અસ્મિતાપર્વ-૨૦૧૮ ના કાર્યક્રમોમાંથી મારી પ્રિય મિત્ર નિલમ દોશીની સંક્ષિપ્ત કથાઓની વિડિયો ક્લીપ જોઈ-સાંભળી તેનો પ્રતિભાવ અહીં લખવાની પ્રેરણા થઈ.
માઈક્રોફિકશન વાર્તાઓએ હમણાંથી ગુજરાતીમાં ઘણી પ્રગતિ કરી હોવાની મને નિલમ દ્વારા જ જાણ થઈ છે. થોડા શબ્દોમાં ઘણું કહેવાનું કે સાંભળવાનું કે વાંચવાનું મારી માફક ઘણાને ગમતું હશે તેથી આ પ્રગતિ જારી રહેશે એમ માનું છું
નીલમે કરેલા પઠનની વિડિયો ક્લીપ અહીં મૂકીને તેની વાત કરતા પહેલાં હું એક વાત એ કહેવા માંગુ છું કે માઈક્રોફિક્શન અને ડાયાસ્પોરા જેવા વિદેશો શબ્દોને સ્થાને ગુજરાતી શબ્દ શોધવાનો અઘરો છે પણ વ્યાખ્યા કરવી કદાચ સરળ છે. કલાના વિદેશી પ્રકારોનો આપણા સાહિત્ય સાથે સમન્વય થાય તે એક આવકારદાયક પગલું છે.
અહીં હું નીલમની ફક્ત એક જ વાર્તા વિષે લખવા માંગુ છું અને તે માઈક્રોફિકશન વાર્તા છે. માઈક્રોફિકશન ની મારી વ્યાખ્યા પ્રમાણે એક વાક્યની વાર્તા તે માઈક્રોફિકશન. વાકયની લંબાઈ નાની મોટી હોઈ શકે. આ વાક્યને શબ્દ મર્યાદામાં બાંધ્યા વગર જેટલું ચોટદાર કરી શકાય તેટલી વાર્તા અસરકારક. આ વાક્ય વાંચતા જ વાર્તાના એક પછી એક દ્રશ્યો માનસપટ ઉભરાવા લાગે તેની સફળતા!
માઈક્રો એટલે સૂક્ષ્મ અને ફિક્શન એટલે કાલ્પનિક આ બંને વાત સાથે જોડાઈને જીવનના કોઈ અદીઠ સત્યને ભાવપ્રદેશ સાથે જોડી શકે ત્યારે વાર્તા અસરકારક બની શકે. એક વાક્યની આવી જ એક સ્વરચિત લઘુતમકથા નિલમ દોશીએ કહી સંભળાવી જે ઘણી વિચારપ્રેરક છે.
“કોલેજમાં એકમેક સામે કતરાતી ચાર આંખો આજે વૃધ્ધાશ્રમમાં ભેટી પડી”
૧૦ શબ્દોના બનેલ આ એક વાક્યની લઘુ(તમ)કથા પર અનેક પ્રકરણો લખી શકાય. દરેક શબ્દનું એક વિશ્વ રચી શકાય અને એ વિશ્વમાં અનેક વાર્તાઓ સમાય શકે તે તેની ખૂબી છે.
વાક્યનો પ્રથમ શબ્દ ‘કોલેજમાં’ એટલે કે ‘યુવાનીમાં’ અને યૌવન જ્યારે પાંખ વિંઝતું હોય ત્યારે અસીમ આકાશની અનંત શક્યતાઓનું મુંઝવણભર્યુ વિસ્મય જ્યારે પંથ નક્કી કરવા પ્રેરે પણ દશા અને દિશાની પૂરી ખબર ન હોય ત્યારે ‘એકમેક’ ના સાથની તો શી વાત? વળી તે પછીનો શબ્દ ‘સામે’ સૂચવે છે કે દિશા સ્પષ્ટ ન હોવા છતાં બિલકુલ અલગ તો છે જ. કતરાવાની વાત અહીંથી જ તો શરુ થાય છે. ‘ચાર’ શબ્દમાં બે વ્યક્તિનું સૂચન છે. આ બે વ્યક્તિ સ્ત્રી અને પુરુષ છે એવી કોઈ સ્પષ્ટતા અહીં નથી. તે એની ખૂબી કહી શકાય. બે પુરૂષો કે બે સ્ત્રીઓ પણ હોઈ શકે. વાર્તાઓ ઉપાડ અલગ અલગ ત્રણ રીતે થવાની શક્યતાએ મધ્યાંતરને રહસ્યમય ભૂમિકા પર મૂકી જાણ્યું એટલું જ નહી પણ આંખો જ્યારે કતરાતી હોય ત્યારે એમાં મૈત્રીનો ભાવ તો નથી એ સ્પષ્ટ છે. બે અલગ જૂથના બે નેતાઓ પણ હોઈ શકે અને આવનારા દિવસોમાં થનારી લડાઈના અંકુર પણ તેમાંથી ફૂટી શકે. બે સ્ત્રીઓની કતરાતી આંખો ઈર્ષ્યાની જ્વાળાઓને પ્રગટાવી શકે. લડાઈ ઘરની હોય કે બહારની, લડાઈની શરૂઆતના આ એંધાણ મનુષ્યના અહમમાંથી પ્રગટે છે અને આ અહમ સમન્વય અને મૈત્રીને બદલે વિરોધ અને અસ્વીકાર તરફ લઈ જઈ વિષમતા સર્જે છે જે કતરાતી આંખોમાંથી વહે છે. આપણી આસપાસના જગતમાં આ વિષય પર અનેક વાર્તાઓ આપણે સાંભળી હોય તેમાંની કેટલીક એકબીજા સાથે વણાઈને આપણા માનસ પટ એક નવી જ વાર્તા રચે છે જેનો મનભાવન અંત આ એકવાક્યની વાર્તા સાથે જોડાઈ જઈને આપણને રસપાનનો આનંદ બક્ષે છે.
રસપાનનો આ આનંદ સૌથી વધારે વિજાતિય પ્રેમની વાર્તાઓમાંથી લૂંટાતો જોવા મળતો હોઈ સહજ ને સામાન્ય રીતે આ વાર્તા એક યુવક અને યુવતિની હોવાની કલ્પના જન્મે. જેમનો અહમ એકબીજા સામે આંખ મેળવી શકતો નથી અને કતરાયા કરે પરંતુ અંતરમાં ઊંડે પ્રેમની સરવાણી તો છે જ જે અન્યોન્યને એટલે કે વિજાતિય સાથને ઝંખે છે એ ઝંખના સુષુપ્ત છે. પ્રેમના અંકુર એમાં ફૂટે તે પહેલાં તો સમયની વહેતી સરવાણીમાં સ્થળ અને સંજોગો બદલાય છે અને બંને પાત્રો વિખૂટા પડી જાય. પ્રેમના વ્હેણ પણ અલગ દિશામાં વળી જાય અને જીવનની અનેક કસોટીઓમાંથી પસાર થતા થતા સમયનું મૂલ્ય સમજાય અને મધૂર પળોની ગુમાવેલી તકોનો ક્યારેક અફસોસ પણ થાય. ભવિષ્યની આશા અને યોજનાઓમાં ખોવાઈ જવાની સાથે જૂની યાદો પણ પીંછાને જેમ ખરતી જાય. અલગ અલગ પાત્રના અલગ અલગ પ્રસંગો અને ઘટનાઓ પાછળનું સત્ય તો એકસમાન જ રહે છે. ઘડપણ છાંયડો શોધવા નીકળી પડે અને વૃદ્ધાશ્રમના આંગણે આવીને ઊભુ રહે ત્યારે અતિતની કેટલીય ભૂલો સ્વર્ગથી ઉતરેલા પશ્ચાતાપના વિપુલ ઝરણામાં ડૂબકી મારે છે ત્યારે પ્રેમની ઝંખના તીવ્ર થતી જાય છે અને ઓગળેલો અહમ નેહ તરફ ગતિ આરંભે છે. વિરોધો શમતા જાય છે તે સમયે સમભાવી કોઈ સાથે મળી જાય તો આંખો ભેટીને હસી પડે કે સુખના આંસુથી કદાય છલકાય પણ પડે. ભૂતકાળની પળ સાથે વર્તમાનની પળ જોડાઈને સમયે રચેલા અંતરને ઓગાળી પ્રેમ અને આનંદ થકી જીવનના સુખદ અંતની આશા જન્માવે ત્યારે વૃદ્ધાવસ્થાના સંભવિત દુઃખદ અંતની નિરાશાઓ ઘડીભર માટે તો ખુબ દૂર ધકેલાય જાય. કદાચ કાયમ માટે પણ! અને આ સમયે લિંગભેદનું ભાન પણ ઓસરતુ જતું હોવાથી પાત્રો સજાતિય હોય કે વિજાતિય પણ આનંદની માત્રા સમાન રહે છે. કેટકેટલા જીવન અને કેટકેટલા પાત્રોની કંઈ કેટલીય વાર્તાઓ મનના ચિત્રપટ પર ઉપસાવી શકવાની ક્ષમતા ધરાવતી નીલમ દોશીની લખેલી આ માઈક્રોફિકશન વાર્તા મનને ખુબ ભાવી ગઈ. પ્રેમની સુવાહક એવી આંખોમાં અમી ઉભરાવા લાગે અને જીવનની ગતિ સમાપ્તિ તરફ વહેતી હોય ત્યારે જગતમાંથી શું લઈ જવાનું છે તે વિચાર અર્થહીન છે પણ શું આપીને જઈ શકાય તેવા વિચારોની પ્રેરણા આવી ઉતમ વાર્તાઓમાંથી મળી શકે. મિત્ર નીલમને ધન્યવાદ !
nice article
http://www.kadakmithi.com
વાહ ખૂબ સરસ
નીલનબહેનની સર્જકતાને સલામ.
———————-
ગુજરાતી શબ્દ શોધવાનો અઘરો છે
માઈક્રો ફિકશન ને મેં નામ આપ્યું હતું ….. ‘ટચુકડી વાર્તા’
મારા બ્લોગ પર છેક ૨૦૦૮ – ૯ માં એનો પ્રયોગ કર્યો હતો.
એક સેમ્પલ,,,,
https://gadyasoor.wordpress.com/2009/11/13/mop/
Thanks a lot Rekha.
You have nicely expressed.
Well done.
😊