અક્ષયપાત્ર

રેખા સિંધલ

ભીની સવાર

ખુલ્લુ આ મન અને ખુલ્લુ આકાશ છે.

મંઝીલ બહુ દૂર પણ મિલનની આશ છે

ઉડતા પંખીની પાંખે ઉડે મારું મન

તારી અટારીએ થોભી ટહૂકે પ્રસન્ન

વાદળોની સંગે રમે બુંદ બુંદ થઈ

તારે આંગણીયે વરસે ઓઢીને પવન

વીજળીને તેજે ઝબકે નેણ ને નયન

ઝળહળતું મન કે તારું આ ભવન ?

ટોડલે બેઠું છે તારે આખુ યે ગગન

સૂયદીપ પ્રગટે ઝૂમે લીલેરું વન

January 30, 2010 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 6 Comments

સ્વપ્નલીલા

મા ગુર્જરીને ખોળે અરબી સમુદ્રના તરંગો  મધ્યે

સ્વપ્નોની દુનિયામાં રમતી હું ખોવાતી

વાદળોથી ઘેરાયેલા અવકાશી યાન થકી છૂટતા

સ્વપ્નોની સેરમાં સરતી હું પથરાતી

એટલાંટિકને કિનારે થીજેલા બરફના ઢગ વચ્ચે

 બોસ્ટનની ધરતી પર ધ્રુજતી હું થરથરતી

ફૂટતા ફટાકડાં બંધ લોચન મધ્યે દિવડાંની હાર

હોળી-દિવાળીના રંગો ખેલતી હું રંગાતી

શ્વેત-શ્યામ ચહેરાઓ ને લાલ –લીલી નાતાલના

  પ્રકાશતાં તારલાં જોઈ અંજાતી હું મલકાતી

ઈશુ વગાડતાં વાંસળી ને કૃષ્ણની છાતીમાં ખીલા

રામ રમ્યા સીતાના સ્વપ્ને રોતી હું વલોવાતી

મા-ભોમની ધરતી બની સ્વપ્ન અને સ્વપ્નના

દેશમાં પારકી થઈ વીંધાતી હું પરોવાતી

(અહીં પંકતિના ક્રમમાં તમે જોઈ શકશો કે પ્રથમ પંકતિમાં દેશની ધરતી છોડ્યા પહેલાંની વાત છે જેમાં (પરદેશના) સ્વપ્નના તરંગો છે. બીજી પંકતિમાં દેશ છોડી પરદેશ આવતી વખતે છૂટતી દુનિયાની હળવી વેદના છે. ત્રીજી પંક્તિમાં પરદેશમાં સ્થિર થવાની મથામણ છે. ચોથી પંક્તિમાં પરદેશની દુનિયાની હકિકત અને સ્વપ્નના મિશ્ર રંગોથી રંગાયેલા મનની વાત છે. આ પંકતિમાં અહીં 4થી જુલાઈના ફૂટતા ફટાકડાં સાથે મન દિવાળી સાથે જોડાય જાય છે અને બંધ લોચન મધ્યે શબ્દ થકી સ્વપ્ન અને હકિકત જોડાય છે.પછીની પંકતિમાં અહીંની દુનિયાની ચમકમાં આનંદ મેળવવાની કોશિષ છે. પણ આખરે અંદરની વેદના ઉર્ધ્વગામી બની ઈશુ અને કૃષ્ણને એકાકાર કરે છે પણ તો ય સંસ્કૃતિ વિલાય છે તે સાચવવા માટે જરૂરી એવી ત્યાગની ભાવના સ્ત્રીઓમાં નથી રહેતી અને સ્વેચ્છાથી પરદેશમાં પરોવાયા છતાં પારકાપણુ તો રહે જ છે અને અહીંના સીટીઝન થવા છતાં ભિન્નતા તો રહે જ છે.)

December 18, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 13 Comments

વનરાવનમાં

ગાયો ચરાવતી એક વાંસળી મધૂરી

વાંસળીને સૂરે રાધા ચાલી ઉતાવળી,

રોંઢો થયો ને વેણુ વાગે રે ધીરી

ભાત લઈ ચાલી રાધા બહાવરી

યમુનાના નીરની ભરી રે ગાગરી

વગડાની વાટે રણકે મીઠી ઝાંઝરી

ક્યારે ખોલુ ગાંઠ ઓઢણીની મારી?

ક્યારે જમાડું મારા ભુવનના સ્વામી?

હરખાતી હૈયે જોઈ સૂરત મનમોહિની 

ગાયો ચરાવતો મીઠી વેણુ વગાડી

મેલોને શ્યામ હવે વ્હાલી આ વાંસળી

તૃપ્તી આપોને પ્યારા ભોજન આરોગી

સુણોને ઘનશ્યામ હવે વિનંતી મારી

વાંસળી મેલોને લો પ્રસાદી વનમાળી

November 16, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 4 Comments

પ્રતિક્ષા

યુગો વીત્યા જે ક્ષણની પ્રતિક્ષામાં

તે જરા ઝબકી, વણથંભી ગઈ હસતી,

મૂકીને હાસ્ય એનું, આયનામાં ચોતરફ,

હવે આયનો જોઈને હું હસુ છું ત્યારે,

લોકો કહે, તપશ્ચર્યા ગઈ એળે એથી

મળ્યુ ના જોઈતું મને તેથી

જાતને નીરખી હસ્યા કરતી

પાગલ થઈ ગઈ છું હું સદાને માટે !

September 29, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 6 Comments

દોસ્તી

તારી સંગે ચંગે રહી હું મસ્ત રંગે રંગાયો

           દોસ્ત તુજ વિણ જીવન પથ આકરો

સાંભરે આજ બાળપણ દૂર પંથ મિલનનો

          પળો અમૂલ્ય સરતી ઝંખે સાથ તારો

પ્રિયાની ગોષ્ઠીમાં તુજ વખાણ અતિ મિત્ર

              તું ઊંચે આસન,  હું તુજ બિન બાવરો

દોડંદોડી જીવનની મન તને મળે દિનરાત

           ક્યાં ઘડી નિરાંતની કદીક ઊઠે પુકારો

સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ

             લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો

September 23, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 6 Comments

પાનખર

અંગ અંગમાં લઈને ભીનાશ

         ઊડયું એક તાજુ પાન

ડાળી છૂટ્યાનો લીલો અહેસાસ

         દૂર થયાં પંખીના ગાન

વહેતાં વાયરામાં ફરફરતું જતું

         સૂર્યના તેજ પરે ધ્યાન

તરતી આશ ઉડે બાષ્પ થઈ

         ધરતી પર ઢળે સભાન

અર્પણ કાયા થઈ વૃક્ષને ચરણ

          ફૂટવાનું ફરી થઈ અંતર્ધાન.

September 22, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 5 Comments

તારા વગર

તારા વગરનો દિવસ

એટલે

સૂરજ વગરનો દિવસ,

       દિલનો તું જ એક પ્રકાશ !

 

તારા વગરની રાત

એટલે

ચંદ્ર  વગરની  રાત,

       અમાસનો તું જ એક અજવાસ !

 

તારા વગરની સવાર

એટલે

ઝાકળ વગરની સવાર,

         પુષ્પની તું  જ  એક  સુવાસ !

 

તારા વગરની સાંજ

એટલે

રંગો  વગરની  સાંજ,

         ક્ષિતિજની તું જ એક ભિનાશ !

 

તારા વગરનો પંથ

એટલે

પ્રાણ વગરનો પંથ

          પથિક હું,  તું જ એક પ્રવાસ !

 

સાથી, ચાલ ભમીએ સાથ

           મારો તું  જ  એક આવાસ !

September 17, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 7 Comments

અધૂરી પ્રીત

વ્હાલમની પ્રીત અધૂરી સખી

પૂરી થઈ ગઈ રાત

રાતની વાત ન પૂછજે સખી

ઉજળી થઈ ગઈ સવાર

સાત પગલાં આકાશમાં સખી

પાંચ પૃથ્વી પરે સાથ

સ્પર્શથી રણઝણ્યા તાર સખી

ટેરવે ફુટ્યા તેજ અપરંપાર

આંખોમાં દરિયો ઘૂઘવે સખી

રેતીના પટ આરપાર

વ્હાલમની પ્રીત અધૂરી સખી

પૂરી થઈ ગઈ રાત

September 11, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 12 Comments

આગમન

પગલે પગલે તારે સાજન મોતીડા વેરાવુ ….(2)

 

ઊભી રે વાટે તારા આગમનના ઢભૂકે ઢોલ

                         કંકુ ને અક્ષત સાથે ફૂલડે વધાવું….

                                  પગલે પગલે તારે સાજન……

આંખો પીવે છે તારા ચરણોના રૂપ પ્યારા

                         નૃત્યના તાલે મારું તનડું ડોલાવુ….

                                     પગલે પગલે તારે સાજન…….

રાજ મહેલ સમ સોહે આજ ઝૂંપડી મારી,

                           રૂપાના બાજોઠે બેસણા કરાવું ……

                                     પગલે પગલે તારે સાજન……..

પાલવનો વિંઝણો ને હૈયાનો ઝૂલો શીતળ

                          શિરે તારે સુંગધી જલધારા વરસાવું……..

                                       પગલે પગલે તારે સાજન……..

September 11, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 2 Comments

ઘરની પછીતે

ઘરની પછીતે કંઈ ચેતન ફરક્યુ

ને દિવાલના ઊંચા થયા છે કાન !

હણહણતી હવા ને ધસમસતો વેગ

હૈયામાં ફફડાટ અને તુટ્યુ છે ધ્યાન !

નજરું થાકી ને નેણ નમ્યા છે નીચા

અટવાતુ પગમાં થઈ દોડતુ વેરાન !

છુપાઈને છેતરતુ કોઈ સૂની આ ડેલીએ

સાંકળ વાસુ તો ય ભુલાવે ભાન !

September 8, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 3 Comments