અમારી પડોશમાં રહેતા જેસનની આજે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પાર્ટી હતી. દૂર રહેતા દાદા-દાદી અને કાકા-કાકી વિગેરે સગાવ્હાલાઓથી તેનું ઘર ધમધમતું હતું. સ્ટ્રોબેરી પાઈની મીઠી સુંગધ તેમના ઓવનમાંથી મારા ઘર સુધી ફેલાઈને ઊંડા શ્વાસ લેવા પ્રેરતી હતી. થોડીવારમાં ડોરબેલ વાગી ઘડિયાળમાં જોયુ તો સવારના આઠ વાગ્યા હતા. દરવાજે જેસનનો નાનોભાઈ રેગન મારા આંગણાનું ઘાસ કાપવાની પરવાનગી માંગતો ઊભો હતો. દર શનીવારનો આ ક્રમ આજે પણ તેણે જાળવ્યો એટલે મેં કહ્યું કે, “તારે ત્યાં પાર્ટી છે તો આજે નહી કાપે તો ચાલશે.” “પાર્ટી તો બપોર પછી છે” એમ કહી હસતા ચહેરે ચૌદ વર્ષનો રેગન ઘાસ પર મશીન ફેરવવા લાગ્યો. હું ઘરમાં પાછી ફરી ત્યારે તેના ગીતનો લલકાર મારા કાનમાં પ્રસન્નતા રેડતો હતો. જેસન હવે કોલેજમાં જવાનો હોવાથી થોડા અઠવાડિયાથી તેણે રેગનને ઘાસ કાપવાનું કામ સોંપી દીધું હતું. પહેલીવાર તે કામ કરી પૈસા લઈને ગયો પછી તે જ બપોરે મેં તેને તેના ડેડી સાથે અમારા આંગણાના ઝાડ ફરતે મશીન ફેરવતો જોયો હતો. વૃક્ષ ફરતે થોડુંક ઘાસ બરાબર કપાયું ન હતું તેથી તેના ડેડી તેને ફરી લઈ આવ્યા હતા. હજુ અમારૂં ધ્યાન તો એ જગ્યાએ ખેંચાયું પણ નહોતું. અને અમે જોયું હોત તો પણ ચલાવી લીધુ હોત. તેના ડેડી જેરેમીને પણ મેં જ્યારે ‘કંઈ વાંધો નહી’ કહ્યું ત્યારે મને કહે, “અહીં કામની ગુણવત્તાનો સવાલ છે ઘાસનો નહી અને એટલે જ હું જોવા આવ્યો હતો કે જેથી અત્યારથી તેને જેમતેમ કામ કરવાની આદત ન પડે”
જેરેમી, પત્ની ક્રિસ્ટી અને ત્રણ સંતાનો સાથે અમારા પડોશમાં રહે છે. યુનીવર્સીટીમાં ધર્મના લેકચરર તરીકે નોકરી કરતો જેરેમી ચર્ચમાં પાદરી તરીકેની સેવા પણ આપે છે. તે ઉપરાંત ફાજલ સમયમાં રંગરોગાન જેવું કોઈ ગમતું કામ મળી જાય તો તે કરીને વધારે પૈસા ઊભા કરવામાં પણ ખોટી શરમ નહી. કદાચ એ જ કારણે તેના ઘરમાં સમૃદ્ધિ છલકાતી જોવા મળે. અમેરીકન જીવનરીતીની કેટલીક વિચારપ્રેરક ઊજળી બાજુઓ આવા પરિવારોમાં જોઈ પશ્ચિમી સંસ્કૃતિ વિષેનો મારો ભ્રમ દૂર થતો રહ્યો છે. જેરેમીના કિશોર વયના દીકરા જેસન સાથે વાત કરતા મને એક વધુ ઊજળી બાજુ જોવા મળી.
એમના આમંત્રણને માન આપી અમે અભિનંદન આપવા પાર્ટીમાં ગયા ત્યારે જેશન ખુબ વ્યસ્ત હશે આથી એની સાથે બહુ વાત નહી થાય તેમ મેં માન્યું હતું પણ જોયું તો દરેક મહેમાનની જેમ અમારી સાથે પણ તેણે નિરાંતે વાત કરી અને તેની અત્યાર સુધીની સિદ્ધિના સર્ટીફિકેટ્સ અને મેડલ્સ બતાવા લાગ્યો. જેમાં રમતગમત ઉપરાંત નૃત્ય, ચિત્રકલા, વક્તૃત્વકળા અને સ્વીમીંગ વિગેરેના છઠ્ઠાથી બારમા ધોરણ સુધીના ૨૫થી ય વધારે સર્ટીફિકેટ્સ અને ઘણા મેડલ્સ જોવા મળ્યા. અભ્યાસમાં પણ તે તેજસ્વી હતો.
તેની સાથે વાત કરીને હું ઘણી પ્રભાવિત થઈ કારણ કે આગળ અભ્યાસ અને વ્યવસાયની બાબતમાં એ ખુબ સ્પષ્ટ હતો એટલું જ નહી પણ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે અંગે પણ ગંભીરતાથી વિચારતો હતો. માધ્યમિક શાળામાં કોચની નોકરી દ્વારા બુલી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષા આપી અન્ય વિદ્યાર્થીઓને એમનાથી બચાવવા તે તેની મુખ્ય ભાવના! શાળામાં રમતગમતની તાલિમ સાથે આ તાલિમ પણ આપી શકાય એવા ઉત્તમ વિચારનો જન્મ કદાચ દેશની હાલની પરિસ્થિતિમાંથી જન્મયો હોય એમ પણ બને. કિશોરોને યોગ્ય દિશા તરફ વાળવામાં કઈ રીતે યોગદાન આપી શકાય તે આ કિશોરે વ્યવસાયની પસંદગીમાં ભાવિ પેઢીના ઘડતરને અગ્રક્રમે મૂકી એક કેડી તરફ નિર્દેશ કર્યો હતો જે પર ચાલવાનો તેનો શુભ આશય દ્રઢ હતો. તેની માતાએ પણ આ વાતને ખૂબ ગર્વ સાથે ટેકો આપ્યો. પિતા જેરેમીના મૌન હાસ્યમાં તેની ગર્વસૂચક સંમતિ સ્પષ્ટ હતી. અમેરીકાની રાજધાની પર ૨૦૨૧ની છઠ્ઠી જાન્યૂઆરીએ બુલીઓએ જે હલ્લો કર્યો તેની નાગરિકો પર પડેલી અસરનો આ પણ એક પ્રતિભાવ હોઈ શકે એમ માનવા મન પ્રેરાય છે.
આજના કિશોરો જે આવતા કાલના નાગરિકો છે તેઓના વિચારની દિશા જો યોગ્ય હોય તો આ દેશની આવતીકાલની બહુ ચિંતા નહી કરવી પડે એવી આશા આવા કિશોરોને મળીને જાગે છે. તેજસ્વી હોવા છતાં તેનું લક્ષ્ય ફક્ત ઊંચા પગાર અને મોટી પદવીઓ તરફ જ નહી પણ આસપાસના લોકોની સુરક્ષા પ્રત્યે પણ હતું. એ જવાબદારી ફક્ત તંત્રની જ નહી નાગરિકોની પણ છે તે અહીં સ્પષ્ટ સમજાય તેમ છે.