વાસ છે કે ધીરે ધીરે તને હું બધું શીખવી શકીશ.”  એ પછી તેની અકળામણ અને મારી ધીરજ  ક્યારેક ટકરાયા કરતી પણ મારી ધીરજની જીત થતી. એક વર્ષ બાદ તેની મા એ એક ઈમેલમાં લખ્યું કે તેણે મને ‘ધ બેસ્ટ ટીચર’ કહી છે. સંધર્ષને અંતે સફળ થયાનો જે આત્મસંતોષ મળે છે તે અમૂલ્ય હોય છે.

એક ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થીને મારે કંઈ જ શીખવવું પડે તેમ ન હતું એની જાણ મને એક અઠવાડિયામાં થઈ ગઈ. મેં પૂછ્યું, “તને તો બધું આવડે છે તો તું નાપાસ કેમ થયો?” જે રહસ્ય તેણે માબાપને નહોતું કહ્યું તે મને કહ્યું, “મારા મિત્રો મને બૂકવોર્મ કહી અલગ ગણે તે મને માન્ય નથી આથી દોસ્તી ખાતર હું ચાહીને ઓછા માર્ક લાવું છું.” તેના દાદા લેવા આવ્યા એટલે એમના પૈસા અને મારી આબરૂં બચાવવા મેં આ વાત કરી. તેઓ ખૂબ નવાઈ પામ્યા અને મારો આભાર માની ટ્યૂશન રદ કર્યું.

અમારા ફેમીલી ડોકટરની અમેરીકન પુત્રી, જાણીતી બેંક ઓફીસરનો પુત્ર. અજાણ્યા ખેડૂતની પુત્રી, મિત્રના મિત્ર એવા સૈનિકનો પુત્ર, ગુજરાતી, બંગાળી, તામિલી, પંજાબી આમ અલગ અલગ વર્ગ અને અલગ અલગ સંસ્કૃતિના બાળકો, કોઈના વંશજો રશિયાના તો કોઈના પેરૂદેશના, કોઈ ચીનથી સ્થળાંતર થયા હોય તો કોઈ પાકીસ્તાનથી……અહીંના કોઈ કાળા તો કોઈ ગોરા અમેરીકન વિદ્યાર્થીઓ……. અને તેમના વાલીઓ થકી વિશ્વનાગરિકતાના શ્રેષ્ઠ પાઠો જે મને શીખવા મળ્યા તે માટે આ વિદ્યાર્થીઓ અને વાલીઓની હું આભારી છું.

આ વ્યવસાય થકી મારી દ્રષ્ટિ અને હ્રદય બંને વિશાળ થયાનો મને અહેસાસ થયો. લેવા કરતા આપવાનો આનંદ વિશેષ હોય છે તે સમજણ અનુભવે દ્રઢ થઈ.

હું ખાત્રીથી કહી શકું કે નિરાશાને કારણે હીનતા અનુભવતા વિદ્યાર્થીઓ માટે ગણિત  માનસિક  થેરેપીનું સાધન બની શકે. તામિલ શિલ્પશાસ્ત્રે ગણિતને કલાને દરજ્જો આપ્યો છે અને લખ્યું છે કે સંગીત દ્વારા ધ્વનિ, નૃત્ય દ્વારા શરીર, કવિતા દ્વારા શબ્દો, સ્થાપત્ય દ્વારા અંતરિક્ષ, શિલ્પ દ્વારા આકૃતિ અને ગણિત દ્વારા વિચારમાં અલૌકિક અનુભવ શક્ય છે.

વ્યવસાય અને કલા પરસ્પર જોડાઈને આત્મનિર્ભર થવામાં સહાયક થાય ત્યારે આનંદની અનુભૂતિ સહજ બને છે. આ આનંદ વિદ્યાર્થીઓ સાથે વહેંચી તેમને ગણિતમાં રસ લેતા કરવાની પ્રતિબદ્ધતા સદાય જળવાઈ રહેશે તે શ્રદ્ધા વ્યવસાયને ભક્તિ સાથે જોડવાની મને પ્રેરણા આપે છે અને ભક્તિ હમેંશા આપણને સંઘર્ષનો સામનો કરવાની શક્તિ આપે છે.     

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ, સ્વાનુભવો. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.