ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં

God created the Grand Canyon, but he lives in Sedona’

(ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં)

રેડ ઈન્ડિયન લોકોની જીભે રમતું રમતું આ વાક્ય મારી જીભેચઢ્યુ ત્યારે સૅડોનાની મારી ત્રીજી યાત્રા હતી અને તે છેલ્લી ન હોય તેવી અભિલાષા સાથે તેનીગુણગાથાની ઝલક થોડા શબ્દોમાં……

પથ્થરમાંથી કંડારેલા ઈશ્વર કરતાં ઈશ્વરે કંડારેલા આ પથ્થરોના રણમાં કોલોરડો નદી વીરડી બનીને આ પ્રદેશને મંદિરથી અનેક ગણી વધારે પવિત્રતા સાથે સૌંદર્ય બક્ષી રહી છે. સાધુના વસ્ત્રો જેવા ભગવા રંગના સમાધિસ્થ રેતખડકો ચારે દિશામા તપસ્વીઓની માફક મૌનનીમુદ્રામાં દિવ્યતા પાથરતા જોવા મળે. તન-મનના રોગો આપોઆપ દૂર થાય તેવી શક્તિનાવમળો ઉત્પન્ન કરતી અહીંની એક ખીણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઈશ્વરની નજીક જવાનો હેતુ અહીં અનાયાસે સર થતો અનુભવાય છે આથી જ તેને ઈશ્વરનું રહેણાંક કહેવાયું હશે?

ગ્રાન્ડ કેન્યનની અપ્રતિમ સુંદરતા આકાશમાં ઉડતા પક્ષીની માફક જોવા માટે અમે આઅગાઉની ટ્રીપમાં નાનકડાં પ્રાયવેટ પ્લેનમાં ગાઈડ સાથે લીધેલી ત્યારે અંદર ઉકળતા લાવાસાથેના જ્વાળામુખી પર્વતોને પણ બહારથી તો અન્ય પર્વતોની માફક શાંત અને અડીખમ જનીહાળ્યા હતા. આ પહાડો કરતાં અનેકગણું સૌંદર્ય અહીંની ખીણોમાં પથરાયેલ છે. પંખીબનીને આકાશને બદલે પાતાળમાં ઉડીને માઈલો સુધી કંડારેલા પથ્થરોથી શોભતી ખીણોનીસફર કરતાં કરતાં વિશાળ સ્તંભો અને સ્તૂપો જેવા આકારો વચ્ચે પથ્થરો સાથે તાદાત્મય સાધીપથ્થરની મૂરત બની જઈએ એવી ઈચ્છા જાગે તેવી સુંદર સૃ્ષ્ટિ નજરે પડી.

અહીં સૅડોનાના પણ આવી ખીણો જોવા મળે છે પરંતુ અહીંની વિશેષતા છે અહીંના લાલપથ્થરોથી શોભતા અલગ અલગ આકારના પહાડો! આ પહાડોની ટોચોનું સૌંદર્ય તો વળી તેથીય અનેરૂં ! આથી જ સૅડોના ‘લાલ ખડકનો દેશ’ કહેવાય છે.

અમેરીકાના એરીઝોના રાજ્યમાં પથરાયેલ જગતની સાત કુદરતી અજાયબીઓમાંની એક એવીગ્રાન્ડ કેન્યનની ખીણોથી સૅડોના લગભગ ૧૦૮ માઈલ દૂર છે. આ સ્થળનું નામ સૅડોના એક સ્ત્રીના નામ પરથી પડ્યું છે જે ત્યાંના પ્રથમ પોસ્ટમાસ્તરની પત્ની હતી. એ સમયે એટલે કેલગભગ ૧૯૦૨ની આસપાસના સમયમાં મુ્સાફરોની મહેમાનગતી માટે તે પ્રખ્યાત હતી. તે સમયે અહીં ફક્ત ૫૫ લોકો રહેતા હતા.

હાલ ૨૦૧૭માં લગભગ ૧૦,૦૦૦ જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાંથી ૧૩૦૦૦ વર્ષો અગાઉના માનવ અસ્તિત્વના અવશેષો મળ્યા હોવાનું બહાર આવ્યું છે. કેવું હશે એ સમયનુંજીવન તેની આપણે ફક્ત કલ્પના જ કરવાની રહી!

સૌ પ્રથમવાર અમે સૅડોના ગયા ત્યારે મિત્ર નીલમ દોશી અને તેના પતિ હરીશભાઈ દોશીઅમારી સાથે હતા. અહીંનું સૌંદર્ય જોવું અને તેમને બતાવવું એવો અમારો હેતુ હતો પણ એમની પાસે સમય ઓછો હતો અને નીલમને કોલોરાડો નદીનો ધસમસતો પ્રવાહ જોવો હતો છતાં એક આખો દિવસ અમે સૅડોના માટે ફાળવ્યો તે તેણે સ્વીકાર્યું. મને હતું કે ત્યાં જઈ ટૂરીસ્ટ સેન્ટરમાંથી માર્ગદર્શન લઈ ક્યાં ક્યાં પોઈન્ટ પર જવું તે નક્કી કરીશું.

સેન્ટર ખૂલવાનો સમય સવારના ૯ વાગ્યાનો હતો અને અમે કલાક વહેલાં પહોંચ્યા હતાં આથી સમય બગડશે માનીને હું પળભર નિરાશ થઈ પરંતુ કારના પાર્કિગલોટના મેદાનની આસપાસજગ્યા એટલી વિશાળ, સુંદર અને રણયામણી હતી કે’ જ્યાં જ્યાં નજર મારી ઠરે, ત્યાં ત્યાંકુદરતી સ્મિત ખરે!’ વધુ સૌંદર્ય જોવાની આશ સાથે અમે ઓફિસ ખૂલી ત્યાં સુધી અહીંના કુદરતી સૌંદર્યનું પાન કરતાં કરતાં ખુશીથી ચોકમાં આંટા માર્યા એટલામાં કાર્યકર આવી, એના ગૂડમોર્નિગના જવાબમાં અમારાથી સ્વાભાવિક જ ઉદ્ગાર નીકળી ગયો કે આ જગ્યા ખૂબસુંદર છે. માર્ગદર્શન માટે કાર્યકરે નકશો આપી અમને એટલું જ કહ્યું કે અહીં તમે જ્યાં જશો ત્યાં સુંદરતા જ સુંદરતા છે. તમે કેટલું ચાલી શકો તેમ છો અને પહાડીઓ પર કેટલી ઊંચાઈ સુધી ચઢી શકો તેમ છો તે પ્રમાણે તમારી આ એક દિવસની ડે ટ્રીપનું પ્લાનીંગ કરી શકો. કોઈ ગાઈડ મળે કે કેમ? તે પૂછતા તેણે અમને ત્યાંના નાનકડાં એરપોર્ટ પર તપાસ કરવા કહ્યું અને એરપોર્ટનો માર્ગ બતાવ્યો. અમે સમય વેડફવા માંગતા નહોતાં તેથી ઉતાવળે એરપોર્ટ ગયા. સૌથી સુંદર ઝલક જોઈ શકાય તેવા બિંદુએ જવા માટે પૂછપૂરછ આદરી. કોઈ કાર્યકર તેનો સ્પષ્ટ આપી શકે તેમ ન હતો. અત્યંત સુંદર એવા અનેક બિંદુઓની સરખામણી કઈ રીતે થઈશકે? તેનું આશ્ચર્ય તેમના ચહેરા પર જોવા મળ્યું આથી અમે પ્લેન અને હેલીકોપ્ટરની રાઈડ વિષે માહિતી મેળવી બહાર નીકળતા જ સામે દેખાતી સુંદરતા નીહાળતા સમૂહ તરફ ચાલ્યા.

પહાડોની સુંદરતા તો દૂરથી ય દ્રષ્ટિગોચર થતી હતી પણ નજીક પહોંચીને કુદરતે કંડારેલી ખીણોની ટોચ પર ઉભા રહ્યા ત્યારે મનમાં એવો ઉમળકો ઉઠયો કે ખીણમાં ઉતરીને ખાડા-ટેકરાઓના જુદા જુદા આકારો અને આકૃતિઓ વચ્ચે ફરતા ફરતા એમાં ખોવાઈ જઈએ. કેટલાંક લોકોને થોડે સુધી ઉતરતા પણ જોયા. અમે ઉભા હતા તે ગોળાકાર મેદાન જેવી ટોચફરતે કંડારેલી ઉબડખાબડ કેડીઓ પણ જોવા મળી. મેદાનની બરાબર વચ્ચે આસન જેવોગોળ મથાળાવાળો એક મોટો પથ્થર જોવા મળ્યો જેના પર ચઢીને ઉભવાનું કે બેસવાનું આસાન હતું. તે પરથી દેખાતી સૃ્ષ્ટિની સુંદરતા અલૌકિક મહેસૂસ થતી હતી. અમે બધાએ વારાફરથી તે પર ચઢી અમારી જાતને ફોટામાં મઢી આ સુંદર ક્ષણને અમર બનાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. થોડીવારમાં કૂદાકૂદ થતું મન દોડ્યું ઢાળ તરફ! અન્ય યાત્રીઓની પાછળ જવાનો મોહ જાગ્યો પણ નજીક જતાં હિંમત ઓસરી ગઈ. એટલા બધા ખાડા-ટેકરા વાળી કેડી હતી કેલપસીને પડ્યા તો સીધા ખીણમાં જ ! જો કે જે લોકોને પોતાના સંતુલન પર ભરોસો હતો તેઓ આ સાહસનો આનંદ માણતા હતા. કેટલાંક લોકો દૂરબીનથી દૂરના પર્વતોની ટોચો પર નજર ફેરવતા હતા અને ક્ષણિક નજીક હોવાનો સંતોષ લઈ દૂરબીનની સાથે જ એ ભ્રમને એકબાજુમૂકી વિશાળ આકાશ સાથે એકરૂપ થતા પર્વતો અને ખીણોને મંત્રમુગ્ધ થઈ નિહાળતા હતા. પ્રવાસીઓ ઘણા હતા પણ સૌ શાંત ચિત્તે કુદરત સાથે તાદાત્મય સાધવાના પ્રયત્નમાં હતાં.વાતચિત્તનો ગણગણાટ કે ટોળાંનો કોલાહલ ક્યાંય ન જણાયો.

બીજા મુલાકાતીઓ પાસેથી જાણ્યા મળ્યું કે હજુ બીજી કેટલીક જગ્યાઓ પણ અતિસુંદર છે.સરખામણીનો ખ્યાલ મારા મનમાંથી નીકળી ચૂક્યો હતો. દરેક સ્થળને તેની આગવી સુંદરતાહોય છે કુદરતના આ વિવિધ રૂપો અહીં માનવ સર્જિત ગંદકીથી દૂષિત ન થયા હોવાથી ખૂબપવિત્ર જણાય છે. સ્વચ્છતા માટેના ઊંચા ધોરણોએ અહીં અમેરીકાના પર્યટન સ્થળોને ખુબતાજગી બક્ષી છે.
ખીણો અને પર્વતો વચ્ચે ભમવા માટે ચઢવા-ઉતરવાની અમારી અક્ષમતાએ અમને હેલીકોપ્ટરરાઈડ લેવા પ્રેર્યા. ટિકિટ લેવા ગયા ત્યારે જણાયુ કે અમારા સમયના મેળમાં પ્લેનની રાઈડ જ શક્ય હતી. ફક્ત છ સીટના આ પ્લેનમાં અમે ચાર જણા દોઢ કલાકની રાઈડ લેવા તયાર થયા.આ સમય દરમ્યાન અમે ગ્રાન્ડ કેન્યનની દક્ષિણ હારમાળા પર ઉડવાના હતા. ૧૫૦૦ થી૩૦૦૦ ફૂટની શક્ય તેટલી નીચી ઊંચાઈએથી પ્લેનની કાચની બારીઓમાંથી અમારે સૌંદર્યનેમન ભરીને પીવાનું હતું. કુદરતની એક જગમશહૂર અજાયબી જોવા જવાનો અમારો ઉત્સાહ અનેરો હતો.

ધરતીના જે પટ પરથી અમે આ એરીયલ ટૂરમાં ઉડતા હતા તેના પાઈલોટની માહિતી સૂચક વાતોથી અમે એક પ્રકારનો ગૌરવપ્રદ આનંદ અનુભવતા હતા પરંતુ એથી ય વધુ આનંદ તો પર્વતો અને ખીણો પર પંખી માફક ઉડવાનો હતો. પાઈલોટે જ્યારે પ્લેનને ખીણોની ખુબનજીક લઈ ત્રાંસુ કર્યું ત્યારે તો રોમાંચની એક લહર કરંટ આપીને શરીરમાંથી પસાર થઈ ગઈ.સાંજ પડ્યે અમે પાછા ફર્યા ત્યારે હજુ અંધારૂ થવાને વાર હતી અમે ઉતર્યા હતા તે મોટેલ કે જે નજીકના વિલિયમ્સ નામના ગામમાં હતી એ દિશા તરફ ડ્રાઈવ શરૂ કર્યું. રસ્તામાં જોવાલાયક કંઈક હશે તો રોકાઈશું નહીતર આ સુંદર પહાડીઓ વચ્ચેની તાજી હવામાં ઝૂમતા, ગાતા,હસતા-હસાવતા સાથીઓ સાથેની સફરનો આનંદ તો હતો જ !

‘ઓક ક્રીક કેન્યન’ની સુંદરતા જોવાનું સદ્ભાગ્ય હશે તે અમે સાઈન-બોર્ડ વાંચીને અમારી કાર પાર્ક કરી. ઊતરીને જોયું તો કેટલીક રેંકડીઓમાં અહીંની કલા અને આભૂષણો વેચવાની બજારજેવું જણાયું. ફકત આંટો મારવા ખાતર આગળ ગયા તો પાછળના ભાગમાં રેલિંગ પકડી ઝૂકતા માણસો દેખાયા. થયુ કે કંઈક જોવા જેવું છે ખરૂં! અમે પણ રેલીંગ પકડી જરા ઝૂક્યા તોઅધધધ આશ્ચર્ય વચ્ચે પથ્થરના શીલ્પોની એક આખી નગરી જાણે ! અને એ ય ડુંગર કેરીખીણમાં ! મારી અંદરનું આતમ પંખી જાણે પાંખ ફફડાવીને એમાં ચકરાવો લેવાની ઈચ્છાજગાડવા તત્પર થઈ ઊઠયું અનેચંચળ મન ભયગ્રસ્ત શાંતી સાથે મુગ્ધ બની આ સૌંદર્યનું પાનકરવા લાગ્યું.


લગભગ દોઢ કલાક સુધી જુદા જુદા એંગલથી આ સૌંદર્યનું પાન કરીને સમયની પાંખો પરસવાર થઈ અમે વિલિયમ્સ પહોંચી રાત્રીવિહારે નીકળ્યા. ભોજન માટેની અનેકાનેકહોટલોમાંથી અમને માફક એવું સાદું ભોજન પતાવી અનેક હોટલો અને મોટેલોના નિયોન સાઈન બોર્ડ્સથી ઝળહળતા અમેરીકાના આ નાના ટૂરીસ્ટ ગામની રોશની નિહાળ્યા બાદસવારે વહેલા ઊઠવાના નિર્ણય સાથે ઘસઘસાટ ઊંઘ ખેંચી. ઉઠયા ત્યારે અહીંથી ગ્રાન્ડ કેન્યન સુધી પહાડીઓ વચ્ચેથી ટ્રેનની બે કલાકની રોમાંચક મુસાફરી વિષે જાણ થતા મન લલચાયું. પહાડોના શિખરોને ગઈકાલે પ્લેનમાંથી ખુબ નજીકથી જોયેલા પણ ટ્રેનનો સાઈડ એંગલજુદું જ સૌંદર્ય પ્રગટાવશે તે ખબર હોવા છતાં સમયના પાશથી બંધાયેલા અમે એ આનંદ જતો કરી કોલોરાડો રીવર ભણી કારને હંકારી.

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકાના ૩૫ લાખ માઈલમાં ફેલાયેલી અઢી લાખ નાની મોટીનદીઓમાં લંબાઈની દ્રષ્ટીએ કોલોરાડો છઠ્ઠા નંબરે ગણાય છે. ૧૪૫૦ માઈલ લાંબી આ નદી અમેરીકાના સાત રાજ્યો અને મેકસીકોના બે રાજ્યોમાંથી પસાર થાય છે. અમે ગ્રાન્ડ કેન્યનનીનજીકના પેજ (Page) ગામની ભાગોળેથી ઊછળતી અને આનંદની છોળો પસારતી આ નદીના અનન્ય રૂપનું દર્શન કરવાની ઉમેદ રાખી હતી. પરંતુ મારૂં અને નીલમનું મન અલગ અલગ દિશામાં સૌંદર્યની શોધમાં હતું. મારૂં ચિત્ત ગ્રાન્ડ કેન્યન અને નીલમનું કોલોરાડો રીવરમાં ઝબોળાલેતું હતું અને અમે બંને એકબીજાની ખુશીમાં અમારી ખુશીઓને દ્વીગુણીત કરતા હતાં એટલેઅમારા વિચારોની દિશા ઘડી આમ અને ઘડી તેમ ઝપાટાબંધ થતી હતી. ગમે તે બાજુ જઈએપૃથ્વીના સૌંદર્યનો એ હિસ્સો અમારા માટે નવો જ હતો અને કદાચ ફરી તક મળે ત્યારે ધરતીનાકોઈ બીજા પટ પર વિહરતા હોઈએ એ વિચારે અમે પ્રથમ તો વિશ્વના કુદરતી સાતઆશ્ચર્યમાંના એક એવા ગ્રાન્ડ કેન્યનની ધરતી પર લટાર મારવાનું નક્કી કર્યું.

શ્વાસ થંભી જાય તેવી ૨૭૭ માઈલ લાંબી અને ૧૮ માઈલ સુધીની પહોળાઈ ધરાવતી આખીણો વધુમાં વધુ એક માઈલ સુધી ઊંડી છે. પહાડીની ધારે ધારે અનેક જગ્યાએ ખીણમાંઝાંકીને આંખના દરેક ખૂણે તેના સૌંદર્યને ઠાંસીને ભરીએ તો ય છલકાતું જ રહે. દરેક સ્થળેઆકૃતિઓ કેલીડોસ્કોપની માફક બદલાઈને અલગ અલગ સૌંદયની ઝાંખી કરાવે પણ મનધરાય નહી. કુદરતે ઢોળેલો સૌંદયનો આ અમીરસ પીવા આંખો બાવરી બનીને નૃત્ય કરે અનેપગ થંભી જાય. જ્યાં પગ ચાલવા લાગે ત્યાં આંખો એકીટસે જોયા કરે. અંતે પગ વહેલા થાક્યા.પીમા, પોવેલ, મોહેવ, મેરીકોપા વિગેરે જુદા જુદા નામ ધરાવતા પોઈન્ટ ઉપરથી નીચે નજરકરતાં મસ્તક તો ઝૂકી જ ગયુ હોય પણ હ્રદય પણ ઝૂકી જાય થાય કે આવી સુંદર જગ્યામૂકીને મનુષ્યે બનાવેલી મંદિરની પાષાણ પ્રતિમામાં પૂરાઈ રહેવા ઈશ્વર શા માટે જાય? નિરાશાથી ઘેરાયેલા લોકોને મુક્તિના અહેસાસના થોડા શ્વાસ સાથે સાચી આશા બંધાય એવી જગ્યા તો અહીં કુદરતને ખોળે ખૂલ્લી પડી છે તેને મૂકીને નૈવેદ માંગતા બંધ બારણાના મનુષ્યરચિત ભગવાનને ભજવાથી જુઠી આશા જ બંધાય એટલું જેને ન સમજાય તે સમાજ મંદિરનાઓટલે બેસી દુઃખી જ રહેવાનો. એ ઓટલો છોડવાથી દુઃખ વધશે એમ ઠસાવનાર પૂજારીઓનું દુઃખ આવા ધર્માંધ લોકો ત્યાંથી ખસે તો જરૂર વધે!

હવાની લહેરખીઓ જેવા આવા કેટલાંય વિચારોને ખંખેરી કુદરતના સાનિધ્યનો આવો અમૂલ્યઅવસર આનંદથી રોમાંચિત કરી દરેક યાત્રીને તરબતર કરી દેતો હશે નહિતર દર વર્ષે વિશ્વભરમાંથી પચાસ લાખ લોકો આ ભૂમિના દર્શને શા માટે આવે ? અને તે ય ફક્ત ખૂલ્લાઆકાશ અને કોતરાયેલી ધરતીના રૂપને જ નિહાળવા?

બહુ પ્રખ્યાત એવા મેધર પોઈન્ટ અને ડેઝર્ટ વ્યુ પોઈન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળવા લોકોને બસટૂર માટેની લાઈનમાં ઉભેલા જોયા એટલે અમારૂં મન પણ લોભાયું. તપાસ કરતા ખબર પડી કે ત્યાં ઉપર સુધી જવા માટે ઘણું ચાલવું પડે તેમ છે અને અમે થાક્યા હતા આથી પેજ ગામ પ્રતિ કારને હંકારી મૂકી.

ત્રણ કલાકે ત્યાં પહોંચ્યા ત્યારે પગને પૂરતો આરામ મળી ચૂક્યો હતો પણ સાંજ ઢળી ચૂકી હોવાથી છેલ્લી ફેરી પણ નીકળી ચૂકી હતી આથી ધસમસતો પ્રવાહ જોવાનું શક્ય ન બન્યું પરંતુ નદીનો શાંત અને ખૂલ્લો પટ અમારા જેવા રડ્યાખડ્યા મુસાફરોને આવકારતો બંને બાજુ વિશાળજળરાશિ ફેલાવીને ઉન્ન્ત મસ્તકે અડીખમ ઉભેલી પહાડીઓની ઓથે ઓથે વહેતો હતો. પગબોળીને આ જળરાશિના ચરણસ્પર્શ તો લ્હાવો લઈ અમે ત્યાંના કેટલાંક લોકો પાસેથી એક પુલવિષે જાણ્યું. પુલ તો ઘણો નાનો હતો પણ ચાલવા માટે ઘણો મોટો જણાયો. વાહનોની અવરજવર જરા પણ ન હતી. સાંજ ઢળી ગઈ હોવાથી બહુ ઓછા યાત્રિકો જોવા મળ્યા.

ખળખળ વહેતી સરીતાના પુલ પર શાંત કુદરતને ખોળે સંધ્યાનો ગુલાબી રંગ જોઈ અમે ચારેય એટલા ઉત્સાહમાં આવી ગયા હતા કે અમે રાસ રમવા લાગ્યા. આનંદનો આવિષ્કાર અમને નૃત્ય-ગાન તરફ લઈ ગયો. તાલ-સૂર વગરના ગરબા-ગાન સંગે કુદરતના મેઘધનુ્ષી રંગોએઆકાશમાં દેખા દઈ અમને વધુ આનંદમાં ઝબોળ્યા. અંધારાના ઓળા ઉતર્યા ત્યાં સુધી પર્વતના ખોળે રમતા કોલોરાડો નદીના આ ઝરણને શરણ અમે રહ્યા પછી કારને ઘર તરફ હંકારી.અડધી રાતલડીએ ઘરે પહોંચ્યા પછી પણ મન તો હજુ ગ્રાન્ડ કેન્યન અને કોલોરાડો રીવરવચ્ચે હિલોળા લેતુ હતું.

અમૃતના ઓડકાર ન હોય પણ આ તો ફક્ત આચમની હતી. ઘૂંટ પીવા ફરી ત્યાં જવું જ રહ્યું.એક અઠવાડિયું પણ ઓછુ પડે તે સ્થળેથી સમયની પાબંદીને કારણે અમે બે દિવસમાં જ દોડી આવ્યા હતાં. સૅડોનાના લાલ રંગના રેતના પથ્થરોને ફરી મળવાના વાયદા સાથે હુંસ્વપ્નોની દુનિયામાં સરી પડી.

એકાદ વર્ષ પછી માર્ચ ૨૦૧૭માં ફરી તક મળી ત્યારે ગાઈડ સાથેની જીપ ટૂરમાં સીટ બુક કરી.છ સીટની જીપમાં પાંચ સહેલીઓના એક ગ્રુપ સાથે મને એક સીટ આપવામાં આવી. મારા અન્ય કુંટુંબીજનો આ સાહસમાં ન જોડાયા કારણ કે સાથે દોઢ વર્ષનો મારો પૌત્ર હતો અને સતત આવતા ચઢાવ-ઉતરાવ દરમ્યાન જીપ ઉછળ્યા કરે તેની તૈયારી રાખવી પડે. બહુ નાનાબાળકો કે બહુ મોટા વૃદ્ધોની તબિયત પર અસર થાય તે જોખમ આ રણપ્રદેશની ગરમ હવાનેકારણે ખુલ્લી જીપમાં વધી જાય તેમ હતું. આ થ્રીલીંગ અનુભવ માટે મારે પણ નાજુક તબિયતને કારણે થોડો વિચાર કરવો પડ્યો પણ છેવટે યાહોમ કરીને પાણીની બોટલ ભૂલ્યા વગરઆગળી હરોળમાં ફ્રન્ટ વ્યુનો ખાસ લાભ લેવા બેસી ગઈ. કોતરો વચ્ચે દોઢ કલાકની આ આલ્હાદ્ક ટ્રીપ ડ્રાઈવરને કારણે વધુ માહિતીપ્રદ અને આનંદદાયક બની રહી.

ડ્રાઈવર એક કોલેજ સ્ટુડન્ટ હતો અને જીપ તદ્દન નવી હોવાથી કુશળ ડ્રાઈવર તરીકે તેને સોંપવામાં આવી હતી. બીજા સાથીઓમાં જે પાંચ યુવાન સ્ત્રીઓ હતી તે ઘણી મળતાવડી હતી.આમે ય અમેરીકન લોકો આપણી ભારતીય પ્રજાની સરખામણીએ મળતાવડા જણાય. શરૂઆતમાં જ તેમણે મને મારૂં નામ પૂછયુ અને તેમના જણાવ્યા જે ડેનીસ,પેગી, જેનીસ, સારાહ અને કૉની હતા! તેઓએ મને ફક્ત ગ્રુપ ફોટામાં જ નહી પણ વાતોમાં પણ સામેલ કરી.અજાણ્યાનો કે પરદેશીઓનો સ્વીકાર આપણા સમાજમાં આટલો જલ્દી થતો મને જોવા મળ્યો નથી. પરદેશીઓનો વધારે પડતો ભરોસો કરવાથી જ ટેરેરીસ્ટ લોકોને મોકળું મેદાન મળી રહે છે તેવી કેટલાંક લોકોની માન્યતા અને તે કારણે તોછડા વર્તનના અનુભવોના પ્રમાણમાં સ્વીકારની માત્રા મને ઘણી વધારે જોવા મળી છે. જો કે સામે આપણા હ્રદયમાં પણ આ દેશના લોકો અને સંસ્કૃતિના સ્વીકારની ભાવના હોવી ઘટે તો જ એમના ગુણો તમે જોઈ શકો. અહીંની પ્રજાને ‘ધોળીયા’ અને ‘કાળીયા’ કહી પીઠ પાછળના તુચ્છકારથી જોનારા આપણા ગુજરાતી સમાજમાં પણ ઘણા જોવા મળે.

દૂર દૂર દેખાતી ૨૦૦ માઈલ લાંબી મોગોલોન સીમારેખા લાલ રેતીના ખડકોને કારણે સ્પષ્ટ ચિત્રખડું કરતી હતી. વચ્ચેની અનેકાનેક ખીણો કોકોનીનો નામના જંગલમાં જ્યાં અમારી જીપ ફરતીહતી ત્યાંથી જે દ્રષ્ય સર્જતી હતી તેને શબ્દોમાં મૂકવું અઘરૂં છે કેમેરામાં તેને મઢવા માટે એકજગ્યાએ ડ્રાઈવરે જીપ ઊભી રાખી. અહીં ખાસ લગ્નનો ઉત્સવ ઉજવવા પણ લોકો આવે છેતે જાણીને આશ્ચર્ય થયું પણ તે માટેની ખાસ વ્યવસ્થા જાણ્યા પછી થયું કે ઈશ્વરીય તત્વનીહાજરી અને લગ્ન માટેના પવિત્ર ભાવ થકી આ સ્થળને પસંદ કરનારને કદાચ લગ્ન કરાવવામાટે પાદરીની જરૂર પણ નહી પડતી હોય. એવા લગ્નોસ્તવની અહીં નવાઈ નથી જ્યાંની લગ્નના મંડપ નીચે કુદરતી સૌંદર્યનો ધૂમટો તાણી ઉભેલી ધરતીના પાશમાં માનવસમૂહથી દૂર બે હૈયા પ્રેમ અને વિશ્વાસની દોરીથી બંધાય છે. કાનૂની કાર્યવાહીની તેમને બાળકોના જન્મ પછીય જરૂર જણાતી નથી. મેડિકલ લેબમાં મારી સાથે પૂર્વે કામ કરતી આવી એક સ્ત્રી સાથે વાત કરતા મને જાણવા મળ્યુ હતું કે કાયદામાં ભરણપોષણ અને પૈસાની વાત મુખ્ય થઈ જાય અને તેથી સ્વૈચ્છીક સંબંધ વણસી જઈ ફરજના ભારથી લાગણીઓને કચડે નહી તે માટે અમને કાયદાથી મુકત રહી પ્રેમને પોષવામાં વધારે સલામતિ જણાય છે.

પ્રેમ અને મુક્તિને આધ્યાત્મિકતા સાથે સીધો સંબંધ છે. અહીંની બીજી એક જગ્યાએ આવી અનુભૂતિની ઝલક અને ખાસ તન-મનની તંદુરસ્તી માટે કુદરતી શક્તિના વમળો વચ્ચે લઈજતી વોર્ટેક્ષ ટૂર માટે તળેટી સુધીની જીપયાત્રા પણ ઉપલબ્ધ હતી પણ સાંજ ઢળી ગઈ હતી આથી ફરી આવવાના વિચાર સાથે ‘Touch the earth vortex tour’ વિષે માહિતી મેળવી અમે ઘર તરફ પાછા ફર્યાં.

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

2 Responses to ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં

  1. jugalkishor કહે છે:

    આવાં સ્થળોએ આંખની જેમ જ કર્ણેન્દ્રીય, ઘ્રાણેન્દ્રીય અને સ્પર્શ દ્વારા પણ સૌંદર્યાનુભવ થતો હોય છે. તમને સૌને એ ઉભવ થયો હશે જ. ક્યારેક એનેય અહીં મૂકશો તો ઑર મજા આવશે……બાકી આ આખું વર્ણન તરબતર કરી દેનારું જ છે. ઈર્ષ્યાભાવ સહિત અભિનંદન !!

  2. meenadesai62 કહે છે:

    Thank you so much it’s very nice 👍.

    Sent from my iPhone

    >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.