એક પત્ર

પ્રિય આત્મન,

આત્મા અને મનને જોડતી તારી સાથેની વર્ષોની મૈત્રીમાં વચ્ચે વચ્ચે આવતા વિયોગનો સમય આ વખતે લંબાયો છે તેથી પત્ર લખું છું આશા છે કે તું કુશળ એટલે કે જાગૃત હોઈશ.

તને મળીને થતી અવર્ણનીય પ્રસન્નતા કેટલાય સમય સુધી છલકાતી રહે છે એની છાલકથી મારી આસપાસ પણ પ્રસન્નતાનું એક વર્તૂળ રચાય છે અને તેથી એ અનેકગણી નિખરે છે. તારૂં એ તેજ મારી આંખમાં અંજાઈને અનેકમાં પ્રતિબિંબિત થાય છે.

પણ મિત્ર, જેમ ‘દિવસ પછી રાત અને પ્રકાશ પછી અંધકાર’ તેમ ‘સુખ પછી દુઃખ’  નું ચક્ર ચાલ્યા જ કરે છે. તારો વિયોગ એ દુઃખનું કારણ છે કે દુઃખ એ તારા વિયોગનું કારણ છે તે હું સમજી શકવા અસમર્થ છું. લોક કહે છે કે અહંકારને કારણે તારો વિયોગ અને દુઃખ જન્મે છે. પણ આ અહંકાર અદ્રશ્ય રહેતો હોઈ તેનું નિવારણ કેમ કરવું તે સમસ્યા ઘણી મોટી છે. તારા સાથ વગર આત્મન, હું આ અહંકારની સમસ્યાનું નિવારણ કરવા અસમર્થ છું અને હે આત્મ, આ મન ઘડી તારી અને ઘડી મારી સંગાથે રહેતું હોઈને ઘણીવાર તારી સાથેના મિલન આડે આવે છે. તારી હાકલ મને સંભળાય ત્યાં સુધીમાં તો સમયની આ નદી વહેતી વહેતી આવીને ચરણ પખાળી ડૂ્બવાની તૈયારી માટે સાબદા કરે છે. અગાઉ કેટલાંય લોકોને એમાં નામ અને દામ સાથે ડૂબતા જોયા છે છતાં આશા છે કે તારે સહારે હું તરી જઈશ.

તું શું કહે છે મિત્ર? તારા સાથેની ગોષ્ઠી માટે હું અતિ આતુર છું. આમ જુવો તો મિત્રો ઘણા છે પણ તારી સાથેની મારી વાત કોઈ સમજતું નથી. આપણા સંગાથી એવા ‘મન’ની વાતમાં જ સૌ ગુંચવાયા છે. આ મન ઘણીવાર તારો સ્વાંગ રચી સૌને  છેતરવાની સફળ કોશિષ કરે છે અને તારા સુધી પહોંચવામાં વિઘ્નો ઉભા કરે છે.

તારો કાયમનો સંગાથ મારે જોઈએ છે આત્મન, આ બહુરૂપી મનને તું સંભાળી શક્તો હોય તો મને કેમ નહી? તારી પાસે તો આખુ ય આકાશ છે. મને તો તારી અમીનજર જ પૂરતી છે. તારી અમીરાતમાં હું કોઈ ખલેલ કરવાનો ગુનો કરૂં તો તારા વિયોગની આકરી સજા જરૂર કરજે પણ એકવાર, ફક્ત એકવાર મને ફરી તારા સંગાથની તક જોઈએ છે.

તારા મુકત વિહારને કારણે તારૂં સરનામું મેળવવું મુશ્કેલ છે. કોઈ ભકતને ત્યાં તારા મુકામના સમાચાર સાંભળી મોકલેલ સંદેશો તને પહોંચે તે પહેલાં તો તું ત્યાંથી વિદાય થઈ ગયો હોવાની નવાઈ નથી અને તારૂં કોઈ કાયમી સરનામું તો છે નહી તો તને સંદેશો ક્યાં મોકલવો? તે પ્રશ્ન છે. તને શોધવા નીકળી પડવાનો વિચાર પણ એકવાર કરી જોયો પરંતુ કુંટુંબીજનોની લાગણી અને ફરજ મને આજીવન કેદ કરવામાં સફળ થયા. જીવન અને મૃત્યુની અજ્ઞાનતા વચ્ચે તારા પ્રત્યેની ફરજ તો સાવ જ વિસરી જવાય છે. તારું જ્ઞાન કે જેને આત્મજ્ઞાન પણ કહે છે તે જો મળે તો તારી ખરી કૃપા મિત્ર ! તારામાં લીન બની હું મારાપણાને વીસરવા માંગુ છું અને એમાં મને તારી સહાય જોઈએ છે.

હે મિત્ર આત્મન, તારા મધુર લયમાં લીન થવાની કલ્પના માત્રથી હું રોમાંચિત થઈ ઊઠું છુ પણ એ પળ કેટલી દૂર છે તે ખબર ન હોવાથી વળી ઉદાસ થઈ જાઉં છું. ક્યારેક વળી કોઈ એકાગ્ર પળમાં લાગે છે કે હું તારી ખૂબ નજીક છું તારૂં મિલન હવે દૂર નથી અને મારો હર્ષોલ્લાસ વધી જાય છે. પાંદડાઓના ફરફરાટમાં મને તારા આગમનની એંધાણી મળે છે. પક્ષીઓના કલરવમાં તારો પગરવ સંભળાય છે. વાયુની લહરીઓ પર સવાર થઈ હવે તો તું આવ્યો જ એવા વિશ્વાસે હ્રદયદ્વાર ખોલતાં જ અંદરથી બહાર તરફ ધસતાં કેટલાંય રથો પૂરપાટ દોડવા લાગે છે અને એવો વંટોળ ઊઠે છે કે મારૂં અસ્તીત્વ જ હાલકડોલક થઈ જાય છે. તારામાં વિલીન થવાને બદલે આ વંટોળમાં હું ફેંકાઈને નષ્ટ થઈ જઈશ એ ભય મને ઘેરી વળે છે.

તારા પ્રેમની યાદથી મારી ડગમગતી આશા સ્થિર થાય છે કે તું મને આ વંટોળમાંથી જરૂર ઉગારી લઈશ. મારી દરેક તકલીફની જાણ અકળ રીતે તને થતી જ રહી છે તો આ મારા આ ભયથી પણ તું વાકેફ જ હોઈશ.

મૃત્યુના ભયમાંથી તેં જ મને મુક્તિ આપી છે પરંતુ આધિ અને વ્યાધિ જીવન સાથે જોડાઈને મૃત્યુ કરતાં ય વિકટ ક્ષણો ઉપસ્થિત કરે છે ત્યારે હે મિત્ર, તું ખૂબ જ યાદ આવે છે. તારી અને મારી વચ્ચે પહેરો ભરતું આ મન મને તારી નજીક જવામાં સહાય નથી આપતું ત્યારે નિરાશા ઘેરી વળે છે, બધું ઘુંઘળુ થઈ જાય છે.

તારી યાદથી ફરી આશા જાગે છે અને મન પણ પુલકિત થઈ મદદ કરવા તત્પર બને છે. તારા દર્શનની કલ્પનાથી રોમરોમ પુલકિત થઈ ઊઠે છે ચારે તરફ સુખનો સાગર લહેરાવા લાગે છે. ત્યાં અચાનક જ ધરતીકંપ જેવી કોઈ કુદરતી ઘટના ઘટે છે અને મનની હાલત ફરી અત્યંત દયાજનક થઈ જાય છે. હતાશા અને ચિંતા તેને ફરી ઘેરી વળે છે. એવે સમયે કોઈ આપ્તજનના હ્રદયમાં પેસીને તું અમારી સંભાળ લેવા આવી પહોંચે છે આથી જ તારા પ્રત્યેનો મારો વિશ્વાસ દ્રઢ થતો રહ્યો છે. પણ તું ફરી ક્યારે સુષુપ્તા અવસ્થામાં સરી પડે છે તેનો ખ્યાલ રહેતો નથી. જો કે તે દોષ મારો જ છે. મને માફ કરી મિત્ર તું ફરી એકવાર તારા નિજી વર્તૂળમાં પ્રવેશવા દે. તારા વિરાટ ખોળામાં બેસવાની લાયકાત મારે હજુ કેળવવાની છે તેની મને જાણ છે. તારી કૃપાના બળે સઘળી કસોટીઓમાંથી પાર ઉતરીને આપણા ઐક્યની ઝંખના સાથે હાથ જોડીને તારી સન્મુખ આવવાનો નિર્ધાર છે. હે આત્મન મને સ્વીકારીશ ને?

તારી પ્રેમવર્ષાની રાહમાં,

લિખિતંગ સદ્‍ભાવના

 

Posted in સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

માતૃ વિયોગ  

IMG_0741

બા સ્વપ્નમાં આવે છે એ ક્ષણે સ્વપ્ન સત્ય બનીને રડે છે.

બાના પ્રેમની કાંગરી ક્યારેક ખરતી તો બ્રહ્માંડ ધૃજી ઊઠતું

બાની રાજધાનીમાં રહેતાં સૌ એમ માનતા ને મનાવતા કે

બા એમની રાજધાનીમાં રહે છે અને પોતે  રાજા/રાણી છે

બા સ્મિત કરતી, જ્યારે તેની રસોઈના મીઠા ઓડકાર ખાઈ

બા કને મહેમાન વહુ-દીકરીના યશગાન ગાઈ ઉઠતા તૂર્ત

બાના આંસુ કદી ય ન ટપક્યા! રખે ને પીડા નડે અન્યને !

બા માંદી પડતી ત્યારે મૃત્યુનો સૂનકાર ઓઢીને સૂઈ રહેતી

બા લીલી વાડી મૂકી સૂનકાર સાથે લઈ હવે મૃત્યુ પામી છે

બાને ખબર નથી કે એનો સૂનકાર થોડો લઈ લીધો છે મેં

બાને ઝંખ્યા કરે છે હવે મારામાં ઉગ્યા કરતો એ સૂનકાર !

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 4 ટિપ્પણીઓ

સૂના રે પડ્યા….

IMG_0678

[અમારા સ્વર્ગવાસી માતા (તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૭) ની યાદમાં….]

Iસૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….
મા રે વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા…..

મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચે
ઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા….
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..

આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડે
પીળા રે પડ્યા તડકા પીળા રે પડ્યા…
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..

મમતાના બોલ મધૂરા કંઠે અટક્યા
ધીરા રે પડ્યા ટહૂકા ધીરા રે પડ્યા
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..

દિલનો દીવો મારો થરથરે પ્રેમ વાટે
ઊણા રે પડ્યા ઉજાસ ઊણા રે પડ્યા
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..

– રેખા સિંધલ

Posted in સ્વરચિત કૃતિઓ | 8 ટિપ્પણીઓ

ઉડતી નજરે…

બે ઘટનાઓ અને ભગવદ્‍ગીતામાં  મનોવિજ્ઞાન

ઘટના નંબર ૧

દોડની એક હરીફાઈમાં પ્રથમ અને બીજા નંબરે ઈનામ જીતેલા બે હરીફોના સમય વચ્ચે બહુ જ ઓછી ક્ષણોનો તફાવત હતો. મોટાભાગનું અંતર બેઉ હરીફોએ સરખી ઝડપે કાપ્યું હતું. છેલ્લી થોડી ક્ષણોમાં તીવ્ર રસાકસી દરમ્યાન બીજા નંબરે આવેલ હરીફ શા કારણે અંતિમ પળોમાં પાછળ રહી ગયો? અને પહેલા નંબર પાસેથી શી પ્રેરણા લેવી? તે પ્રશ્નોના જવાબમાં ગીતાની પંક્તિ  ‘કર્મણ્યેવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન’  મનોવૈજ્ઞાનિક રીતે બહુ સ્પષ્ટ સમજી શકાય તેમ છે.

દ્વિતિય વિજેતાનું ધ્યાન દોડને બદલે મેડલ પર વધારે હોવાથી છેલ્લી પળોમાં પરિણામની ચિંતાએ તેની થોડી શક્તિ એમાં ખર્ચાઈ ગઈ, અને એને લીધે એની દોડવાની ઝડપ ઘટી ગઈ. જ્યારે પ્રથમ વિજેતાનું સમગ્ર ધ્યાન દોડવામાં હતું, મેડલ મળે કે ન મળે, દોડના આનંદની સરખામણીએ પરિણામનો વિચાર તેને ક્ષુલ્લક લાગતો હતો.

અહીં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે કર્મમાં વધુ ધ્યાન પરોવવાથી પરિણામ વધુ સારૂ મેળવી શકાય છે, અને પરિણામ પર વધુ લક્ષ રાખવાથી, ધાર્યુ પરિણામ ન મળવાનો ડર મનમાં ચિંતા જન્માવી નિષ્ફળતાનું કારણ બની રહેવાની શક્યતા વધારે છે. ખુબ તૈયારી છતાં પરિક્ષા ટાઈમે કેટલાંય વિદ્યાર્થીઓ આ કારણે જ ભૂલી જતા હોય છે.

ઘટના નંબર ૨

એક પહાડી વિસ્તારમાં સૈનિકોને બે ટુકડીઓ સામસામે લડતી હતી.  કારતૂસોના ભડાકા ધ્રુજાવી દે તેવા હતાં. જ્યાં આડશ મળે ત્યાં સંતાઈને, મરવાની કે મારવાની તૈયારી દરેકે રાખવાની હતી. એક ટુકડીના લીડરના મનમાં દેશ પ્રત્યેની ફરજ સિવાય અન્ય કોઈ ભાવ ન હતો જ્યારે બીજી ટુકડીના લીડરના મનમાં રોષ અને ઝનૂનનું પ્રાધાન્ય હતું. બંને લીડરના આ ભાવની અસર આખી ટુકડી પર ફેલાયેલી હતી. પરિણામ એ આવ્યુ કે ફક્ત ફરજ ખાતર લડતા સૈનિકોની ટુક્ડીએ વધુ સ્વસ્થતા, વધુ કુનેહ, અને વધુ શાંતિ જાળવી જીત મેળવી. જ્યારે બીજી ટુકડી ઝનૂનથી અંધ બની આડેધડ ગોળીબાર કરી, ખતમ કરી નાખવાના આવેશથી લડતાં લડતાં ખતમ થઈ ગઈ.

મહાભારતમાં યુધ્ધ શરૂ થવાની પળે અર્જૂનની લાગણીઓ રાગથી પ્રેરીત હતી, તો અહીં આ કિસ્સામાં સૈનિકોની લાગણીઓ દ્વેષ પ્રેરીત હતી. આ ફર્ક ઘણો મોટો હોવા છતાં રાગ, પલાયનવાદ અને દ્વેષ, ત્રાસવાદ તરફ દોરી શકે. આ રીતે બેઉ પ્રકારની લાગણીઓ ફરજથી ચ્યૂત કરી, મુંઝવણના માર્ગે દોરી જાતને ગુંગળાવી દે તેવી એકસરખી શક્યતાને નકારી શકાય નહી.

ગીતા અને મનોવિજ્ઞાનઃ

ફરજ આડે આવતી લાગણીઓ અર્જૂનની માફક પરિવાર પ્રત્યેના પ્રેમથી પ્રેરીત હોય તો પણ સામુહિક હિતને અવરોધી રક્ષક ને બદલે ભક્ષકને મોક્ળું મેદાન આપે છે. એટલે જ તો લડાઈના મેદાનમાં અણીને સમયે ગીતાના ઉપદેશમાં લાગણીઓને બાજુ પર મૂકી ફરજ ખાતર યુધ્ધ કરવા કૃષ્ણ અર્જૂનને સમજાવે છે. યુધ્ધની શરૂઆતમાં કૃષ્ણે આપેલ આ ઉપદેશ પાંડવોની જીત પાછળનું એક મુખ્ય કારણ છે.  મનની શક્તિ પાસે શસ્ત્રોના ભંડાર ઓછા પડે, તે જેની સાથે (જેના હ્રદયમાં) ભગવાન હોય તેને સમજાવવાની જરૂર નથી પડતી.  મારે મન ‘ભગવાન’ એટલે ‘શુધ્ધ પ્રેમમય આત્મભાવ’ ગીતામાં જ્યાં જ્યાં કૃષ્ણ ભગવાને  ‘હું’ કહ્યુ છે ત્યાં આપણે ભગવાન તરીકે આ ભાવને લઈએ તો એમાંથી વધુ પ્રેરણા લઈ શકાય તેમ માનું છું. આપણી અંદરનો ઈશ્વરીય અંશ પણ આ ભાવ જ છે, પરંતુ તે સ્થિર નથી તેથી આપણે ભગવાનથી કે એમના જેવા થવાથી ઘણા દૂર છીએ. ભગવાન એ આત્મભાવ છે. કોઈ પ્રેમાળ વ્યક્તિમાં એ સ્થિત હોય તો એને ભગવાનનો અવતાર ગણીએ તેમાં ખોટું નથી, પણ આ ભાવ તે એક વ્યક્તિ પૂરતો સિમિત નથી હોતો કે યુગો સુધી ભગવાનને નામે એની વ્યક્તિપૂજા કર્યા કરીએ. એ ભાવને આપણા હ્રદયમાં સ્થાપીએ  ત્યારે સાચી પૂજા થઈ ગણાય !

ગીતા એક એવો ગ્રંથ છે કે દરેક વ્યક્તિ પોતાની સમજણ મુજબ અર્થ તારવી જીવનમાં ઉદ્‍ભવતા પ્રશ્નો ના ઉત્તર મેળવી શકે. આ સમજણ જેમ વિકસે તેમ તેનો સાર વધુને વધુ સ્પષ્ટ સમજાય. અલ્પવિકસિત સમજણ કે અણસમજુને પણ યોગ્ય માર્ગે દોરી શકે એવા સરળ શ્લોકો પાછળ રહેલાં ગુઢાર્થ જે સમજી શકે, તેને આત્મજ્ઞાન માટે બીજુ કંઈ વાંચવાની જરૂર રહેતી નથી. જેટલું જેનું ગજુ તેટલું તેને સમજાય, અને એટલું પણ આત્મવિકાસ માટે પર્યાપ્ત નહી તો ય ઉપયોગી તો નીવડે જ! કૂવામાંથી પાણી ઉલેચવા માટે જેમ એનું ઊંડાણ માપવાની જરૂર નથી, તેમ ગીતાના શ્લોકોના ઊંડા અર્થ સમજ્યા વગર પણ જીવનવ્યવહારમાં ઉપયોગી એવું જ્ઞાન એમાંથી મળવું સુલભ છે. આવો બીજો કોઈ મનોવૈજ્ઞાનિક ગ્રંથ ધર્મપુસ્તક તરીકે કોઈ પણ ધર્મમાં સ્થાન પામ્યો હોય એવું મારી જાણમાં નથી. મારી દ્રષ્ટિએ ખુબ ઉપયોગી છતાં આ ગ્રંથ જલ્દીથી રસ પડે તેવો નથી. એની ખ્યાતિનું કારણ એ છે કે સમય અને સ્થળથી પર એવા મનોવિજ્ઞાનના અકળ રહસ્યો એમાં સમાયેલા છે. નબળા અને સબળા વિચારો વ્યક્તિગત અને સામુહિક રીતે આદિ અનાદિ કાળથી સામસામા ટકરાયા કરે છે.  જેમ ખરા સમયે અર્જુનની કુંટુંબભાવના તેની નબળાઈ બનીને તેના પર સવાર થઈ ગઈ, તેમ આપણા જીવનમાં પણ બની શકે. તે સમયે નિર્લેપ ભાવે જીવનના યુદ્ધ, એટલે કે મુશ્કેલીઓ સામે લડવું તે ખરી કસોટી છે.

ગીતા વાંચ્યા પછી એક વિચાર ઊગે છે કે લડાઈ જાત સાથેની  હોય કે અન્ય સાથેની, સૌ સ્વજનો જ છે તેમ માનીને રાગમય અને દ્વેષમય લાગણીઓથી મુક્ત થઈ માનવ તરીકેની ફરજના રાહ પર શુધ્ધ પ્રેમમય આત્મભાવ સાથે જીવનની કપરી પળો સામે ટક્કર લઈએ, અને નિજ આત્માને જ પરમાત્મા ગણી જીવનરથનો સારથી કરીએ. ઘણુ અઘરૂં છે પણ છતાં ય અશક્ય તો નથી જ !

Posted in સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

કાળચક્ર 

તરસનો દરિયો પી અને પ્યાસ બુઝાવી આશની

ભુખની જ્વાળાને ઠારી નકોરડાં ઉપવાસથી

કામની તડપને ઝડપથી વાળી કાર્યોમાં અંતે,

ઈચ્છાઓના સ્મશાનમાં, સળગતી રાખના ઉજાસમાં

ભૂત કહે ભાવિને, તારી સંગાથે આજ આનંદ ભયો

પણ પળમાં જ હું  થયો નાનો, તું સદાય મોટો

તું પલટતો હું માં અને થાય ક્ષીણ ક્ષણે ક્ષણે

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

નમસ્કાર

લાલઘૂમ સૂર્ય

બળતો અને બાળતો

બળ્યુ આ જીવન ટકાવતો !

નમસ્કાર બળતી ધરાને

રક્ત ટપકતા સેંથે

આંસુનો વરસાદ ઝીલે

સડકના ડામ દેતા મનુષને

તો ય ધાન, પાન, સ્થાન દે!

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

પડછાયો

 

ચંદ્રના આછા ઉજાસમાં

હું ને મારો પડછાયો બન્ને

શ્વસીએ છીએ સાથ સાથ !

 

એકી સાથે એક જ દેહમાં

ઓગળીને નિરાંતની ઊંઘ

ઝંખીએ છીએ આખી ય રાત !

 

ક્યારેક છળી ઊઠું છું એને જોઈને

ક્યારેક એ હસે છે મને જોઈને

ક્યારેક પડદો પડે છે વચ્ચે !

 

એ ક્ષણો બહુ સુખની હોય છે

પણ પડદો ખૂલે છે ત્યારે પ્રશ્ન

ઊઠે છેઃ

 

પડછાયો હું છું કે એ ?

 

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ