પ્રિય આત્મન,
આત્મા અને મનને જોડતી તારી સાથેની વર્ષોની મૈત્રીમાં વચ્ચે વચ્ચે આવતા વિયોગનો સમય આ વખતે લંબાયો છે તેથી પત્ર લખું છું આશા છે કે તું કુશળ એટલે કે જાગૃત હોઈશ.
તને મળીને થતી અવર્ણનીય પ્રસન્નતા કેટલાય સમય સુધી છલકાતી રહે છે એની છાલકથી મારી આસપાસ પણ પ્રસન્નતાનું એક વર્તૂળ રચાય છે અને તેથી એ અનેકગણી નિખરે છે. તારૂં એ તેજ મારી આંખમાં અંજાઈને અનેકમાં પ્રતિબિંબિત થાય છે.
પણ મિત્ર, જેમ ‘દિવસ પછી રાત અને પ્રકાશ પછી અંધકાર’ તેમ ‘સુખ પછી દુઃખ’ નું ચક્ર ચાલ્યા જ કરે છે. તારો વિયોગ એ દુઃખનું કારણ છે કે દુઃખ એ તારા વિયોગનું કારણ છે તે હું સમજી શકવા અસમર્થ છું. લોક કહે છે કે અહંકારને કારણે તારો વિયોગ અને દુઃખ જન્મે છે. પણ આ અહંકાર અદ્રશ્ય રહેતો હોઈ તેનું નિવારણ કેમ કરવું તે સમસ્યા ઘણી મોટી છે. તારા સાથ વગર આત્મન, હું આ અહંકારની સમસ્યાનું નિવારણ કરવા અસમર્થ છું અને હે આત્મ, આ મન ઘડી તારી અને ઘડી મારી સંગાથે રહેતું હોઈને ઘણીવાર તારી સાથેના મિલન આડે આવે છે. તારી હાકલ મને સંભળાય ત્યાં સુધીમાં તો સમયની આ નદી વહેતી વહેતી આવીને ચરણ પખાળી ડૂ્બવાની તૈયારી માટે સાબદા કરે છે. અગાઉ કેટલાંય લોકોને એમાં નામ અને દામ સાથે ડૂબતા જોયા છે છતાં આશા છે કે તારે સહારે હું તરી જઈશ.
તું શું કહે છે મિત્ર? તારા સાથેની ગોષ્ઠી માટે હું અતિ આતુર છું. આમ જુવો તો મિત્રો ઘણા છે પણ તારી સાથેની મારી વાત કોઈ સમજતું નથી. આપણા સંગાથી એવા ‘મન’ની વાતમાં જ સૌ ગુંચવાયા છે. આ મન ઘણીવાર તારો સ્વાંગ રચી સૌને છેતરવાની સફળ કોશિષ કરે છે અને તારા સુધી પહોંચવામાં વિઘ્નો ઉભા કરે છે.
તારો કાયમનો સંગાથ મારે જોઈએ છે આત્મન, આ બહુરૂપી મનને તું સંભાળી શક્તો હોય તો મને કેમ નહી? તારી પાસે તો આખુ ય આકાશ છે. મને તો તારી અમીનજર જ પૂરતી છે. તારી અમીરાતમાં હું કોઈ ખલેલ કરવાનો ગુનો કરૂં તો તારા વિયોગની આકરી સજા જરૂર કરજે પણ એકવાર, ફક્ત એકવાર મને ફરી તારા સંગાથની તક જોઈએ છે.
તારા મુકત વિહારને કારણે તારૂં સરનામું મેળવવું મુશ્કેલ છે. કોઈ ભકતને ત્યાં તારા મુકામના સમાચાર સાંભળી મોકલેલ સંદેશો તને પહોંચે તે પહેલાં તો તું ત્યાંથી વિદાય થઈ ગયો હોવાની નવાઈ નથી અને તારૂં કોઈ કાયમી સરનામું તો છે નહી તો તને સંદેશો ક્યાં મોકલવો? તે પ્રશ્ન છે. તને શોધવા નીકળી પડવાનો વિચાર પણ એકવાર કરી જોયો પરંતુ કુંટુંબીજનોની લાગણી અને ફરજ મને આજીવન કેદ કરવામાં સફળ થયા. જીવન અને મૃત્યુની અજ્ઞાનતા વચ્ચે તારા પ્રત્યેની ફરજ તો સાવ જ વિસરી જવાય છે. તારું જ્ઞાન કે જેને આત્મજ્ઞાન પણ કહે છે તે જો મળે તો તારી ખરી કૃપા મિત્ર ! તારામાં લીન બની હું મારાપણાને વીસરવા માંગુ છું અને એમાં મને તારી સહાય જોઈએ છે.
હે મિત્ર આત્મન, તારા મધુર લયમાં લીન થવાની કલ્પના માત્રથી હું રોમાંચિત થઈ ઊઠું છુ પણ એ પળ કેટલી દૂર છે તે ખબર ન હોવાથી વળી ઉદાસ થઈ જાઉં છું. ક્યારેક વળી કોઈ એકાગ્ર પળમાં લાગે છે કે હું તારી ખૂબ નજીક છું તારૂં મિલન હવે દૂર નથી અને મારો હર્ષોલ્લાસ વધી જાય છે. પાંદડાઓના ફરફરાટમાં મને તારા આગમનની એંધાણી મળે છે. પક્ષીઓના કલરવમાં તારો પગરવ સંભળાય છે. વાયુની લહરીઓ પર સવાર થઈ હવે તો તું આવ્યો જ એવા વિશ્વાસે હ્રદયદ્વાર ખોલતાં જ અંદરથી બહાર તરફ ધસતાં કેટલાંય રથો પૂરપાટ દોડવા લાગે છે અને એવો વંટોળ ઊઠે છે કે મારૂં અસ્તીત્વ જ હાલકડોલક થઈ જાય છે. તારામાં વિલીન થવાને બદલે આ વંટોળમાં હું ફેંકાઈને નષ્ટ થઈ જઈશ એ ભય મને ઘેરી વળે છે.
તારા પ્રેમની યાદથી મારી ડગમગતી આશા સ્થિર થાય છે કે તું મને આ વંટોળમાંથી જરૂર ઉગારી લઈશ. મારી દરેક તકલીફની જાણ અકળ રીતે તને થતી જ રહી છે તો આ મારા આ ભયથી પણ તું વાકેફ જ હોઈશ.
મૃત્યુના ભયમાંથી તેં જ મને મુક્તિ આપી છે પરંતુ આધિ અને વ્યાધિ જીવન સાથે જોડાઈને મૃત્યુ કરતાં ય વિકટ ક્ષણો ઉપસ્થિત કરે છે ત્યારે હે મિત્ર, તું ખૂબ જ યાદ આવે છે. તારી અને મારી વચ્ચે પહેરો ભરતું આ મન મને તારી નજીક જવામાં સહાય નથી આપતું ત્યારે નિરાશા ઘેરી વળે છે, બધું ઘુંઘળુ થઈ જાય છે.
તારી યાદથી ફરી આશા જાગે છે અને મન પણ પુલકિત થઈ મદદ કરવા તત્પર બને છે. તારા દર્શનની કલ્પનાથી રોમરોમ પુલકિત થઈ ઊઠે છે ચારે તરફ સુખનો સાગર લહેરાવા લાગે છે. ત્યાં અચાનક જ ધરતીકંપ જેવી કોઈ કુદરતી ઘટના ઘટે છે અને મનની હાલત ફરી અત્યંત દયાજનક થઈ જાય છે. હતાશા અને ચિંતા તેને ફરી ઘેરી વળે છે. એવે સમયે કોઈ આપ્તજનના હ્રદયમાં પેસીને તું અમારી સંભાળ લેવા આવી પહોંચે છે આથી જ તારા પ્રત્યેનો મારો વિશ્વાસ દ્રઢ થતો રહ્યો છે. પણ તું ફરી ક્યારે સુષુપ્તા અવસ્થામાં સરી પડે છે તેનો ખ્યાલ રહેતો નથી. જો કે તે દોષ મારો જ છે. મને માફ કરી મિત્ર તું ફરી એકવાર તારા નિજી વર્તૂળમાં પ્રવેશવા દે. તારા વિરાટ ખોળામાં બેસવાની લાયકાત મારે હજુ કેળવવાની છે તેની મને જાણ છે. તારી કૃપાના બળે સઘળી કસોટીઓમાંથી પાર ઉતરીને આપણા ઐક્યની ઝંખના સાથે હાથ જોડીને તારી સન્મુખ આવવાનો નિર્ધાર છે. હે આત્મન મને સ્વીકારીશ ને?
તારી પ્રેમવર્ષાની રાહમાં,
લિખિતંગ સદ્ભાવના