Category Archives: અગિયારી

સ્વરચિત કૃતિ અગિયારી – એક નવો વિચાર

નાનપણમાં એક વાત ઘડીવારે કાને અથડાઈ છે. “જલ્દી કર, છંદે શું ચઢી છો?” છંદ શબ્દનો સાચો અર્થ પણ ત્યારે તો ખબર ન હતી પણ કંઈક કહેતા કે કરતાં વાર લાગે તો તે ખોટું થાય છે તેટલો જ અર્થ એમાંથી નીકળતો હતો. પછી કોલેજમાં વિજ્ઞાનની શાખામાં જવાનું થયુ અને છંદ વિષેની સમજ અધૂરી જ રહી. દસેક વર્ષ અગાઉ એક પુસ્તિકા ખરીદી જાતે શીખવાની કોશિષ કરી પણ આત્મસ્ફૂરણા સાથે જોડાઈ સંવાદ સાધવો અઘરો પડવા લાગ્યો અને પડતૂ મૂક્યુ. ખરૂં મૂલ્ય આત્મસ્ફૂરણાનું અને તે સાથે અનુભવેલા સત્યનું છે તે સમજણ સાથે ક્યારેક તેજ લીસોટા પડે પણ છંદે ચઢવાનું મન ન થાય અને હવે તો ધ્રૂજતી હથેળીઓ થકી જ્ઞાનના આ અગાધ સમુદ્રમાંથી ખોબામાં વધુ ભરવા જઈએ તો પણ વધુ સમાતું નથી.

જે કહેવું હોય તે ટૂંકમાં કહેવાની સૂચના નાના હતા ત્યારે બહુ સાંભળી છે પણ છતાં ય આપણી વાત સાંભળવાનો કોને સમય છે? એમાં ય અત્યારના આ ઝડપી યુગમાં? વળી અખાના છપ્પા અને કબીરના દોહામાં રહેલી જ્ઞાનની ધારદાર અભિવ્યક્તિ યાદ આવે. હાયકુમાં ચમક્તી હીરાકણીઓ થકી ગુજરાતીમાં આવેલો જાપાનનો કાવ્યપ્રકાર યાદ આવે.

મને થયુ કે અભિવ્યક્તિને કોઈ એક ચોકકસ બીબામાં ઢાળવા પ્રયત્ન કરૂં જે સાવ સાદુ,સરળ અને ટૂકું હોય. આમ કરવાથી ફાયદો એ થયો કે બધા વિચારને તરત વ્યક્ત થવાની તક મળી. ટીપે ટીપે સરોવરની જેમ થોડું થોડું પણ તરત ટપકાવી શકાય એકબીજાથી અલગ અને અસંગત અને વિરોધી ભાવનાઓને પણ વ્યક્ત થવાનો તૂર્ત અવકાશ મળે. આખી કવિતા લખી અને તેનું વ્યાકરણ તપાસવાની ફૂરસદ ન હોય ત્યારે શબ્દોનું બાષ્પીભવન થઈ જતુ હતું તે ન થાય તે માટે નક્કી કર્યુ કે અગિયાર શબ્દમાં જે કહેવું હોય તે કહેવું અને કોઈ સમજે કે ન સમજે મને પોતાને સમજાવું જોઈએ. આખરે વાત તો જાતને સમજાવવાની જ છે ને?

સમય એટલો ઝડપથી બદલાયો છે જે યુગમાં શુકનના મૂકવાના વધુમાં વધુ અગિયાર રૂપિયા ગણાતા તે ઓછામાં ઓછા ગણાવા લાગ્યા તે યુગમાં મારી યુવાની શ્વસી છે. હવે વચ્ચે શૂન્ય મૂકાઈને આ શુકનિયાળ આંકડાનું સ્થાન 101 લઈ લીધુ છે ત્યારે અહી કવિતામાં આ અગિયારનો આંકડો વાપરવાનું મારા માટે ઠીક રહેશે એમ લાગ્યુ. તેથી એ પસંદ કર્યો છે.

અક્ષર નહી પણ શબ્દ અગિયાર લખવા. એમાં એક અક્ષરના શબ્દો પણ આવી જાય. આમ હમણાંથી એ રીતે મારી અભિવ્યક્તિને આ બીબામાં ઢાળીને વ્યક્ત કરવા મથું છું. લઘુ કાવ્યની આ પ્રકારની આ નાનકડી નવી શોધ મને બહુ ગમી છે અને મારા માટે બહુ ઉપયોગી સાબિત થઈ છે. સાહિત્યના ઈતિહાસમાં તે સ્થાન પામે ન પામે તેથી હરકત નથી અત્યારે ‘યુઝ એન્ડ થ્રો’ તેમ જ ‘રીસાયકલ’નો જમાનો છે. મનના દરિયાને ફંફોસતા અચાનક ક્યારેક કદી કંઈક કિંમતિ ઝબકી જશે તો રીસાયકલ થતું અટકી જશે અને થ્રો પણ નહી થાય આશા રાખુ કે સરસ્વતિદેવીની એવી કૃપા ઉતરે. નવી શોધો દરેક યુગમાં અને દરેક ક્ષેત્રમાં થતી રહી છે અને ઉમેરાતી પણ રહી જ છે ને?

આત્મસ્ફૂરણાથી રચાયેલી દુનિયાની પહેલી કવિતા લખનાર કવિને છંદ,પ્રાસ કે અલંકારો વિશેના વ્યાકરણનું જ્ઞાન ન હોવા છતાં આત્મ સ્ફૂરણાની પ્રબળતાને કારણે તે ઉત્કૃષ્ટ જ હશે એમ માનવા મન પ્રેરાય છે. મીરાં કે નરસિંહના પદોમાં વ્યાકરણ પછી અને આત્મસ્ફૂરણા પહેલાં છે. સંવાદિતા વાળી અછાંદસ કવિતાને પણ સાહિત્યમાં સ્થાન મળ્યું અને મારી- મચડીને કરેલી કવિતાઓ કે જે કવિને પોતાને ય કચરાટોપલીમાં ફેંકવાનું મન થાય તેને પણ સાચી-ખોટી વાહ વાહ મળવાને કારણે કવિતા કરતાં કવિનું મહત્વ વધી જાય તેવું ય બને છે.

અહીં મેં લખેલી કાવ્ય કણિકાઓમાં સ્ફૂરણા મુખ્ય છે અને મારે માટે એ જ મહત્વનું છે.

રેખા સિંધલ

અંતે

   જા,    નહી આવું મંદિરે!    પૂજ્યો પણ    અંતે તો તું    પથ્થર, દેવ!

Posted in અગિયારી, કાવ્યો, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

પીડા

નકામી ગાંઠને મૂળમાંથી કાઢતાં ધ્રૂજી હું ધરણી જેમ ગાંઠ એમની એમ !

Posted in અગિયારી, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

અકસ્માત

ક્ષણાર્ધમાં અથડાઈ અજાણ મુસાફિર મૃત્યુ થકી બની ગયો હિસ્સો વાહનચાલકના જીવનનો!

Posted in અગિયારી | Leave a comment

શબ્દ

શબ્દ બને કવિતા જો જાણી શકાય કોણે કોને ક્યારે કેમ કહેવો!

Posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

વૃક્ષની વેદના

વૃક્ષ કહે, તારા આંગણેથી જાઉ જંગલમાં ચાલી જો શકું તારી જેમ.

Posted in અગિયારી, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ

ફેરો

અર્ધવર્તૂળે ઊભી હું આગળ જાઉ કે પાછળ પહોંચુ મૂળ સ્થાને ફરી !

Posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

રણછોડ

રણમાં ઉગ્યો છોડ પી જઈ તરસ આખી વહાવે લીલી રેતનો દરિયો

Posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ