ક્ષિતિજે

તારી-મારી વચ્ચે દરિયો સાજન
                        રેલાય ખારા જળ
જળમધ્યે ડૂબ્યા સ્વપ્નો અનેક
                    રહસ્ય એના અકળ
 માંડી છે મીટ, ધામ દૂર-દેશ
                વીતતી  વિયોગે પળ
વસે જ્યાં તું તે અમ-દેશ
                   નિજ ગૃહે નેત્ર સજળ
સ્વ-આશ ડૂબે પરદેશે
                 ક્ષિતિજે સપ્તરંગી છળ
Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

સંભવ

માનો કે કાલે સૂરજ ઊગે નહી

ને માનવ સર્જિત

દીવડા વચ્ચે

તરે જીન્દગી

હમેંશ માટે ક્ષણે ક્ષણે

ક્ષય-અક્ષય

ચક્ર તૂટે દિન-રાત તણું

તો પ્રભુ,

તારૂં તિમિર

દીપને અજવાળે

થાય ભાંગી ભૂક્કો

પછી તું ક્યાં? હું ક્યાં?

 

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 5 ટિપ્પણીઓ

પત્થરને કાળજે કોતરેલી કલા

ખીણો અને પર્વતોની હારમાળામાં પથરાયેલ પત્થરનું અનોખુ સૌંદર્ય આસપાસ ઉગેલા ફૂલોના સૌંદર્યને જ્યારે નહીવત કરી દે ત્યારે ઘડીભર થાય કે ફૂલ અને પત્થરનો એટલે કે ચેતન અને જડનો વિરોધાભાસ જો લાગણીના સંદર્ભે જોઈએ તો જરાક સ્પર્શતા મુરઝાવા લાગે તેવા ફૂલ સાથે સરખાવીને સદીઓથી પવન અને પાણીનો માર ખમી ખમીને અલગ અલગ રૂપ અને રંગ ધારણ કરીને અડીખમ ઉભેલા આ પર્વતો અને ખીણોમાં રક્ષિત ચેતન અને સૌદર્યનું આપણે અવમૂલ્યન કરીએ છીએ. આ ધરતી પરનું આપણું એક પગલું સદીઓની અસરથી ઉપસતી કુદરતી સૌંદર્યરેખાઓને થંભાવી દઈ શકે છે પણ તેની અસર અદીઠ છે.

Utah 1

દરિયાની સપાટીથી લગભગ ૯૦૦૦ ફૂટ સુધી ઊંચા મસ્તક કરીને ઊભેલા પર્વતોના અદ્‍ભૂત સૌંદર્ય અને તેની ખીણોમાં કોતરાયેલી કુદરતી કલા કારીગીરીના દર્શનનો અમૂલ્ય અવસર રક્ષાબંધનના તહેવારે ભાઈઓને રાખડી બાંધવા અમેરીકામાં આવેલ યુટા રાજ્યના બીવર ગામે ગઈ ત્યારે સાંપડ્યો. તાજેતરમાં લીધેલી મોટેલના અનેક કામોના ઢગને એકબાજુ કરી મોટાભાઈએ જ્યારે બ્રાય્સ કેન્યોન, આર્ચીસ પાર્ક અને ઝાયન કેન્યોનની અનોખી ઝાંખી કરાવી ત્યારે પ્રકૃતિ પત્યેના તેના પ્રેમને સલામ કરવાનું મન થઈ આવ્યું. પહાડો ચઢવાની હામ અને હિંમતના અભાવને દૂર કરવા નાનાભાઈએ ખભો અને લાકડી આપ્યા. બંને ભાઈઓનો ઉલ્લાસ કવિ શ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંકતિ “ભોમિયા વિના મારે ભમવા’તા ડૂંગરા…”માં છલકાતો હવામાં લહેરાતો મારા હ્રદયને સ્પર્શી આ ભ્રમણને યાદગાર બનાવી ગયો.

અવાક્‍ થઈ જવાય તેવા આ સૌંદર્યનું વર્ણન શબ્દોમાં ગમે તેટલું કરીએ તો ય અનુભૂતિ વગર તે અધૂરૂં જ રહેવાનું પણ છતાં ય હૈયે છલકાતી ખુશીને વહેંચ્યા વગર જંપ નહી વળે.

આસપાસની પહાડીઓ વચ્ચેથી ચોતરફ પ્રસરતા સૂર્યોદયના તાજા કિરણોને ઝીલતાં અમે ઘરેથી નીકળ્યા બાદ લગભગ એકાદ કલાકના ડ્રાઈવ બાદ એક જગ્યાએ નજરને પકડી રાખતો એક ઊંચો સુંદર ખડક દેખાયો જેને જોવા અને ફોટા પાડવા માટે ઉભેલા બે ત્રણ કુટુંબોને અમે જોયા. ખાસ આ ખડક જોવા માટે રસ્તાની બાજુમાં નાનકડો અર્ધવર્તૂળ પાર્કીગ પ્લોટ હતો જેમાં બીજી બે કાર સાથે અમે અમારી કાર પણ ઉભી રાખી.

Utah 2

મોટાભાઈએ કહ્યુ, ‘પાંચ મિનિટથી વધારે અહીં સમય ન બગાડતા બાકી હજુ આગળ ઘણી સુંદર જગ્યાઓ જોવાની છે તે રહી જશે.’

મને થયુ અરે! પાંચ મિનિટમાં તો આ સુંદરતાને કેમ પીવાશે? આગળ સુંદરતા ધોધમાર વરસવાની હતી જેનાથી હું અજાણ હોઈને મનમાં થોડા રંજ સાથે ખડક પર ચોંટી ગયેલી નજરને ફેરવી હું ફરી ગાડીમાં બેસીને ખડક પર પડેલ લીસા સપાટ ચોસલાઓને નીરખવા લાગી. ભાઈ કહે, ‘આ તો હજુ શરૂઆતની ય શરૂઆત છે’. થોડીવાર થઈ ત્યાં પત્થરની બનેલી એક કુદરતી કમાન નીચેથી અમારી ગાડી પસાર થઈ.

પાછું વળીને તેની સુંદરતાને આંખમાં ભરૂં ન ભરૂં ત્યાં તો આગળની બીજી કમાન ઝૂકીને સલામ કરતી સડસડાટ નીકળી ગઈ. બારીમાંથી બાજુમાં નીચે જોયું તો ડર જન્માવે તેવી ઊંડી ખીણો! એકબાજુ ખડકો અને બીજીબાજુ ખીણો વચ્ચેના રસ્તા પર પૂરપાટ સરતી ગાડીઓ નાના હતા ત્યારે ફક્ત ચિત્રપટ પર જોયેલ અને પછી કુલુ – મનાલીની પહાડીઓ પર તે આનંદ ક્ષણિક માણેલ. આજ વર્ષો બાદ ભૂલાતા જતી એ ક્ષણોને સાવ જ ભૂલાવી દે તેવી આ સર્પાકાર રસ્તા પરની સફર કુદરતે છૂટા હાથે વેરેલા અદ્‍ભૂત સૌદર્યને કારણે મૃત્યુના ભયને પણ હડસેલી દે તેવી આનંદદાયક બની રહી. ભાઈ કહે, ‘જો હવે શરૂઆત થઈ!’

અમે દરીયાની સપાટીથી ઊંચે ને ઊંચે ચઢતા જતાં હતાં. વિશ્વની સાત અજાયબીઓમાંની એક એવી ‘ગ્રાન્ડ કેન્યોન’ની હારમાળાના ઉત્તર તરફના ભાગની નજીકના આ અગણિત ઢોળાવોને અહીં બ્રાય્સ કેન્યોન નામ આપવામાં આવ્યું છે. લગભગ ૯૦૦૦ ફૂટની ઊંચાઈએ અમે પહોંચ્યા ત્યાં એક સૂત્ર વાંચવામાં આવ્યુ ‘Where rocks meet the sky’ ખરેખર અહીં ખડકો આભને અડતા હતા! વાદળોને જોવા અમે ડોક નીચી કરી તો ખીણોમાં રમતા જોયા. આજ સુધી જોયેલા ધરતીના અનેકાનેક સુંદર રૂપો આ રૂપ પાસે ઝાંખા લાગ્યા.

Utah 4

યુટા રાજ્યમાં લગભગ ૩૫૦૦૦ એકર સુધી પથરાયેલ બ્રાય્સ કેન્યોન નામના આ નેશનલ પાર્કની મુકાલાતે વર્ષ દરમ્યાન લગભગ ૧૫ લાખ મુસાફરો આવે છે. જો કે આ સ્થળને કેન્યોન કહેવાય કે નહી તે પ્રશ્ન છે. લાખો વર્ષોથી બરફ, પવન અને જમીનના ધોવાણથી બનેલા અલગ અલગ આકારના પત્થરના હજારો સ્તંભો ની ફરતે જંગલી ઝાડીની લીલી વનરાજી વચ્ચે ફરતા હરણા અને જવલ્લે દેખા દેતા પર્વતીય સિંહોથી ધમરોળાતો આ પર્વતનો નીચલો ભાગ જાણે વિરાટ દેવાલયનું સુંદર પ્રાંગણ હોય તેવી સૃષ્ટિ રચે છે. અને પત્થરો પણ કેવા? કોઈ લાલ તો કોઈ ધોળો તો કોઈ ભગવો! જાણે પ્રેમ, શાંતી અને અધ્યાત્મનો ત્રીવેણી સંગમ! સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યની લાલિમાથી ચમકતા આ રંગો અનેરી આભા પ્રગટાવી પ્રવાસીને મંત્રમુગ્ધ કરીને ઘડીભર પૃથ્વીલોકને ભૂલાવી દે! જુદી જુદી ઊંચાઈએ પ્રવાસીઓ માટે બાંધેલા લગભગ ૧૫ જેટલા સ્થળોના અલગ અલગ દ્રષ્ટિકોણથી રચાતી વિભિન્ન આકૃતિઓમાં એકાકાર થવા મથતા મારા અસ્તિત્વને સ્થળની નાજુકતાનું ભાન ન ભૂલાય તે માટે કેટલીયવાર ભાઈઓએ કહ્યુ કે, ‘જો જે હોં ધોવાણની માટીથી બનેલા આ પત્થરો પર પગ મૂકતા તૂટી પડશે તો સીધી ખાઈમાં જઈ પડીશ’ મે કહ્યુ કે કદાચ એવું બને તો સૌને કહેજો કે મારૂં મૃત્યુ અતિ આનંદની પળે મુક્તિના દ્વારે થયું છે. પણ એમ બન્યુ નહી અને સમયના બંધનમાં બંધાયેલા અમે સૂર્યાસ્તની સાથે સાથે ઢાળ ઉતરતા હતા ત્યારે જોયું તો સવારે છડીદારની જેમ અમારૂં સૌ પ્રથમ સ્વાગત કરતો પેલો સુંદર ખડક વિરામની છાયામાં પોઢી ગયેલ હશે તે સૌંદયથી અંજાયેલી અમારી આંખોને પાંચ મિનિટ માટે પણ ન દેખાયો. ઘરે પહોંચ્યા ત્યારે અંધારાના ઓળા ઉતરી ચૂક્યા હતા અને થાક ઓગળીને પગને કળતર આપતો હતો. ભાઈએ કહ્યું કે વ્હેલા ઊઠી જજો કાલે આનાથી પણ સુંદર સ્થળે જવાનું છે. આશ્ચર્યથી મેં પૂછ્યુ કે આનાથી સુંદર સ્થળ હોઈ શકે ખરૂં? સર્વાંગ સુંદર એવી ધરતીના જુદા જુદા અંગોની સુંદરતાની સરખામણી જ અયોગ્ય છે તે આર્ચીસ પાર્ક અને ઝાયન કેન્યોન જોયા પછી સમજાયું.

Utah 3

બીજે દિવસે આર્ચીસ પાર્ક જોવા જવાનું હતું પણ પગને આરામની જરૂર હોઈને તે મુલ્તવી રાખી ઈગલ પોઈન્ટ નામના સ્કી રીસોર્ટ પર અમે ગયા. હજુ જો કે સ્નો પડવાને તો મહીનાઓની વાર હતી અને આઈસ તો ડીસેમ્બર પહેલાં સ્કીઈંગ કરવાની પરવાનગી ન આપે એટલે આ સમયે ત્યાં કોઈ પ્રવાસીઓ જોવા મળ્યા નહી પણ આ પહાડીની આસપાસની સુંદર હરીયાળી સૃષ્ટિ વચ્ચે ખળખળ વહેતા ઝરણાના સંગીત અને પવનના સૂરીલા સુસવાટે કારના પ્લેયરમાં વાગતું ગુજરાતી ગીતોનું સંગીત ઝંખવાયું તે બંધ કરી અમે પહાડીઓના ચઢાવ અને ઉતરાવ પર ગાડી સરકાવતા મેદાનો સુધી આવી પહોંચ્યા. પહાડો ઉપરના મેદાનો પર દોડતા હરણાઓમાંથી કેટલી તકેદારી રાખવા છતાં એક હરણ અમારી કાર સાથે અથડાઈને દૂર પડ્યું. તેના પગમાં ઈજા થઈ હોય તેમ જણાયું. તૂર્ત જ તે લંગડાતું દોડીને મેદાન પાછળની ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયું. અફસોસ સાથે અમે દૂરના એક સ્થળે ગાડી ઊભી રાખી. આ સ્થળ પિકનિક માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ડાબી બાજુ નાનકડું સ્ટેજ બાંધી તેની સામે સો-બસો માણસો બેસી શકે તેટલા બાંકડા ગોઠવી લાઈવ મ્યૂઝિક માટેના ઓપન એર થિયેટર જેવું બનાવ્યું હતું અને જમણી બાજુ રસોઈનો ચૂલો અને ખાવા-પીવા માટેની સુવિધા હતી. આ બંને વચ્ચે પ્રવેશવાની કેડી સીધી જ વર્તૂળાકારે ઊભેલા તોંતિગ વૃક્ષો વચ્ચે લઈ જાય. એ જ રીતે વર્તૂળકારે બાંકડાઓ પણ ગોઠવેલા હતા. તે પર બેસી વૃક્ષોની ઊંચાઈનું માપ કાઢવા મેં શક્ય તેટલી ડોક ઊંચી કરી તો પણ ટોચ સુધી નજર પહોંચી શકી નહી. લીલી ઠંડક અસ્તિત્વને ઘેરી વળી અને પાંદડે પાંદડે કવિતા ફૂટી. સ્ટેજ પર થઈ બાજુના ઝરણાનું સંગીત કાનમાં ગુંજયું સાથે જ હ્રદય આનંદથી છલકાઈને નિ:શબ્દ બન્યું. વિષાદના વાદળો આપોઆપ વિખરાઈ જાય એવી દિવ્ય શાંતી આંખો બંધ કરીને પરદેશની આ પવિત્ર ભૂમિ પર અનુભવી. પારકી અને પોતાની ભૂમિનો ભેદ આપોઆપ ઓગળતો હતો. કહેનારે સાચું જ કહ્યું છે કે સબ ભૂમિ ગોપાલકી… થોડીવારમાં એક અમેરીકન કુંટુંબ પિકનીક માટે સરસામાન લઈને આવ્યું. અમારી આંખો મળતાં જ મળેલાં એમના નિર્મળ હાસ્યમાં પ્રકૃતિનો પ્રેમ અને પ્રેમની પ્રકૃતિ એકમેક થતા જણાયા. વસુધૈવકુંટુંબકમ્‍ની ભાવનાના બીજ કદાચ કુદરત સમીપે જ વધુ વીકસતા હશે. ત્યાંથી આગળ પ્રયાણ કરતાં એક નાનકડું તળાવ નજરે ચઢ્યું. વિશાળતા હવે સહજ અનુભવાતી હતી. અમારી આંખોમાંથી અચંબાની જગ્યાએ હવે આનંદ નીતરતો હતો. ત્યાં બેસીને અમે દેશમાં વીતેલા બાળપણની મીઠી યાદોને વાગોળી. વિખૂટા પડી ગયેલા કેટલાય સ્નેહી, મિત્રો અને પડોશીઓને યાદ કરી તેમની સાથે ગાળેલા સમયના આનંદની લ્હાણી કરી.

પછીના દિવસે આર્ચીસ પાર્કની સુંદરતા માણી. યુટા રાજ્યની પૂર્વમાં ૧૨૦ ચોરસ માઈલ વિસ્તારમાં પથરાયેલી પત્થરની જુદા જુદા આકારની લગભગ ૨૦૦૦ કમાનોની આસપાસ જાણે અવકાશમાં રમવા નીકળ્યા એવા પત્થરના નાના મોટા પૂતળાઓ સાથે કલ્પના જોડીને મનગમતી આકૃતિઓ થકી એક નાનકડી સૃષ્ટિ રચી રચયિતાનો સહજ આનંદ અહીં અનુભવ્યો.

કોલોરાડો નામની નદી પર આવેલા આ વિસ્તારમાં લાલ રંગના રેતપત્થરથી રચાયેલ ખડકો અને કમાનોથી શોભતા આ સ્થળની મુલાકાતે વર્ષ દરમ્યાન લગભગ ૧૦ લાખ લોકો આવે છે. અમે ૩૬ માઈલનો સીનીક રૂટ લઈ તદન નજીકથી કુદરતની આ કોતરણીને હ્રદયમાં કોતરવા પ્રયત્ન કર્યો. બેલેન્સ રોક, ડેલીકેટ આર્ક, ઓ રીંગ, વીન્ડોઝ અને સૌથી મોટી ૩૦૬ ફૂટની લેન્ડસ્કેપ આર્ક આવા અલગ અલગ નામના કેટલાય ફોર્મેશન પત્થરની નાજુકાઈ દર્શાવતા ઊભા છે. પ્રકૃતિદેવી તેની વિશાળ ગોદમાં પત્થરના આભૂષણો સાથે આપણને પણ તેની માયામાં લપેટી લેવા હોઠની કમાનથી હાસ્ય વેરીને ચુંબક માફક તેની નજીક ખેંચવામાં અહીં સફળ રહી છે.

સાંજ ક્યારે પડી ગઈ તેની ખબર ન રહી. દિવસ દરમ્યાન બે લિટર પાણી પી ગયા પછી પણ ગળે શોષ પડતો હતો. તપતો સૂર્ય ખડકોને તો ભીનાશથી મુક્ત કરી રક્ષા બક્ષતો હતો પણ પ્રવાસીઓને ખડકોની ઓથ સિવાય ચાલવાની મનાઈ ફરમાવતો હતો. અહીં પણ ખડકોની તરાડો વચ્ચે ઉછરતી જીવસૃષ્ટિ જોઈ ‘વાહ કુદરત!’ નો ઉદ્‍ગાર સરી પડ્યો.

છેલ્લા દિવસે ૩૦ લાખ લોકો વર્ષ દરમ્યાન જેની મુલાકાતે આવે છે એવા ૨૨૯ ચોરસ માઈલ વિસ્તાર ધરાવતા ઝાયન નેશનલ પાર્કની મુલાકાતે અમે પહોંચ્યા ત્યારે અમારી પાસે ફક્ત ત્રણ કલાક જ બચ્યા હતા. રાતની ફ્લાઈટમાં પાછા ટેનેસી જવાનું હતું. ‘પાપ નગરી’ તરીકે ઓળખાતા જુગારના ચમકદાર મથક લાસ-વેગાસના એરપોર્ટ પર પહોંચવા માટે બીજા બે કલાક રોડ પર કાઢવાનાં હતાં. અમારી આખી સવાર એક અજાણી સુમસામ જગ્યાએ કુતૂહલવશ થઈ ભૂલા પડવામાં વીતી ગઈ હતી. માઈલો સુધી સાંકડી કેડી અને એક તરફ ઊંડી ખાઈ! ગાડી પાછી વાળવા માટે જોઈએ એટલી જગ્યા પણ છેક છેવાડે ડર લાગે તેવી ખીણની ટોચે જોવા મળી ત્યારે થયું કે હાશ બચ્યા! સેલ ફોનમાં પણ સિગ્નલ નહોતા મળતા અને નકશો હાથમાં લેતાં માઉન્ટન લાયનની બીક પણ બેસી ગયેલી. હકિકતમાં ભૂતકાળમાં ત્યાં એક પુલ હતો જે ઘણા વખતથી તૂટી ગયેલ અને એક વખતની પ્રખ્યાત જગ્યા અવાવરૂ થઈ ગયેલ જેના અવશેષો જોવા મળ્યા પણ માઈલોના માઈલો સુધી કોઈ કાર કે માનવ નજરે ન પડ્યા છેવટે એક ઝૂંપડી જેવી જગ્યાએ આ જંગલમાં આગ લાગે તો સરકારને ચેતવવા એક રક્ષક નીમ્યો હતો તેને મળી રસ્તો પૂછી સાચે રસ્તે વળ્યા ત્યાં બપોર થઈ ચૂકી હતી.

આ પાર્કમાં આવેલ ૧૫ માઈલ લાંબી અને અડધો માઈલ ઊંડાઈવાળી ઝાયન કેન્યોનની બસ રાઈડ લેવાનું અમે વિચાર્યુ. સમયના અભાવે નાની મોટી કેડીઓ પર પગે ચાલવાનો આનંદ જતો કરવો પડ્યો. અહીં પર્વતારોહણના શોખીનો માટે સીધા ચઢાણવાળા ખડકો પણ છે. જેમાં ચઢવામાં સરળ, મધ્યમ અને અઘરી એવી ત્રણ પ્રકારની લાંબી-ટુંકી કેડીઓ અલગ અલગ જગ્યાએ કંડારવામાં આવી છે. અહીં બીજી ખાસ વિશેષતા પાણીની છે. વર્જિન નામની નદીનું વહેણ આપણને હર્ષથી છલકાવીને તેના પટમાં ચાલવાનો અનેરો આનંદ પણ લૂંટવા દે! પાણીને કારણે હરિયાળા વૃક્ષો પણ ઘણા હતાં. જાણે કે ઊંચા ઊંચા ખડકોના પગમાં રમતાં ઝૂમતા લીલા બાળુડા! બસમાંથી અહીંના સૌંદયના ફક્ત દર્શન જ કર્યા. ‘સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે’ ગણગણીને કવિ શ્રી કલાપીને યાદ કરતા અમે પાછા ફર્યા.

ધરતીને નમન, આકાશને ચુંબન અને વાદળ સાથે વાતો કરતાં આ પર્વતો અને યુગોથી ચાલતી તેના ધોવાણની પ્રક્રિયાથી  ખીણમાં ઉગેલા ખડકો, શીલાઓ, સ્તંભોની અદ્‍ભૂત હારમાળા જોઈ તેના રચયિતાથી કોઈ પણ પૃથ્વીવાસી અભિભૂત થયા વગર રહે તો જ નવાઈ!

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

અંતે

   જા,

   નહી આવું મંદિરે!

   પૂજ્યો પણ

   અંતે તો તું

   પથ્થર, દેવ!

Posted in અગિયારી, કાવ્યો, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

ભિન્ન-અભિન્ન

તમને ગમતો રંગ લાલ-ગુલાલ
અમને લીલી નાગરવેલ

તમને ગમતું સોનેરી પ્રભાત
અમને રઢિયાળી રાત

તમે ગહન-જળે તરતા
અમે રેત કિનારે રમતા

તમે ભ્રમર, રસના ચાહક
અમે ફૂલ-પરાગના વાહક

ચાલ રમીએ હૂ-તૂ-તૂ-તૂ સાજન
તાળીના તાલે ચોગમ મહાજન

તમે ધસતા પૂર આવન
અમે પારોઠ પગલે જાવન

Posted in સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

It is the Soldier

(By Charles Michael Province)

It is the Soldier, not the minister,
Who has given us freedom of religion.

It is the Soldier, not the reporter,
Who has given us freedom of the press.

It is the Soldier, not the poet,
Who has given us freedom of speech.

It is the Soldier, not the campus organizer,
Who has given us freedom to demonstrate.

It is the Soldier, not the lawyer,
Who has given us the right to a fair trial.

It is the Soldier, not the politician,
Who has given us the right to vote.

It is the Soldier
Who salutes the flag,
Who serves under the flag,
Whose coffin is draped in the flag,
Who allows the protester to burn the flag.

Have a pleasant and reflective memorial day and take a moment to salute the soldiers who died for our freedom

Posted in English Articles | 4 ટિપ્પણીઓ

પીડા

નકામી ગાંઠને
મૂળમાંથી કાઢતાં
ધ્રૂજી હું ધરણી જેમ
ગાંઠ એમની એમ !

Posted in અગિયારી, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

અકસ્માત

ક્ષણાર્ધમાં અથડાઈ
અજાણ મુસાફિર મૃત્યુ થકી
બની ગયો હિસ્સો
વાહનચાલકના જીવનનો!

Posted in અગિયારી | Leave a comment

શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત કથા “લવલી પાન હાઉસ” – પ્રતિભાવ

પુસ્તક ખોલતાં જ પાના નંબર શરૂ થાય તે પહેલાં જ ‘અર્પણ’ પર ધ્યાન પડ્યુ જ્યાં લખ્યુ હતુ.

“પૃથ્વીના ગોચર-અગોચર ખૂણે સ્નેહ અને શાંતીથી વસતા જાણ્યા-અજાણ્યા મનુવંશીઓને”

થયુ કે અહો! આ તો આપણને જ અર્પણ છે હવે તો આ પુસ્તક વાંચવુ જ જોઈશે. જો કે આમે ય લેખકની કૃતિ ‘અકુપાર’ વાંચ્યાનો ચિર આનંદ હજુ મનમાં છવાયેલ છે તેથી વાંચવુ તો હતુ જ.

પછીના પાને પ્રસ્તાવનામાં બોલીના એક શબ્દની લિપિ વિષે લખ્યુ છે. જે ગુજરાતી ટાઈપ પેડ પર અહીં મારાથી ટાઈપ થઈ શકે તેમ નથી પણ તે અડધો ‘સ’ અને સાથે જોડાયેલ નાનકડો ‘હ’ મળીને બનાવાયો છે
‘સાંજ’. ગામઠી બોલીમાં ‘હાંજ’ બનીને સને ભાંગી નાખે છે છતાંય અડધો હ સાથે જોડાઈને હને બેસાડી દે છે. જેનો ઉચ્ચાર ન તો શકોરાનો શ થાય કે ન તો ફાડિયો ષ કહેવાય. બોલીના આવા લખવામાં અઘરા શબ્દો માટે ખાસ લિપિ રચીને લેખકે ગામઠી બોલીને અભણની ભાષા ન ગણતા ભાષાને બોલીનો એક વધુ શબ્દ આપ્યો તે માટે અભિવાદન કરવાનું મન થાય.

પછી શરૂ થાય છે કથાયાત્રાઃ

વાર્તાનો નાયક કે જેનું નામ એના જ સંવાદમાં કહું તો “લખવાનું યાત્રિક ને બોલાવાનું ગોરો” ગોરા ને બદલે કોઈ ગોરીયો કહે તો એ ય કબૂલ. આ યાત્રિકની જીવન યાત્રા વાંચતા વાંચતા વાંચકને ખ્યાલ આવતો જાય કે આપણે સહયાત્રી છીએ. લેખકના શબ્દોમાં કહું તો ‘એક નક્કી અંતરના મુસાફર’. સહયાત્રાનો આનંદ છેક છેલ્લા પ્રકરણ સુધી માણતા રહેવાય છે. દરિયાના સામા કિનારાને શોધતી આંખો સુધીના દરેક પાત્રો એટલા સુંદર ઉપસે છે કે તમારૂં દિલ ક્યારે એની સાથે જોડાય અને વિશ્વાસનો નાતો બંધાય જાય તેની તમને ય જાણ ન થાય. એ પાત્રો આખર સુધી જીવન માટેની વાંચકની આશા વધારતા રહે છે.

યાત્રિકના જ્ન્મ બાબતે એક વાક્યઃ ‘કોનો છોકરો?’ સદા અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન જન્મ્યો.

આ એક વાકયમાં લેખકે કેટલું બધુ કહી દીધુ! અને લેખકની બીજી ખુબી તો જુવો! નથી એને ક્યાંય અનાથ કહ્યો કે નથી કહ્યો માતા વિહોણો. ઉલ્ટાનું કેટકેટલી માતાઓના પ્રેમ તળે તેને મૂકીને સ્ત્રીમાં રહેલી માતૃત્વની ભાવનાને લેખકે આ યાત્રિકના ય વંદન દર્શાવ્યા સિવાય વંદનીય સ્થાને મૂકી જાણી છે.

માતાના ગર્ભના અંધકાર પછી આઠ-નવ વર્ષે પૂર્ણ અંધકારનું દર્શન અને એમાં ડૂબવાની વાતને ‘સવાર પણ સીધી મોં પર ઝળહળી નહીં. તિરાડોમાંથી સંતાઈને આવી’ કહીને લેખકે નિરાશાના પ્રતિક એવા અંધકાર અને એમાં ડૂબવાની પ્રક્રિયાને આનંદ અને આશાને શિખરે મૂકીને જે ચમત્કૃતિ રચી છે તેમાં ઊંધ શબ્દ વાપર્યા વગર ગાઢ આરામ પછીની સ્ફૂર્તિ પણ એટલી જ ત્વરિત દર્શાવાઈ છે. આવી ચમત્કૃતિ ઠેરઠેર જોવા મળે.

હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની એકતા વચ્ચે ઉછરતા યાત્રિકને જ્યારે રાબિયાએ મંદમતિ કહી ચીડવ્યો ત્યારે ક્ષણવાર સંત કબીર મનમાં ઝબકી ગયા.

પુસ્તક વાંચીને એક ખ્યાલ સ્પષ્ટ થાય છે કે જીવનનો દરેક યાત્રિક કલા સાથે જ જન્મે છે. માવજત, કેળવણી કે કોઈ પણ બાહ્ય પરિબળનો સહારો મળતા એ વેલની જેમ ઊંચે ચઢવા લાગે છે અને ન ચઢે તો ય એ જીવંત રહી નાના ગણાતા પાન બનાવવાના જેવા કામમાં પણ એનું હીર ઝળકાવ્યા કરે છે અને સિદ્ધિના શિખરે પહોંચાડી શકે છે. આ કથાના એક ઉત્તમ પાત્ર વલીભાઈની જેમ સ્તો!

લગ્ન કે જાતિય વૃતિ સંતોષવાની કોઈ આશા કે ઈચ્છા વિનાના રાબીયા અને યાત્રિકના નિસ્વાર્થ પ્રેમને લેખકે અત્યંત શુદ્ધ અને પવિત્ર ભૂમિકા પર જરા ય અતિશયોક્તિ વગર સહજ રીતે દર્શાવ્યો છે.

આ પુસ્તક વિષે હજુ ઘણુ કહી શકાય પરંતુ અહીં અટકવુ પડે તેમ છે. છેલ્લે ઓસબિંદુનું અત્યંત આકર્ષક જે શબ્દચિત્ર લેખકે ખડું કર્યુ છે તે અહીં મૂકીને વિરમુ છું.

“નાળિયેરીના પાનની અણી પર, સમુદ્રમંથનમાંથી જાણે અત્યારે જ નીકળેલા કૌસ્તુભ જેવાં, વિખરાતી રાત્રિના મનોરમ રહસ્ય સમાં ઓસબિંદુ”.

લેખકને અભિનંદન સાથે નમસ્કાર!

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

સજાતિય લગ્ન: પ્રકૃતિ કે વિકૃતિ?

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ચૂંટણી પહેલાં સજાતિય લગ્ન કાયદેસરહોવાની વાતને ટેકો જાહેર કરી વધતા જતા આ વર્ગના મત મેળવવા સ્વીકારની ભાવનાને આગળ કરી છે. સ્વીકારની ભાવના ગમે તેટલી પ્રબળ હોય તો પણ પગ નીચે રેલો આવ્યા વગર ખરી કસોટી નથી.

કેટલાંક લોકો આ વાતનો સખત વિરોધ કરે છે તો કેટલાંક આપણે શું? ની મનોવૃતિ વાળા છે. તો વળી કેટલાંક લોકો એમાં કંઈ ખોટું નથી એમ માને છે. જેઓને મૂળ વિચાર સામે વિરોધ છે તે માને છે કે કાયદેસર ન હોય તો પણ આવા સંબંધો છાને છપને ચાલુ જ છે. જે છાનું છે તે જાહેર થયાનો આટલો ઉહાપોહ થવાથી શું ફેર પડે છે? એમ વિચારી ઉપેક્ષાવૃતિ ધરાવે છે.

ઘણા બુદ્ધિજીવી લોકો પણ સજાતિય સંબંધને ગુનાહિત કૃત્ય ન ગણતાં જન્મથી રંગસૂત્ર સાથે જોડાયેલી કુદરતી વૃતિ તરીકે સ્વીકાર કરે છે. આનુવંશીક વિજ્ઞાનનો ટેકો મળ્યા પછી તો આ ઓઠા નીચે હજારો લોકો પોતાની ગંદી મનોવૃતિને પોષી સમાજને દૂષિત કરે છે. કદાચ વૈજ્ઞાનિક સત્ય તરીકે સજાતિય સંબંધો કુદરતી  હોવાનુ પુરવાર થાય તો પણ કેટલીક જન્મજાત વિકૃતિઓની જેમ આ પણ એક વિકૃતિ છે. તેને દૂર ન કરી શકાય તો પણ પોષણ આપવું તો ન જ ઘટે.

વિજ્ઞાન સજાતિય સંબંધોને વિકૃત ગણે કે પ્રાકૃત પરંતુ આ પૃથ્વી ફક્ત પોતાના માટે જ છે એમ માનીને જીવતા મનુષ્ય નામના પ્રાણી કે જેણે અન્ય જીવંત સૃષ્ટિને તુચ્છ સમજીને સજીવોની કેટલીક જાતોનો બિલકુલ નાશ કર્યો છે એવો પ્રકૃતિનો ગુનેગાર મનુષ્ય પોતાની એક તુચ્છ લાગણીને પ્રાકૃતિક ગણાવી આળપંપાળ કરે તે શું અયોગ્ય નથી?

હવે પશ્ચિમના દેશની વાત પૂર્વમાં કરીએ ત્યારે થોડો સંદર્ભ બદલીએ કારણ કે પશ્ચિમમાં સ્વતંત્રતાનો અતિરેક છે તો પૂર્વમાં બંધનનો. કહેવાય છે ને કે

‘અતિકા ભલા ન બરસના, અતિકી ભલી ન ધૂપ, અતિકા ભલા ન બોલના, અતિકી ભલી ન ચૂપ’

આપણા દેશની માન્યતાઓ પશ્ચિમના દેશોથી ચઢિયાતી અને સાચી છે એવા ખોટા ભ્રમને દૂર કરી આ સમગ્ર મુદ્દાનું  અવલોકન કરીએ.

કોઈ પણ સજીવને ટકી રહેવા માટે કુદરતે ચાર સમાન લક્ષણો આપ્યા છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ ચારેયમાં સમતોલન એ સ્વસ્થતા માટે અનિવાર્ય છે. પતિ-પત્નિના સંબંધોમાં ય મર્યાદા આવશ્યક છે તો પછી અન્ય સંબંધોની તો વાત જ ક્યાં રહી? અને છતાં ય લગ્નેતર સંબંધો ટીકાપાત્ર તો ય સ્વીકાર્ય રહ્યા છે. કારણ કે દરેક વ્યક્તિ સમજે છે કે શરીરની ભૂખ(પછી તે આહારની હોય કે સેક્સની) જો ઘરમાં ન સંતોષાય  તો બહાર જાત પર અકુંશ અતિ મુશ્કેલ છે એટલું  જ નહી પણ અતિ તરફ જતી એ ગતિ વિકૃતિ પણ બની શકે છે એટલે વિલાસીતાને પોષણ ન મળે તે હેતુથી આપણે આવા દયાપાત્ર લગ્નેતર સંબંધોની ટીકાને જાહેરમાં સમર્થન આપતા રહીએ છીએ અને છતાં વ્યક્તિગત રીતે સ્વીકાર પણ કરતા રહીએ છીએ…. પરંતુ સજાતિય સંબંધો તો………???

આપણે લોકો માનીએ છીએ કે આપણી સંસ્કૃતિ, અમેરીકાની સંસ્કૃતિ કરતાં ઘણી ઊંચી છે. મારો વિરોધ ફક્ત છેલ્લા શબ્દ પૂરતો છે. છે કરતાં હતી કહેવાનું હું વધારે પસંદ કરીશ. અમેરીકાના પ્રતિષ્ઠિત સમાચારપત્રોમાં કેટલાંક ગુનાઓ અને જાતિય રોગોની ટકાવારીની જુદા જુદા દેશો સાથેની સરખામણી વાંચતા ચોંકી ઊઠીએ એટલી હદે આપણા દેશમાં કેટલાંક દૂષણો અમેરીકા કરતા વધુ પ્રમાણમાં છે.

આપણી મૂળ વાત પર આવીએ તો અસ્તિત્વ ટકાવી રાખવાના સજીવના ગુણધર્મમાં ઉપયોગી લક્ષણો સાથે વણાયેલી વૃતિનો વિચાર કરીએ તો જેમ ભોજનની ભૂખ શારિરીક પોષણ એટલે કે શક્તિ અર્થે છે તેમ મૈથુન ફલન અર્થે છે આથી જે મૈથુન ફલનમાં નથી પરિણમતુ તે નિરર્થક ગણાય અને આવી નિરર્થક પ્રક્રિયા સજાતિય કે વિજાતિય જ નહીં પતિ-પત્નિના સંબંધોમાં ય ફક્ત જાતિય સુખ અનુભવવા માટે થાય છે. ફલન વગર તૃપ્તિની પરિસ્થિતિ સુધી ન લઈ જાય તો પણ ભૂખ્યુ માણસ સમય થાય એટલે કંઈ પણ ખાઈ લે તે રીતે મનુષ્યનું મન જાતિય સુખ માણવા પ્રેરાય છે. આમ કુદરતી વૃતિઓ જે પરિણામ અર્થે છે તે પરિણામ પ્રાપ્ય ન હોય તો પણ વૃતિ નાશ પામતી નથી. આથી સંતાનપ્રાપ્તિના ફળની ઈચ્છા ન હોય તો પણ જાતિય વૃતિનું દમન કરવું અતિ મુશ્કેલ છે આથી સારાસારનો વિવેક ભુલાઈ જાય છે અને વિલાસી દાંપત્ય કે એથી આગળ લગ્નેત્તરા સંબંધો અને એથી ય આગળ જઈએ તો સજાતિય સંબંધો જન્મે છે જે ફક્ત એક અદમ્ય વૃતિની લાચારીમાંથી જન્મતાં હોવાથી ખરેખરતો દયાને પાત્ર છે જેનો તિરસ્કાર નહીં ઉપાય થવો ઘટે. ઉપાય માટે સૌ પ્રથમ તો જ્યાં વિલાસીતા છે ત્યાં અકુંશ રાખવો ઘટે અને જ્યાં અતિ બંધન છે ત્યાં યોગ્ય છુટછાટો. અહીં કઈ છૂટછાટો યોગ્ય અને કઈ અયોગ્ય તે પ્રશ્ન સ્વાભાવિક જ ઊઠે જેનો જવાબ આપણા સામાજિક ઢાંચા અને મનમાં પડેલી ગ્રંથિઓને ને બદલે કુદરતી વૃતિઓને આધીન રહી કરીએ તો સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિ નષ્ટ થવા માંડે અને લગ્ન વ્યવસ્થા તૂટી પડે. આમ થાય તો માનવ જીવન પશૂથી ય બદતર કક્ષાએ જઈ પહોંચે.

પૂર્વની સંસ્કૃતિની વાત કરતાં પહેલાં આપણે પશ્ચિમની સંસ્કૃતિની વાત કરીએ તો પશ્ચિમમાં સ્વતંત્રતાનો પ્રવાહ સારી-નરસી બંને વૃતિઓને પોષે છે અને તેના સારા અને ખરાબ બંને પરિણામો જોઈ શકાય છે. આમ જોઈએ તો અમેરીકાની સંસ્કૃતિનો હજુ બાલ્યકાળ છે જેમાં દુનિયાની દરેક સંસ્કૃતિના ઉત્તમ બીજ  પાંગરે છે તો બીજી બાજુ સ્વતંત્રતાના પવનમાં સૌને પોતાની રીતે રહેવાની અનુકૂળતાઓ વચ્ચે કેટલીક ખરાબ વૃતિઓ પણ પોષાય છે. પરંતુ જે રીતે વૈજ્ઞાનિક સમજણથી વધુને વધુ લોકો માંસ-મચ્છી‌‌-ઈંડાનું સેવન છોડી શાકાહારી ખોરાક તરફ વળતા જાય છે તે રીતે સંસ્કૃતિના કદમ વૈજ્ઞાનિક સમજણ વિકસવાની સાથે યોગ્ય દિશામાં પડતા રહેશે તો અમેરીકાની ભવિષ્યની સંસ્કૃતિ આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિને મળતુ રૂપ ધારણ કરે તો નવાઈ નહીં. યોગાસનોનો પ્રચાર જેટલો અમેરીકામાં થાય છે તેટલો ભાગ્યે જ કોઈ અન્ય કોઈ દેશમાં થતો હશે. સજાતિય સંબંધો પ્રત્યે પણ ઘણો મોટો વર્ગ સૂગ અને વિરોધ ધરાવે છે પરંતુ જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે આ અયોગ્ય છે એમ સાબિત નહીં થાય ત્યાં સુધી સ્વતંત્રતાના નામે એનો સ્વીકાર કર્યે જ છૂટકો!

હવે આપણા ભારતની વાત કરીએ તો અમેરીકાની સંસ્કૃતિ બાલ્યાવસ્થામાં છે તો ભારતની સંસ્કૃતિ વૃદ્ધ થઈ ચૂકી છે. એની અસ્મિતા ભૂતકાળ બની ગઈ છે. અમેરીકામાં અતિ સ્વતંત્રતા વિકૃતિનું કારણ છે તો ભારતમાં અતિબંધન અને અમુક જાતિઓમાં હજુ ય થતા બાળવિવાહ વિગેરે કારણરૂપ હોઈ શકે. વિજાતિય આકર્ષણ જ્યારે તીવ્રતમ કક્ષાએ પહોંચે ત્યારે જાતિય બંધન પણ અત્યાચાર છે. બીજી બાજુ લગ્ન પહેલાંની જાતિય છૂટછાટો પણ ઘણાં મુશ્કેલીભર્યા પ્રશ્નો ઉભા કરે છે જેની ચર્ચા આપણે અહીં નહી કરીએ. એ એક આખો જુદો વિષય થશે. આ બધા વચ્ચેનો સરળ માર્ગ એ યોગ્ય વયે એટલે કે વિજાતિય આકર્ષણ તીવ્રતમ હોય તે વયે લગ્ન થાય તે છે. સમય સાથે મૂલ્યો બદલાતા જાય છે. પશ્ચિમના પવનની અસર નીચે આપણે પૂર્વમાં પણ લગ્ન મોડા કરતા થઈ ગયા છીએ પરંતુ જાતિય છૂટછાટોનું અનુકરણ સંસ્કૃતિ અને સમાજના બંધનને કારણે ન કરી શક્યા આથી છાને છપને લગ્ન પહેલાં પુરુષ મિત્રો સાથે જાતિય સંબંધો બંધાવા લાગ્યા. અને જ્યાં એવી તક ન મળે તેવા અતિબંધનના વાતાવરણમાં સજાતિય સંબંધો પણ જોડાવા લાગ્યા. ‘લગ્ન પહેલાં જાતિય છૂટછાટ નહી’ની સાથે યોગ્ય ઉંમરે લગ્ન થવા આવશ્યક છે. વર્તમાનમાં ઉલ્ટીગંગા ચાલે છે. મોડા લગ્નોને કારણે જાતિય છૂટછાટો વધી છે.

અમેરીકાની એક પ્રતિષ્ઠીત હોસ્પીટલમાંથી બહાર પડતા એક મેગેઝીનમાં જણાવ્યા પ્રમાણે એક સર્વેક્ષણમાં જણાયુ છે કે 18 થી 25 વર્ષની માબાપની વયે જન્મતાં બાળકોમાં વિકૃતિનું પ્રમાણ સૌથી ઓછું અને માબાપની વધતી ઉંમર સાથે ક્રમશ: વધતુ  જોવા મળે છે. આમ તંદુરસ્ત સંતતિ  માટે લગ્ન 18 થી 25ની વયે થવા જોઈએ પરંતુ આ ઉંમર કૌટુંબિક જવાબદારી ઉપાડવા માટે નાની ગણાય છે. નાદાનિયત, આવેશ, આવેગો, સ્વતંત્રતાની ઝંખના અને આર્થિક સલામતિ આ બધા વચ્ચે દાંપત્યજીવન સમતોલ અને સુખભર્યુ રાખવું કઠીન છે. અનુભવી અને સમજદાર માબાપનું માર્ગદર્શન અને ટેકો હોય તો આ કઠીન માર્ગ ઘણો સરળ બની શકે છે. સંયુક્ત કુંટુંબપ્રથા આ રીતે આશીર્વાદ સમાન હતી. જેમ જેમ વસ્તી વધવા લાગી તેમ તેમ અર્થતંત્ર નબળુ પડતું ગયુ અને ભૌતિકવાદ વધતો ગયો આથી એક તરફ અન્ન વગર ટળવળતાં લોકો છે તો બીજીબાજુ  સુરક્ષાની ચિંતા કરવી પડે તેટલો મોટો પરિગ્રહ છે. આ કારણે મૂલ્યો બદલાવા લાગ્યા સાથે સંબંધોના માપદંડ પણ બદલાવા લાગ્યા પરિણામ એ આવ્યુ કે સંતાનના ઉછેર અને કૌટુંબિક જવાબદારીઓ કરતાં આર્થિક સલામતિના પ્રશ્નો અગ્રતાક્રમે મૂકાયા એટલુ જ નહી એ જવાબદારીઓનો સમયગાળો પણ ટૂંકો થયો. પૌત્ર-પૌત્રીઓ સુધીની ચિંતા કરતાં માબાપો પુત્ર કે પુત્રીના લગ્ન થાય એટલે જવાબદારી પૂરી સમજવા લાગ્યા. સ્વતંત્રતા ઝંખતી નવી પેઢીને વડિલોની જવાબદારી રહીત સત્તા સ્વીકાર્ય ન હોવાને કારણે સંયુક્ત કુંટુંબો તૂટવા લાગ્યા અને કૌટુંબિક પ્રશ્નો જટિલ બની દાંપત્ય જીવનનું સુખ નષ્ટ કરવા લાગ્યા. આના માઠાં પરિણામો રૂપે લગ્નેત્તર સંબંધો અને સજાતિય સંબંધો વધવા લાગ્યા. અમેરીકાના કેટલાંક રાજ્યોમાં સજાતિય લગ્નને કાયદેસર માન્યતા મળી છે. ખરેખર તો આ જન્મજાત સ્વભાવ હોય તો પણ વિકૃતિ જ છે તેને દૂર કરવાના ઉપાયને બદલે કાયદાના રક્ષણથી પોષણની તક પૂરી પાડીને મનુષ્યજાત અકુદરતી જીવન તરફ વધુ એક કદમ આગળ વધે છે. આમ પણ મનુષ્ય એક એવું સજીવ પ્રાણી છે જે કુદરતથી સૌથી વધારે વિમુખ જીવન જીવે છે. આથી વધારે નાસમજ અન્ય પ્રાણીઓ કરતા બીજી કઈ હોઈ શકે? અને છતાં પોતાને સૌથી વધુ બુદ્ધિશાળી ગણતુ આ પ્રાણી પોતાની બુદ્ધિનો સદુપયોગ કરતા દુરૂપયોગ વધુ કરે છે આજના યુગની વિડંબનાઓ એની ફલશ્રૂતિ છે.

Posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ